ભાદરવા સુદ ત્રીજનો દિવસ કેવડા ત્રીજ તરીકે ઓળખાય છે. સૌભાગ્યવંતી સ્ત્રીઓ પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખતી હોય છે અને ગૌરી શંકરની આરાધના કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરતી હોય છે. તો, ઘણીવાર કુંવારિકાઓ પણ મનગમતો જીવનસાથી પ્રાપ્ત થાય તે માટે કેવડા ત્રીજનું વ્રત કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે છે. લોકવાયકા અનુસાર આ વ્રતના પ્રતાપે માતા પાર્વતીને મહાદેવની પતિ તરીકે પ્રાપ્તિ થઈ હતી. આજે આ વ્રતના મહિમા વિશેષ વાત કરીએ.
કેવી રીતે કરશો વ્રત ? ⦁ ઘણી સ્ત્રીઓ આ દિવસે નિર્જળા ઉપવાસ કરે છે, પણ તે શક્ય ન હોય તો જળ, દૂધ અને ફળ ગ્રહણ કરી શકાય. ⦁ જળ, દૂધ કે ફળ ગ્રહણ કરતા પૂર્વે કેવડાનું પાન અચૂક સૂંઘો. આ પાન શિવજીને અર્પણ કરેલું હોવું જોઈએ. ⦁ શિવજીનું સ્મરણ કરતા રાત્રિ જાગરણ કરો. ⦁ વ્રતના બીજા દિવસે શિવ-પાર્વતીની પૂજા બાદ વ્રતના પારણા કરો. ⦁ શિવ-પાર્વતીની પ્રતિમાઓને જળમાં પ્રવાહિત કરો.
વ્રતની વિધિ ⦁ સવારે નિત્ય કર્મથી પરવારી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. પરિણીત સ્ત્રી વ્રત કરતી હોય ત્યારે સૌભાગ્ય ચિહનો અચૂક ધારણ કરવા. ⦁ હાથમાં જળ લઈ વ્રતનો સંકલ્પ કરો. ⦁ શુભ મુહૂર્તમાં માટીમાંથી શિવલિંગ અને પાર્વતીની પ્રતિમાનું નિર્માણ કરી તેની સ્થાપના કરો. ⦁ પ્રભુ શિવ અને માતા પાર્વતીની એક સાથે પૂજા કરો. ⦁ દેવી પાર્વતીને સૌભાગ્યના શણગાર જેવાં કે બંગડી, માળા, સિંદૂર, ચુંદડી વગેરે અર્પણ કરો. ⦁ મહાદેવની પૂજા બાદ તેમને કેવડાનું પાન અર્પણ કરો. ⦁ પૂજન બાદ કેવડા ત્રીજની કથાનું વાંચન કરો અથવા તેનું શ્રવણ કરો. ⦁ ગૌરી શંકર પાસે પોતાના અખંડ સૌભાગ્યની કામના અભિવ્યક્ત કરો. ⦁ કુંવારી કન્યા વ્રત કરી રહી હોય તો સુયોગ્ય વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી.
કેવડા ત્રીજની કથા વાર્તા : મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા દેવી પાર્વતીએ તેમના જીવન દરમિયાન અનેક આકરા તપ કર્યા છે. મહેશ્વરના નામના જપ કર્યા છે. પણ, કહે છે તેમાંથી ભાદરવા સુદ ત્રીજના રોજ દેવીએ કરેલું એક વ્રત મહાદેવના હૃદયને સ્પર્શી ગયું અને તેમણે દેવીનો પત્ની તરીકે સ્વીકાર કર્યો. આ વ્રત એટલે જ કેવડા ત્રીજ. પ્રચલિત કથા અનુસાર ભાદરવા સુદ ત્રીજના દિવસે દેવી પાર્વતી વનમાં તેમની સખીઓ સાથે વિહાર માટે ગયા હતા. ત્યાં દેવીએ માટીમાંથી એક શિવલિંગ બનાવી જંગલમાંથી બીલીપત્ર અને કેવડો લાવી મહાદેવને અર્પણ કર્યા. દેવીએ આ દિવસે કશું જ ખાધું ન હતું. આમ દેવીએ ભૂખ્યા પેટે મહાદેવની પૂજા કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા . મહાદેવે વરદાન માંગવા કહ્યું તો દેવીએ તેમને પતિ તરીકે માંગી લીધાં. મહાદેવે તથાસ્તુના આશિષ આપ્યા અને સાથે જ કહ્યું કે, “ભાદરવા સુદ ત્રીજના દિવસે જે કોઈ મને કેવડો ચઢાવશે એની શ્રદ્ધા ફળશે અને દરેક મનોકામના પૂર્ણ થશે.” કહે છે કે દેવીના વ્રતના પ્રતાપે તેમના પિતા હિમવાન અને મેનાવતી પણ મહાદેવ સાથે તેમના વિવાહ કરાવવા એકમત થયા. આમ, આ વ્રતની આગવી જ મહત્તા છે.