સુરતના ડુમસ રોડ પર પોલીસ કમિશનરની સૂચનાથી બનેલા ગ્રીન કોરિડોરમાં બે એમ્બ્યુલન્સ ખાસ્સી તેજ ગતિએ દોડી રહી હતી, તેની પાછળ પોલીસવાન અને ડોનેટ લાઈફ ટીમની કારનો કાફલો લગોલગ સ્પીડે એરપોર્ટ તરફ ધસી રહ્યો હતો કેમકે બંને એમ્બ્યુલન્સમાં સુરત અડાજણમાં રહેતા બ્રેનડેડ બિઝનેસમેન વ્રજેશ શાહના ફેફસા અને હ્દય ધબકતા હતા જેને ટ્રાન્સપ્લાન્ટ માટે મુંબઈ અને બેંગ્લોર પહોંચાડવાના હતા. સુરતમાં ડોનેટ લાઈફ સંસ્થાની ધૂણી ધખાવીને બેઠેલા નીલેશ માંડલેવાલા અને તેમની ટીમ માટે આ કોઈ નવી સ્થિતિ ન હતી પરંતુ આ વખતે પળનોય વિલંબ પાલવે તેમ ન હતો. પ્રથમવખત ફેફસાનું દાન મળ્યું હતું અને તે અણમોલ હતું. ફેફસાના દાનની ગુજરાતમાં આ સૌ પ્રથમ ઘટના છે. સુરતના વ્રજેશ શાહના અંગદાન થકી મળેલા ફેફસાની બેંગ્લોરમાં અને હ્દયની મુંબઈમાં રાહ જોવાઈ રહી હતી કારણ તેના થકી બે જિંદગીઓ ફરીથી મહેકવાની હતી
અને…મિનિટોમાં જ સુરતથી આ અંગો બાય રોડ…બાય એર…થઈ તેના નિયત સ્થળે પહોંચ્યા ને…
ડોનેટ લાઈફના આ સાહસ પાછળ સમગ્ર ટીમની હિંમત, સંવેદના, કમાન્ડો જેવી ચપળતા અને મદદગારીનો જુસ્સો છે તો બીજીતરફ જે પરિવાર પોતાના સ્વજનના અંગોનું દાન આપવા સહમત થાય છે તેમના જીગર અને લાગણીને તો સો-સો સલામ પણ ઓછી પડે. સુરતના 42 વર્ષના વ્રજેશ શાહના પરિવારને પણ લાખો સલામ છે કેમકે 72 વર્ષના પિતા અને 65 વર્ષની માતાએ દિકરાના અંગોનું દાન આપવા રાજીપો દાખવ્યો. પતિના અકારણ મૃત્યુથી જેના પર વ્રજઘાત થયો તેવા વ્રજેશ શાહના જીવનસંગીની વૈશાલી અને મુગ્ધવયની બે દિકરીઓએ પણ પોતાના પિતાના અંગોને અન્યના જીવનમાં ધબકવા દેવા સહમતી આપી ત્યારે જગતનો નાથ કૃષ્ણ પણ સ્તબ્ધ હશે. વ્રજેશ શાહના ફેફસા, હ્દય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન થયું અને એક જ દિવસમાં પાંચ માનવીઓ નવું જીવન પામ્યા. કેટલાય સમયની તેમની પ્રતિક્ષાનો અંત અને દુવાઓનો આ આરંભ હતો.
વાતને વિસ્તારવા જાઉં તો રૂંવાડા ઊભા થઈ જાય તેવી અનેક ઘટનાઓ વચ્ચે સુરતની ડોનેટ લાઈફ સંસ્થાએ કામ કર્યું છે પરંતુ આ ટીમે ક્યારેય પાછી પાની કરી નથી. અચાનક સ્વજનના આઘાતજનક મૃત્યુ સમયે તેના પરિવારજનોને અંગદાન માટે મનાવવા તે કોઈ સામાન્ય બાબત નથી. 42 વર્ષના વ્રજેશ શાહના કેસમાં પણ કંઈક આમ જ બન્યું. અડાજણમાં પાલનપુર કેનાલ રોડ પર રાજહંસ વિંગ્સમાં પરિવાર સાથે રહેતા વ્રજેશ શાહને રવિવારે( તા.12 મે ) માથામાં દુખાવા જેવું અને થોડી બેચેની લાગતી હતી. બાદમાં તેઓનું બ્લડ પ્રેશર વધી જતાં બપોરે 2.30 કલાકે સુરતની યુનિક હોસ્પિટલમાં દાખલ કરાયા. સારવાર ચાલુ હતી છતાં રાત્રે 10.00 કલાકે તેઓને ખેંચ આવતા બેભાન થઈ ગયા. સિટી સ્કેન કરાવતા માલૂમ પડ્યું કે મગજની નસ ફાટી જતાં મગજમાં લોહી જામી ગયું હતું. બસ, 15મી તારીખે તો તેમના મગજએ કામ કરવાનું બંધ કરી દીધું. તબીબોની ટીમે તેઓને બ્રેનડેડ જાહેર કર્યા. પરિવારને તો ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી હતી આવા કપરાં સમયે જ ડોનેટ લાઈફ સંસ્થાની કામગીરી શરૂ થાય છે. સંસ્થાના પ્રમુખ નીલેશ માંડલેવાલા અને ટીમએ હિંમતથી પોતાનું કામ શરૂ કરી દીધું. સૌ પ્રથમ તો તબીબોના સહયોગથી વ્રજેશ શાહના પરિવારને યોગ્ય સમજ આપી મૃતકના અંગદાન માટે તૈયાર કર્યો…અને પછી સેકેન્ડોમાં જ શરૂ થઈ ગ્રીન કોરિડોરની તેજ રફતાર…
પરિવારજનોની સંમતિ મળતા જ ડોનેટ લાઈફની ટીમ યુધ્ધના ધોરણે કામે લાગી હતી. ફોનકોલ્સ, ફલાઈટ્સ શિડ્યુલ, અનેક તબીબો સાથે ચર્ચા…છતાં ગણતરીની મિનિટોમાં બધું ગોઠવાયું. મુંબઈની ફોર્ટીસ હોસ્પિટલના ચીફ કાર્ડિયાક સર્જન ડો. અન્વય મૂલે અને તેમની ટીમે સુરત આવી હ્દયનું દાન સ્વીકાર્યું. ફેફસાનું દાન બેંગ્લોર બીજીએસ ગ્લોબલ હોસ્પિટલના ડો. પ્રેમાનંદ અને તેમની ટીમે આવીને સ્વીકાર્યું. કિડની અને લીવરનું દાન અમદાવાદની ઈન્સ્ટીટયૂટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરના ડો. વિકાસ પટેલ અને તેમની ટીમે સ્વીકાર્યું. જ્યારે ચક્ષુઓનું દાન સુરતની લોકદ્રષ્ટી ચક્ષુબેંકના ડો. પ્રફુલ્લ શિરોયાએ સ્વીકાર્યું. ત્યારબાદ આ અંગોને સમયસર નિયત સ્થળે પહોંચાડવાનો અને તેના પ્રત્યારોપણનો કપરો તબક્કો શરૂ થયો પરંતુ જ્યારે અનેક હાથ એકઠા મળીને કોઈ સારા કામની દિશામાં લંબાતા હોય ત્યારે આખી કાયનાત તેમની વ્હારે હોય છે.
સુરતની યુનિક હોસ્પિટલથી મુંબઈ, મુલંડમાં આવેલ ફોર્ટીસ હોસ્પિટલ સુધીનું 269 કિલોમીટરનું અંતર 90 મિનિટમાં કાપીને વ્રજેશ શાહના હ્દયને ચીફ કાર્ડિયાક સર્જન ડો. અન્વય મુલે અને તેમની ટીમે સુરતના રહેવાસી પ્રકાશ શાંતિલાલ શાહ(ઉ. 44)ના દેહમાં ધબકતું કરી દીધું. તો બીજીતરફ બેંગ્લોરની બીજીએસ ગ્લોબલ હોસ્પિટલના લંગ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડો. સંદીપ અત્તાવર અને તેમની ટીમે વ્રજેશ શાહના ફેફસાથી 59 વર્ષના અશોક ચૌધરીને શ્વાસ લેતા કરી દીધા. જ્યારે વ્રજેશ શાહની એક કિડની અમદાવાદના 20 વર્ષના યુવાન યશપાલસિંહ કનકસિંહ માટીએડાને જીવાડી ગઈ તો બીજી કિડની અમદાવાદના 28 વર્ષના કમલેશ નારણભાઈ સોલંકી ( ઉ. 28)માં ટ્રાન્સપ્લાન્ટ કરાઈ. જ્યારે તેઓનું લિવર મૂળ ઊંઝાના રહેવાસી એવા 47 વર્ષના ઈન્દુબહેન દિનેશભાઈ પટેલના દેહમાં કામ કરતું થઈ ગયું. અમદાવાદની ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટરમાં ડો. પ્રાંજલ મોદી અને તેમની ટીમે આ તમામ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી.
અંગદાન મેળવવાની આ સમગ્ર પ્રક્રિયામાં એવા અનેક પાત્રો છો જેમની કામગીરીને સલામ છે. વ્રજેશ શાહના સમગ્ર પરિવાર સહિત ન્યૂરોસર્જન ડો. ધવલ પટેલ, ફિઝિશિયન ડો. સી. ડી. લાલવાની, ચેસ્ટ ફિઝિશિયન અને ઈન્ટેન્ટસીવીસ્ટ ડો. સમીર ગામી અને ડો. ખુશ્બુ વઘાશિયા, યુનિક હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના પ્રમુખ નીલેશભાઈ તો ખરા જ પરંતુ સાથે તેમના મંત્રી રાકેશ જૈન, ટ્રસ્ટી હેમંત દેસાઈ, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, પ્રોગ્રામ કોઓર્ડિટનેટર યોગેશ પ્રજાપતિ, જીતેન્દ્ર મોરે, મહેન્દ્રસિંહ ગોહિલ, અસ્ફાફ શેખ, મયુર પામક, અંકિત પટેલ, કરણ પટેલ, સુભાષ રાવલ અને પોલીસ સ્ટાફના ટીમવર્કે એક જ દિવસમાં પાંચ જિંદગીઓ માટે નવી ક્ષિતિજો ખોલી નાંખી હતી. અત્યાર સુધી ડોનેટ લાઈફને 677 વ્યકિતઓના જીવનને નવી રોશનીથી ભરી દેવામાં સફળતા મળી છે.
સલામ છે ડોનેટ લાઈફ ને… અને સ્વજનના અંગદાન માટે સહમત થતાં પરિવારોને.