ધોળકામાં રહેતા રંજનબેન નટવરલાલ શાહ નિવૃત શિક્ષિકા છે. 90 વર્ષની ઉંમરના આ માજીના બેન્ક ખાતામાં પેન્શનની થોડી રકમ જમા પડી હતી. આ ઉંમરે બીમારીઓ અને દવાના ખર્ચને પહોંચી વળવા માટે બચત સાચવીને રાખવી બહુ જરૂરી હોય છે પરંતુ રંજનબેને કોરોના મહામારી સામેની લડાઈ માટે પોતાની બચત રકમ આપી દેવાનો સંકલ્પ કર્યો.
બેન્ક ખાતામાં માત્ર 10000 જેટલી રકમ રાખીને એમણે 50000 રૂપિયા સ્થાનિક સેવા માટે અને 1,11,111/- રૂપિયા મુખ્યમંત્રી રાહતફંડમાં આપવા માટે રાજ્યના શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપ્યા અને કોરોના સામેની લડાઈમાં વિજય પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ પણ આપ્યા.
રંજનબેને કહ્યું કે ‘હું કોઈને 50 રૂપિયાની મદદ કરી શકું એવી પણ મારી સ્થિતિ નહોતી પરંતુ ભગવાનની કૃપાથી બધું પ્રાપ્ત થયું. હું મારી સાથે કશું લાવી નહોતી અને મારી સાથે કશું લઇ જવાની નથી એટલે જે પ્રાપ્ત થયું છે તે આજે દેશસેવા માટે પરત કરું છું. મને ખબર છે કે મેં આપેલી રકમ બહુ મોટી નથી પણ રામસેતુ બનાવવામાં ખિસકોલીએ એનાથી બનતી મદદ કરી એમ હું મારાથી બની એવી નાની મદદ કરી રહી છું. લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આ રકમ મારી પાસે રાખેની હું શું કરું?’
મન મેં હૈ વિશ્વાસ, પુરા હૈ વિશ્વાસ, હમ હોંગે કામિયાબ એક દિન.