પુરુષોત્તમ માસની કથા અધ્યાય 28 | purushottam maas katha adhyay 28 | purushottam mas mahima | કદરી બ્રાહ્મણ ગોલોકમાં | વૈકુંઠની જાતરાની કથા

વદ ૧૩ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા

અધ્યાય ૨૮મો : કદરી બ્રાહ્મણ ગોલોકમાં

અધ્યાય ૨૮મો : વૈકુંઠની જાતરાની કથા

સૂત પુરાણી બોલ્યા : “હે શૌનકાદિક મુનિઓ ! ભગવાન નારાયણે જે કથા નારદજીને કહી હતી, તે કથા હું તમને આગળ કહું છું તે સાંભળો :

કદરી બ્રાહ્મણને પોતાનાં પાપોના ફળરૂપે ઘણો સમય પ્રેતયોનિમાં પસાર કરવો પડ્યો. બીજે જન્મે કાલંજર નામના પહાડમાં ઇન્દ્રકુંડ નજીક આવેલા મૃગતીર્થમાં વાનરરૂપે જન્મ પામ્યો.

આ વાત સાંભળી નારદજીને શંકા થતાં તેમણે ભગવાન નારાયણને પૂછ્યું : ‘આ દુષ્ટાત્માનો પ્રેતયોનિમાં રહ્યા પછી આવા પવિત્ર સ્થળે શાથી જન્મ થયો ?’

તેમની શંકાનું સમાધાન કરતાં ભગવાન નારાયણે જે બાબત

નારદજીને જણાવેલ, તે હું તમને જણાવું છું :

કદરી બ્રાહ્મણ પાપાત્મા હતો, છતાં તેનાથી એક પુણ્યનું કાર્ય થઈ ગયું હતું. પુરુષોત્તમ માસમાં એક વૈશ્ય દંપતીએ વ્રત લીધું હતું. તેનું ઉદ્યાપન હતું. તે વખતે બીજા બ્રાહ્મણોની સાથે તે ધનનો લોભ કરીને ગયો હતો. અનાયાસે તેનાથી શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજાનાં દર્શન થવાથી આ પુણ્યબળે તે આ પવિત્ર સ્થાનમાં વાનર તરીકે અવતાર પામ્યો હતો.

ભગવાન શ્રીરામે લંકામાં રાવણનો વધ કર્યો. પછી તેમને મદદ કરનાર વાનરોને આશીર્વાદ આપતાં જણાવેલ કે, ‘તમે જ્યાં જશો ત્યાં તમને ફળ-ફૂલ મળી રહેશે. ત્યાંનાં વૃક્ષો દળ કુલથી લગેલાં રહેશે.’

અહીં પણ ફળ-ફૂલનો તોટો નહોતો. પણ કદરી બ્રાહ્મણ જે વાનર રૂપે જન્મેલ, તેને પિત્તની પીડા પેદા થઈ હતી, જેથી તે ફળો ખાઈ શકતો નહોતો. આથી તેનું શરીર અશક્ત થવા માંડ્યું. એક દિવસ તે વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર છલાંગ મારતાં નીચે પટકાઈ પડ્યો અને તેનાં હાડકાં ભાંગી ગયાં. તેનાથી હાલી-ચાલી શકાતું નહિ, જેથી લાચાર હાલતમાં તે ત્યાં પડી રહ્યો, એક મહિનો તે ખાધા-પીધા વગર ત્યાં પડી રહ્યો.

આ વખતે પુરુષોત્તમ માસ ચાલતી હતી. એક દિવસ તે મહામુસીબતે એક ઝાડ ઉપર ફળ ખાવાની ઇચ્છાથી ચડ્યો, પણ તે ફળ પાસે પહોંચે તે પહેલાં અશક્તિને લીધે તેની પકડ છૂટી જતાં નીચે આવેલા કુંડમાં પડ્યો, તેમાં તે મરણ પામ્યો.

એક તો નછૂટકે આખા પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવાથી અને છેલ્લે કુંડમાં સ્નાન પામવાથી ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને લેવા વિમાન લઈને આવ્યા. આથી વાનરને આશ્ચર્ય થયું, તેણે પાર્ષદોને પૃચ્છા કરી : ‘મારા કયા પુણ્યબળના આધારે આપનું આગમન થવા પામ્યું છે ?’

આથી પાર્ષદોએ જણાવ્યું : ‘અજાણપણે અને નછૂટકે તારાથી પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવા પામ્યો છે, અને છેલ્લે તું કુંડમાં સ્નાન પામ્યો છે. આ પુણ્યબળે અમે આજે અહીં આવ્યા છીએ.’

આ સાંભળી વાનરનો આત્મા પ્રસન્ન થયો. પાર્ષદોએ તેને ભગવાન વિષ્ણુ સમક્ષ રજૂ કર્યો ત્યારે ઘણા દેવતાઓએ તેનું સન્માન કર્યું.” ‘શ્રી બૃહન્નારદીયપુરાણ’ના પુરુષીત્તમ માહાત્મ્યનો ‘કદરી બ્રાહ્મણ

ગોલોક’માં નામનો અઠ્ઠાવીસમો અધ્યાય સંપૂર્ણ.

હવે પુરુપોત્તમ માસની પાવન કથા વાંચી

વૈકુંઠની જાતરાની કથા

નદીકિનારે રળિયામણું એક ગામ હતું. તેમાં એક પટેલ રહે, પટેલને ચાર છોકરા હતા. પટેલે ચારેય દીકરાને પરણાવ્યા હતા, પાંચેક વર્ષ થયાં પટલાણીનું અવસાન થયું હતું. દીકરાઓ ખેતી કરે, વહુઓ ઘરકામ કરે અને પટેલ આખો દિવસ આંગણે ખાટલે બેઠા બેઠા પ્રભુનું નામસ્મરણ કર્યા કરે. કોઈ મહેમાન આવે તો તેનું સ્વાગત કરે. યથાશક્તિ દાન-પુણ્ય કરે. અભ્યાગતને ભોજન આપે. સાથે સાથે ઘરનું ધ્યાન પણ આપતા રહે, પટેલ સ્વભાવે ભોળા હતા, કપટી નહોતા.

એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. પટેલે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. સવારે પ્રાતઃકાળે ઊઠી નદીએ સ્નાન કરવા જતા. ત્યાં કાંઠા ગોરમાની પૂજા કરતા. કથા-વાર્તા સાંભળતા અને ત્યાં બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપી ઘેર આવતા. તેઓ એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનના પૂજાપાઠ કરતા.

‘ભોળાના ભગવાન’ એ મુજબ એક દિવસ પુરુષોત્તમ ભગવાન પટેલની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થઈ તેના આંગણે ભિખારીના રૂપે આવ્યા. પોતાને ત્યાં આવેલ ભિખારીને જોઈને પટેલે ઊભા થઈ ચોકમાં ઘઉંનો ઢગલો પડ્યો હતો, તેમાંથી એક સૂપડું ભરીને ઘઉં આપવા લાગ્યા. ત્યારે ભિખારી કહે : “આપવો હોય તો આખો ઢગલો આપો.’’

પટેલ પણ પાછા પડે તેવા નહોતા. તેઓ બોલ્યા : “જા ભાઈ, આ આખો ઢગલો તારો. તું કહે ત્યાં ગાડામાં ભરીને પહોંચાડી દઉં.”

ભગવાને પ્રસન્ન થઈને ઘઉંના ઢગલા ઉપર હાથ ફેરવ્યો, ત્યાં તો બધા ઘઉં સાચા મોતી બની ગયા. પટેલ તરત સમજી ગયા મારે આંગણે ભગવાન પધાર્યા છે, તે તો ભગવાનનાં ચરણોમાં પડી ગયા.

ભગવાન બોલ્યા : “હે મારા વહાલા ભક્ત ! હું તારા ઉપર પ્રસન્ન છું. તારે જે માગવું હોય તે માંગ.’

પટેલ બોલ્યો : “પ્રભુ, તમે મને ઘણું સુખ આપ્યું છે. મારે ભૌતિક સંપત્તિ જોઈતી નથી. મારી ઇચ્છા સદેહે વૈકુંઠની જાતરા કરવાની છે, તે પૂર્ણ કરો.”

ભગવાન તો પટેલને વિમાનમાં બેસાડી વૈકુંઠ લઈ ગયા. વૈકુંઠ દેખાડ્યું. ત્યાંથી ગોલોક લઈ ગયા. પછી બ્રહ્મલોક, પાતાળલોક અને ઇન્દ્રપુરી દેખાડ્યું. અક્ષરધામ પણ દેખાડ્યું.

આ બાજુ પટેલના દીકરાઓ બાપાની શોધાશોધ કરવા લાગ્યા. પણ બાપા મળે ક્યાંથી ! બાપા તો જીવતે જીવત વૈકુંઠની જાતરાએ ગયા હતા. થોડા દિવસ બાપાની શોધાશોધ પછી કંઈ પત્તો ન મળતાં તેઓએ બ્રાહ્મણોને બોલાવીને પૂછ્યું : “બાપા ક્યાંક જતા રહ્યા છે, કંઈ પત્તો લાગતો નથી, અત્યારે કરવું શું ?’’

બ્રાહ્મણો કહે : “જીવતા હશે તો તેઓ અગિયાર દિવસમાં પાછા આવી જશે, ન આવે તો મરી ગયા સમજી તેમનું કારજ પતાવી દેજો.”

છેવટે બારમા દિવસે છોકરાઓએ દાઢી-મૂછ મુંડાવીને સરાવવા બેઠા. ગામે ગામથી આ બારમામાં માણસો આવ્યા હતા. પિડ-દાન દીધાં, ત્યાં જ સરર કરતું વિમાન આવ્યું અને એમાંથી પટેલ નીચે ઊતરી ઘેર આવ્યા. પટેલને જોઈ બધા ‘ભૂત ભૂત’ કરીને ભાગવા લાગ્યા.

પટેલ બોલ્યા : “ભાઈઓ, હું ભૂતેય નથી ને પલિતેય નથી. હું તો જીવતો જાગતો માણસ છું. હું તો વૈકુંઠની જાતરા કરવા ગયો હતો.’

પટેલે બધાને ઘણા સમજાવ્યા પણ લોકોના ગળે વાત ન ઊતરી. સદેહે કોઈ વૈકુંઠ ગયું સાંભળ્યું છે ? પટેલ ભોળા હતા તેમજ ધાર્મિક વિચારના હતા, તેથી તેમની વાત સાચી હોય એમ માની કેટલાક બ્રાહ્મણો બોલ્યા : “પટેલ, તમે અમને બધાને સ્વર્ગ દેખાડો તો તમારી વાત સાચી, નહિતર તમે મરી ગયા છો તેમ માની લઈશું. તેમાં તમારું કંઈ ચાલશે નહિ’

પટેલ પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા માંડી : “હુ ભગવાન ! મારી લાજ તમારા હાથમાં છે. અહીં બધા મારું પારખું કરવા બેઠા છે, માટે હે દીનાનાથ ! ગરુડે ચડી મને સહાય કરજો,

ભગવાને પટેલનો પોકાર સાંભળ્યો અને તેઓ ગરુડે ચડી ત્યાં આવી પહોચ્યા. પટેલે પ્રભુને પ્રાર્થના કરતા કહ્યું : “હું પ્રભુ ! આ બધાને જીવતે જીવ સ્વર્ગની યાત્રા કરાવો, નહિતર મને અહીં કોઈ જીવવા નહિ દે.”

ભગવાન બોલ્યા : “ભક્ત, વૈકુંઠનાં દર્શન પુણ્યશાળીને થાય.’

ભક્તની જીદ આગળ ભગવાને નમતું જોખ્યું ને બોલ્યા : “ભક્ત ! તમે ગરુડના પગ પકડો, બીજો તમારા પગ પકડે, ત્રીજો બીજાના પગ પકડે, એમ જેને જેને વૈકુંઠ આવવું હોય તે આવે.’

ભગવાને ગરુડને ઊડવાની આજ્ઞા કરી કે પટેલે ગરુડના પગપકડી લીધા. બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. આમ પટેલ અને સાત બ્રાહ્મણો આકાશમાં ઊડ્યા. જીવતે જીવ વૈકુંઠ જોવાનું મળશે એ

આશાએ બધાને આનંદનો પાર નથી. જે બ્રાહ્મણે પટેલના પગ પકડયા હતા, એને લાડવા બહુ ભાવે. એ પટેલને પૂછવા લાગ્યો : “હેં પટેલ ! વૈકુંઠમાં લાડવા મળશે ને ?’’

પટેલે હા પાડી, ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યો : પેટ ભરીને ખાવા મળે તેટલા લાડુ તો હશે ને ?’’ પટેલ કહે : “તારાથી ખવાય તેટલા ખાજે, ત્યાં ઘણા લાડુ છે.’’

બ્રાહ્મણના મોંમાં પાણી આવ્યું. તે બોલ્યો : “ત્યાં કેટલા લાડુછે, એ તો કહો ?’’

પટેલ બોલ્યા : “આટલા બધા…” આમ કહી જ્યાં હાથ પહોળા કર્યા ત્યાં હાથ છૂટી ગયા અને બધા આકાશમાંથી નીચે પડ્યા બધાનો જીવ નીકળી ગયો. આમાં ફક્ત એક પટેલ જીવતા રહ્યા. અને

સાતે બ્રાહ્મણોને મરેલા જોઈ પટેલ તો આક્રંદ કરવા લાગ્યા “હે ભગવાન ! આપે તો મને બ્રહ્મહત્યાના પાપમાં નાખ્યો. હવે તમે મને આમાંથી ઉગારો, નહિતર હુંય પ્રાણત્યાગ કરીશ.”

ખરેખર પટેલ ચિતા ખડકીને પ્રાણ ત્યજવા તૈયાર થયા ત્યાં ભગવાને અમૃતજળ છાંટી સાતે બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની પુરુષોત્તમ ભગવાનની નિષ્કામ ભક્તિથી તેમણે જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પ્રભુનાં દર્શન થયાં.

બોલો પુરુષોત્તમ ભગવાનની જય

Leave a Comment