બોળચોથનુ વ્રત શા માટે રાખવામાં આવે છે તેનો મહિમા – બોળચોથની સંપૂર્ણ વાર્તા વાંચો

ઈતિહાસ જાણવા જેવું

સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ વદ ચોથના દિવસે બોળચોથનું વ્રત કરે છે. અતિ પ્રાચીન સમયની આ વ્રતકથા ઉલ્લેખનીય છે. તત્કાલીન સમાજમાં સૌની પાસે બહોળું પશુધન હતું. કહેવાય છે કે ગાય વિનાનું ઘર નહીં, બળદ વિનાનો ખેડૂત નહીં અને ખેતી વિનાનું કુટુંબ નહીં.

આવા એક કુટુંબના ફળિયામાં ગાય અને નાનો નમણો વાછરડો બાંધેલાં હતાં. વાછરડો ઘઉંવર્ણો હતો એટલે સૌ કોઈ એને ઘઉંલો કહીને સંબોધતા. ………….. શ્રાવણ મહિનામાં સાસુજી રોજ નદીએ નહાવા જાય. શ્રાવણ વદ ચોથનો દિવસ હતો. સાસુએ નદીએ જતી વખતે વહુને કહ્યું કે, હું નદીએ નહાવા જાઉં છું. તમે આજે ઘઉંલો ખાંડીને રાંધી રાખજો. (ઘઉંલો એટલે ઘઉંની એક વાનગી) વહુ અતિ ભોળી, ભલી અને આજ્ઞાાંકિત હતી. …………

તેણે તો સાસુની આજ્ઞાા શિરોમાન્ય ગણીને ઘઉંની વાનગી રાંધવાને બદલે ફળિયામાં બાંધેલા ઘઉંલા વાછરડાને બળપૂર્વક પકડીને ખાંડણિયામાં ખાંડીને મોટા હાંડલામાં ભરી હાંડલું ચૂલે ચડાવી દીધું. પુત્રવધૂએ ઘઉંલો રાંધી નાખ્યો. સાસુએ નદીએથી આવીને વહુને પૂછયું: “વહુ બેટા, ઘઉંલો રાંધી લીધો?” વહુએ કહ્યું, “હા બા, પણ ઘઉંલાનાં તોફાન, બરાડા અને ઉધામાંથી હું તો થાકી ગઈ. કાપ્યો કપાય નહીં અને ખાંડયો ખંડાય નહીં. બસ ભાંભરડા જ નાખ્યા કરે, તોય જેમ તેમ કરી કાપીકૂપી મેં તો રાંધી નાખ્યો.” પુત્રવધૂના આ શબ્દો સાંભળી સાસુ તો શૂન્યમનસ્ક બની ગયાં. સાસુની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસી રહ્યા. સ્વસ્થ થઈ સાસુએ ઠપકો આપતાં કહ્યું, “વહુ, આ તું શું બોલે છે? આજે બોળચોથ છે. હમણાં વાછરડાની પૂજા કરવા આડોશીપાડોશી આવશે. તેં તો આજે ભારે કરી.” સાસુએ વહુને માથે પેલું હાંડલું ઉપડાવી ઘરની પછવાડે વાડામાં ઉકરડો હતો તેમાં દાટી દીધું. સાસુ-વહુ તો જાણે કંઈ જ બન્યું નથી તેમ બારણું બંધ કરી ચૂપચાપ બેસી ગયાં. પાડોશીઓને ગોળગોળ જવાબ આપી વિદાય કર્યા.  ગોધૂલીનો સમય થયો. ગાય વાડામાં ચરવા ગઈ હતી તે ઘેર આવી. આવી એવી જ વાછરડો નહીં જોવાથી ભાંભરવા લાગી. સાસુ-વહુ તો થરથર ધ્રૂજવા લાગ્યાં. ગાય સીધી વાડામાં ગઈ. ઉકરડામાં હાંડલું દાટયું હતું ત્યાં જઈને શિંગડાં ભરાવી હાંડલું ફોડી નાખ્યું. હાંડલું ફૂટતાંની સાથે જ ઘઉંલો સજીવન થઈ ચારેય પગે કૂદકો મારી બહાર નીકળી આવ્યો અને હાંડલાનો કાંઠલો ગાયના ગળામાં પરોવાયેલો રહી ગયો. સાસુ-વહુએ ઝટપટ કાંઠલો ફોડી નાખ્યો અને ફૂલનો હાર પહેરાવ્યો. થોડી વારે ગાય વાછરડો આવી ગયાં હશે, એમ માની આસપાસમાંથી બધાં ગાય-વાછરડો પૂજવા આવી પહોંચ્યાં. સૌએ ગાય-વાછરડાનું વિધિપૂર્વક પૂજન કર્યું. આ દિવસે સૌએ વ્રત લીધું કે, ‘હે ગાયમાતા, સત્ તમારું વ્રત અમારું.’ શ્રાવણ વદ ચોથ એટલે કે બોળચોથના દિવસે સર્વ બહેનોએ પ્રતિજ્ઞાા લીધી કે આ દિવસે અમે ખાંડશું કે દળશું નહીં, છરી-ચપ્પુથી છોલશું નહીં કે શાકભાજી સુધારશું નહીં, કંઈ કાપશું નહીં. ઘઉંનો ઉપયોગ આ દિવસે કરશું નહીં, ગૌમાતાનું પૂજન કરશું, કારણ કે ગૌસેવા એટલે દેવસેવા. ગાય એ શક્તિ સ્વરૂપા છે અને તેની અંદર દેવતાઓનો વાસ છે. પૃથ્વી પરની કામધેનુને આપણાં કોટિ કોટિ પ્રણામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *