એક હતો વાણિયો પણ તેનામાં સમજણ ઓછી. લખ્યા બારુંની વાર્તા વાર્તા વાંચો અને શેર કરો

એક હતો વાણિયો પણ તેનામાં સમજણ ઓછી.

વાણિયાની નાની સરખી હાટડી હતી. હાટડીમાં ખારા દાણા, દાળિયા, મમરા, રેવડી ને એવી નાની નાની ચીજો રાખે અને વેંચે. બિચારો સાંજ પડ્યે માંડ માંડ પેટજોગું રળી ખાય. પણ કોક કોક વખત એવાં એવાં કામ કરે કે એને ભલો-ભોળો કહેવો, મૂરખ કહેવો કે ગાંડો કહેવો તેની કોઈને સમજ ન પડે

એક વાર વાણિયાને હિસાબ કરતાં કરતાં બહુ મોડું થઈ ગયું. તે મોડી રાતે હાટડી બંધ કરી ઘેર જતો હતો ત્યારે તેને રસ્તામાં ચોર મળ્યા.

વાણિયો ચોરને કહે : ‘અલ્યા, મોડી રીતે ઈ કોણ છે ?’

ચોરો કહે : ‘કેમ ભાઈ ? અમે તો વેપારી છીએ. આમ ટપારે છે શાનો ?’

વાણિયો કહે : ’અલ્યા પણ અત્યારે મોડી રાતે ક્યાં ચાલ્યા ?’

ચોરો કહે : ‘જઈએ છીએ માલ ખરીદવા.’

વાણિયો કહે : ‘રોકડે કે ઉધાર ?’

ચોરો કહે : ‘રોકડે ય નહિ ને ઉધારે ય નહિ. અમે તો પૈસા દીધા વિના માલ લઈએ છીએ.’

વાણિયો કહે : ‘ત્યારે તો તમારો વેપાર બહુ સારો ! મને પણ તમારી સાથે લેશો ?’

ચોરો કહે : ‘ચાલને ભાઈ ! તને ય તે શીખવા મળશે અને ફાયદો થશે.’

વાણિયો કહે : ‘એ ઠીક. પણ વેપાર કેમ કરવો એ તો સમજાવો.’

ચોરો કહે : ‘લે લખ કાગળમાં કે કોઈના ઘરની પછીતે.’

વાણિયાએ તો ગજવામાંથી કાગળ કાઢી લખવાનું શરૂ કર્યું. કહે : ‘લખ્યું, કોઈના ઘરની પછીતે.’

ચોરો કહે : ‘લખ, હળવે હળવે કાણું પાડવું.’

વાણિયો કહે : ‘લખ્યું, હળવે હળવે કાણું પાડવું.’

ચોરો કહે : ‘ધીમે ધીમે ઘરમાં જવું.’

વાણિયો કહે : ‘લખ્યું, ધીમે ધીમે ઘરમાં જવું.’

ચોરો કહે : ‘લખ, જે જોઈએ તે ભેગું કરવું.’

વાણિયો કહે : ‘લખ્યું, જે જોઈએ તે ભેગું કરવું.’

ચોરો કહે : ‘ન ધણીને પૂછવું, ન ધણીને પૈસા આપવા.’

વાણિયો કહે : ‘લખ્યું, ન ધણીને પૂછવું, ન ધણીને પૈસા આપવા.’

ચોરો કહે : ‘લખ, જે મળે તે લઈને ઘરભેગા થઈ જવું.’

વાણિયો કહે : ‘લખ્યું, જે મળે તે લઈને ઘરભેગા થઈ જવું.’

વાણિયાએ તો ચોરોએ જેમ લખાવ્યું તેમ બરાબર લખ્યું ને લખીને કાગળ ખિસ્સામાં નાખ્યો.

પછી બધા સાથે મળીને ચોરી કરવા ચાલ્યા.

ચોરો એક ઘરમાં ચોરી કરવા ગયા તો વાણિયો તેની બાજુવાળાના ઘરમાં ચોરી કરવા ગયો.

ચોરો તો ફટાફટ પોતાનું કામ પતાવી રવાના થઈ ગયા પણ વાણિયાને જરાય ઉતાવળ નહિ. તેણે તો શાંતિથી પોતાના ખિસ્સામાંથી કાગળ કાઢી દીવાસળીનું અજવાળું કરી બરાબર ધ્યાનથી વાંચ્યો. તેમાં લખ્યું હતું :-

કોઈના ઘરની પછીતે

હળવે હળવે કાણું પાડવું

ધીમે ધીમે ઘરમાં જવું

જે જોઈએ તે ભેગું કરવું

ન ધણીને પૂછવું ન ધણીને પૈસા આપવા

જે મળે તે લઈને ઘરભેગા થઈ જવું

વાણિયા તો બરાબર કાગળમાં લખ્યા પ્રમાણે કર્યું. પહેલા પછીતે કાણું પાડ્યું, પછી હળવે હળવે ઘરમાં ગયો. પછી એક કોથળો શોધી તેમાં પિત્તળના નાના મોટા વાસણો શાંતિથી ભરવા લાગ્યો. પણ થયું એવું કે પિત્તળનું એક મોટું તપેલું કોથળામાં નાખતી વખતે તેના હાથમાંથી પડી ગયું તેના ધબાકાનો મોટો અવાજ થયો.

વજનદાર વાસણ પડવાનો અવાજ સાંભળી ઘરના બધા માણસો જાગી ગયા. રસોડામાં જઈને જૂએ તો વાણિયો ચોરી કરતો હતો. બધાંએ ‘ચોર, ચોર’ની બૂમરાણ મચાવી તેને પકડી લીધો ને પછી મારવા લાગ્યા.

વાણિયો તો વિચારમાં પડી ગયો. પણ માર ખાતાં ખાતાં પોતાના ખિસ્સાનું કાગળિયું કાઢી જેમ તેમ કરી એક વાર વાંચી લીધું.

પછી તો તે જોશમાં આવી ગયો. બધા તેને મારે તેમ કૂદતો જાય ને જોર જોરથી બોલતો જાય :

એ ભાઈ, આ તો લખ્યા બારું

એ ભાઈ, આ તો લખ્યા બારું

ઘરના માણસો વિચારમાં પડી ગયા ને મારતા અટકી જઈ કહે : ‘એલા આ શું બોલે છે ?’

વાણિયો કહે : ‘ત્યારે હું કંઈ ખોટું કહું છું ? લ્યો આ કાગળ અને વાંચો. એમાં ક્યાંય માર ખાવાનું લખ્યું છે ? આ તો તમે લખ્યા બારું કરો છો.’

પછી તો ઘરના માણસોએ કાગળ વાંચ્યો ને સમજી ગયા કે આ ભાઈમાં તો મીઠું ઓછું છે અને કોકનો ચડાવ્યો ચડી ગયો છે. એટલે વાણિયાનો હાથ પકડી ઘરની બહાર કાઢી મૂક્યો.

Leave a Comment