એક નાનકડો પરિવાર ખુબ સુખી હતો. પરિવારમાં માત્ર ત્રણ જ સભ્યો હતા. પતિ,
પત્નિ અને એક દિકરો. આ પરિવારના આનંદના દિવસો બહુ લાંબા ચાલ્યા નહી કારણકે
એક અકસ્માતમાં પત્નિનું અવસાન થયુ અને પરિવાર ખંડીત થયો.
દિકરો સાવ નાનો હતો. વિધુર પતિને બીજા લગ્ન કરવાની કોઇ ઇચ્છા ન હતી પણ
દિકરાની દેખભાળ માટે એક માની જરુરીયાતને ધ્યાનમાં લઇને એમણે બીજા લગ્ન
કર્યા.ઘરમાં દિકરાને એક નવી મા મળી. છોકરાના પિતાની ચિંતા થોડી હળવી થઇ.
એકદિવસ બાપ-દિકરો સાથે બેઠા હતા ત્યારે પિતાએ દિકરાને પુછ્યુ, ” બેટા, તારા
આ નવા મમ્મી અને તારા મમ્મી વચ્ચે તને કોઇ તફાવત દેખાય છે ખરો ? ” છોકરાએ
કહ્યુ, ” હા, પપ્પા બહુ જ મોટો તફાવત દેખાય છે.” પિતાને એ જાણવાની ઉત્સુકતા
હતી કે બંને વચ્ચે શું તફાવત છે આથી તેણે દિકરાને આ બાબતે સ્પષ્ટતા કરવા
કહ્યુ.
છોકરાએ કહ્યુ , ” પપ્પા, મારી મમ્મી ખોટા બોલી હતી અને આ નવા મમ્મી સાચા
બોલા છે. ” પિતાએ પુછ્યુ, ” બેટા એ કેવી રીતે ?” છોકરાએ સ્પષ્ટતા કરતા
કહ્યુ, ” મારી મમ્મી મારા પર ગુસ્સે થાય ત્યારે મને કહેતી કે તને આજે જમવા
નહી દઉં પણ જમવાનો સમય થાય એટલે પાછી મને જમવા બોલાવે અને પ્રેમથી જમાડે
અને આ મમ્મી એમ કહે કે તને જમવા નહી દઉં તો એ જમવા ન જ આપે.”
મિત્રો, આપણી એ ખોટાબોલી માનું ઋણ તો ક્યારેય નહી ચુકવી શકીએ. નાનપણમાં
માનો પ્રેમ સમજવાની ક્ષમતા નહોતી અને હવે ક્ષમતા છે તો એ સમજવાનો સમય નથી.
ક્યારેક શાંતિથી એક ખુણામાં બેસીને માએ આપણા પર કરેલા ઉપકારોની એક યાદી
તૈયાર કરવા જેવી છે