વદ ૩: આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા
અધ્યાય ૧૮મો : પુરુષોત્તમ-વ્રતનો પ્રભાવ
અધ્યાય અઢારમો : ઉપવાસના ફળની કથા
સૂત પુરાણી બોલ્યા : “હે મુનિશ્રેષ્ઠો ! સુદેવ અને તેની પત્ની ગૌતમી પોતાના મૃત બાળકને ખોળામાં લઈને કલ્પાંત કરવા લાગ્યાં અને લાંબો સમય ત્યાં જ બેઠાં રહ્યાં.
એટલામાં ચોમાસું ન હોવા છતાં અચાનક વરસાદ તૂટી પડ્યો. ચારે દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. પવન જોરદાર ફૂંકાવા લાગ્યો. વીજળીના ચમકારા થવા લાગ્યા. એક માસ સુધી સતત વરસાદ વરસ્યા કર્યો. સુદેવ અને ગૌતમી કંઈ પણ ખોરાક લીધા વગર ત્યાં જ બેસી રહ્યાં. પુત્રશોકમાં બંને ગરકાવ હતાં.
ભાગ્યવશાત્ જે દિવસથી વરસાદ શરૂ થયો, એ દિવસથી પુરુષોત્તમ માસ શરૂ થયો હતો. આખા માસ દરમિયાન સતત વરસાદ વરસ્યા કર્યો. બંને નિરાહાર હોવાથી અજાણપણામાં તેમનાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું. આથી તેના અધિષ્ઠાતા દેવ ભગવાન પુરુષોત્તમ તેમના ઉંપર પ્રસન્ન થયા અને આકાશમાં તેમને દર્શન આપ્યાં. પતિ-પત્નીએ ભગવાનને પ્રણામ કર્યા અને ‘શ્રીકૃષ્ણઃ શરણં મમ’ના મંત્રથી તેમનું ધ્યાન ધર્યું. આથી ભગવાને પ્રસન્ન થઈને કહ્યું : ‘હે સુદેવ ! હવે તું તારી ચિંતા છોડી છે. અજાણપણે પણ તારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે, એટલે તે વ્રતના પ્રતાપે કરી મૃત્યુ પામેલ તારો પુત્ર સજીવન થશે અને તેનું આયુષ્ય બાર હજાર વર્ષનું થશે. તને માર્કડેય મુનિએ રઘુરાજાને કહેલ કથા કહી સંભળાવું છું :
પૂર્વકાળમાં ધનુઃશર્મા નામે એક ઋષિ થઈ ગયા. તેમણે બાર વર્ષનું ઉગ્ર તપ આદરી અમર પુત્રની ઇચ્છા રાખી હતી. હજાર તેના તપથી પ્રસન્ન થઈ દેવોએ તેને વરદાન માગવા કહ્યું ત્યારે
ધનઃશર્માએ પોતાને અમર પુત્ર મળે તેમ કહ્યું. આથી દેવોએ જણાવ્યું : ‘હે મુનિ, તમે જે માગો છો તેવું હજુ સુધી ક્યાંય બન્યું નથી. અમરત્વ કોઈને પ્રાપ્ત થતું નથી. માટે બીજું કાંઈ માંગો.
ધનુ:શર્માએ કહ્યું : ‘આ સામે જે પર્વત દેખાય છે, તે જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે, ત્યાં સુધી મારો પુત્ર જીવતો રહે તેમ કરો.’
દેવોએ ‘તથાસ્તુ’ કહ્યું. સમય જતાં ધનુઃશર્માની પત્નીએ દેવાંશી પુત્રને જન્મ આપ્યો. ઉંમરલાયક થતાં પુત્રને મુનિએ કહ્યું : હું કદાપિ કોઈ ઋષિ-મુનિઓનું અપમાન કરીશ નહિ.’ આવી શિખામણ આપવા છતાં ઉદ્ધત્ત પુત્ર વારંવાર ઋષિ-મુનિઓ અને બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો.
એક સમયે તેણે મહિષ નામના ઋષિ શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા, તે વખતે તે મૂર્તિને સિફતથી ઉઠાવી લઈ કૂવામાં નાખી દીધી. તેના આ અપકૃત્યથી ઋષિ ક્રોધે ભરાયા, અને તેને શાપ આપ્યો : ‘તારું આ ક્ષણે જ મૃત્યુ થાઓ.’ પણ આ ઉદ્ધત્ત છોકરાને કંઈપણ થયું નહિ.
આથી મહિષ ઋષિએ સમાધિ લગાવી જાણી લીધું કે આ સરળતાથી મરે તેમ નથી. ઋષિએ જોરદાર નિસાસો નાખ્યો કે તેમાંથી હજારો પાડાઓ ઉત્પન્ન થયા, અને તેમણે પર્વતના ચૂરેચૂરા કરી નાખ્યા. તેની સાથે આ ઉદ્ધત્ત બાળકનું મરણ થયું.’
ભગવાને સુદેવને કહ્યું : આ કથા પરથી તારે બોધ લેવો જોઇએ કે હઠ કરીને કંઈ મેળવવાથી તેનું પરિણામ સારું આવતું નથી. તારા પુત્ર સજીવન થઈને હજારો વર્ષનું આયુષ્ય ધરાવતો થશે. તું બ્રહ્મલોકમાં જઈશ ત્યાં હજાર વર્ષ સુધી ઐશ્વર્ય અને સમૃદ્ધિવાળું રાજ્ય ચલાવીશ.’
આથી સુદેવે વિષ્ણુ ભગવાનને પૂછ્યું : “મારા ઉગ્ર તપને કારણે આપ પ્રસન્ન થવા છતાં તે સમયે મને પુત્રફળ આપ્યું નહોતું, જ્યારે આજે તમે પ્રસન્ન થઈને મારા પુત્રને સજીવન કર્યો, તેનું શું કારણ છે ?”
‘શ્રીબૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ નામનો અઢારમો અધ્યાય સંપૂર્ણ
હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ.
ઉપવાસના ફળની કથા
એક નગરીમાં અતિ સ્વરૂપવાન બ્રાહ્મણકન્યા રહેતી હતી. તેને મા-બાપ ન હતાં. ભાઈ-બહેન નહોતાં, માતા-પિતા એને માટે થોડી મૂડી મૂકી ગયાં હતાં, તેના ઉપર કન્યા પોતાનો નિભાવ કરતી હતી. તે ઘરમાં એકલી હોવાથી તેણે એક દાસી રાખી હતી, તે ચોવીસે કલાક તેની પાસે રહેતી. કશું કામકાજ ઉપરાંત કન્યાની દેખભાળ દાસી રાખતી.
માતા-પિતા ધાર્મિક વૃત્તિના હતાં. તેનો વારસો કન્યામાં ઊતર્યો હતો. તે આખો દિવસ પૂજા-પાઠ, પ્રભુસ્મરણ, વ્રત-નિયમ, કથા-વાર્તા વાંચવામાં ગાળતી. મહિનાના ત્રીસ દિવસમાં તે દશ દિવસ નકોરડો ઉપવાસ કરતી ને સાત-આઠ દિવસ એકટાણું કરતી.
એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણકન્યાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે રોજ સવારે નદીએ સ્નાન કરવા જાય. કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા-વાર્તા સાંભળે, ઉપવાસ કરે અને આખો દિવસ પ્રભુ-ભજન કરે. દાસી તેનું કામકાજ કરે અને સવાર-સાંજ ભરપેટ ખાય.
આમ કરતાં પંદર દિવસ વીતી ગયા. દાસી એકાએક માંદી પડી. અંતે એની માંદગી એટલી બધી વધી ગઈ કે તે તો પથારીવશ થઈ ગઈ. ઊભા થવાની શક્તિ પણ તેનામાં ન રહી. રોગ અસાધ્ય હતો. કાંઈ ભાવતું નહોતું. બ્રાહ્મણકન્યાએ ખૂબ સારવાર કરી, વૈદ્યોને બોલાવવામાં આવ્યા. તેમના તરફથી ઇલાજ થવા લાગ્યા, પણ માંદગી ઘટવાને બદલે વધતી જ ગઈ. દિવસે દિવસે તેનું શરીર દૂબળું થતું ગયું. આંખો નિસ્તેજ થતી ગઈ.
મોત નજીક દેખાતાં દાસીએ બ્રાહ્મણકન્યાને બોલાવી ક્ષીણ અવાજે કહ્યું : “મારો અંતસમય આવી ગયો છે, બાંય વરસ પાણીમાં ગયાં. મહામોંઘો માનવદેહ મને મળ્યો, પણ હું તેનો કાંઈ સદુપયોગ કરી શકી નહિ. મેં જિંદગીમાં કોઈ વ્રત કર્યું નથી, દાન-
શ્રી પુરુષોત્તમ (અધિક) માસની ભક્તિ-જ્ઞાનધારા પુણ્ય કર્યા નથી. નક્કી મારો વાસ નર્કમાં થશે. મને એ વાતનું દુ:ખ છે કે તમારા પવિત્ર સહવાસમાં રહેવા છતાં મને કદી સત્કર્મનો વિચાર ના આવ્યો. હે બહેન ! મને મુક્તિ મળે એવું કાંઇક કરો’
આ સાંભળી બ્રાહ્મણકન્યાને એણે આશ્વાસન આપતાં કહ્યું ઃ “હે દાસી ! જીવમાત્રને પોતાનાં કર્મનું ફળ ભોગવવું પડે છે. આવા કર્મનું ફળ સારું મળે છે. હવે શોક કરવો નકામો છે. અંતસમયે તને આ સંતાપ થઈ રહ્યો એ પણ સારું છું, આથી કદાચ તારી સદ્ગતિ થાય.’
બ્રાહ્મણકન્યાના આશ્વાસનભર્યા શબ્દો સાંભળી દાસીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. દાસીને રડતી જોઇને બ્રાહ્મણ- કન્યાને દયા આવી ને બોલી : “હે દાસી, પૂર્વજન્મ પુણ્ય કર્મો હોય તો જ આ ભવમાં ધર્મ-ધ્યાન સૂઝે છે, છતાં તે મારી ઘણી સેવા કરી છે. તારા લીધે જ હું વ્રત-તપ કરી શકું છું. બોલ તારે શું જોઈએ છે ? તારી અંતિમ ઈચ્છા મને જણાવ. હું તારી ઇચ્છા પૂર્ણ કરવા અવશ્ય પ્રયત્ન કરીશ.”
ત્યારે દાસી ગળગળા સાદે બોલી : “બહેન, તમે આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરી રહ્યાં છો. મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે. કૃપા કરીને મને એક ઉપવાસનું ફળ આપો. કદાચ મારું કલ્યાણ થાય.’’
બ્રાહ્મણકન્યાએ તરત જમણા હાથમાં જળ લઈ, પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરીને સંકલ્પ કર્યો કે ‘હું એક ઉપવાસનું ફળ દાસીને અર્પણ કરું છું.’ તે જ ક્ષણે દાસીએ આંખો ઢાલી દીધીઁ અને એક દિવ્ય વિમાન તેને લેવા માટે આવ્યું. તે વિમાનમાં બેસી દાસી સ્વર્ગે ગઈ.
એક દિવસના પુણ્યબળે દાણીએ ઘણા સમય સુધી સ્વર્ગ ભોગવ્યું, ત્યારબાદ તેનો જન્મ કાશીના રાજાની રાણીના ખોળે થયો, અને રાજકુંવરીનું સુખ ભોગવવા મળ્યું. આખી જિંદગી સુખ-સમૃદ્ધિ ભોગવી તે અંતે વૈકુંઠને પામી.
બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય
.