ઓખાહરણ 57 થી 62 । okhaharan

0
226

કડવું -૫૭ મું.    રાગ સોરઠ – કૌભાંડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ; એ ભોંગળે દશ લાખ માર્યા, તેને ન રહ્યો તારો ધર્મ. ૧. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત; એક ભોંગળે દશ લાખ માર્યા, કીધો મહા ઉત્પાત. ૨. પુર્વે મેં તને પ્રિછવ્યો, અહંકારે થયો તું અંધ; અહંકારે લંકા ગઈ, રામે રે માર્યો દશસ્કંધ ૩.

અહંકાર ચંદ્રમાએ કર્યો, તેને રોહિણી શું સંજોગ; છવ્વીસ નારી પરહરી, માટે ભોગવે ક્ષય રોગ. ૪. એવા અહંકાર હું અનેક કહું, સાંભળને ભૂપાળ; વાંક કોઈનો કહાડીએ નહિ, પણ ફુટ્યું તારું કપાળ. ૫. અહંકાર તુજ બાપે કર્યો, જેણે જીત્યા દશ દિગ્પાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને, બળી ચાંપ્યો પાતાળ. ૬. અહંકાર કોઈનો છાજ્યો નહિ, ગર્વ ન કીજે રાય; ગર્વ કોઈનો રહ્યો નહિ, તમે વિચારો મનમાંય .

૭. પહેલી ધજા ભાંગી પડી, વરસ્યો રૂધિરનો વરસાદ; નક્ષત્ર તૂટી પડ્યું ને, થવા માંડ્યો ઉત્પાત. ૮. હવે તત્પર થઈને સેના સાંભળો, નહિ નાઠાનું કામ; દશ દિશા તું જીતીને આવ્યો, છોકરે બોળ્યું તારું નામ. ૯.રાય પહેલા મેં તને પ્રિછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ; આ સમે એ વલોકતામાં, ઉદય પામ્યો અસ્ત. ૧૦.

સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો, એ છોકરે વાળ્યો છેક. ૧૧. વચન એવું સાંભળીને, રાયની ગઈ છે સુધને શાન; સ્થળ પર અંગે દેખી રાજનુ, પછી બોલ્યો પ્રધાન. ૧૨. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે, તેમ પૃથ્વી કરું શતખંડ. ૧૩. કહો તો એને બાંધી લાવું, એમાં તે કેટલું કામ; શોણીતપુરના સુભટ કેરા, શોક ટાળું હાલ.

૧૪. રળિયાત થવા વચન સાંભળી, આપ્યા સહું શણગાર; તું મારો વડો બાંધવ, આ તારા સર્વ ભંડાર. ૧૫. જાઓ વીરા તમે જઈને, કરી આવો શુભ કામ; વધામણી પહેલાં મોકલજો, પેલા શત્રુને ફેંકી ઠામ. ૧૬. વચન શીશ ચઢાવીને ઊઠ્યો, તેણે કીધો સૌ શણગાર; સૈન્યા સઘળી સજ કરી; તેની શોભાનો નહિ પાર. ૧૭.

મહા મોટો ગજ ગીરીવર સરખો, મદગણીત કહેવાય; હીરા માણેક રત્નજડિત અંબાડી, તેની જ્યોતે રવિ ઢંકાય. ૧૮. સૂર્યવંશી ને સોમવંતી, પાખોરિયા કેકાણ; મોરડે મોતી જડિત, તેને હીરા જડિત પલાણ. ૧૯. અનેક અશ્વ દોડિયા, આગળ ગણતાં ન આવે પાર; અનેક પાલખી રથ ઊંટની, તેને સુભટ થયા અસવાર. ૨૦. સિંહલદ્વીપના હસ્તી મોટા, તેને જડ્યાં માણેક અપાર; મેઘાડંબર છત્ર ધરીને, મંત્રી થયો અસવાર.

૨૧. નગારોનો ઘોંસ વાગે, શરણાઈઓના સૂર, સૈન્ય સઘળું પરવળ્યું, જાણે સાગર આવ્યું પૂર. ૨૨. નાળ ગોળા કવચ ભાલા, કરતા મારો માર; માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. ૨૩. સ્વામી તમારા મનમાં આવે તો, કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકા  લઈ જાય તો, સાધે સઘળું કાજ. ૨૪.

વચન સુણીને જ્વાળા લાગી, ચઢી અનિરૂદ્ધને રીસ; ચરણ કેરી આંગળીથી, જ્વાળા લાગી શીશ. ૨૫. યુદ્ધ વિષે સનમુખ ન રહું તો, લાજે મારો વંશ; બાણાસુરને એણી પેરે મારું, જેમ કૃષ્ણે માર્યો કંસ. ૨૬. એવા માહે જોદ્ધા આવ્યા, દેવા લાગ્યા ગાળ; ક્રોધે ચઢ્યો બહુ કામ કુવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ૨૭.

  કડવું -૫૮ મું. રાગ- ભુપાળ- ઓખા કહે કંથને એમ ન કીજે, બળીયા શું વઢતાં બીજે; એ ઘણાને તમો એક, તાતે મોકલ્યા યોદ્ધા અનેક, દૈત્યને વાહન તમો પગ પાળા, એ કઠણ તમો સુંવાળા; એને ટોપ કવચને બખતર, તમારે અંગે સોહે પીતાંબર, દૈત્યને સાંગને બહુ ભાલા, પ્રભુ તમે ઠાલામાલા; આ તો મસ્તાના છે બહુ બળિયા. તમો સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો; તમારી દેહને દેખીને હું તો મોહું, નેત્રે જુદ્ધ કરતાં કેમ જાઉં ?મુવા દૈત્ય કરે હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા; ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્ય માળિયું લીધું વીંટી, ઘણો ક્રોધી વિરોધો છે બાણ; હાકે ઈન્દ્ર જાય આસમાન, જન સ્થંભે તાતની હાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચાકે. જેને નામે તે મેરું હાલે ચક્રધારી સરખાનું નવ ચાલે; ક્ષત્રી સાથ રહે છે બીતો, તમે કંઈ પેરે એને જીતો ?મંત્રી રહ્યો છે દંત જ કરડી, શેં ધાઓ છો મુછો જ મરડી, કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કીયો ઠામ ? હવે જીવતા છુંટવું નહિ, સૈન્ય મારીએ સામા થઈ; નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય ?નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં, મહુવર વાજે મણિધર ડોલે; ન ડોલે તો અળશિયા તોલે, ધન ગાજે કેશરી દે ફાળ, ન ઉછાળે તો જાણવો શિયાળ, ક્ષત્રી શોભે દેખીને દળ, ન શોભે તો વ્યંઢળ જાણ, હાકે વાઘ ન માંડે કાન, તો જાણવો નિશ્ચે શ્વાન; ઘરમાં જોદ્ધો રહે કો પેસી તો ચરણ વિનાનો રહે બેસી, એમ કહીને ઓખા અળગી કીધી, જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરૂદ્ધ લીધો વીંટી દળમાં; અસુર કહે એ માનવી કશું, બહું સિંહમાં બગલું પશું. જો મુગટ મંત્રીને ચરણે ધરે તો તું મૃત્યું થકી ઉગરે, તેનાં આવાં વાક્ય સાંભળી, અનિરૂદ્ધ ધાયો હોંકારો કરી. નાખે દૈત્ય ખાંડાને મુગદલ, તેમ વિષ્ણું નાંખે ભોંગળ; વીસ સહસ્ત્ર આયુધ સૌ તુટ્યા, એક વારે બહુ છુટ્યાં. આયુદ્ધ ધારા રહી છે વરસી, છુટે પરિધ ને ફરસી; થાય દાનવ ટોળે ટોળાં, વરસે ભીંડી સાળ ને ગોળા, બોલુ દુંદુંભીના ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ; હાં કે હસ્તીને પાડે સુસવાટ, રથ ચક્ર વાજે ગડગડાટ, હોય હયના ઘણા હણહણા

દેખી દોહ્યલો નાથનો ઘાટ; થાય ઓખાને ઉચાટ, દેખી દોહ્યલો નાથનો ઘાટ, પછી દાનવનો વાળ્યો દાટ, અનિરૂદ્ધે મુકાવી વાટ, કોઈને ઝીંક્યા ઝાલી કેશ, કોઈને ઉડાડ્યા પગની ઠેસે, કોઈને હણ્યા ભોંગળને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે; કોઈને ભાલા વાગ્યા ભચોભચ, કોઈનાં નાક વાટ્યાં ટચ, કોઈ અધકચરા કોઈ પુરા.

મારી સૈન્યા કર્યું ચકચુર; તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું; થાય પરસેવો અનિરૂદ્ધ દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે, ભડ ગાજ્યો ને પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ; થઈ બાણાસુરને જાણ, એક પુરુષે વાળ્યો ઘાણ, અસુરને ચઢિયો બહુ કોપ; સજ્યા કવચ આયુધ ને ટોપ; વાગી હાક ને ચઢિયો બાણ, તે તો થઈ ઓખાને જાણ.

વલણ- જાણ થઈ જે તાત ચઢિયો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે; ઓખા આંખ ભરતી, રૂદન કરતી, સાદ કરતી, નાથ રે.

    કડવું -૫૯ મું.       રાગ સામગ્રી – મારા સ્વામી હો ચતુર સુજાણ; બાણ દળ રે, જાદવજી; દીસે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે. જાદવજી એવા બળીયા સાથે બાથ, બાથ કેમ ભીડો રે, જાદવજી; સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હીંડો રે. જાદવજી. એ દળમાં આવ્યું બળવંત, દીસે રાતા રે, જાદવજી. એકલડા અસુરના મુખે, રખે તમે જાતા, રે. જાદવજી ઓ ગજ આવે બળવંત દંત, કેમ સહેશો રે; જાદવજી. અસુર અવર્ણ ધાય, તણાયા જાશો રે. જાદવજી. એવું જાણીને ઓસરીએ, ન કરીએ ક્રોધ રે. જાદવજી; એકલડાને આશરો શાનો, માનો પ્રતિબોધ રે. જાદવજી.

ધીરા થાઓ ને ધાઓ, વઢો તો ફાંસુ રે; જાદવજી; મારી ફરકે છે જમણી આંખ; વરસે છે આંસુ રે. જાદવજી. મને દિવસ લાગે છે ઝાંખો, ભોંગળ હેઠી નાખો રે; જાદવજી; હું તમને સમજાવું આ વાર, વચન મારું રાખો રે, જાદવજી; તમો મુજને દેહલડીના હંસ, મુકોને જુદ્ધ રે. જાદવજી; પાછા વળોજી લાગું પાય, માનો મારી બુધ રે.

જાદવજી; ઘેલી દીસે છે તરુણી, આ શી ટેવ રે; રાણીજી, અમો બાણ થકી ઓસરશું, તો કરશું સેવ રે. રાણીજી આવ્યો બાણાસુર ભૂપાળ, તેને હું મારું રે; રાણીજી, એના છેદું હાથ હજાર, દળ સંહારું દૈત્યનું રે. રાણીજી. અનિરૂદ્ધ રણ થકી ઓસરે, તો લાજે શ્રી ગોપાળ રે; રાણીજી અંત આપણો આવ્યો; હવે આવે નાઠે આવે આળ રે. રાણીજી.

વલણ- નાઠેે આવે આળ, નવ કીજે આવા વાદ રે, કહે પ્રેમાનંદ ઓખાબાઇએ અનિરૂદ્ધને કર્યો સાદ રે.

કડવું – ૬૦ મું.       રાગ -વેરાડી- ઓખા કરતી કંથને સાદ રે, હઠીલા રાણા, ઓ શા સારું ઉન્માર હો હઠીલા રાણા. ૧. હું તો લાગું તમારે પાય, હો હઠીલા રાણા, આવી બેસો માળિયા માંય, હો હઠીલા રાણા. ૨. હું તો બાણને કરું પ્રણામ, હો હઠીલા રાણા; કાલાવાલાનું કામ, હો હઠીલા રાણા. ૩. એ તો બળિયા સાથે બાથ, હો હઠીલા રાણા; તે તો જોઈને ભરીએ નાથ. હો હઠીલા રાણા. ૪. એ તો તરવું સાગર નીર, હો હઠીલા રાણા; બળે પામીએ ન પેલે તીર, હો હઠીલા રાણા. ૫. મને થાય છે માઠા સુકન, હો હઠીલા રાણા; મારું ફરકે છે જમણું લોચન, હો હઠીલા રાણા.

૬. મારો મોતીનો તુટ્યો હાર, હો હઠીલા રાણા; ડાબે નેત્રે વહે જળધાર, હો હઠીલા રાણા. ૭. દીસે ગગને ઝાંખો ભાણ, હો હઠીલા રાણા; દીસે નગરી ઉજ્જડ રાન, હો હઠીલા રાણા.૮. રુવે વાયસ ગાય ને શ્વાન, હો હઠીલા રાણા; એવા સુકન માઠા થાય, હો હઠીલા રાણા.૯.ધ્રુજતી દેખું ધરણ, હો હઠીલા રાણા, માંહો માંહે થાય છે. હાહાકાર; હો હઠીલા રાણા. ૧૧. ઓ દુંદુભી વાગ્યો ધાય, હો હઠીલા રાણા; એ તે સૈન્યા તમ પર ધાય, હો હઠીલા રાણા. ૧૨. ઓ આવ્યું દળ વાદળ, હો હઠીલા રાણા; ઓ ઝળકે ભાલાનાં ફળ, હો હઠીલા રાણા.

૧૩. પાખર બખ્તર પહેર્યા ટોપ, હો હઠીલા રાણા; દૈત્ય ભરાયા આવે કોપ, હો હઠીલા રાણા. ૧૪. આ વાજે ઘુઘરમાળ; હો હઠીલા રાણા; અશ્વ દેતા આવે ફાળ, હો હઠીલા રાણા. ૧પ. એ તો શૂરવીર મહાકાળ, હો હઠીલા રાણા, હવે થાશે કોણ હાલ, હો હઠીલા રાણા. ૧૬. નાથ જુઓ વિચારી મન, હો હઠીલા રાણા; જુધ રહેવા દો રાજન, હો હઠીલા રાણા. ૧૭. જો લોપો મારી વાત, હો હઠીલા રાણા; તમને માત પિતાની આણ, હો હઠીલા રાણા. ૧૮. આવ્યો બાણ તે પ્રલયકાળ, હો હઠીલા રાણા; મેઘાડંબર છત્ર વિશાળ, હો હઠીલા રાણા. ૨૦.

    કડવું – ૬૧ મું.       રાગ-સિંધુ આવી સેન્યા અસુરની અનિરૂદ્ધ લીધો ઘેરી; કામ કુંવરને મધ્યે લાવી, વીંટી વળ્યા ચોફેર. અમર કહે શું નિપજશે, ઈચ્છા પરમેશ્વરની; રિપુના દૈત્યના જુથ માંહે, અનિરૂદ્ધ લઘુ કેસરી, બાણારાણને શું કરૂં જો ભોંગળ ધરી ફોગટ, વેરી વાયસ કોટી મળ્યા, હવે કેમ જીવશે પોપટ, બાણાસુરે સુભટ વાર્યા; નવ કરશો કો ઘાત; વીંટો ચોદિશ સહુ મળીને, પુછું એને વાત.

માળિયેથી ઓખાબાઈએ રૂદન મુક્યું છોડી, પિતા પાસે જોદ્ધા સર્વે, હાથ રહ્યા છે જોડી. બળવંત દિસે અતિ ઘણો. સૈન્યા બિહામણી; પવનવેગી પાખરિયા તે, રહ્યા રે હણહણી આ દળ વાદળ કેમ સહેશો, ઓ સ્વામી સુકોમળ; અરે દૈવ હવે હું થાશે. પ્રગટ કામનાં ફળ દેવના દીધેલ દૈત્ય મુવા, તેને દયા નહિ લવલેશ, કાચી વયમાં નાથજીને, નથી આવ્યા મૂછને કેશ, ચાર દિવસનું ચાંદરણું, તે ચઢી ગયું છે લેશ વહી; આ જોદ્ધા પિયુને મારશે, દૈવડા જીવું નહિ.

અર્ભક તમારો એકલો, તેને વીંટી વળ્યા અસુર; એવું જાણીને સહાય કરજો, ઓ શામળિયા સુર, કષ્ટ નિવારણ કૃષ્ણજી, હું થઈ તમારી વહું; જો આંચ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સહુ; પ્રજાના પ્રતિપાળ છો, તમે પનોતા મોરારી; સંભાળ સર્વેની લીજીએ, નવ મુકીએ વિસારી. અમને તો પણ આશા તમારી, અમે તમારાં છોરું; લાજ લાગશે વૃ્દ્ધને, કોઈ કહેશે કાળું ગોરું. પક્ષ પલાણ પ્રભુજી, પુત્રની કરવા પક્ષ; ભગવાનને ભજતી, ભામિની, ભરથાર છે રિપુ મધ્ય, મુખ વક્ર નેત્ર બીહામણાં, મુખે મૂછો મોટી; તેવા અસુર આવી મળ્યા.

એક શંખને સપ્ત કોટી દળ વાદળ સેના ઉલટી, મધ્ય આણ્યો અનિરૂદ્ધ; વીર વીંટ્યો વેરીએ જેમ મક્ષિકાએ મધ. ધનુષ્ય ચઢાવ્યાં પાંચસો, બહું ચઢાવ્યાં બાણ; ગાયે ગુણિજન ગુણ બહુ; ગડગડે નિશાન અનંત અર્ભક એમ વીંટ્યો, જેમ શોભે ઈન્દું લઘુ; જેમ ઉલટે ઘણીને લલાટે, શ્વેતબિંદુ લઘુ, કુંજરની સુંઢ સરખા, શોભે છે ભુજ, સરાશન સરખી ભ્રકુટી, નેત્ર બે અંબુજ, તૃણ માત્ર જે વઢતો નથી, બાણના જે બાહુ; અનિરૂદ્ધ અસુર એવા શોભે, જેમ ચંદ્રમા ને રાહુ, આવી જોયું વક્ર દષ્ટે, મુછો મોટી ચક્ષવપુ શોભાવે ભુજ ભાલાને કેશ રૂપનું છે જેમ વૃક્ષ.

આ સમે કોવાડાને, અથવા ભોગળ રે કર ધારી; અરે ટાળુ રિપુ સંસારના, ઉતારૂં એનો ભાર. શિવબાણનું બળ છે, માંહે સર્વનો સાથ, કે પેટાળમાં પુરવજ વસે છે, પીંડ લેવા કાઢે છે હાથ. કાષ્ટના કે લાખના, એણે ઘડીને ચોડ્યા કર; અથવા કોઈ પંખી દીસે છે વંખેર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને, એ શું બોલે બાળ; કૌભાંડ સાંભળો એ, તમને દે છે ગાળ; બળીસુત અંતર બળ્યો ને લોકમાં તે બળવાન; શું કરૂ જો લાંછન લાગે, નીકર વિધિએ દઉં કન્યાદાન. ૨૪. સુભટ નિકટ રાય આવ્યો, બોલિયો બહું ગરવે, નફ્ફટ લંપટ નથી લાજતો, વિંટ્યો હણવા સરવે.

કુળ લજામણો કોણ છે, તસ્કરની પેઠે નિરલજ, અપરાધ આગળથી કેમ ઊગરે, જેમ સિંહ આગળથી અજ. અમસ્તો આવી ચઢ્યો, કાંઈ કારણ સરખું ભાસે; સાચું કહે જેમ શીશ રહે તુજ. બાળક રહે વિશ્વાસે; કોણ કુળમાં અવતર્યો, કોણ માત તાતનું નામ, અનિરૂદ્ધ કહે વિવાહ કર્યો, હવે પુછ્યાનું શું કામ ? પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે.

દ્વારિકા છે ગામ; છોડી છત્રપતિની વર્યો, હવે ચતુર મન વિચાર, વૈષ્ણવકુળમાં અવતર્યો મારૂં નામ તે અનિરૂદ્ધ; જો છોડશો તો નક્કી, બાંધી નાખીશ સાગર મધ્યે, બાણાસુર સામે જઈને, કૌભાંડ વળતું ભાખે;ચોરી કરી કન્યા વર્યો તે, કોણ વૈષ્ણવ પાખે ? પુત્ર જાણી કૃષ્ણનો, પછી બાણ ઘસે છે કર; નિશ્ચે કન્યા વરી, મારું દૈવ બેઠું ઘર. રીસે ડોકું ધુણાવીને, ધનુષ્ય કરમાં લીધું; બાણાસુરે યુદ્ધ કરવાને, દળમાં દુદુંભી દીધુ.

કડવું – ૬૨. મું.       રાગ-ગેડી – આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી; જોદ્ધાને નવ માયે શુર, ચઢી આવ્યું જેમ સાગર પુર. ૧. વાજે પંચ શબ્દ રણતુર, મારી જોદ્ધા કર્યા ચકચુર; બાણાસુરના છુટે બાણ, છાઈ લીધો આભલિયામાં બાણ. ૨. થયું કટક દળ ભેળાભેળ, જેમ કાપે કોવાડે કેળ; આવ્યા એટલા ધરણી ઢળ્યા. તેમાં કોઈ પાછા નવ વળ્યા. ૩. આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ, બાણાસુર ઉપર ભોંગળ પડી, ભાગ્યો રથ કડકડી. ૪. રાયની ગઈ છે શુદ્ધ ને શાન, ભાંગ્યું કુંડળ છેદ્યા કાન; પાછા લઈ ચાલ્યો પ્રધાન; ઘર જાતામાં આવી શાન.

૫. પછી બોલે છે રાજન, સાંભળો મારા પ્રધાન; હાય હમણાં ભોંગળ આવશે; જાણું છું જે જીવડો જશે. ૬. પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ; મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ. ૭. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો; અનિરૂદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. ૮. શિવનું વ્રત તે સાચું કરૂં, વચન એનું મસ્તક ધરું; અનિરૂદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરે મેલ્યું બાણ. ૯. આ ફેરી એ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગગડ્યો, લાતો ગડદા પાટું પડે, તે દેખી ઓખા રડે. ૧૦. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરૂદ્ધને લઈને સંચર્યો; મારતા કુંવરને લઈને જાય; ઓખા રૂવે માળિયા માય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here