મૂળ સુરતના વતની હિરેનભાઈ શાહ અને જીગીષાબેન શાહ અમેરિકામાં સ્થાયી થયા હતા. એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. જે સંતાન માટે માતા-પિતાએ અનેક સપનાઓ જોયા હતા એ સંતાનના આ જગતમાં થયેલા આગમનથી જ માતા-પિતાને મોટો આંચકો આપ્યો.
નવજાત બાળક માતાના ગર્ભમાંથી બહાર આવ્યો ત્યાં જ 40 જેટલા ફ્રેક્ચર થયા. જન્મતાની સાથે જ જેને 40 ફ્રેક્ચર થયા હોય એ બાળક શું કરી શકે ? ડોકટરોને આ બાળકનું જીવન બહુ ટૂંકું અને ધૂંધળું લાગતું હતું. માતા-પિતાને દુઃખ તો ખૂબ થયું પણ જેવી ભગવાનની ઈચ્છા એમ માનીને બાળક માટે પોતાનાથી જે થઇ શકે એ બધું જ કરી છૂટવાનો એમણે સંકલ્પ કર્યો.
બાળકની પરિસ્થિતિને જોતા ડોકટરોએ માતા-પિતાને સૂચના આપી કે આ છોકરાને છ માસ સુધી સ્પર્શ પણ નથી કરવાનો. ડોક્ટરની સૂચના પ્રમાણે બધી સારવાર ચાલી. મહિનાઓ પછી જનેતા બાળકને સ્પર્શી શકી. આ છોકરાનું નામ પાડ્યું સ્પર્શ શાહ.
વિશિષ્ટ રોગથી પીડાતા સ્પર્શ શાહના હાડકા બટકણા હતા. જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ ફ્રેક્ચરની સંખ્યા વધતી ગઈ. અત્યારે એ 15 વર્ષનો છે. આ 15 વર્ષમાં એને બીજા 100 જેટલા ફ્રેક્ચર થયા. તમે કલ્પના કરી શકો કે સ્પર્શ શાહ 15 વર્ષની ઉંમરે 140 જેટલા ફ્રેક્ચર સાથે જીવી રહ્યો છે !
એના હાડકા એટલી હદે નબળા છે કે કોઈ જરા જોરથી એની સાથે હાથ મિલાવે તો પણ હાડકું ભાંગી જાય. પોતાના શરીરનું વજન પણ હાડકા સહન કરી શકતા નથી એટલે સતત વ્હીલ ચેર પર જ રહેવું પડે. આવી કપરી પરિસ્થિતિમાં માં પણ હિંમત હારવાને બદલે સ્પર્શ શાહ, સખત પુરુષાર્થ અને માતા-પિતાના સહકારથી સફળતાનાં પંથે એવો આગળ વધ્યો કે આજે એ હીરો બની ગયો.
સ્પર્શ ખૂબ સારો ગાયક છે. એ રેપ સોન્ગ દ્વારા યુવાનોના હૈયા ડોલાવે છે. ભારતીય શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કરીને એમાં પણ નિપુણતા મેળવી છે. લેખક પણ છે અને મોટીવેશનલ સ્પિકર પણ છે. આજ સુધીમાં એ 100થી વધુ સ્ટેજ પ્રોગ્રામ આપી ચુક્યો છે. સ્પર્શ અત્યારે લાખોની કમાણી કરે છે અને પોતાના પગ ઉપર ભલે ઉભો ના રહી શકતો હોય પણ પોતાના પગ પર જીવે છે.
આ છોકરાએ બાળકોના કેન્સર માટે કામ કરતી પરોપકારી સંસ્થાઓ માટે જુદા જુદા પ્રોગ્રામ દ્વારા લગભગ 3.5 કરોડથી વધુનું ભંડોળ ભેગું કરવામાં મદદ કરી છે.
મિત્રો, નાની નાની મુશ્કેલીઓમાં પણ હથિયાર હેઠા મૂકી દેનારા લોકો માટે સ્પર્શ શાહ પ્રેરણાદિપ છે. વિકટ પરિસ્થિતિ સામે ઘૂંટણીયે પડવાને બદલે પરિસ્થિતિને જ પાડી દેનારા સ્પર્શને અભિનંદન, શુભેચ્છાઓ,સ્વસ્થ દીર્ઘાયુ માટે પ્રાર્થના.