વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણ મહાલક્ષ્મીના અવતાર રુક્મિણી
ક લાના વિભિન્ન અંગો- ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, સાહિત્ય, સંગીત, નૃત્યાદિને કારણે ભારતીય સંસ્કૃતિ અતિ સમૃદ્ધ કહેવાય છે અને પ્રાચીન કાળથી ચાલી આવતી પરંપરા અને સભ્યતા એ ભારતની સાચી ઓળખ છે સાથે સાથે કુદરતી સંપત્તિનો ભંડાર મેળવીને આપણે સૌ સંતાનોના મન, હૃદય અને ઘર પણ ભર્યા ભર્યા છે. એ વાત નિર્વિવાદ છે. કોઈ પણ સ્થળે જઈએ પછી તે ઐતિહાસિક મહત્ત્વનું હોય કે ધાર્મિક કે પછી ભલે નૈસર્ગિક સૌંદર્યની અનુભૂતિ કરાવતું તે ‘પ્રકૃતિ તીર્થ’ કેમ ન હોય ? આજના સમયમાં બહુ વ્હાલું વાક્ય એ છે કે, ‘બાય વન- ગેટ વન ફ્રી’નો અહેસાસ એ કરાવે છે. કુદરતી ગુફાઓનાં શિલ્પો અને ચિત્રો હોય, આસપાસ લીલી છમ વનરાજી હોય. સાથે સાથે પર્વત અને ખીણનો સાક્ષાત્કાર થાય. વળી કોઈ અજબ- ગજબ સ્થાપત્ય ધરાવતા ધર્મસ્થાનો હોય તો એ નદી, પર્વત, સમુદ્ર, ધોધ, તળાવ કે કુંડના સાનિધ્યમાં હોય. કિલ્લા, મહેલ- મહોલાતો ડુંગરની ધારે ધારે અને તેની ટોચે હોય. જંગલોની વચ્ચે દુષ્કાર લાગતા, દુર્ગમ રસ્તે, કદીક ખૂબ ઉંચે કે પછી ક્યારેક પાતાળમાં જઈને ઇષ્ટદેવ બિરાજેલા મળે. વાહ ! આનંદની અનુભૂતિની કોઈ મર્યાદા રહે ખરી કે ? એક બીજો મોટો લાભ આમાંથી મોટા ભાગના સ્થળોએ લોકકથા- લોકગીતો- દંતકથા સમાંતરે આપણને ન્યાલ કરી દે ત્યારે પ્રાચીન ગ્રંથોમાં સમાવાયેલી વાતોનો પણ આપણને પાશ લાગે. પૌરાણિક પાત્રોના ઉલ્લેખવાળા અનેક સ્થળોએ એકના એક પાત્રો વેશ બદલીને પ્રસંગમાં નાવીન્ય લાવીને, સામે આવીને આપણને પોતાનો પરિચય આપે. શ્રી કૃષ્ણનાં પટરાણી રુક્મિણીનાં સ્મૃતિમંદિરો કેટકેટલાં સ્થાને છે !
પારંપારિક નૃત્ય સહ ધામધૂમથી ઉજવાતો લગ્નપ્રસંગ
માધવરાયના પ્રાચીન મંદિરે કૃષ્ણ અને બલરામ ઉભા હોય એવી પ્રતિમા ઉપરાંત રુક્મિણી- કૃષ્ણની શણગારેલી અતિ સુંદર પ્રતિમા છે. પ્રતિ વર્ષ ઘેડના દરિયા કિનારે રામ નવમી દરમ્યાન શ્રીકૃષ્ણનો લગ્નોત્સવ આજે પણ ઉજવાય છે. કહેવાય છે કે માધવપુર ઘેડમાં લગ્ન થયા પછી વરઘોડિયું દ્વારકા તરફ પ્રયાણ કરી ગયું. માધવરાયજીના મંદિરના સુશોભન, કલા- કારીગરી અને પવિત્ર વાતાવરણને હૈયે ધરી રાજા દ્વારકાધીશ સપત્નીક સ્વગૃહે સિધાવ્યા. આખાય ઓખા મંડળમાં રાણી રુક્મિણી છવાઈ ગયા. દ્વારકા શહેરથી બે કિ.મી. દૂર દરિયા કિનારે ભાગીરથી ગંગા નામની ખાડી કાંઠે પટરાણી રુક્મિણીને સમર્પિત પશ્ચિમાભિમુખ અવ્વલ દરજ્જાના સ્થાપત્યથી શોભતું ૨,૫૦૦ વર્ષ જૂનું ુરુક્મિણી મંદિર આવેલું છે. લગભગ બારમી સદીનું કહેવાતું આ મંદિર ભીમદેવ સોલંકીએ બંધાવ્યાનું અનુમાન છે. દેવભૂમિ દ્વારિકાનું આ સુંદરતમ મંદિર ગર્ભગૃહ મંડપ અને પ્રવેશ મંડપનું બનેલું છે. ૮૨ ફિટ લાંબા, ૪૫ ફિટ પહોળા અને ૬ ફિટ ઉંચી જગતી ધરાવતા આ મંદિરમાં પશ્ચિમે મુખ્ય મંદિર અને રંગમંડપ સમક્ષ ચાર સ્તંભો ધરાવતો મંડપ છે. જગતીના પગથિયા ચડતાં જ લગ્ન ચૉરી જેવો મંડપ છે. અંદર સોળ સ્તંભોના ઘુમ્મટ હેઠળ ગર્ભગૃહ છે. તેમાં ઉંચી બેઠક પર રાણીની મુખ્ય પ્રતિમા (સેવ્ય સ્વરૂપ) છે. મંદિરનું પ્રવેશદ્વાર અત્યંત કલાત્મક છે. ઉંબરમાં કીર્તિમુખ અને ગંગા જમનાની પ્રતિકૃતિઓ છે. મંડપ પર વેલ, ગજથર, નરથર, દેવથર અને ગવાક્ષો છે. આ બધી જ રચના શિખરના તળની પેનલ ઉપર કોતરાયેલી જોવા મળે. ગવાક્ષોમાં દિક્પાલ તથા વિવિધ દેવી-દેવતાઓના દર્શન અવશ્ય થાય. નાનું પ્રાચીન સ્થાપત્યવાળું આ મંદિર જળસંગ્રહ, જંગલ અને પશુપક્ષીઓના નિવાસથી ઘેરાયેલું છે.
દેશના સર્વોત્તમ દરિયા કિનારામાંનો એક તે માધવપુર ઘેડ
પોરબંદરથી સાઇઠેક કિ.મી. દૂર માધવપુર ગામથી માત્ર ત્રણસો મીટર દૂર માધવરાય મંદિર છે. આ ઐતિહાસિક પ્રાચીન સ્થાપત્ય બારથી પંદરમી સદીના મંદિરોને મળતું આવે છે. અનેક આક્રમણોનો ભોગ બનેલું આ મંદિર રેતીમાં દટાયેલું હતું તે ૧૯૫૬માં સરકારશ્રીને ઉત્ખનન દરમ્યાન મળી આવેલું. અનેકવાર એનો જિર્ણોદ્ધાર થયાનું કહેવાય છે. હજી મૂળ મંદિર તેના પૂર્વકાલીન અકબંધ મંદિરનો ખ્યાલ આપે છે. એની નજીક જ નવું મંદિર બંધાયું છે. પ્રાચીન મંદિરના ભગ્નાવશેષમાં લાંબી પહોળી કીર્તિ (ધજા) કે ગૌમુખી (માળાનું કવર) મળ્યાનો પણ ઉલ્લેખ છે. આ સ્થળે બ્રહ્મકુંડ, રેવતી કુંડ, મધુવન, ગોમતી વાવ આદિ સ્થળોના અણસાર મળે છે. મહાભારત સાથે સંદર્ભ ધરાવતી મધુગંગા કે મધુમતી નામની નદી અહીં હતી એમ મનાય છે. મંદિર પીળી ઝાંયવાળા પથ્થરનું બનેલું છે જેની કુલ ઉંચાઈ ચાળીસ ફિટની છે. ગર્ભગૃહ અને આગળના મંડપ સાથે પચાસ ફિટ લાંબુ અને ૩૨ ફિટ પહોળું છે. નવ ફિટ ઊંચા દસ સ્તંભો છે. નિજ મંદિર પ્રમાણમાં નાનું છતાં આકર્ષક છે. પૂર્વાભિમુખ આ મંદિરમાં અંદર ત્રણ ત્રિકોણ અને અન્ય ભૌમિતિક આકારો જોવા મળે છે. છત ઉપર ઘુમ્મટ અને ગર્ભદ્વાર પર દશાવતારની પ્રતિમાઓ, બન્ને બાજુ વિષ્ણુ પ્રતિમાઓ અને ચારધારિણીઓના શિલ્પો નજરે ચડે છે. વક્ર રેષાવાળા મુખ્ય શિખર અને નાનાં શિખરો હેઠળ ત્રણ ભાગો ગર્ભગૃહ, અંતરાલ અને અંદર પડતો મંડપ સ્પષ્ટ દેખાય છે. જ્યાં લગ્નમંડપ અને પાદુકા દેખાય છે. નાનું પણ સ્વચ્છ સુંદર આ મંદિર શ્રીકૃષ્ણ અને રુક્મિણીના ગાંધર્વ વિવાહની સાક્ષી પૂરે છે. નાનપણથી જ રુક્મણિ શ્રીકૃષ્ણના પ્રેમમાં હતા અને દ્વારકા જતા પહેલાં કૃષ્ણે તેમનું અપહરણ કર્યું, નજીકમાં અન્ય રુક્મિણી મંદિર કહેવાય છે ત્યાં રોકાયા અને આ મંદિરની ચૉરીમાં ચાર ફેરા ફર્યા.
પરણ્યા એટલે પ્યારા લાડી ચાલો આપણે ઘેર રે…
શિલ્પ- સ્થાપત્ય ઉપરાંત રુક્મિણી મંદિરના ગર્ભગૃહમાં રાણીની જીવની દર્શાવતા ચિત્રો છે. મંદિરની બાજુમાં જ કૃષ્ણના કુળદેવી અંબાજીનું આગવી પ્રતિભાવાળું મંદિર છે
ચોક્કસ પ્રકારની નગર શૈલીનું સ્થાપત્ય ધરાવતા આ મંદિરનું શિખર ઉન્નત અને ઝીણી કોતરણીયુક્ત છે. તળમાં વળાંકવાળા કમળ અને વિવિધ થર દેખાય છે. ગોખલામાં વિષ્ણુની મૂર્તિ છે. કેસરી ધ્વજ દરિયાઈ ખારી હવામાં ફરફરે છે. અલબત્ત એ હવા મંદિરના પથ્થરને કોરી ખાય છે. હા, શિલ્પ- સ્થાપત્ય ઉપરાંત રુક્મિણી મંદિરના ગર્ભગૃહમાં રાણીની જીવની દર્શાવતા ચિત્રો છે. મંદિરની બાજુમાં જ કૃષ્ણના કુળદેવી અંબાજીનું આગવી પ્રતિભાવાળું મંદિર છે. બેટદ્વારકાના દ્વારકાધીશ મંદિરમાં તેઓ મહાલક્ષ્મી સ્વરૂપે બિરાજે છે. શુદ્ધતાના પ્રતીક સમી કૃષ્ણની આ સ્વામિનીએ જગતનો પ્રથમ પ્રેમપત્ર લખ્યાનો દાવો અહીં થયેલ છે. એ સાહિત્ય સાત શ્લોકોમાં સમાવાયું છે. લોકવાયકા પ્રમાણે યાદવોના કુલગુરુ દુર્વાસાના કથિત શાપને પરિણામે રુક્મિણીને બાર વર્ષનો પતિ વિરહ થયેલો તેથી આ અલગ મંદિરની રચના થયેલી. આ દંપત્તી માધવપુરથી આવી આ સ્થળે ફરીથી પરણ્યા હતા. (રિસેપ્શન?) એમ પણ એક મત છે. આ મંદિરે પણ ચૈત્ર સુદ અગિયારસે એમનો વિવાહ ખેલ આયોજાય છે. સૌરાષ્ટ્રના આ બે રુક્મિણી મંદિર ઉપરાંત મહારાષ્ટ્રના પંઢરપુરમાં પણ માઇ રુકમાઈના નામે મંદિર રુક્મિણીને સાદર અર્પણ કરાયું છે. શ્રદ્ધા તો શ્રદ્ધા – આવા સ્થળે કળા પણ પૂજાય છે.