કડવું-૭૬ મું. રાગ ગુર્જરી- શુકદેવ કહે છે વાત, વેવાણ આવિયાં રે, જેની જોવા સરખી જાત, વેવાણ આવીયાં રે, માથે કેશ વાંસની જાળ. ૧. જેનું નેત્ર સરોવર પાળ, ૨. જેના સુપડા જેવા કાન, જેનું મસ્તક ગિરિ સમાન; ૩. એની આંખ અંધારા કૂપ, જેનું મુખ દીસે કદરૂપ. ૪. હળદાંડી જેવાં દંત, દીઠે જાએ ન એનો અંત, ૫. એના સ્તન ડુંગર શા ડોઝાં, કાને ઘાલ્યા છે હાથીનાં હોજાં. ૬. કોટે ખજુરાના તનમનિઆ; કાને ઊંટના ઓગનિયા, ૭. પગે રીંછ કલ્લાં વિકરાળ, કહેડે પાડાની ઘુઘરમાળ, ૮. વાંકડા સરપ એના હાથે, બળતી સઘડી મુકી માથે, ૯.જેની પીઠ ડુંગરશાં ડોઝાં એના મસ્તકમાં ફરે રોઝાં,૧૦. કોટડા આવી જ્યાં મોરાર, કુંવરે સાસુ ખોળી સાર,૧૧.
કડવું- ૭૭ મું. રાગ – મારૂ ચાલ કોટરા કહે છે કરગરી, બાપને ચાંપ્યો પાતાળ; હવે તો હદ થાય છે, પ્રભુ એ છે તમારો બાળ. ૧. કરૂણાસાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાંક; દીન જાણી દયા કરો, એ છે તમારો રાંક. ૨. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ; નવસો છન્નુ કર છેદી નાંખ્યા, રાખિયા ચાર હાથ. ૩. રૂધિર ભર્યો આંસુ ગાળતો, આવિયો શિવની પાસ; એમ કહીને પાયે લાગ્યો, સાંભળો પતિ કૈલાશ. ૪ એક મારી વિનંતી, તમે સાંભળો જુગદીશ; સાંભળ કોપે ભરાયા, પોતા ઉમિયાઈશ. ૫. વલણ – મનમાં રીસ ચઢી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે; સદાશિવ યુદ્ધે ચઢ્યા તેણે ધ્રુજી ધરા અપાર રે. ૬.
કડવું- ૭૮ મું. રાગ સાગર – એ ભરવાડો, એ પીંઢારો, ગોકુળમાં ચારી ગાય; મારા આપ્યા હાથને, તે છેદીને ક્યાં જાય ? ૧. બડબડતાં ગણેશ ચાલ્યા, ઉંદરડે અસવાર. ૨. મોર ઉપર સ્વામિ કારતિક, ચાલ્યા શંકરના કુમાર. સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેળી કરી, કહું તેનો મહિમાય. ૩.ડાકણ, શાકણ, ભૂત, પિશાચ, વંતર, માત્ર દડુક ચાલે ભુતડાં; જેના હાંલ્લાં સરખા ગાત્ર. ૪. હરી જઈ કૃતવર્માને કહે છે; મહાદેવને સમજાવો, આ શુ ઉપરાણું કરી; જોગીડો વઢ્વા આવ્યો. ૫. શંકર મુખથી બોલ્યા; આવી લાગી મનમાં ઝાળ, સનમુખ આવી ઊભા રહી, માંહે ભાંડે ગાળ.
૬. હે કાળા અર્જુનના સાળા, ભર્યા ઉચાળા જેહ; મધ્ય રાતે મથુરાથી નાઠો, ગયો વિસરી તેહ. ૭. મારી માસી પૂતનાને, દહીંના લીધા દામ; મોસાળનું છેદન કરીને, થઈને બેઠો રાજન. ૮. તું આહીરડામાં અવતર્યો, નથી વાત મારી અજાણી; ત્યારે શંકર પ્રત્યુ કોપ કરીને, બોલ્યા સારંગપાણી. ૯. મડે મસાણે ફરતો હીંડે; રાખ ચોળે અંગ, આક ભાંગ ધતુરો ચાવે, નફ્ફટ તારા ઢંગ. ૧૦. ડાકણ શાકણ, ભૂત પ્રેત ને નીચ સંગ રહેતો, બળદ ઉપર ભાર મુક્યો; તારા ઘરમાં ન મળે ઘોડો.
૧૧. રાત દહાડો બાવો થઈને ફરતો, તારા ઘરમાં રોતી નારી; કૃષ્ણ પ્રત્યે કોપ કરીને બોલ્યા છે ત્રિપુરારી. ૧૨. અલ્યા છોકરીઓમાં છાશ પીતો, મરદ મટી થયો મહિયારી; જગતમાં એવું કહેવાયું, જે કાનુડે કાંચળી પહેરી. ૧૩. પરનારી શું ક્રીડા કરતો, કહેવાતો વ્યભિચારી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરીને. બોલ્યા દેવ મોરારી. ૧૪. ભગવાન કહે હું વ્યભિચારી, મુને બધા વિશ્વે જોયો; તું એવો સાધુ હતો, ત્યારે ભીલડી શું કેમ મોહ્યો ? ૧૫. વચન એવું સાંભળીને, કોપિયા શિવરાય; કડાક લઈને ત્રિશુળ માર્યું, થનાર હોય તે થાય.
૧૬. ત્યારે શ્રીકૃષ્ણે મુક્યું સુદર્શન, આવ્યા સામસામાં ધાય; માંહે માંહે યુદ્ધ કરે છે, બળ કહ્યું નવ જાય. ગણપતિને કુંવર પ્રદ્યુમન વઢતા બન્ને કુમાર; વસુમાન ને બટુક ભેરવ, કરતા મારામાર. ૧૮. વીરભદ્રને બળરામ સામા, યુદ્ધ કરે માંહે માંહે; શિવને શામળિયો વઢે, ત્યાં જોવા સરખું થાયે. ૧૯. કાળ ભૈરવ કપાળ ભૈરવ, તૈક્ષણ ભૈરવ, સાર; સંહાર ભૈરવ, ક્રોધ ભૈરવ, દંભ ભૈરવનો સાથ. ૨૦. ઉગ્રસેન ને વીરસેન; બે જોદ્ધા કહેવાય; આપ આપના ભીરું લઈને, યુદ્ધ કરે રણમાંય. ૨૧. ભૂત પ્રેત પિશાચ વંતર, ડાકણ વગેરે ચુસે; અવળા પગે જેને ચુડેલ કહીએ, રૂધિર સહુનું ચુસે.
૨૨. કૃષ્ણ કેરા મારના ભાલા, વાગે ભચોભચ; તલવારોની ધારોએ, કોનાં નાક વાઢ્યા ટચ. ૨૩. કોઈને અધમુઆ કીધા, હાથ તણી લપડાકે, કોઈને માર્યા પાટું પાની; ભોંગળને ભડાકે. ૨૪. જાદવ કેરા મારથી, બહુ ઝોળિયે ઘાલ્યા જાય; કોઈને રણમાં રોળિયા, કોઈની થરથર ધ્રુજે કાય. ૨૫. પરીધ ત્રિશુળ તંબુર ફરસી, નાળ છુટે સરરાટ; ગડગડતા ગોળા પડે, થાય બહુ ખડખડાટ. ૨૬. અસ્થિ ચર્મને માંસની, બે પાળ બંધ ન થઈ; સાગર શું સંગમ મળ્યો, એમ રક્ત જ કેરી સરીતા વહી. ૨૭. પાંડુરોગને હૈયે હોળી, ભગંદર કેરી જાત, હરસ નારું ને પાઠું કહીએ, કરુણ તુલ્ય સનેપાત.
૨૮. રોગ તણો માર બહુ દેખી, જાદવ નાસી જાય. રોગના વરસાદથી કોઈથી, ઊભું ન રહેવાય. ૨૯. રોગના વરસાદથી, ચઢી હરીને રીસ; તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા શીશ. ૩૦. તાવ વાણી બોલિયો, રહેવાને આપો ઠામ; તેમ અમને પેદા કરીને, ક્યાં મારો ભગવાન ? ૩૧. પાપી તમે મૃત્યુ લોકના માનવીના લ્યો પ્રાણ; તાવ વાણી કહે કથા સાંભળે, હરીહર કેરું જ્ઞાન. ૩૨. મહારાજ ત્યાં અમે નહિ જઈએ, સાંભળો અશરણા શરણ; ચૈતર માસમાં સાંભળે જે ઓખાહરણ. ૩૩. તેના સ્વપ્નાંતરમાં જાશો; તો છેદી નાખીશ શીશ; તાવની વાણી સાંભળીને, બોલ્યા શ્રી જગદીશ.
૩૪. ઓખાહરણ સાંભળે; મનભાવ કરીને જેહ; તેને પીડો તો મારી નાંખું, એમાં નહિં સંદેહ. ૩૫. તાવ કહે એક વાર સાંભળે, તે વરસમાં ન જાવું; બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાંઉં. ૩૬. ક્ષણવાર જે સાંભળે, તમારું જે જ્ઞાન; તેને જનમ માંહે નવ પીડું, તમે સાંભળો ભગવાન. ૩૭. ઓખાહરણ જે સાંભળે, તેનું ન લઈએ નામ; કોલ લઈને સંચર્યા, ગયા કૈલાશ ધામ. ૩૮. શુકદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો કહું રાય; વળતાં ભાથા ભીડિઆ, કૈલાશ કેરે રાય. ૩૯. શસ્ત્ર એવાં કહાડિયાં; તેનો ન પામે પાર; ઈશને જગદીશ વઢતા, કોઈ ન પામે હાર. ૪૦. વજસ્ત્ર ત્યાં મેલિયું, પોતે શ્રી ત્રિપુરારી; ત્યારે મોહાસ્ત્ર મેલિયું, સામા રહી દેવ મોરારી.
૪૩. સુદર્શન ત્યાં કહાડિયું, ક્રોધ કરી જગદીશ; ત્યારે ત્રિશુળને લઈ રહ્યો પોતે ઉમિયા ઇશ. ૪૪. એકે લીધો પોઠિયો ને, એકે લીધો ગરુડ; ત્રિશુળને સુદર્શન વળગ્યા, તે આવ્યાં કડાઝુડ. ૪૫. તેમાંથી અગ્નિ વરસે, બ્રહ્માંડ પ્રલય થાય; શેષ નાગ સળકવા લાગ્યો, ભાર ન ખમે ધરાય, ૪૬. બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને, તમે સાંભળો મારા નાથ; શિવ ને શામળિયો વઢે, નારદે કીધો ઉતપાત. ૪૭. રાડ જઈને ચુકવો, તેમાંથી થાય કલ્યાણ; હંસે ચઢીને બ્રહ્માજી આવ્યા, વિચારીને જ્ઞાન.૪૧. નાગાસ્ત્ર ત્યાં મેલિયું, સામા રહી ઉમિયા ઈશ; ગરૂડાસ્ર ત્યાં મેલિયું, પોતે શ્રી જગદીશ. ૪૨. પર્વતાસ્ત્ર ત્યાં મેલિયું, સામા રહી શિવરાય; વાવાસ્ત્ર ત્યાં મેલિયું, તેને જોર કહ્યુ નવ જાય.
કડવું -૭૯ મું. રાગ ધનાશ્રી – આ બેમાં કોને નિંદુ તે સાંભળો શિવ રણછોડજી; વિરોધને વેગડો મુકીને, પૂરો ભગતના કોડ. ૧. શંકર કહે છે કૃષ્ણને, તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બે કોટે વળગ્યાં; દીધું ઝાઝું માનજી. ૨. શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાને વિવેકજી; વઢનારાં તો કોઈ હશે પણ આપણ એકના એકજી. ૩. કૃષ્ણ ચક્રને પાછું લીધું, શિવે લીધું ત્રિશુળજી; બ્રહ્માએ આવી સમાધાન કીધું, થયું પૃથ્વીમાં શુભ જી. ૪. શિવે લઈને પાસે તેડ્યો, શોણિતપુરનો નાથજી, અલ્યા તુજને ભુજ આપ્યા માટે, વાઢવા આવ્યો મુજ સાથજી.
૫. વળી હોંશ હોય તો યુદ્ધ કરો, શામળિયાની સાથ જી. મદ મત્સર અહંકારથી તેં ખોયા હજાર હાથજી. ૬. બાણાસુર કહે હવે વઢું તો છેદે મારૂં શીશજી, બાણાસુર શરણે ચાલ્યો, સાંભળો ઉમિયા ઈશ જી. ૭. વલણ-મેં ખોયા હાથ હજાર ને, હવે શિર છેદાવું રે, તેમ કરીને જાન તેડાવો, પછી કન્યા પરણાવું રે. ૮.
કડવું-૮૦ મું રાગ સોહીણી – હરિહર બ્રહ્મા ત્રણે મળ્યા. દુ:ખ ભાગીયાં રે, ત્યાં દાનવનું શું જોર, મળ્યા વન માનીઆરે. ૧. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણ એક છે, દુ:ખ ભાગીયાં રે; તેમાં તે શી વઢવાડ. મળ્યા. ૨. શિવ બાણ કૃષ્ણને નમાવીઓ, શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ. ૩. કાપ્યા હાથની પીડા મટી દુ:ખ; જ્યારે. પ્રસન્ન થયા જદુનાથ મળ્યા. ૪. હવે ગરૂડને દ્વારકા મોકલો. દુ:ખ તેડાવો. સઘળો પરિવાર, ૫. સોળ સહસ્ત્ર એકસો આઠ પટરાણીઓ, તેડાવો જાદવની નાર. ૬. તેડી છપ્પન કોટિને, વળી તેડો સહુ પરિવાર. ૭. તે ગરૂડ ઉપર સહુએ ચઢ્યાં, ત્યારે ગરૂડની પાંખ ભરાય, તેડી શોણિતપુરમાં આવીયાં, આવી જાદવન સરવે નાર, ૯. જાનીવાસા આપ્યા મનગમતાં, ૧૦. તેમાં ઊતર્યા છપ્પન કરોડ; મળ્યા મન માનીયા રે.
કડવું-૮૧ મું. રાગ ધોળ- પાર્વતીને પિયરના નોતરડાં રે, બેસવા તો રૂડા લાવજો પાથરણાં રે; તેડાવો ઉદિયા ચળ અસ્તાચળ રે; તેડાવોને વિંધ્યાચળ પીના ચળ રે, વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે.
કડવું-૮૨ મું રાગ ગુર્જરી – કૃષ્ણ કેરી તરુણી, નિંદ્રા નવ પોઢશો રે; અનિરૂદ્ધને લઈ સંચરો રિવતી જાગવું રે, બળભદ્ર કેરી તરુણી, નિંદ્રા નવ પોઢશો રે; અનિરૂદ્ધને તે લઈ સંચરો, રૂક્ષ્મણી જાગવું રે. વાસુદેવ કેરી તરુણી, નિંદ્રા નવ પોઢશો રે; અનિરૂદ્ધને તે લઈ સંચરો, રૂક્ષ્મણી જાગવું રે, મહાદેવ કરી તરુણી નિંદ્રા નવ પોઢશો; ઓખાબાઈને તે લઈ સંચરો, શુધ બુધ જાગવું રે, ગણપતિ કરે તરુણી, નિંદ્રા નવ પોઢશો રે; ઓખાબાઈને તે લઈ સંચરો, શુધબુધ જાગવું રે બાણાસુર કેરી તરુણી, નિંદ્રા નવ પોઢશો રે; ઓખાબાઈને તે લઈ સંચરો; બાણામતિ જાગવું રે, કૌભાંડ કેરી તરુણી નિંદ્રા નવ પોઢશો રે, ઓખાબાઈને તે લઈ સંચરો, રૂપવતી જાગવું રે.
કડવું -૮૩ મું રાગ ધોળ – હલહલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની અંબાડી રે, તેના ઉપર બેસે વરજીની માડી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મોડ ભમરિયાળો ઝળકે રે ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે, નાનાં વિધનાં વસ્ત્ર પહેરાવ્યાં પરિધાન રે, કનક મેખલા પોંચીઓ; બાજું બંધ રે, અનુપમ ઉપજ્યો આનંદ રે, મુગટ મણિમય ધર્યો અનિરૂદ્ધ શીશ રે. ઝળકે ઝળકે ઉદય જ જેવો દીસે રે, કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે વળતી, તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે; હળધરનો જશ બોલે બધા જન રે, જાદવ સહિચ શોભે છે જુગતજીવન રે. સાત પાંચ સોપારી શ્રીફળ અપાય રે, વરજીને તો ઘોડીની વેળા થાય રે.
કડવું -૮૪ મું. રાગ દેશી ઘોડલીનો – અરી હાં રે, અનિરૂદ્ધ ઘોડલી. ટેક. અંત્રીક્ષથી ઘોડી ઉતરી. પુજીએ કુમ કુમ ફુલ; ચંચળ ચરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મૂલ. ૧. મોરડે મોતી જડ્યાં રે, હીરા જડિત પલાણ; રત્ન જડિત જેનાં પેંગડાં રે, તેના વેદ કરે છે વખાણ. ૨. અંગ જેનું અવનવું, ઝળકે ઝાકઝમાળ; ઝબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘુઘરમાળ. દેવ દાનવ માનવી રે, જોઈ રહ્યા સુંદર શ્યામ; થનક થનક ચાલતી રે, એનું પંચકલ્યાણી છે નામ. ૪. રૂપવંતી ઘોડી ઉપર, અનિરૂદ્ધ થયા સવાર; પાનનાં આપ્યાં બીડલાં રે, શ્રીફળ ફોફળ સાર.
૫. હિંડે હળવો હાથીઓ ઉલટ અંગ ન માય; સુરીનર મુનિજન જાએ વારણે રે. આગળ ઈન્દ્ર રહ્યા છડીદાર. ૬. સનકાદિક શિવ છત્ર ધરે, નારદ વીણા વાયુ ચંદ્ર સૂરજ બેઉં પેંગડે રે, આગળ વેદ ભણે બ્રહ્માય. ૭. વાજાં છત્રીસ વાગતા રે, નગર અને પરદેશ; લોક સર્વે જોવા મળ્યું, શોણિતપૂર દેશ. ૮. રાયે નગર સોવરાવિંયું રે, સોવરાવી છે વાટ; ધજા પતાકા ઝળહળે રે, જશ બોલે બંદીજન, ભાટ. ૯. દેવ સરવે તે આવીયાં રે. જશ બોલે બંદીજન જાચક ત્યાં બહું જાચતા રે, જેને હિંડોળે નિરધન. ૧૦. રામણ દીવો ઈચ્છે રૂક્ષ્મણી રે, લુણ ઉતારે બેની ધીર; ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર.
૧૧. એવી શોભાયે વર આવ્યો રે, ત્યાં તોરણે ખોટી થાય; વરરાયને સાળો છાંટે છાંટણાં રે, મળી માનુની મંગલ ગાય. ૧૨. ધુસળ મુસળ રવઈઓ. રે. સરિયો સંપુટ ત્રાક; ઈંડી પીંડી ઉતારવાં રે, વરને તિલક તાણ્યું નાક. ૧૩. નાચે અપ્સરા ઈંદ્રની રે નારદ તંબુર વાય; મધુર વીણા વાજતી રે, એવો આનંદ ઓચ્છવ થાય, ૧૪. પુંખવા આવી પ્રેમદા રે, માથે મેલી મોડ; રામણ દીવો ઝળહળે રે, રૂક્ષ્મણીએ ઘાલ્યો મોઙ ૧૫. ગળે ઘાટ ઘાલી તાણિયા રે; આવ્યો માંહ્રરા માંહ્ય, આડા સંપુટ દેવરાવિઆ, ત્યાં, વરત્યો છે જે જે કાર. ૧૬. ઘોડી ગાય ને સાંભળે તેને ગંગા કેરું સ્નાન; વાંઝિયો પામે પુત્રને રે, નિરધનીઓ પામે ધન. ૧૭.
કડવું -૮૫ મું. બાણાસુર પખાળે શરણ શોભા ઘણેરી રે; ત્યાં તો બાણમતી મંગળ ગીત ગાય, શોભા ઘણેરી રે. ૧. ત્યાં તો પહેલું મંગળ વરતાય, શોભા ઘણેરી રે. પહેલે મંગળ સોનાના દાન અપાય. ૨. દાન લે છે કૃષ્ણનો સંતાન. ત્યાં તો બીજું મંગળ વરતાય, ૩. બીજે મંગળ ધેનુના દાન અપાય, ત્યાં તો ત્રીજું મંગળ વરતાય, ૪.
ત્રીજે મંગળ હસ્તીના દાન અપાય, દાન લે છે કૃષ્ણનો સંતાન, ત્યાં તો ચોથું મંગળ વરતાય, ચોથા મંગળ કન્યાના દાન અપાય, પ. ત્યાં તો વરતાયા મંગળ ચાર, આપે ગરથ સહિચ ભંડાર, ૬. લાવે બાણમતિ કંસાર, ત્યાં તે પીરસે છે ચાર વાર, ૭. ત્યાં તો આરોગે નરનાર, ત્યાં દુધડે સ્નાન કરાય. ૮. સૌભાગ્યવતી બોલાવે, ઓખા સૌભાગ્યવતી કહેવરાવે. ૯. ઓખા અનિરૂદ્ધ પરણીને ઊઠ્યાં, ત્યાં તો જાનૈયો મેરૂ ત્રુઠ્યા, શોભા ઘણેરી રે. ૧૦.
કડવું-૮૬ મું. બાણાસુર ગોરડી નોતરે, સૌ કોઈ સાથ શું રે. સાથે જમણની રીત, હળધર ભ્રાત શું રે. શ્રીકૃષ્ણ કરે પ્રણામ, હળધર ભ્રાત શું રે, તમે ગોરડી વેળા પધારજો સૌકો આવજો રે, સાથે માણસની રીતે, ગમે તેને લાવજો રે; વેવાણ ઘરમાં ગઈ, જ્યાં વરની માવડી રે, તેના કુમ કુમ રોળ્યા પાય, જઈ પાયે પડી રે, અનિરૂદ્ધની માવડી બોલિયાં રીત અમારડી રે, ગોરડી મનાવીને ચાલિયાં મન શું માલતાં રે; હાલ હાલ કરો રસોઈ, રાંધણ ચાલતાં રે, રસોઈ બહુ પ્રકારની ગણતાં નવ લહું રે, કાંઈ વસ્તું અનેક ગણતાં સહું કહે રે, જાદવ કેરી જોડ, સહુકો સાથે શું રે, આવ્યા મહારાજ, છપ્પન ક્રોડ શું રે.
વેવાઈની વાત, કાંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ, જુગતિઓ ભલી રે, આજ્ઞા આપી રાય, સહુકો બેઠાં થયાં રે; એ તો સ્નાન કરી, મંદિરમાં ગયાં રે. સ્મરણ કીધું નાથનું બેઠા બેસણે રે; નવ જોબનવંતી નાર, નીકળી પીરસણે રે, ચમકતા તકિયા ઘણા; ઝારી લોટડા રે, માંહે બેસણે બહુ વિવેક. દિસે ફુટડા બાવન ગજની થાળી, સોનાના વાડકા રે, પીરસનારી પ્રમાણ, જમનારા લાડકા રે, ખાંડ પકવાન મેવા, બહું ઘણા રે, પુરણને દુધપાક, સાકરીયા ચણા રે.
ગોટા તળિયા, તડબુચા, આંબા શાખશું રે; પિસ્તાને અખરોટ, દાડમ દ્રાક્ષ શું રે; તલ સાંકળી મોળાં દહિંથરા; સેવ છુટી કળી ર; ખોબલડે પીરસે ખાંડ, મરકી બેવડી રે. ખાજાં જલેબી, દીસતી, દાળિયાં મસમસે રે; ઘેબર ને મોતીચુર, જમતાં સહુ હસે રે, મગદળને મેસુર, પેંડા લાવીઆ રે; પકવાન બીજા અનેક લાકડશી ભાવીઆ રે.
બાટબંધટો રાંધીઓ મોંહે ખાંડ ભેળી રે; ગવરીના તાવ્યાં ઘી, શેવો ગળી રે; સારો કર્યો કંસાર, પોળી પાતળી રે; સાકરની મીઠાશ, આણી કચોળે ભરી રે. જમવા બેઠી નાર, જાદવની બાપરી રે; જમતાં કહે ભલી રે, લવિંગ સોપારી એલચી રે, પાન સમારીઆ રે; બીડલે બાસઠ પાન, સહુને આપીઆ રે સાજન હતું કૃષ્ણનું; તે સર્વે જમ્યું રે. પ્રેમાનંદના નાથ, ત્યાં વહાણું થયું રે.
કડવું -૮૭ મું. રાગ પહેરામણીનો – આપ્યું મુક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વળાવો; મારા નવલા વેવાઈઓ. રથ ઘોડાને પામરીઓ, સૌ જાદવને બંધાવો; મારા નવલા વેવાઈઓ. જરકસી જામા, તમે કૃષ્ણને પહેરાવો; મારા નવલા વેવાઈઓ. પંચ વસ્ત્રને શણગાર, તમે જમાત્રને આપો; દક્ષિણના ચીર, રાણી રૂક્ષ્મણીને આપો. ઘરચોળા, સતી સત્યભામાને આપો. મારા નવલા વેવાઈઓ. પાટણમાં પટોળા; રાણી જાંબુવતીને આપો; મારા નવલા વેવાઈઓ.વલણ- પહેરામણી પૂરણ થઈ, હૈડે હરખ ન માય રે; કન્યા તેડી કોડ કરી, હવે કૃષ્ણ દ્વારિકા જાય રે.
કડવું – ૮૮ મું. રાગ વરાડી – ઓખા ચાલી ચાલણહાર, સૈયરો વળાવા સંચરી; ઓખા ઊભી રહે મળતી જા. માને વહાલી દીકરી; કોઈ લાવે એકાવળ હાર, કોઈ લાવે સોનાનાં સાંકળાં; કોઈ લાવે શોળ શણગાર, ઓખાબાઈને પહેરાવવા. ઓખાજી વળતાં બોલિયાં; કહે બાઈ રે. ચિત્રલેખા આવ ઓરી, આ વાર રે, આ લે સોનાના સાંકળાં બોલ્યાં બાઈ રે, તારા ગુણ ઓશિંગળ ગાઉં, બોલ્યાં બાઈ રે; નીત નીત ગોમતી ને રણછોડ આવ્યા નાહી રે, ત્યાં મુજને સંભાળજો, બાઈ રે; એટલે પહોંચ્યા મનના કોડ, મારી બાઈ રે,
કડવું -૮૯ મું. રાગ ધોળની દેશી- ઓખાબાઈ તો સાસરીએ હવે જાય રે, માનુની તો મળી મંગળ ગાય રે; રથ અગ્રે પૈડે શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડું કચોળું અપાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે.
કડવું -૯૦ મું. રાગ બીભાસ – સાસરિયા સાથમાં, તું ડાહી થાજે દીકરી; હું તુજને શિખામણ દઉં તે રખે જાતી વીસરી સાસરિયાના સાથમાં, હળવે હળવે ચાલિયે; સાસરિયાના સાથમાં, ખોળે ખાવાના ઘાલિયે, સાસરિયાના સાથમાં, કંથ સારૂં માલિયે; સાસરિયાના સાથમાં, સૈકડો આધો તાણીએ. સાસરિયાના સાથમાં, કુવે વાત ન કીજીએ; સાસરિયાના સાથમાં, પર પુરૂષ સાથે વાત કરતા બીજીએ, સાસરિયાના સાથમાં ઢુંકી પાણી નવ લીજીએ; સાસરિયાના સાથમાં, પર પુરૂષની હસી તાળી નવ લીજીએ; પિયુજીને પરમેશ્વર જાણી, પગ ધોઈ પીજીએ રે.
કડવું -૯૧ મું. રાગ ફટાણાની ચાલ – આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેલી લાડી લઈ વળ્યો રે; જેણે વડવે ચાર્યા ઢોર, લાખેણી હાર્યો બાણાસુર રાય, કૃષ્ણરાય જીતીયા રે; વેગે આવ્યા દ્વારિકાની માંય, કેશવરાય જીતીયા રે, રાણી રૂક્ષ્મણીએ વધાવી લીધા, ત્રિકમરાય જીતીયા રે; તે તો પુરાણે પ્રસિદ્ધ, ધીંગડમલ જીતીયા રે. તે તો ગોત્રજ આગળ જાય, કલ્યાણરાય જીતીઆ રે; બંનેના હાથે કંકણ, મીંઢળ છોડાય, કલ્યાણરાય જીતીઆ રે.
કડવું-૯૨ મું. રાગ ધોળ મંગળ- તારા બાપનો બાપ તેડાવ, છોગાળા દોરડો નવ છુટે, તારો કૃષ્ણ વડવો તેડાવ, છબીલા દોરડો નવ છુટે. તારી રૂક્ષ્મણી માત તેડાવ, તારો પ્રદ્યુમન તાત તેડાવ, છબીલા. તારી રતુમડી માતા તેડાવ, છબીલા. બ્રહ્માએ વાળી ગાંઠ, છબીલા. તારો બળભદ્ર કાકો તેડાવ, છબીલા; તારી રેવતી કાકી તેડાવ. છબીલા. તેની રૂદ્રે બાંધી ગાંઠ, કેમ છુટી જાય, હો લાડી; તારો બાણાસુર તેડાવ. હો લાડી.
બાણમતી માત તેડાવ, હો લાડી; તારો શંકર તાત તેડાવ હો લાડી; દોરડો નવ છુટે, તારી પારવતી માત તેડાવ, હો લાડી; તારો ગણપતિ ભ્રાત તેડાવ, હો લાડી, દોરડો નવ છુટે; તારી શુદ્ધ બુદ્ધ ભોજાઈ તેડાવ, હો લાડી; દોરડો નવ છુટે, તારી ચિત્રલેખા ચોર તેડાવ, હો લાડી; દોરડો નવ છુટે. ઓખા છોડે દોરડો તે જાદવ જુવતી ગાય, છબીલા દોરડો નવ છુટે. બેઠી ગાંઠ તે છુટા જાય, છબીલા દોરડો કેમ છુટે.
કડવું -૯૩ મું. રાગ ધનાશ્રી – રીત ભાત પરિપૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી, નવું રે મંદિર વસાવવાને ત્યાં આપ્યું રે ભુવનજી. એકવાર શ્રીકૃષ્ણે ઓખાને; ખોળા માંહે બેસારીજી; માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુઅર અમારીજી. મારા બાપને એક દીકરો; તમે આપો રે ભગવાનજી; ભગવાને આપ્યો દીકરો, તેનું ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર વંશ ધારણહારજી; કહી કથાનો સંદેશ ભાગ્યો, પરિક્ષીત લાગ્ય પાયજી. શુકદેવજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી. આરાધું ઈષ્ટ ગુરુદેવને, ગણપતિને લાગું પાયજી. શ્રોતા વક્તા સહું સાંભળો; કહે કવિ કર જોડજી; ભાવ ધરી સહું બોલજો જય જય શ્રી રણછોડજી.