રાજકોટ જિલ્લાના ઉપલેટાની એક સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હરિભાઈ સુવાએ એના મિત્રો તેજસ સોલંકી, મનીષ મકવાણા અને કલ્પિત નથવાણી સાથે મળીને ગરીબોને મદદ કરવા કિટ વિતરણની સેવા ચાલુ કરી છે.
સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોના પરિવારની સ્થિતિની તો એના શિક્ષકને ખબર જ હોય એટલે પોતાના વિદ્યાર્થીઓના પરિવારને મદદ કરવા દાતાઓના સહયોગથી કીટ તૈયાર કરીને કોઈપણ જાતની જાહેરાત કે પ્રચાર વગર જરૂરિયાતમંદ લોકોને વિતરણ કર્યું.
થોડી કીટ વધી એટલે આ મિત્રોને વિચાર આવ્યો કે સીમમાં રહેતા ગરીબો સુધી કદાચ કોઈ ના પહોંચ્યું હોય તો આપણે તેવા લોકોને શોધીને તેમને કીટ આપીએ. ગાડીમાં કીટ લઈને મિત્રો સીમમાં નીકળી પડ્યા.
પોરબંદર રોડ પરની એક સીમમાં બે-ત્રણ ઝુંપડા દેખાયા એટલે ગાડી તે તરફ લઈ ગયા. ઝૂંપડામાં રહેનારા પણ જાણે કે ચુસ્તપણે લોકડાઉનનો અમલ કરતા હોય એમ બધા ઝૂંપડાની અંદર હતા. આ મિત્રોએ બહારથી જ અવાજ કર્યો કે છે કોઈ ઘરમાં ?
ઝૂંપડામાંથી એક બહેન અને બાળકો બહાર નીકળ્યા. એને પહેરેલા કપડાં જ એની ગરીબાઈની ચાડી ખાતા હતા. હરિભાઈએ એ બહેનને પૂછ્યું કે બહેન અહીંયા કોઈ ભોજન કે અનાજ આપવા આવ્યું છે. બહેનએ ના પાડી એટલે આ ભાઈએ કહ્યું, “આ લઇ લ્યો અમે તમારા માટે અનાજ-કરિયાણાની કીટ લાવ્યા છીએ.”
બહેને જવાબ આપ્યો, “પણ, ભાઈ અમારે મદદની કોઈ જરૂર નથી”. હરિભાઈને થયું કે આ બહેનને એમ હશે કે કિટમાં ખાલી લોટ હશે એટલે આખી કીટ ખોલીને બતાવી જેમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ હતી. આટલી બધી વસ્તુઓ જોયા પછી પણ એ બહેને કહ્યું, “ભાઈ, અમારે અત્યારે કોઈ જરૂર નથી. અત્યારે બીજા ગરીબ માણસોને એની જરૂર હશે. જેને જરૂર હોય એને આપો.”
ઉપલેટાના એ સેવાભાવી યુવાનો આ ગરીબ બહેનની ખાનદાની અને અમીરાઈને જોઈ જ રહ્યા.
મિત્રો, આ દુનિયામાં આવા ખાનદાન માણસો પણ છે જે અત્યંત ગરીબાઈમાં જીવતા હોવા છતાં જરૂરિયાત વગર કશું જ લેતા નથી અને બીજી બાજુ એવા લોકો પણ છે જે જરૂરિયાત વગર પણ બધું ભેગું કર્યા જ કરે છે.
બહેનની ખાનદાનનીને સો સો સલામ.