દીકરા-દીકરીની વચ્ચેના ભેદભાવ આખરે ક્યાં સુધી ચાલશે? દીકરીને વારસાગત બનાવવી જોઈએ કે નહીં તમારૂ શું કહેવું છે

કેમ દીકરીનો જન્મની ખુશી ગમમાં બદલી દેવાય છે? કેમ દીકરીના જન્મની શુભકામનાઓની જગ્યાએ લોકો અફસોસ જાહેર કરે છે? કેમ એની માસૂમ મુસ્કાન કોઈના ચહેરા પર ચિંતાની રેખા અંકિત કરે છે? આખરે એ પણ તો એક સંતાન જ છેને…તો પછી આવું કેમ ? તો પછી શું કામ એને દીકરો ન હોવાની સજા મળે? દીકરા-દીકરીની વચ્ચેના ભેદભાવ આખરે ક્યાં સુધી ચાલશે?

આજે પણ આવા કેટલાંય અગણિત સવાલ એ દીકરીઓ કરે છે કે જેને પરિવારમાં એક દીકરી તરીકેનું સન્માન નથી મળ્યું તો શું પરિવારમાં વારસ એક દીકરો જ બની શકે છે દીકરી કેમ નહિ ? શું આજે પણ દીકરી વારસ નથી? આવો… સમાજની આ વિચારધારાને સમજવાની કોશિશ કરીએ

વારસ-શબ્દનો અર્થ શું છે

શબ્દકોશ અનુસાર : મરનારની મિલકત છે , જવાબદારી છે , હકદાવો વગેરેનો હકદાર છે .

સામાજિક અર્થ : વારસ એ છે, જે પરિવારનો વંશ વધારે અને પરિવારના નામને આગળ લઈ જાય, જે સામાજિક માન્યતા અનુસાર દીકરો જ કરી શકે છે, કેમ કે દીકરીઓ પરાયું ધન હોય છે અને લગ્ન કરીને બીજા પરિવારની વંશવૃદ્ધિ કરે છે, એટલે એ વારસ નથી મનાતી.

સાર્થક શબ્દાર્થ માં : વારસ શબ્દનો અર્થ છે : વહન કરનારા. બાળકોને માતા-પિતાના વારસ એટલા માટે કહે છે કે તેઓ તેમના સંસ્કારોનું, અધિકારોનું, કર્તવ્યનું વહન કરે છે અને આ બધાં કામો દીકરીઓ પણ કરી શકે છે. ખરા અર્થમાં આ શબ્દની આ વ્યાખ્યા હોવી જોઈએ અને આજે આપણે આ વિચારધારાને અપનાવવાની જરૂર છે……..

વારસ તરીકે દીકરો જ કેમ?

આની પાછળ કેટલાંય આર્થિક, સામાજિક, ધાર્મિક અને ભાવનાત્મક કારણ રહેલા છે.

વૃદ્ધાવસ્થામાં દીકરો આર્થિક સહારાની સાથે ભાવનાત્મક સહારો પણ આપે છે, જ્યારે દીકરી લગ્ન કરીને પરાયાની ઘરે ચાલી જાય છે.

દીકરો પરિવારની આર્થિક સ્થિતિને બહેતર બનાવવામાં સહયોગ આપે છે અને પ્રોપર્ટીમાં વૃદ્ધિ કરે છે, જ્યારે દીકરીઓને દહેજ આપવું પડતું હોય, જેનાથી ઘરની આર્થિક સ્થિતિ બગડે છે.

દીકરો વંશને આગળ વધારે છે, જ્યારે દીકરી કોઈ બીજાના પરિવારને વધારે છે.

આપણા સમાજમાં માતા-પિતાની હયાતીમાં અને મૃત્યુ પછી પણ દીકરો જ બધાં ધાર્મિક સંસ્કાર-વિધિ પૂરી કરે છે. જેની પરવાનગી ધર્મએ દીકરીઓને આપી જ નથી.

દીકરો પરિવારના માન-સન્માનને વધારે છે અને પરિવારની તાકાત વધારે છે પણ જ્યારે દીકરીઓની સુરક્ષાની જવાબદારી ઘરવાળા પર હોય છે.

પ્રોપર્ટી અને ફાઈનાન્સ જેવી વાતો માત્ર પુરુષો સાથે સંકળાયેલી રખાય છે, એ બાબતે દીકરીઓને સમર્થ મનાતી જ નથી.

કેટલીક ધાર્મિક માન્યતાઓ અનુસાર દીકરો જ મા-બાપને સ્વર્ગના દ્વારે લઈ જાય છે. એટલે મોટાભાગના લોકો દીકરાની જ આશા રાખે છે.

દીકરા વગર પરિવારને અધૂરો જ મનાય છે.

શું કહે છે આંકડા?

૨૦૧૬માં થયેલા સરવે અનુસાર ચાઈલ્ડ એક્ટ રેશિયો છેલ્લાં ૭૦ વર્ષોમાં સૌથી નીચેના સ્તર પર પહોંચી ગયા છે. જ્યાં ૧,૦૦૦ દીકરા પર માંડ ૯૧૮ દીકરીઓ બચી છે .

એક્સ્પર્ટ અનુસાર જો સ્થિતિને સંભાળાશે નહીં તો ૨૦૪૦ સુધી ભારતમાં લગભગ ૨૩ મિલિયન મહિલાઓની અછત થઈ જશે. કન્યા ભ્રૂણ હત્યાનું સૌથી મોટું કારણ વારસવાળી વિચારધારા જ છે.

ઈન્ડિયા વુમન ડેવલપમેન્ટ સરવે, યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ અને નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ દ્વારા કરાયેલા સરવેમાં એ વાત સામે આવી છે કે, ૭૭ ટકા ભારતીયો આજે પણ વૃદ્ધાવસ્થામાં દીકરીને બદલે દીકરાના ઘરે રહેવાનું પસંદ કરે છે. કદાચ એની પાછળનું કારણ આપણી પરંપરાગત વિચારધારા છે, જે કહે છે કે દીકરીના ઘરનું પાણી પણ ન પીવું જોઈએ…….

એવું પણ બિલકુલ નથી કે આ ભેદભાવ અભણ અને ગરીબ લોકો સુધી જ છે, બલકે સુશિક્ષિત અને અમીર ઘરોમાં પણ એ એટલો જ વ્યાપેલો છે.

જરૂર છે… વિચારધારા બદલવાની

જ્યારે જમાનાની સાથે આપણી લાઈફ સ્ટાઈલ બદલાઈ રહી છે, આપણી ખાણી-પીણી બદલાઈ રહી છે, આપણી વિચારધારા પણ બદલાઈ રહી છે… તો પછી ભલા શબ્દોનો અર્થ એનો એ જ કેમ રહે? શું આ યોગ્ય સમય નથી? ખરા અર્થમાં દીકરીઓને સમાનતાનો અધિકાર આપવાનો?

એમ પણ આપણા દેશના કાનૂન પણ સમાનતાનો પક્ષધર છે. એટલે જ તો દીકરીઓને પૈતૃક સંપત્તિમાં સમાન અધિકાર પ્રાપ્ત છે પણ શું આ પર્યાપ્ત છે, કદાચ… ના કેમ કે, ભલે આ અધિકારને કાનૂની વસ્ત્રો પહેરાવી દીધાં હોય પણ શું એની પર અમલ કરવો એટલો આસાન છે? એવાં કાંઈ કેટલાંય કિસ્સા જોવા મળે છે, જ્યારે પોતાનો હક માગનારી દીકરીઓ સાથે પરિવારના લોકો જ પોતાનો સંબંધ તોડી નાખે છે.

સમાજમાં એવાં કેટલાય દાખલા પ્રસ્તુત છે, જ્યાં દીકરીઓ પોતાના મા-બાપની સેવા અને દેખભાળને ખાતર પોતાની ખુશીઓને મહત્ત્વ નથી આપતી, તો એવે વખતે એ દીકરીઓને તેમના વારસ કહેવું ખોટું છે?

આપણે હંમેશાં સમાજને બિરદાવીએ છીએ, પણ જ્યારે જ્યારે બદલાવ થાય છે તો સાવ સહજતાથી દરેક વ્યક્તિ એનો સ્વીકાર કરી લે, એ જરૂરી તો નથી. પણ શું એમાં પરિવર્તન ન થઈ શકે? બદલાવ તો થતાં જ રહ્યાં છે અને થતાં રહેશે. આપણે કેમ એ ભૂલી જઈએ છીએ કે સમાજ આપણાથી જ બને છે, જો આપણે આ દિશામાં પહેલ કરીશું, તો બીજા પણ આ વાતને સમજશે.

દીકરીઓ બાબતે પહેલાંથી જ આપણા સમાજમાં બેવડો માપદંડ અપનાવાતો રહ્યો છે. જ્યાં એક તરફ લોકો મંચ પર મહિલા મુક્તિ અને સશક્તિકરણના નારા લગાવે છે, તો બીજી તરફ દીકરીઓને ઘરમાં, સકમાજમાં માન-સન્માન નથી અપાતું.

કેટલીયે જગ્યાઓ પર હાલમાં પણ બાળકનું પાલનપોષણ એ રીતે કરાય છે કે તેમના મન-મગજમાં દીકરા-દીકરીવાળી વાત ઘર કરી જાય છે.

આપણા સમાજની આ પણ એક વિડંબના છે કે બધાને મા જ જોઈએ, પત્ની જોઈએ, બહેન પણ જોઈએ પણ બેટી નથી જોતી . હવે સાહેબ, તમે જ વિચારો જો બેટી જ નહીં હોય તો પછી આ બધા સંબંધ ક્યાંથી આવશે?…………એનો ક્યારેય વિચાર કર્યો છે

દીકરાને વૃદ્ધાવસ્થાનો સહારો બનાવવાને બદલે બધાએ પોતાનું રિટાયરમેન્ટ યોગ્ય સમયે પ્લાન કરવું જોઈએ જેથી કોઈનાય પર આશ્રિત ન રહેવું પડે…….

Leave a Comment