દીકરી એટલે ઘરનો દીવો જ્યાં રોજ દિવાળીનું અંજવાળું હોય

‘દીકરી’ બોલતાં કેટલી શાંતિ અનુભવાય છે. કહેવાય છે કે “દીકરી એટલે ઘરનો દીવો.” એટલે જ્યાં જ્યાં દીકરી હોય ત્યાં રોજને રોજ દિવાળી હોય. દીકરી એટલે સમગ્ર ઘરનું અંજવાળું. જ્યાં કોઈ દિવસ અંધારું થતું નથી, પણ જેના ઘરે દીકરી હોય છે તેના ઘરે મમ્મી – પપ્પા અને ઘરના અન્ય સભ્યોને એક પ્રસંગ કરવો જ પડે છે. તે પ્રસંગ છે “દીકરીના લગ્ન.” ગમે તેટલી દીકરી વ્હાલી હોય તો પણ દિલ ઉપર પથ્થર મૂકીને દીકરીની વિદાય કરવી જ પડે છે કારણ કે લોકો દ્વારા કહેવાય છે કે “જયારે કોઈ દીકરીની ડોલી ઘરેથી ઊઠે છે પછી તેની અસ્થિ તો તેના સાસરીયામાંથી જ ઊઠે છે.” એટલે જ કહેવાય છે કે “દીકરી એટલે પારકી થાપણ.”

જયારે દીકરી મોટી થાય છે ત્યારે તે પોતાના માથે જવાબદારી લઈ લે છે. પછી મમ્મી માટે કોઈ જવાબદારી રહેતી નથી. જે વસ્તુ જોઈએ તે બધી દીકરીને જ ખબર હોય છે. દીકરી જાણતી હોય છે કે વસ્તુ ક્યાં રાખેલી હોય છે.જયારે તે દીકરી સાસરે ચાલી જાય છે ત્યારે ઘરમાં મમ્મી હોય, પપ્પા હોય, ભાઈ હોય કે ઘરના અન્ય સભ્યો હોય તેને તે વસ્તુ મળતી નથી અને મમ્મીને બધી વસ્તુ શોધવી પડે છે. જયારે દીકરીને વળાવીને ‘મા’ ઘરમાં આવે છે ત્યારે તેને ચારેય ખૂણામાં અને બધી જગ્યાએ તેની દીકરી યાદ આવે છે ત્યારે તે ઉંબરા પર ઊભી રહીને રડે છે. જયારે કોઈ દીકરી સાસરે જાય ત્યારે તેને બાળપણથી મોટી થાય ત્યાં સુધીના વિતાવેલા બધા જ દિવસો યાદ આવે છે. કેવી રીતે તે તેના પપ્પાની આંગળી પકડી સૌથી પહેલાં ચાલતા શીખે છે અને તે જ આંગળી પકડીને તે પહેલી વાર શાળાએ જાય છે અને તે આંગળી પકડી તેના પપ્પા તેને સાસરે જવા દેવા વિદાય આપવા તેને ગાડી સુધી મૂકવા આવે છે. જેના ઘરમાં દીકરી હોય છે તેના ઘરના માટે ભગવાન તરફથી તેને દુનિયાની મોટામાં મોટી ભેટ મળી એવું કહેવાય છે. તેના તોલે એક પણ ભેટ મોટી હોતી નથી. આથી કહેવાય છે કે, “દીકરી એટલે ઘરનો દીવો જ્યાં રોજ દિવાળીનું અંજવાળું હોય”

Leave a Comment