ઇન્ટર્વ્યૂમાં સફળ થવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખીએ…વાંચો અને શેર કરજો

0
312

જીપીએસસી . ઇન્ટરવ્યૂ સુધી પહોંચનારા તમામ ઉમેદવારોને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને ઇન્ટરવ્યૂ ખૂબ સારું જાય એ માટે શુભેચ્છાઓ પાઠવું છું.

ઇન્ટરવ્યૂ આપનાર સૌ મિત્રોના લાભની કેટલીક ખૂબ મહત્વની વાતો આપની સાથે શેર કરું છું જે આપના પરિચયમાં હોય એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા વિનંતી કરું છું.

મને છેલ્લા 10 દિવસમાં કેટલાય વિદ્યાર્થી મિત્રોના ફોન આવ્યા કે ‘અમને જાણવા મળ્યું છે કે જીપીએસસીમાં સેટિંગ થાય છે. રૂપિયા પણ અત્યારે આપવાના નથી જો પાસ થઇ જઈએ અને જીપીએસસી આપણા નામની ભલામણ સરકારને કરે પછી જ રકમ આપવાની. આટલી બધી ગેરંટી આપતા હોય તો પછી વહીવટ કરી લેવાય કે નહિ ?’ મારે સૌ મિત્રોને કહેવું છે કે જીપીએસસીના ચેરમેન શ્રી દિનેશ દાસા સાહેબની આગવી સુઝબુઝથી પસંદગી પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક બની ગઈ છે. માત્ર અને માત્ર લાયકાતના આધારે જ ઇન્ટરવ્યૂમાં તમને માર્ક મળશે કોઈ ઓળખાણ કામમાં આવે એમ છે જ નહિ એ વાત મનમાં બરોબર ઠસાવી દેજો.

જે મિત્રો ઇન્ટરવ્યૂ આપવાની પ્રક્રિયામાંથી પસાર થયા હશે એને ખબર હશે કે તમારી ગમે તેવી મોટી ઓળખાણ હોય તો પણ કશું જ થઇ શકે તેમ નથી. ઇન્ટરવ્યૂ આપનાર ઉમેદવાર કઈ પેનલમાં જશે એની એને ખબર નથી હોતી અને ઇન્ટરવ્યૂ લેનારના ભાગે કયો ઉમેદવાર આવશે એની એને ખબર નથી હોતી. આમાં કેવી રીતે સેટિંગ થઈ શકે ? એમાં પણ થોડા દિવસ પહેલા ઇન્ટરવ્યૂમાં અપાતા માર્કસને રોજે રોજ લોક કરી દેવાની જે ડિઝિટલ પહેલ કરી છે એનાથી જીપીએસસીની પસંદગી પ્રક્રિયા પર વિશ્વાસ વધુ દ્રઢ બન્યો છે.

બીજી એક બાબત નોંધવા જેવી છે. છેલ્લી કેટલીક ભરતીમાં ગરીબ માતા-પિતાના દીકરા-દિકારીઓનું પાસ થવાનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે. અરવલ્લી જિલ્લાના સાવ છેવાડાના પીપરાણા ગામના વતની શ્રી પ્રકાશ પ્રજાપતિ ડી.વાય.એસ.પી. બની ગયા, બીજાના ઘરમાં રસોઈનું કામ કરીને અને હિરાઘસીને પરિવારને મદદરૂપ થતી માતાનો પુત્ર સફિન હસન જિલ્લા રજીસ્ટ્રાર બન્યો (જે આજે તો આઇપીએસ છે). શાળામાં ફરી-ફરીને પેનો વેંચનાર માતાનો દીકરો વિવેક ટાંક ડેપ્યુટી કલેકટર બન્યો, અનાજ દળવાની ઘંટી ચલાવનાર પરિવારનો દીકરો સાગર રાઠોડ ડીવાયએસપી બન્યો. એક ડ્રાઇવરનો દીકરો નિર્મલ ગોગરા જીએસટીનો આસિસ્ટન્ટ કમિશનર બન્યો, ગામડામાં ખેતીવાડી કરતા એક સાવ સામાન્ય ખેડૂતનો દીકરો વિપુલ સાકરીયા જીપીએસસીમાં સમગ્ર ગુજરાતમાં ત્રીજા સ્થાને પાસ થયો. આવા તો ઢગલાબંધ દાખલાઓ છે. આ લોકોને કોની લાગવગ હતી ? માત્ર અને માત્ર આપ બળે એ અધિકારીના પદ પર પહોંચી ગયા. જીપીએસસીમા ઉમેદવારની પસંદગી 1000 માર્કસના મેરિટ પરથી થાય છે. જેમાં 900 માર્ક મુખ્ય લેખિત પરીક્ષાના છે જ્યારે ઇન્ટરવ્યૂના 100 માર્ક્સ જ છે એ પણ યાદ રાખજો.

જીપીએસસીના ઇન્ટરવ્યૂ શરુ થાય એટલે સેટિંગના નામે ઉમેદવારોને છેતરનાર તકવાદી ટોળકી કાર્યરત થઇ જતી હોય છે. આવી ટોળકી બહુ મોટી રકમના બદલામાં અધિકારી તરીકે પાસ કરાવી દેવાની ઓફર આપે છે. કેટલાક મિત્રો એની માયાઝાળમાં ફસાય જાય છે. માનો કે વધારે નહિ 50 ઉમેદવારોને આવી ટોળી શીશામાં ઉતારે પછી ઉમેદવારને કહેવામાં આવે કે તમારે હવે કોઈ ચિંતા કરવાની નથી તમને જેવા આવડે એવા જવાબ આપવાના તમારી પસંદગી પાક્કી જ છે. ઉમેદવારને પણ એમ લાગે કે આપણું નક્કી જ છે એટલે એનો આત્મવિશ્વાસ ઇન્ટરવ્યૂ વખતે વધી જાય. મુખ્ય પરીક્ષા પાસ કરીને આવ્યા હોય એટલે તેજસ્વી તો હોય જ અને એમાં પાછો આત્મવિશ્વાસ વધે એટલે ઇન્ટરવ્યૂમાં પરફોર્મન્સ પણ સારું હોય જેનાથી એ પસંદ થાય. પેલી ટોળકીએ જે 50 સાથે નક્કી કર્યું હોય એમાંથી 15 થી 20 તો પોતાના બળે પાસ થઈ જાય. એમને એમ લાગે કે સેટિંગથી પાસ થયા પણ ખરેખર પોતાના પર્ફોર્મન્સથી જ પાસ થયા હોય.

ઇન્ટરવ્યૂ વખતે જીપીએસસી તમારી પાસેથી શું ઇચ્છે છે એની વાતો જીપીએસસીના ચેરમેન શ્રી દિનેશ દાસા સાહેબએ એના ફેસબુક પેઇઝ પર લખી છે એ વાંચી જજો ખૂબ ઉપયોગી થશે.

કોઈપણ જાતના ડર કે ભય વગર જેવા છો એવા પ્રસ્તુત થઈને ઇન્ટરવ્યૂ પેનલ સાથે પરિવારના સભ્યની જેમ મોકળા મને વાત કરો તો ઇન્ટરવ્યૂ પેનલની પસંદગીમાં સમાવિષ્ટ થવાની શક્યતાઓ વધી જશે.

મિત્રો, જીપીએસસીની ટીમ પર વિશ્વાસ રાખજો તમને તલભાર જેટલો પણ અન્યાય નહિ થવા દે. જીપીએસસીનો મૂળ મંત્ર છે “ચયનમ સત્વશીલાનામ’. ખરેખર જીપીએસસી આ મંત્રને સાર્થક કરીને સત્વશીલ ઉમેદવારોની પસંદગી કરે છે. આપની સત્વશીલતાનો જીપીએસસીને પરિચય કરાવી શકો એવી શુભેચ્છાઓ.

GPSC Class I & II ના ઉમેદવારો ને જોગ

ઇન્ટર્વ્યૂમાં સફળ થવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખીએ…

• દરેક પ્રશ્નનો સહજ રહીને જવાબ આપવો. ‘વ્યક્તિત્વ’ની સરખામણીમાં ‘વ્યક્તિ’ અને ‘મૌલિકતા’ને પ્રગટવા દેવી. ઉમેદવારના મનમાં સતત જિજ્ઞાસા રહેતી હોય છે કે કયા પ્રશ્નનો કેવો જવાબ આપવો. મારી સલાહ છે કે ખૂબ જ સહજ થઇને જવાબ આપવો. વર્ષ ૨૦૧૮માં જયારે વર્ગ-૧ અને રની જગ્યાના ઇન્ટર્વ્યૂ થયા ત્યારે મેં પોસ્ટમાં ( https://www.facebook.com/100000669571495/posts/1774215665944069?s=100000669571495&sfns=mo ) લખ્યું હતું કે જી.પી.એસ.સી. ‘Personality’ નહીં પરંતુ ‘Individuality’ પર ભાર મૂકે છે. મોટાભાગના લોકો Personalityને ડેવલપ કરવાની મથામણ કરતાં હોય છે અને આ મથામણમાં ‘Individuality/Originality’ને ખોઈ બેસે છે. “ Personality “ શબ્દ ગ્રીક શબ્દ “ Persona “ પરથી આવ્યો જેનો મતલબ મુખોટો થાય છે. જુના જમાનામાં ગ્રીસ માં ભજવતા નાટકોમાં નાયક જે તે વ્યક્તિ ચરિત્રનો “ મુખોટો “ પહેરી અભિનય કરતો. The dictionary meaning of the Persona is “ the part of a person’s character that they reveal to other people, especially when their real character is very different”. મને અહીં ઉદાહરણ આપી સમજાવવું ગમશે. એક વ્યકિત એક નાટકના અંતે તેનો વેશ ભજવી સ્ટેજ પરથી નીચે આવ્યો અને તરત બેભાન થઈ ગયો. તેના માટે એમ્બ્યુલન્સ મંગાવવી પડી. તેને હોસ્પિટલ લઈ ગયા અને હોસ્પિટલની બહાર ચર્ચા કરતાં હતાં કે એવું તો શું થયું કે આ બેહોશ થઈ ગયો? જ્યારે આ વ્યકિત વેશ ભજવવા માટે સ્ટેજ પર ગયા ત્યારે તો સ્વસ્થ હતાં અને અચાનક મૂર્છિત થઈ ગયા? ત્યારે એક ડાહ્યા માણસે કીધું કે એ વ્યકિત જે નહતાં તે થવા ગયા એનું આ પરિણામ છે. આ વ્યકિતએ મહારાણા પ્રતાપનો વેશ ભજવ્યો હતો. મહારાણા પ્રતાપનો વેશ ભજવવો એટલે મોટો મુગટ પહેરવાનો, ભાલો અને મોટું બખ્તર ધારણ કરવાનું અને એમાં પાછી યુદ્ધની કળા કરવાની. આ વ્યકિત આટલો બોજ સહન કરી શકે તેવી તેની ક્ષમતા નહોતી છતાં તેણે તેની ક્ષમતા બહારનો બોજો ઊઠાવવાનો પ્રયત્ન કર્યો અને અંતે બેભાન થઈ ગયો. કહેવાનું તાત્પર્ય એટલું કે આપણે જે હોઈએ તે કરવું અને આપણે જેવા હોઈએ તેવા દેખાવું. ઇન્ટર્વ્યૂમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. ક્ષમતાથી વધુ કરવા જઈએ એટલે આવું જ કંઈક થાય… આપણા પરિવેશ, દેખાવ કે સજ્જતાને લઈને સભાન થઈ, કૃત્રિમ વ્યવહાર કરવા કરતા, જે છીએ એ જ બની રહીએ એથી વિશેષ કશું જ મહત્ત્વનું નથી.

• જે ભાષામાં સ્પષ્ટપણે અભિવ્યક્ત થઈ શકાય એમ હોય, એ જ ભાષામાં વાત કરવાનું પસંદ કરવું. ઇન્ટર્વ્યૂ દરમિયાન અંગ્રેજીમાં બોલવું સહેજ પણ જરૂરી નથી. બોર્ડના તમામ સભ્યો ગુજરાતી સમજી જ શકતા હોય છે.

• પ્રશ્નનો જવાબ ન ખબર હોય તો દિલગીરી પ્રગટ કરી નવા પ્રશ્ન તરફ આગળ વધવું. કદાચ નવા પ્રશ્નનો જવાબ ખબર હોય એમ બને… બધાને બધું જ ખબર હોય એ જરૂરી નથી…

• જી.પી.એસ.સી. ‘Blank Method’થી ઇન્ટર્વ્યૂ કરે છે. ઇન્ટરવ્યૂ શરુ થતા પેલા ઉમેદવારોના મોબાઇલ અથવા સંદેશા વ્યવહારના અન્ય ઉપકરણો Switch Off કરાવીને સેફ કસ્ટડીમાં મુકાવી દેવામાં આવે છે. ત્યારબાદ, ઉમેદવારોએ ડ્રો સિસ્ટમથી પોતાનો યુનિક કોડ અને બોર્ડ નમ્બર મેળવવાના હોય છે. કયો ઉમેદવાર કયા બોર્ડમાં ઇન્ટર્વ્યૂ આપશે અને ક્યા કોડ થી આપશે તે છેલ્લી ક્ષણે નિશ્ચિત થતું હોય છે. દરેક ઉમેદવારને ‘યુનિક કોર્ડ’ મળતો હોય છે જેથી ઉમેદવારની ઓળખ છતી થતી નથી. કયા નિષ્ણાત કયા બોર્ડમાં બેસશે તે ઇન્ટર્વ્યૂ શરૂ થવાની પાંચ મિનિટ પહેલાં જ ડ્રો સીસ્ટમથી નકકી થતું હોય છે. આમ, કોણ કોને ઇન્ટર્વ્યૂ દરમ્યાન મળશે તે સુનિશ્ચિત ન હોઈ પારદર્શિતા જળવાતી હોય છે.

• મારી અગાઉની પોસ્ટમાં લખ્યા મુજબ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક પછી એક એવાં પગલાં લેવામાં આવી રહ્યાં છે કે જે ભરતીની પ્રક્રિયાને માનવ હસ્તક્ષેપથી મુકત કરી કોમ્પયુટર સંચાલિત કરે જેથી આયોગની કામગીરી વધુ પારદર્શક અને શ્રદ્ધેય બને. આ દિશામાં સતત સક્રિય આયોગે મે ૨૦૧૯ થી ઇન્ટરવ્યુ પ્રક્રિયા દરમિયાન ગુણપ્રદાન કાર્યને ઝડપી, ક્ષતિરહિત અને અસરકારક રીતે કરી શકાય એ માટે ‘કોમ્પ્યૂટરાઇઝડ માર્કિંગ સિસ્ટમ’ અમલમાં મૂકી છે. કોમ્પુટરાઇઝ માર્કિંગ સિસ્ટમ દાખલ થવાથી ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં જે કોઇ પણ સ્તરે માનવીય હસ્તક્ષેપ છે તે દૂર થયો છે. ઉપરાંત ઇન્ટરવ્યૂૂ પ્રક્રિયાના વિવિધ તબકકાઓની કામગીરીને એક સોફટવેર દ્વારા સંકલિત કરવામાં આવી હોવાને કારણે ખૂબ ઝડપથી ગણતરીના કલાકોમાં જ ક્ષતિરહિત અને ગોપનીય રીતે પરિણામ પ્રસિદ્ધ કરી શકાશે.

• આ ઇન્ટર્વ્યૂમાં ૯૧૨ ઉમેદવારોમાંથી જી.પી.એસ.સી. માત્ર ૨૯૪ ઉમેદવારોને જ પસંદ કરશે. આ હકીકતને સ્વાભાવિકતાથી સ્વીકારી જો ઇન્ટર્વ્યૂમાં સફળ ન થવાય તો દોષારોપણની પ્રક્રિયામાં સમય ન બગાડતા નવી પરીક્ષા માટે તૈયારી કરીએ એ જ મારી અપીલ છે.

• ખૂબ જ સ્વસ્થતાથી કોઇ પણ પ્રકારના ઊજાગરા કર્યા વગર સંપૂર્ણ સમર્પણથી આ ઇન્ટર્વ્યૂ આપો. જો કદાચ આ ઇન્ટર્વ્યૂમાં સફળ થવાની તકથી વંચિત રહી જવાશે તો પણ તા.૧૫ જુલાઇ, ૨૦૧૯ના રોજ ફરીથી વર્ગ-૧ અને વર્ગ-૨ની ભરતી માટેની નવી જાહેરાત પ્રસિદ્ધ થવા જઇ રહી છે જે એક નવી તક બનીને તમારી સામે ઊભી જ છે.

• સફળતા મેળવવા માટે ટૂંકો રસ્તો શોધવાનો પ્રયત્ન ન કરવો. ટૂંકો રસ્તો શોધનાર હજુ સુધી મુકામે પહોંચ્યા હોય તેવું મારા ધ્યાને નથી. હું કાયમ કહેતો આવ્યો છું કે “SHORT CUT WILL CUT YOU SHORT” એટલે માત્ર અને માત્ર તમારી જાત પર વિશ્વાસ રાખવો. તમે જે મહેનત કરી છે તે મહેનત જ તમને સફળતાનો સાગર પાર કરાવનાર નૌકા બનશે.

દિનેશ દાસા
અધ્યક્ષ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here