વાત થોડી લાંબી છે પણ પૂરે પૂરી વાંચજો અને ગમે તો બીજા મિત્રો સાથે શેર પણ કરજો.
રાજસ્થાનમાં રહેતી પૂજા પટેલ નામની એક ગુજરાતી યુવતી એની ગર્ભાવસ્થા દરમિયાન જાત જાતના સપનાઓ જોતી હતી. મારે મારા સંતાનને જયપુરની સારામાં સારી શાળામાં ભણાવવું છે અને એને એવા સ્થાન પર પહોંચાડવું છે કે જેથી મારુ સંતાન મારા નામે નહી પણ હું મારા સંતાનના નામે ઓળખાવ. લગભગ દરેક સ્ત્રી ગર્ભાવસ્થા દરમિયાન આ જ પ્રકારના સપના જોતી હોય છે. પૂજાને ત્યાં દિકરાનો જન્મ થયો પણ દિકરો માનસીક વિકલાંગતા સાથે આવ્યો. એક માએ નવ મહિના સુધી જોયેલા સપનાઓ એક જ ઝાટકે ભાંગીને ભુક્કો થઇ ગયા.
પૂજાબેનનો માનસીક દિવ્યાંગ દિકરો વાસુ દોઢ વર્ષનો થયો પણ ન બોલી શકે, ન ચાલી શકે કે ન સમજી શકે. જયપુરમાં સીબીસીના હેડ ડો. એસ.જે.સીતારામન પાસે વાસુની સારવાર ચાલતી હતી. એકવખત વિદેશી ડોકટરોની એક ટીમ જયપુર આવી ત્યારે ડો.સીતારામને પૂજાબેનને આ બાબતે જાણ કરી અને વાસુને આ નિષ્ણાંત ડોકટરોની ટીમને બતાવવા માટે સુચન કર્યું. વાસુને તપાસીને વિદેશી ડોકટરોએ જ્યારે પૂજાબેનને સમજાવ્યુ કે આ બાળક આજીવન આવુ જ રહેશે ત્યારે પૂજાબેન સાવ પડી ભાંગ્યા. હોસ્પીટલથી 12 કીલોમીટરના અંતરે આવેલા એમના ઘર સુધી પહોંચતા પહોંચતા જાણે કે 12 વર્ષ પસાર થઇ ગયા હોય એવું લાગ્યુ.
ઘરે આવીને પૂજાબેન દિકરા વાસુને લઇ રૂમમાં જતા રહ્યા. રૂમને અંદરથી લોક કરી દીધો. દિકરાને લાચાર બનીને જીવતા જોવો એના કરતા મરી જવું સારું એવું વિચારીને આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો. પંખા સાથે એકને બદલે 2 ચૂંદડીઓ લટકાવી. એક પોતાના માટે અને બીજી દિકરા વાસુ માટે. પોતાની સાથે દિકરાના જીવનનો પણ અંત આણવાના ઇરાદા સાથે ગળામાં ચૂંદડીનો ગાળીયો નાંખે એ પહેલા મોબાઇલ રણક્યો. મોબાઇલ સામે જોયુ તો ડો.સીતારામનનો ફોન હતો. મરતા પહેલા ડોકટર સાથે છેલ્લી વાત કરતી જાવ એમ વિચારીને ફોન ઉપાડ્યો.
પૂજાબેનના ભારે અવાજ અને રડવા પરથી જ ડોકટર વાત સમજી ગયા. પૂજાબેને પણ પોતાના ઇરાદાની ડોકટરને વાત કરી. ડોકટરે કહ્યુ, “બેટા, તારે મરવું હોય તો મરજે મને કોઇ વાંધો નથી પણ એક વખત મને મળ. હું તને તારા દિકરના સોગંદ આપુ છું મને મળવા અત્યારે જ દિકરાને સાથે લઇને મારા ઘરે આવ.” જીવનનો અંત આણવાનું જ નક્કી કર્યુ હોય ત્યાં દિકરાના સોગંદ પાળે કે ન પાળે શું ફેર પડે ? પણ ખબર નહી ડોકટરની વાતથી એકવખત એને મળી લેવાની ઇચ્છા થઇ.
પૂજાબેન દિકરા વાસુને લઇને ડો. સીતારામનના ઘરે પહોંચ્યા. ડોકટરે બીજી કોઇ સલાહ સુચન આપ્યા વગર પ્રથમ તો વાસુને એની પાસે લઇ લીધો પછી પૂજાને કહ્યુ આજથી આ દિકરો મારો છે. આ દિકરાને કારણે જ તું મરવાની હતીને, આજથી હું તને આ છોકરાની જવાબદારીમાંથી મુક્ત કરુ છું હવે તારે જે કરવું હોય તે કર. ડો.સીતારામને પૂજાને એક પ્રશ્ન કર્યો, “તે શ્રીમદ ભગવતગીતા વાંચી છે ? પૂજાએ હા પાડી એટલે ડોકટરે ખૂબ સરસ વાત કરી ‘ તેં માત્ર ગીતા વાંચી છે હજુ સમજી નથી. તારો આ દિકરો તારા જ કોઇ પૂર્વ જન્મના ફળ રુપે તારી પાસે આવ્યો છે. તારા કર્મફળથી તું કેટલા જન્મ ભાગતી રહીશ ? “ પૂજાને આ વિચારે ચકરાવે ચડાવી. એણે રડવાનું બંધ કર્યુ અને દિકરાને અનહદ પ્રેમ આપીને ઉછેરવાનો સંકલ્પ કર્યો.
પૂજાએ ડો. સીતારામનને કહ્યુ, “સર, હવે હું મારુ મા તરીકેનું કાર્ય એવી રીતે કરીશ એ પ્રભુએ કૃપા કરવી જ પડશે અને મારા દિકરાને ચાલતો અને બોલતો કરવો પડશે.” પૂજાબેને ત્યારબાદ દિકરા વાસુના ઉછેરમાં પ્રેમની સાથે સાથે હકારાત્મતા પણ ઉમેરી. વાસુ 2 વર્ષનો થયો અને ચાલતો પણ થયો. એક નોર્મલ વિદ્યાર્થીઓની શાળામાં આ છોકરાને દાખલ કર્યો પણ શાળાએ એને એડમીશન આપવાની ના પાડી. જયપુરની એક ખાસ શાળામાં વાસુને દાખલ કર્યો. પૂજાબેને જ્યારે આ શાળાની મુલાકાત લીધી ત્યારે એને સમજાણું કે મારે એકને જ નહિ ઘણી બધી માતાઓને વાસુ જેવા અને ઘણાને તો વાસુ કરતા પણ વધુ તકલીફ વાળા બાળકો છે. આ સંસ્થાની પ્રવૃતિ જોઇને પૂજાબેને સંકલ્પ કર્યો કે મારે પણ ગુજરાતના માનસિક દિવ્યાંગ બાળકો માટે કંઇક કરવું છે.
પૂજાબેન એના પતિ સુરેશભાઇ સાથે રાજકોટ આવ્યા. 2012માં માનસિક વિકલાંગ બાળકો માટેની સંસ્થા ‘પ્રયાસ પેરેન્ટસ એસોશીયેશન’સાથે જોડાયા. તે વખતે 4 થી 5 બાળકો આ સંસ્થામાં આવતા હતા. અત્યારે 110થી વધુ માનસિક દિવ્યાંગ બાળકો આ સંસ્થાનો લાભ લઇ રહ્યા છે. જે પૂજા પટેલ એક વખતે દિકરા વાસુ સાથે આત્મહત્યા કરવાનો નિર્ણય કરી ચૂકેલી એ પૂજા આજે વાસુ સહિત 110 બાળકોની મા બનીને એની સેવા કરી રહી છે. દિવ્યાંગ બાળકો અને એના વાલીઓ માટે પૂજાબેન જુદા જુદા કેટલાય પ્રકલ્પો ચલાવી રહ્યા છે. પૂજાબેનને પ્રેમ કરતા દિકરા વાસુનો આ ફોટો જોઇને કોણ કહે કે માનસિક દિવ્યાંગ બાળકોને કંઇ સમજ પડતી નથી ? મને લાગે છે કે આ બાળકો એટલા શુધ્ધ અને પવિત્ર હોય છે કે જેથી એ પ્રેમ કરનારાને પારખી શકે છે.
પૂજાબેનની હિમતને અને સેવાને વંદન. ડો.સિતારામનની સમજને સો સો સલામ.
મિત્રો, પ્રભુએ આપેલા જીવનને વેડફવાને બદલે બીજાના ઉપયોગ માટે વાપરતા શીખી જઇએ તો કંઇક અનેરા આનંદની અનુભૂતિ થશે