‘વાવાઝોડાના કારણે ખેડૂતોની નાળિયેરી પડી ગઈ કે કેરીઓ ખરી ગઈ એ બધું કર્મોનું જ ફળ છે ખેડૂતો એ 20 રૂપિયાના નાળિયેરના 100 રૂપિયા અને 400 રૂપિયાના કેરીના બોક્સના 1000 રૂપિયા ભાવ પડાવ્યા હતા એટલે ભગવાને એની નાળિયેરીઓ અને આંબાઓ ખતમ કરી દીધા.’ લખનારાએ લખ્યું અને વાંચનારાએ વાંચીને આગળ ફોરવર્ડ પણ કર્યું. શું ખરેખર આ વાત તમારા માટે સાચી છે?
શુ ખરેખર ખેડૂતો લૂંટારાઓ છે ? તદન ખોટી વાત છે મારા મત મુજબ ખેડૂત બન્યા વગર કે ખેડૂતની ઘરે જન્મ્યા વગર એની પીડા ક્યારેય ન સમજાય એના માટે ખેડૂત પુત્ર બનવું પડે . આપણને જે દેખાય એ જ સાચું ન હોય. મહામારીના સમયે ફળોના ભાવ આસમાને પહોંચ્યા એ સાચું પણ એના માટે ખેડૂતો જ જવાબદાર હોય ? ખેડૂતોને તો પહેલા જે ભાવ મળતા હતા એ જ ભાવ મહામારી વખતે મળતા હતા ભાવવધારો વચેટિયાઓનો છે ખેડૂતોનો નહિ. આ વાત તો તમને ત્યારે જ સમજાય જો તમે ખેડું પુત્ર હોય
જો ખેડૂતો આમ જ ભાવ વધારો લઈને લોકોને લૂંટતા હોત તો બંગલામાં રહેતા હોત અને મોંઘી ગાડીઓમાં ફરતા હોત જ્યારે વાસ્તવિકતા તો એ છે કે રાત-દિવસની કાળી મજૂરી પછી પણ માંડ માંડ એટલું કમાય છે જેમાંથી ઘર ચલાવી શકે અને બાળકોને ભણાવી શકે. દીકરા-દીકરીના લગ્ન વખતે મોઢે ફીણ આવી જાય ત્યારે માંડ પ્રસંગ ઉકલે છે અને એ ખેડૂતોને આપણે ચોર કહીએ છીએ. આવા ધોમ તડકામાં તમે બાર નીકળો તો પણ અરે…કેવો તડકો છે તો જરાક વિચારો આવા તડકામાં ખેડૂતો કેમ કામ કરતા હશે તડકો જોયા વગર અનાજ પકાવે છે અને આપણે છાયે બેઠા બેઠા વાતું કરવી છે પેટ્રોલીયમ પેદાશોનું ઉત્પાદન કરતા દેશોએ જેવી રીતે મજબૂત સંગઠન દ્વારા આખી દુનિયાને પોતાના કબજામાં રાખી છે એવી જ રીતે જો ખેડૂતોનું મજબૂત સંગઠન બને તો ખબર પડે કે ખેડૂતોનું શુ મહત્વ છે ? કમનસીબે ખેડૂતોના સંગઠનો પણ ખેડૂતના હિત કરતા પોતાના અંગત હિતને ધ્યાનમાં લઈને જ કામ કરે છે. સમાજમાં દરેક પ્રકારના ધંધા-વ્યવસાયનું મહત્વ છે અને બધા એકબીજા પર નિર્ભર છે. એકબીજા વગર કોઈને ન ચાલે એ વાત સ્વીકાર્ય પણ બાકીનાની સરખામણીમાં ખેડૂતો જે સહન કરે છે એવુ અને એટલું બીજાએ સહન નથી કરવું પડતું કારણકે ખેડૂત જેટલું કુદરત પણ નિર્ભર બીજું કોઈ નથી.
રાત દિવસ કામ કરે અને માંડ ઘર ચાલે મહેનત છતાં માંડ ઘર ચાલે એટલી ખેતીમાંથી કમાણી થાય છતાં એકપણ જાતની ફરિયાદ વગર ઘર ચલાવ્યા રાખ્યું છે. ક્યારેક ક્યારેક તો કોઈ કુદરતી આફત થી સંપૂર્ણ પાક નાશ પામે કે ભાવ સાવ ગગડી જાય અને પાક માર્કેટ સુધી પહોંચાડવાના ખર્ચ જેટલી પણ પાકની કિંમત ન ઉપજે ને પરસેવો પાડીને તૈયાર કરેલો પાક ફેંકી દેવો પડે ત્યારે એની પીડા કેવી થાય એ તો ખેડૂત બનીને ખેતી કરો તો સમજાય. એક દિવસ ખેતી તો કરી જોવો
જરા વિચાર તો કરો મિત્રો જેમણે પોતાના સંતાનોની જેમ આંબા, નાળિયેરી કે કેળને વર્ષોથી ઉછેરીને મોટા કર્યા હોય એની નજર સામે જ બધું જમીનદોસ્ત થઈને ખતમ થઈ જાય ત્યારે એનું હૃદય કેવું વલોપાત કરતું હશે. આવા કપરા સમયે ખેડૂતોના ઘા પર કોઈ મલમ ન લગાડી શકીએ તો કાંઈ વાંધો નહીં કમસેકમ મીઠું ભભરાવીને એની પીડા વધારવાનું પાપ તો ન કરીએ.