જેમ જવાનો આપણા દેશની રક્ષા કરે છે, એમ તેમના પરિવારજનોનું ધ્યાન આપણે રાખવું જોઇએ, જેનાથી તેઓ પોતાની જવાબદારી નિભાવી શકે
નેશનલ ડેસ્ક: પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના બાળકોની પરવરિશ અને તેમના ભણતરથી લઈને નોકરી અને તેમના પરિવારજનોના ભરણપોષણની પૂરેપૂરી જવાબદારી રિલાયન્સ ફાઉન્ડેશને લીધી છે. સાથે-સાથે ફાઉન્ડેશને એ પણ જાહેરાત કરી છે કે, આ આતંકવાદી હુમલામાં ઘાયલ થયેલા બધા જ જવાનોના ઉપચાર માટે પણ તેમની હોસ્પિટલ તૈયાર છે. ફાઉન્ડેશને પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, જે રીતે જવાન આપણા દેશની રક્ષા કરે છે, એ જ રીતે તેમના પરિવારનું ધ્યાન રાખવું આપણું કામ છે, જેનાથી જવાનો પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકે.
પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (એઈએમ)એ ગુરૂવારે જમ્મૂ-કશ્મીરના પુલવામામાં હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા. આ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે, પરિણામ ભોગવવું પડશે.વિસ્ફોટ એટલો જબરજસ્ત હતો કે, ગાડી અને તેમાં બેસેલા જવાનોના ચિંથરા ઊડી ગયા. આ હુમલાના કારણે આખા દેશમાં લોકો ગુસ્સે છે. ઠેર-ઠેર આતંકવાદીઓ વિરૂદ્ધ પ્રદર્ષનો થઈ રહ્યાં છે.ઉલ્લેખનીય છે કે, આ પહેલાં ગત ચોમાસામાં કેરળમાં આવેલ પૂર સમયે પણ રિલાયન્સ ફાઉન્ડેશને ખુલ્લા દિલે મદદ કરી હતી. પૂર પીડિતોની મદદ માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રી રાહત કોશમાં 21 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા હતા. સાથે-સાથે 50 કરોડની અતિરિક્ત મદદ કરવામાં આવી હતી. જેમાં પૂર પીડિતો માટે ખાધ્ય સામગ્રી, ગ્લુકોઝ પેકેટ્સ અને સેનેટરી નેપ્કિન્સ પહોંચાડવામાં આવ્યા હતા. ઉપરાંત ત્યાં લોકોના બચાવકાર્યમાં અને તબીબી કાર્યમાં પણ મદદ કરવામાં આવી હતી.