અખંડ સૌભાગ્યવતીનુ વ્રત વટ સાવિત્રી વ્રત કથા

0
236

વટ પૂર્ણિમા વ્રત માટે મહિલાઓ સવારે ઉઠીને સ્નાન કરીને નવા વસ્ત્ર પહેરીને શ્રૃંગાર કરીને નિર્જળા વ્રતનું સંકલ્પ લઇને પૂજા કરે છે. તેના માટે તમામ પૂજા સામગ્રીને એકત્રિત કરીને પૂજાની થાળી સજાવી લો. ત્યારબાદ વટ વૃક્ષની નીચે સાવિત્રી અને સત્યવાનની પ્રતિમા સ્થાપિત કરીને વૃક્ષને જળ અર્પણ કરે અને વૃક્ષને હળદર, રોલી અને અક્ષત લગાઓ. ત્યારબાદ ફળ અને મિઠાઇ અર્પણ કરો. ત્યારબાદ વટ વૃક્ષ પર સૂતને લપેટતા તેની પરિક્રમા કરો અને સત્યવાન-સાવિત્રીની કથા સાંભળો..

વટ સાવિત્રી વ્રત કથા | vat savitri puja vidhi |  જેઠ સુદ પૂનમ | vat purnima

ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે. આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા થઈ ગયો. તેને એક રાણી હતી. તેનું નામ વૈશાલી હતું. રાજા અને રાણી બંને ખૂબ જ ઉદાર અને માયાળુ સ્વભાવના હતા. તેઓ સર્વ રીતે સુખી હતા પણ તેમને શેર માટીની ખોટ હતી !

એક દિવસ તેમના મહેલમાં એક સાધુ મહારાજ આવી ચઢ્યાં. તેમને રાજા રાણીની પરિસ્થિતિ જોઈ ઘણું દુ:ખ થયું. આથી તેમણે રાજા રાણીને વાંઝિયા મેણું ટાળવા માટે સાવિત્રીદેવીનું વ્રત કરવા કહ્યું.

રાજા રાણીએ કહ્યું : ‘દેવી અમે બધી વાતે સુખી છીએ, પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે.’

દેવીએ કહ્યું : ‘તમારા નસીબમાં પૂત્ર નહી, પણ પુત્રીનું સુખ લખાયું છે. પુત્રી પણ એવી ગુણીયલ અને ભક્તિભાવ વાળી થશે કે આગળ જતાં તેનું નામ રોશન કરશે.’

આમ કહી દેવી અંતરધ્યાન થઈ ગયા. પૂરા નવ માસે વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો. દેવી સાવિત્રીની કૃપાનું ફળ જાણી તેનું નામ સાવિત્રી પાડવામાં આવ્યું. સાવિત્રી જેટલી દિવસે ન વધે એટલી રાત્રે વધવા લાગી. રાજા રાણી તેને ખૂબ લાડકોડથી ઉછેરવા લાગ્યા. તે દેખાવે ખુબ જ સુંદર હતી. વળી માતા-પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા આથી જાણે સોનામાં સુગંધ ભળી !

સમય જતા રાજા રાણીએ તેના હાથ પીળા કરવાની ચિંતા થવા લાગી. આવી સુકન્યા માટે વર ગોતવો એટલે ધોળે દહાડે તારા વીણવા જેવી વાત ગણાય. રાજા-રાણીએ ચારે બાજુ સુયોગ્ય વર મેળવવા ખૂબ તપાસ કરાવી, પણ ક્યાંય સાવિત્રીને યોગ્ય વર મળ્યો નહી. આથી છેવટે તેમણે સાવિત્રીને જ વરની પસંદગી કરવા કહ્યું.

સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધુમત્સેન રાજાના પુત્ર સત્યવાન પર પોતાની પસંદગી ઉતારી. તેની વાત સાંભળી રાજા-રાણી ખુશ થયાં અને તેની પસંદગી પર પોતાની મંજૂરીની મહોર મારવાની તૈયારી કરતાં હતાં ત્યાં જ નારદ આવી ચઢ્યાં. આથી રાજા-રાણી તેમની સલાહ લેવા રોકાયા.

નારદજીએ રાજા-રાણીની સઘળી વાત સાંભળી લીધી. ત્યારબાદ તેઓ બોલ્યા: ‘રાજન ! સત્યવાન તમારી દીકરી માટે બધી રીતે યોગ્ય છે, પણ…. ’

‘પણ શું મુનિરાજ ?’ રાજા-રાણી બંને ઉત્સુકતાથી બોલી ઊઠ્યાં.

‘સત્યવાનનું આયુષ્ય ખુબ જ ટુંકું છે. તે હવે ફક્ત એક જ વર્ષ જવી શકશે.’ નારદજી ખેદથી બોલ્યા.

આ સાંભળી રાજા-રાણી આવાક બની ગયાં. તેમને ઘણું દુ:ખ થયું. પોતાની દીકરીને સમજાવતાં તેઓ બોલ્યાં. ‘દીકરી ! તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ.’

‘પિતાજી ! મારા નસીબમાં જે થવાનું હશે તે થશે. તેણે કોણ મિથ્યા કરી શકશે. મારાથી હવે મારો નિશ્ચય ફેરવી નહીં શકાય. પરણીશ તો હું એને જ પરણીશ. ’ સાવિત્રીએ મક્કમ અવાજે કહ્યું.

સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી ચુપ થઈ ગયાં. નારદજીએ પણ સાવિત્રીને જ્યાં પરણવું હોય ત્યાં પરણવાની રાજાને સલાહ આપી અને ત્યાંથી ચાલ્યા ગયાં.

અશ્વપતિ રાજા ના છૂટકે ધુમત્સેન રાજાના આશ્રમે ગયા અને પોતાની દીકરીનું માગુ નાખતાં કહેવા લાગ્યા ‘ હે રાજા ! મારું નામ અશ્વપતિ છે, હું આ રાજ્યનો રાજા છું, મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છુ છું’

‘લગ્ન ! આપની પુત્રીનું લગ્ન મારા પુત્ર સત્યવાન સાથે કરવા માગો છો? અસંભવ ! ક્યાં તમે ને ક્યાં હુ ? મારી પાસે રાજપાટ પણ નથી રહ્યાં. મારા દુશ્મનોએ મારું રાજ્ય પડાવી લીધું છે. આથી હું અહીં આશ્રમ બાંધીને બાકીની જિંદગી પૂરી કરી રહ્યો છું. આપની દીકરીને હાથે કરીને દુ:ખના કુવામાં ધકેલશો નહીં’ ધુમત્સેને નિરાશવદને કહ્યું.

‘રાજન ! ખુદ મારી પુત્રી જ આપના પુત્રને પરણવા તૈયાર થાય તો પછી આપને કંઈ વાંધો છે?’

‘ના એમાં મને શો વાંધો હોઈ શકે ? ખુશીથી મારા પુત્ર સાથે આપની પુત્રી પરણાવો.’ ધુમત્સેન રાજાએ હરખાતાં કહ્યું અને તેઓ ઉભા થવા ગયા : ત્યાં જ પાણીની માટલી માથે અથડાયા અને પડતાં પડતાં રહી ગયાં. કારણ તેઓ આંધળા હતા એટલી વારમાં સત્યવાન આવી પહોંચ્યો અને પિતાને સાચવીને તેમની જગ્યાએ પાછા બેસાડી દીધા.

થોડા દિવસ પછી શુભ મુહુર્ત જોઈ અશ્વપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે ધામધુમથી પરણાવી દીધી. રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતાં, પરંતુ અંદરથી તેમનું હ્રદય દીકરી માટે સતત બળ્યા કરતું હતું. કારણ ટૂંક સમયમાં તે વિધવા બનવાની હતી !

સત્યવાન અને સાવિત્રી ખુબ આનંદથી પોતાના દિવસો પસાર કરવા લાગ્યા: પતિ પત્ની બંને એક બીજાને ખૂબ જ ચાહતા હતા. જ્યારથી સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી અલ્પાયુષ્ય (ટૂંકા જીવન) વિશેની વાત સાંભળી ત્યારથી તેણે સાવિત્રી વ્રત શરુ કરી દીધું અને ખૂબ ભક્તિભાવથી મા સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી.

આમને આમ એક વર્ષ પુરૂં થવા આવ્યું. સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો. એ દિવસે સવારે સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો. સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ. જંગલમાં એક સુકું ઝાડ જોઈ તેની પાસે ઉભો રહી સત્યવાન કુહાડીના ઘા મારવા લાગ્યો. થોડીવાર થઈ હશે ત્યાં એના પેટમાં દુ:ખાવો ઉપડ્યો. તે જમીન પર ઢળી પડ્યો. અંતે બેભાન થઈ ગયો. સાવિત્રી તેની નજીક જ ઉભી હતી. તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી. અને સત્યવાનનું માથું ખોળામાં રાખી તેના કપાળે હાથ ફેરવવા લાગી.

એટલામાં ત્યાં એક જાડો અને કાળો માણસ પાડા પર બેસીને આવી પહોંચ્યો. તેને જોઈ સાવિત્રી બોલી :‘ કોણ છો તમે? કેમ આવ્યા છો ?’

આવનાર પુરૂષ યમરાજ સ્વયં હતાં. તેમણે ગંભીર વદને કહ્યું, ‘દીકરી હું યમરાજ છું. આજે તારા પતિનો આવરદા પૂરો થયો છે. માટે તેને હું મારી સાથે લઈ જવા આવ્યો છું.’ આમ બોલી યમરાજાએ સત્યવાનના  શરીરમાંથી પોતાના હાથમાં રહેલ પાશ વડે પ્રાણ ખેંચી લીધો. આથી સત્યવાનનું ખોળિયું નિષ્પ્રાણ બની ગયું. સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ જ આઘાત લાગ્યો અને તે રોતી કકળતી યમરાજની પાછળ પાછળ જવા લાગી.

યમરાજાએ તેને પોતાની પાછળ આવતી જોઈ કહ્યું. ‘સાવિત્રી ! તું શા માટે મારી પાછળ આવે છે ? લલાટે લખાયેલા લેખ કદી મિથ્યા થતા નથી. તારા પતિના નસીબમાં લાંબુ જીવન નહીં લખાયું હોય, માટે તું એ બધું ભૂલી જા અને પાછી વળ’

સાવિત્રીએ કહ્યું : ‘હે યમરાજ ! જ્યાં પતિ ત્યાં હું’ માટે પાછી તો હું નહીં જ ફરું. વળી હું તમારી સાથે સાત ડગલાં ચાલી એટલે મિત્રભાવ સ્થાપિત થઈ ચુક્યો. આથી હું તમને મિત્રભાવે વિનવુ છું. કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો’

યમરાજાએ કહ્યું :‘હું તને હજી પણ કહું છું કે પાછી વળ. તારે જે જોઈએ તે માંગ, પણ તારા પતિના પ્રાણ હું તને પાછા નહીં આપું’

સાવિત્રીએ કહ્યું :‘વારું, મારા અંધ સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો’.

‘તથાસ્તુ દીકરી, હવે તું પાછી વળ જા.’ યમરાજે કહ્યું.

‘હે યમરાજા ! હવે પાછા ફરવું મારા માટે અશક્ય છે. જ્યાં મારા પતિ ત્યાં હું ! એ જ નારીનો ધર્મ છે. વળી સત્યપુરૂષોનો સત્સંગ કદી નકામો જતો નથી, તો પછી શું તમારો સત્સંગ નકામો જશે ?’

યમરાજ પ્રસન્ન થઈને બોલ્યાં : ‘દીકરી ! તેં સાચે જ મને ધર્મ વિશે સમજ આપી છે. તારી હોંશીયારી પર હું ખુશ થયો છું. તારા પતિના પ્રાણ સિવાય અન્ય જે કાંઈ જોઈએ તે માંગી લે. હું ખુશીથી આપીશ.’

‘દેવ ! આપે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કર્યા. હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો.’

‘તથાસ્તુ, દીકરી, હવે રસ્તો વિકટ આવે છે માટે તું અહીંથી પાછી ફર.’ યમરાજ બોલ્યા.

‘દેવ ! તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો. માટે તમારૂં નામ યમ છે. દરેક પ્રાણી પર દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું એનું નામ ધર્મ, અત્યારે હું બારણે આવી છું. તો તમે મારું રક્ષણ ન કરી શકો?’

‘દીકરી ! તારી મધુર વાણી સાંભળી હું તારા પર ખૂબ જ પ્રસન્ન થયો છું. તારા પતિ સિવાય તારે જે જોઈએ તે માંગી લે.’ સાવિત્રી બોલી :‘દેવ, મારા માતા-પિતાને એકપણ પુત્ર નથી. માટે તેમને સો પુત્રો થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો.’

‘તથાસ્તુ’ કહી યમરાજ આગળ ચાલ્યા એટલે સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા લાગી. આથી યમરાજએ પૂછ્યું: ‘દીકરી ! હવે શું બાકી રહી ગયું છે ? હજુ પણ તારે જે જોઈએ તે માંગી લે.’

‘દેવ ! મારે પણ સો પુત્રો જોઈએ.’

‘તથાસ્તુ, દીકરી, તારી ઈચ્છા ફળીભૂત થશે. હવે તું પાછી વળ, મને જવા દે.’

‘દેવ ! આપે સો પુત્રો મને પ્રાપ્ત થાય એવું વચન તો આપ્યું, પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો શી રીતે થશે ? એનો કંઈ વિચાર કર્યો છે ખરો ? માટે આપના વરદાનને ફળીભૂત કરવા મને મારો પતિ પાછો સોંપી દો !’

સાવિત્રીની ચતુરાઈ પર યમરાજા ખુશ થયા. તેમણે આપેલા વરદાનને ફળીભૂત કરવા સત્યવાનનો પ્રાણ સાવિત્રીને આપ્યે જ છૂટકો હતો. તેમના ખુદના વચને તેઓ બંધાઈ ચુક્યા હતા. સાવિત્રીએ ચતુરાઈપૂર્વક તેમની પાસેથી પાંચ વરદાન માંગી લીધા હતાં. અને તેમાંય છેલ્લા વરદાનમાં તેના પતિને સજીવન કર્યા સિવાય યમરાજને છૂટકો ન હતો.

આથી યમરાજાએ સાવિત્રી પર ખુશ થતા કહ્યું :‘દીકરી ! હું તારા બોલ ઉપર ઘણો જ ખુશ થયો છું. જા હું તારા પતિને જીવતદાન આપું છું. અને એના આયુષ્યને વધારી ચારસો વર્ષનું કરું છું. ખુશીથી તું તારા પતિને લઈ જા.’

આમ કહી તેઓ સાવિત્રીને આશીર્વાદ આપી ચાલ્યા ગયા. સાવિત્રી જે વૃક્ષ નીચે પોતાના પતિનો દેહ પડ્યો હતો. ત્યાં ગઈ અને તેનું માથું ખોળામાં લીધું કે તરત સત્યવાન આળસ મરડીને બેઠો થઈ ગયો.

સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. સત્યવાને તેને પોતે સ્વપ્નમાં જોયેલી સઘળી વાત કહી સંભળાવી, તેના જવાબમાં સાવિત્રીએ સત્ય હrકીકત કહી સંભળાવી.

યમરાજાના વરદાનને પ્રતાપે સત્યવાનના પિતા ધુમત્સેન દેખતા થયા અને તેમણે ગુમાવેલું રાજ્ય પાછું મળ્યું. સાવિત્રીના માતા પિતાને ત્યાં સમય જતાં સો બળવાન પુત્રો જન્મ્યાં. અને પોતે પણ સો ગુણવાન, બળવાન અને આયુષ્યવાન પુત્રોની માતા બની. આમ બધે આનંદ આનંદ છવાય ગયો.

વટ સાવિત્રી વ્રતનો આવો પ્રભાવ છે.

હે મા સાવિત્રી ! તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર, કથા વાંચનાર કે સાંભળનાર સૌ કોઈને ફળજો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here