ગુન્દા કેરી નું ખાટુ અથાણું બનાવવાની રીત અને સામગ્રી…

0
264

ગુન્દા કેરી નું ખાટુ અથાણું બનાવવાની રીત અને સામગ્રી…
૧ કિલો તાજા અને લીલાછમ ગુન્દા.
૧ કિલો રાજાપુરી કાચી અને કડક કેરી.
૨૫૦ ગ્રામ મેથી ના કૂરીયા.
૧૫૦ ગ્રામ રાઈ ના કૂરીયા.
દોઢ ચમચો હિંગ.
૪ ચમચા હળદર.
૨૦૦ ગ્રામ કાશ્મીરી લાલ મરચું પાવડર.
૧૫૦ ગ્રામ રેગ્યુલર લાલ મરચું પાવડર.
૪ થી ૫ ચમચા નમક (મિઠુ) અથવા ઘરમાં પસંદ હોય તે પ્રમાણે વધુ અથવા ઓછું કરી શકાય.
૭૫૦ ગ્રામ શીંગ તેલ અથવા સરસિયાનું તેલ.(છેલ્લે તૈયાર અથાણાં ની ઉપર નાખવા માટે)
૨૫૦ ગ્રામ શીંગ તેલ અથવા સરસિયાનું તેલ (કૂરીયા ના વઘાર માટે)…

અથાણું બનાવવાની રીત…
ગુન્દા અને કેરી ને બરાબર ધોઈ ને સાફ કરી લો. ગુન્દા ને ડાળખી ના ભાગે થી તોડી લો. (નાકા ના ભાગે થી) અને ટોપકું પણ થોડું છરી વડે કાપી લો. કેરી ની છાલ ઉતારી મનપસંદ સાઇઝ મા ટુકડા કરી લો. ગોટલી અને તેની આસપાસ નો કઠણ ભાગ પણ કાઢી નાંખો….
… હવે એક વાસણમાં રાઈ ના કૂરીયા ગોળાકાર મા રાખો. વચ્ચે થોડી જગ્યા કરી મેથી ના કૂરીયા ઉમેરો. વચ્ચે ફરી થોડી જગ્યા કરી હળદર અને હિંગ એડ કરો. હવે ૨૫૦ ગ્રામ તેલ ગરમ કરી,(રાઇના કૂરીયા ના ૪-૫ દાણા નાખતા જો તરત તતડી નેં ઉપર આવે એટલુ તેલ ગરમ કરવું) તેલ નવશેકું થાય એટલે કૂરીયા ની વચોવચ હિંગ અને હળદર ની ઉપર તેમજ થોડુ બધે ફરતુ તેલ રેડી,૨ મિનિટ માટે ઢાંકીને રહેવા દો. હવે બધુ બરાબર સરસ રીતે મિક્સ કરી લો અને રૂમ ટેમ્પરેચર પર ન આવે ત્યાં સુધી હલાવતા રહો. ઠંડુ થય ગયા પછી કાશ્મીરી લાલ મરચું પાવડર, રેગ્યુલર લાલ મરચું પાવડર, મીઠું (નમક) ઉમેરી સરખી રીતે બધુ બરાબર હલાવી મિક્સ કરી લો….
… હવે થોડી ઝંઝટ માથી પસાર થવું પડશે…ગુન્દા ના ઠળીયા કાઢવા માટે. પણ થોડી ધીરજ અને સાવચેતી રાખવાથી ઝંઝટમાંથી છુટકારો મેળવી શકાય છે. ગુન્દા ને નાકા ના ભાગે થી અંગુઠા અને પહેલી આંગળી વડે પકડી, સાફ જગ્યા પર રાખી, નાના દસ્તા વડે અથવા લસણ વાટવા ના ગોળ પથ્થર વડે ગુન્દા પર હલકો પ્રહાર કરી ગુન્દા મા તિરાડ પાડી દેવાની. પછી છરી અથવા ચમચીની ધાર પર થોડુ નમક લગાવી ઠળિયો બહાર કાઢી લેવો. એમાં ચિકાશ થોડી વધારે હોય છે એટલે જરા શાંતિ અને સાવચેતી રાખવી.થોડી માથાકૂટ લાગે પણ ૬-૮ મહિના સુધી ચટાકેદાર અથાણાં ની લીજ્જત યાદ કરશો તો માથાકૂટ નહીં લાગે..
…. હવે તૈયાર કરેલો મસાલો ગુન્દા ને અંગુઠા અને પહેલી આંગળી વડે પકડી થોડું દબાણ આપીને ગુન્દા નુ મોઢું થોડું પહોળું કરી મસાલો ઠાંસી ઠાંસીને ભરી દો. (જે રીતે ભરેલા ભીંડાના શાક માટે મસાલો ભરીએ છીએ એ રીતે)….
… હવે બધા મસાલો ભરેલા ગુન્દા તથા કેરી ના ટુકડા મસાલા મા ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. અને કાચ ની બરણીમાં થોડું થોડું દબાણ આપીને ભરી લો. અને બાકી રહેલું ૭૫૦ ગ્રામ તેલ ગરમ કરી ઠંડુ થયા પછી ગુન્દા કેરી થી ભરેલી બરણીમાં રેડી દો. બરણીમાં વધારે જગ્યા ન હોય અને થોડુ તેલ બચી જાય તો…૧૦-૧૨ કલાક પછી બરણીમાં જગ્યા થય જશે ત્યારે નાખી દેવાનું… તો તૈયાર છે સ્વાદિષ્ટ ચટાકેદાર ગુન્દા કેરી નું અથાણું…

” ધ્યાન મા રાખવા જેવી બાબતો “…
૧- આટલા અથાણાં માટે ૩ થી ૪ કિલો કેપેસીટી ની બરણી લેવી જોઈએ… એનાથી હલાવવા મા પણ સરળતા રહે.
૨- મસાલા મા કેરી નું છીણ પણ નાખી શકાય.. એના માટે ૧ કેરી છીણી તેમાં થોડું મીઠું અને હળદર નાખીને ૧ કલાક પહેલા તૈયારી કરી રાખવી અને મસાલો તૈયાર થઈ જાય ત્યારે છીણ ને સરખી રીતે દબાવી પાણી કાઢી લેવું અને મસાલા મા ઉમેરી દેવું.
૩-જો પસંદ હોય તો ૧૦૦ ગ્રામ વરિયાળી અને ૨૦ નંગ કાળા મરી ૨ મિનિટ શેકી ને અધકચરા ખાંડી ને અથવા આખા પણ નાખી શકાય.
૪- સંભાર ઓછો લાગે અથવા વધારે બની ગયો હોય ‌તો પછી પણ નાખી શકાય.
૫- ૨ કિલો ની ‌કેપેસીટી વાળી ‌બે બરણી લયને બંને મા સરખા ભાગે ભરવું સલાહ ભર્યું છે.
૬- છાલ સહિત પણ સરસ બની શકે.. બજારમાંથી કેરી ના ટુકડા કરાવી ને લાવો તો પણ ચાલે.
૭- આ અથાણું શીંગ તેલ કરતા સરસિયાના તેલમાં બનાવવું વધારે હિતાવહ છે..આ રીતે વધારે સમય સુધી સારું રહેશે.
(પોસ્ટ ની સાથે શક્ય હોય એટલા ફોટા પોસ્ટ કરૂં છું..ઉપયોગી રહેશે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here