એક ખેડૂતની વ્યથા દીકરો પણ છીનવી લીધો અને રોજીરોટી એટલે ગાય મફતમાં આપી દીધી

0
245

છોકરાની જેમ વૃક્ષોનો ઉછેર કર્યો હતો, તેની સ્થિતિ જોઈ દુ:ખ થયું: પરિવારનો વલોપાતઉના  તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તાઉ-તે વાવાઝોડા બાદ અનેક પરિવારોની હાલત દયનીય બની છે. તાલુકાના નાનાએવા સુલ્તાનપુર ગામના પટેલ  ખેડૂત પરિવાર પર કુદરતી થપાટમાં આભ તૂટી પડ્યું છે. આ પરિવારના યુવાન પુત્રને કોરોનાએ છીનવી લીધો. 1મહીના બાદ તાઉ-તે વાવાઝોડાએ બાગાયતી પાક  છીનવી લીધો છે. નીરણની તંગી સર્જાતા ગાય પણ મફતમાં આપી દીધી.

આ પરિવારના બે સભ્યને કોરોના પોઝિટિવ આવતાં તેમની સારવાર માટે રૂ. 70 હજારના  7 રેમડેસિવિર ઇન્જેક્શન કાળાં બજારમાં ખરીદવા પડ્યાં હતાં છતાં પણ એક સભ્યે તો જિંદગી ગુમાવી જ હતી

વાત સુલ્તાનપુર ગામમાં બાગાયતી ખેતી  ધરાવતા પટેલ પરિવારના બાબુભાઇ લવાભાઇ અપાણીની છે. બાબુભાઈ અને તેમના યુવાન પુત્ર કનુભાઇ અપાણીને કોરોના પોઝિટિવ આવતાં ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. દરમિયાન તા. 17 એપ્રિલે કનુભાઇનું મોત થતાં પરિવાર ભાંગી પડ્યો હતો.

મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે  પિતાની તબિયત સારી થઇ ગઇ, પણ પોતાનો ભાઇ ગુમાવ્યાનું દુઃખ હતું. એ વખતે લોકો કહેતા કે કોરોનામાં નાળિયેર રૂ. 100માં વેચાઇ રહ્યા છે. આ વાતથી ઊકળી ઊઠેલા ઘનશ્યામભાઇએ નક્કી કર્યું તેમની વાડીમાં 175 નાળિયેરી છે. એમાંથી જરૂરિયાતમંદને નાળિયેર મફત આપવા. આ રીતે તેમણે રૂ. 25 હજારથી  વધુનાં નાળિયેર કોરોના દર્દીઓને મફત આપ્યા હતા. ત્યાર બાદ તા. 17 મેના રોજ તાઉ-તે વાવાઝોડું આવ્યું અને તેમના 11 વીઘામાં વર્ષોથી માવજત કરેલાં  નાળિયેરનાં 175 ઝાડ અને આંબાના ઝાડ જડમૂળમાંથી ઊખડી ગયાં. ઘનશ્યામભાઇ અને તેમનાં પત્ની દયાબેન પોતાની વાડીની હાલત અને પાક જોઇને રડવા લાગ્યાં.

આ વાત કરતાં દયાબેનની આંખમાં પાણી આવી ગયાં. તેમણે કહ્યું, અમે હેલ ભરીને પાણી પીવડાવી વૃક્ષો ઉછેર્યા હતા. હવે અમારી પાસે પૂરતા પૈસા પણ નથી. ખેતરને સાફ કેમ કરીશું. બીજી તરફ  15 દિવસથી વાવાઝોડાને લીધે લાઇટ પણ ન હોવાથી મૂંગાં  પશુની હાલત પણ દયાજનક બની ગઇ છે. ઘનશ્યામભાઇએ પોતાની ગીર ઓલાદની ગાય માટે નીરણ કે પાણી ન મળતાં બહારગામ રહેતા  પોતાના સંબંધીને મફતમાં આપી દીધી. તેઓ કહે છે, આ વાવાઝોડાની થપાટ કારમી લાગી છે. ભગવાન પણ બધી બાજુથી એકસાથે કસોટી લઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here