દત્તાત્રેય ગિરનાર પર્વતની અજાણી વાતો વાંચો આખા વર્ષનો જુસ્સો ભરી દેશે.

0
486

9999 જો તમે આટલા પગથિયાં ચઢી શકો અને એટલા જ ફરી ઉતરી શકો તો ચાલો ચઢિયે ગરવો ગઢ ગિરનાર…. કોઈ સૌંદર્યવાન હિલ સ્ટેશનથી કમ નથી આ ગિરનાર. ઉલટાનું કેટલાય હિલ સ્ટેશનના સૌંદર્યને પણ ઝાંખો પાડી શકે એવી સુંદરતા ધરાવે છે. તો ચાલો સૌંદય અને ધર્મના અજોડ શીખરને સર કર।………

જો તમારે ગિરનાર થાક્યા વિના અને પૂરેપૂરો તથા આરામથી ચઢવો હોય તો વહેલી સવારે ચઢાણ શરૂ કરી દેવું જોઈએ.. જેથી સૂર્યોદયનો અદભુત નજારો તો માણી જ શકશો પણ સાથે દરેક સ્થળને સારો એવો સમય પણ આપી શકશો.. સવારે 4 થી 5 વાગ્યા વચ્ચે સફર શરૂ કરી શકાય . અમે 6 વાગે પ્રથમ પગથિયું આરોહણ કર્યું હતું.. અને એ સાથે જ ફેફસામાં શુદ્ધ હવાનો ધોધ પ્રસરી ગયો અને મન જાણે એના મનગમતા પ્રદેશમાં વિહરવા લાગ્યું………..

. આગાઝ શાનદાર હોવાથી સફર પણ શાનદાર જ હોવાની. ગિરનાર ચઢતા પહેલા અમે જૂનાગઢ ફર્યા હતા ઉપરકોટમાં પણ ચઢવાનું વોર્મઅપ કર્યું હોવાથી ચડવામાં ખાસ તકલીફ થતી ના હતી.. પ્રથમ 1000 પગથિયાં દરમિયાન તમને કપિરાજના ટોળા જોવા મળશે. જે મુસાફરોને પરેશાન નથી કરતા કારણકે મુસાફરો એમને પરેશાન નથી કરતા.. થોડું અંધારું અને થોડું અજવાળું આવી સ્થિતિમાં અમારા ડગ પગથિયાં કાપતા રહ્યા.. ધીરે ધીરે સૂર્યના સોનેરી કિરણોનો પરચો પહાડીઓ પર પડવા લાગતા પહાડો સોનેરી થઈ ગયા અને સુંદરતાની પરિભાષા આપી રહ્યા હતા. ……..

ગુગલબાબા પાસેથી મેળવેલી માહિતી મુજબ ગીરનાર અનેક પર્વતોનો સમૂહ છે. ગીરનાર પર્વત પર કુલ પાંચ મોટા શિખર છે. જે પૈકી ગોરખ શિખર ૩૬૦૦ ફૂટ, અંબાજી ૩૩૦૦ ફૂટ, ગૌમુખી શિખર ૩૧૨૦ ફૂટ, જૈન મંદિર શિખર ૩૩૦૦ ફૂટ અને માળીપરબ ૧૮૦૦ ફૂટની ઉંચાઇ પર છે. ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગણાય છે. અહીં કુલ ૯૯૯૯ પગથીયા છે. અંબાજી બાદ થોડા પગથિયાં ઉતરીને અને ફરી થોડા પગથિયાં ચઢવાથી ગોરખ શિખર આવશે.

અહીંથી ફરી 1500 જેટલા પગથિયાં ઉતરીને દત્તાત્રેય સુધી જવા માટે 1000 જેટલા પગથિયાં ચઢવાના રહેશે. એટલે અંબાજી બાદ તમારી યાત્રા થોડી સરળ બની જશે. હોડી પ્રકારે ચઢ ઉતર થશે. દત્તાત્રેયથી ઉતર્યા બાર નીચે કમન્ડલ કુંડ સંસ્થાન પર વિનામૂલ્યે ભોજન પ્રસાદી પણ મળે છે. અહીં પર્વત પર હોટેલ નહીં હોવાથી આ ભોજન વધુ હિતાવહ રહેશે.. કારણકે તેમાં પ્રેમ ભળેલો હશે.

ગૂગલના કહેવા પ્રમાણે ગીરનાર પર કુલ પાંચ પર્વતોમાં ૮૬૬ જેટલા નાના મોટા મંદિરો છે. થોડી નાની નાની ગુફાઓ પણ મળશે. સમય મુજબ દરેક જગ્યાએ જજો. અમને આરામથી દત્તાત્રેય સુધી પહોચવામાં 5 કલાક થયા હતા. એટલા જ કલાક નીચે ઉતરવામાં લીધા. ઉતરવાનું ઝડપથી બને તેમછતાં આરામથી જ ઉતરવાનું નહીંતર ઉતરી ગયા પછી પગ પરચો બતાવશે..

ગીરનારના ૪૦૦૦ પગથીયા ચઢ્યા પછી તમને દર્શન થશે ભવનાથ મંદિરના આ મંદિર પર શિવરાત્રી દરમિયાન નાગા બાવાઓ તહેવારની ઉજવણી કરવા માટે આવે છે. પહેલા શિખર પર પહોચવા માટે જયારે ૮૦૦ પગથીયા બાકી હોય છે ત્યારે અદ્ભુત જૈન મંદિર પરિસર આવશે.
આ જૈન મંદિરો એ ૧૨ તી ૧૬મી સદી દરમિયાન બનાવવામાં આવ્યા હતા અહિયાં ૭૦૦ વર્ષના અઘરા તપ પછી જૈન ધર્મના ૨૨માં તીર્થકર નેમીનાથ કાળધર્મ પામ્યા હતા. ત્યાર પછી ના બીજા ૨૦૦૦ પગથીયા ચડવાથી અંબાજી માતાના મંદિરના દર્શન થાય છે.

અંબાજી માતાના દર્શન કરીને તો ચોક્કસ ધન્ય થયા પણ મંદિરનો અંદરનો માહોલ મંદિર જેવો ન હતો કદાચ પૂજારી પણ અહીં જ રહેતા હશે. અંદર ગાદલા ગોદડા રસોઈના સાધનો શાકભાજી વગેરે દેખાતું હતું. કોઈ ઘર ની અંદર મંદિર હોય એવું લાગે. આટલી ભવ્ય જગ્યામાં આ વસ્તુ દરેક ભવિકને મંદિરની અંદરની ફીલિંગ આપતી ના હતી.. મંદિર એટલે શુદ્ધ મંદિર હોવુ જોઈએ.. પૂજારી માટે આસપાસ વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા થવી જોઈએ. ખેર…, પણ માતાજીને મળીને સારું લાગ્યું. દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને પણ ધન્ય થયા.

કહેવાય છે કે ગિરનાર પર્વત એ જ્વાળામુખી દ્વારા બનેલો પર્વત છે. તેના પર સિધ્ધચોરાસી સંતના બેસણા છે. જુનાગઢ ગિરનારની ભૂમિ એ સંતો અને મહંતોની ભૂમિ છે. ગિરના સિંહ પણ જગવિખ્યાત છે. અહી છેલ્લા ઘણા વર્ષોથી લીલી પરિક્રમા થાય છે. આ પરિક્રમા કરવા માટે અનેક જગ્યાઓથી અનેક લોકો આવતા હોય છે. ગિરનારની આ પરિક્રમા એ પર્વતને ફરતે થાય છે અને તે લગભગ ૩૬ કિલોમીટર જેટલી હોય છે. કારતક સુદ અગિયારસથીએટલે કે દિવાળી પછી આવતી અગિયારસથી શરુ થાય છે અને દેવ દિવાળીના દિવસે પૂર્ણ થઇ જાય છે.

આ પરિક્રમા પછી ગિરનાર પણ ચઢી શકો અને એ શક્ય ન લાગે તો ભવનાથ મહાદેવના મેળામાં મહાદેવના દર્શન કરીને અને પછી અંતમાં દામોદર કુંડમાં ડૂબકી લગાવીને યાત્રા સંપન્ન કરી શકો. દામોદર કુંડમાં સ્નાન કરીને જ તમારી આ યાત્રા સફળતા પૂર્વક પૂર્ણ થશે. એવું કહેવાય છે. પરિક્રમા આખી ધાર્મિક વાત છે પણ ગિરનાર અને જૂનાગઢની મુલાકાત શહેરીજીવનના થાકમાંથી નવી સ્ફૂર્તિ આપશે. આખા વર્ષનો જુસ્સો ભરી દેશે. .. જૂનાગઢ ફરજો… ગિરનાર ચઢજો… અને મજ્જા કરજો…

જય ગિરનારી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here