ઘણું બધું રચ્યું, છતાં સંતોષ નહીં થયો હોય, એટલે એક દિવસ એવો વિચાર આવ્યો હશે, કે આ બધામાં કંઇક વિશેષ અને ઉત્તમ કશુંક બનાવું. અને તેણે સ્ત્રી બનાવવાનું વિચાર્યું હશે
લોગઇન, એકદી સર્જકને આવ્યોકંઇ ,અજબ જેવો વિચાર, દંગ થઇ જાયે જગત એવું કરું સર્જન ધરાર.
ફૂલની લીધી સુંવાળપ, flowers
શૂળની લીધી ખટક,
ઓસથી ભીનાશ લીધી,
બાગથી લીધી મહક.
મેરુએ આપી અડગતા,
ધરતીએ ધીરજ ધરી,
વૃક્ષથી પરમાર્થ કેરી ભાવના ભેગી કરી.
બુદબુદાથી અલ્પતા,
ગંભીરતા મઝધારથી,
મેળવ્યો કંકાસ મીઠો,
મોજના સંસારથી.
પ્રેમ સારસનો ઉપાડયો પારેવાનો ફડફડાટ,
કાગથી ચાતુર્ય લીધું,
કાબરોથી કલબલાટ.
ખંત લીધી કેડીઓથી,
મક્ષિકાથી શ્રમ અથાગ,
નીરતી નિર્મળતા લીધી,
આગથી લીધો વિરાગ.
પંચભૂતો મેળવી એ સર્વેનું મંથન કર્યું,
એકએક દી સર્જકે નારી તણું સર્જન કર્યું.
દેવદુર્લભ અવનવી આ શોધ જ્યાં બીબે ઢળી,
એ દિવસથી દર્દ કેરી ભેટ દુનિયાને મળી.
- શૂન્ય પાલનપુરી
આ જે આઠમી માર્ચ, આજના દિવસને વિશ્વમહિલાદિનની ઉજવણીનો દિવસ! શૂન્ય પાલનપુરીએ સ્ત્રીના સર્જન વિશે સુંદર કવિતા લખી છે. ભગવાને સ્ત્રીનું સર્જન કઈ રીતે કર્યું તેની મનભાવન કલ્પના આપી છે કવિએ. જ્યારે કલ્પના થકી કોઈ વાતને રજૂ કરવાની હોય ત્યારે તેમાં રચનાકાર ઇચ્છે તેટલી કલ્પનાના ઘોડા દોડાવી શકે, પણ તેની સાથે વાસ્તવિક જીવનની સચ્ચાઈ હોવી જરૂરી છે. શૂન્ય પાલનપુરીએ નારીના સ્વભાવ, ખંત, જોમ, લાવણ્ય, ગાંભીર્ય, ભય, પ્રેમ અને વિરાગ જેવા અનેક ગુણોનું મિશ્રણ નારીના સર્જનની વાત મૂકી છે. કેમ કે આ બધા જ ગુણો નારીમાં સહજસાધ્ય છે, જે તેને સંપૂર્ણ બનાવે છે.
ઇશ્વરે God ઘણું બધું રચ્યું, છતાં સંતોષ નહીં થયો હોય, એટલે એક દિવસ એવો વિચાર આવ્યો હશે, કે આ બધામાં કંઇક વિશેષ અને ઉત્તમ કશુંક બનાવું. અને તેણે સ્ત્રી બનાવવાનું વિચાર્યું હશે. સ્ત્રી woman બનાવવામાં ઇશ્વરે શુંશું લીધું ? ફૂલની સુંવાળપ અને કાંટાની ખટક પણ લીધી, ઝાકળ પાસેથી ભીનાશ, બાગ પાસેથી મહેક, પર્વત પાસેથી અડગતા, ધરતી પાસેથી ધીરજ, વૃક્ષ પાસેથી સેવાભાવના, પરપોટા પાસેથી જીવનની ક્ષણભંગુરતાની સમજ; દરિયાના ઊંડાણ પાસેથી ગંભીરતા લીધી, કિનારે રોજ પર્વત સાથે અફળાતાં મોજાં પાસેથી સંસારનો મીઠો કંસાસ લીધો.
(કવિએ આમાં પતી-પત્નીના મીઠા ઝઘડાનો ઉલ્લેખ કર્યો હોય તેવું સીધું દેખાઈ આવે છે, નહીં ?) ખેર, સારસની જોડી પાસેથી પ્રેમ લીધો. ‘મરવું, પણ અલગ ન પડવું’ની ભાવનાવાળી સારસ બેલડીનો પ્રેમ તો જગવિખ્યાત છે. પછી પારેવાનો સહજ ફફડાટ લીધો. કાગડા પાસેથી ચતુરતા અને કાબરો કનેથી કલબલાટ લીધો. (સ્ત્રી વધારે બોલતી હોય છે, એવા જોક્સ કદાચ આના લીધે તો નહીં બન્યા હોય ને !) કીડી ખૂબ ખંતીલી હોય છે, ભગવાને તેનો ખંત પણ લીધો, માખી ખૂબ પરીશ્રમ કરે છે, તેનો શ્રમ પણ લીધો. જળ પાસેથી નિર્મળતા અને આગ પાસેથી વૈરાગ્ય પણ લીધું. આ બધું લઇને પંચમહાભૂતમાં ભેળવ્યું, મંથન બનાવી.
પછી છેલ્લી પંક્તિમાં કવિ સોનેટ જેમ વળાંક લાવે છે. એ કહે છે કે દેવોને પણ દુર્લભ એવી આ ચીજ જ્યારથી ઇશ્વરે ઘડી ત્યારથી દુનિયાને દર્દની ભેટ મળી, અર્થાત દર્દની શરૂઆત થઇ. આપણને હળવી એમ પૂછવાની ઇચ્છા થાય કે સ્ત્રી નહોતી ત્યારે દર્દ નહોતું ? સ્ત્રી કંઇ દુ:ખદાતા નથી, એ તો શક્તિની જનની છે. જો કે કવિ અહીં પ્રેમના ભાવને કેન્દ્રમાં રાખીને કદાચ એવું કહેવા માગતા હશે.
આજની સ્ત્રી બધી જ રીતે પુરુષ સમોવડી છે, હોવી જ જોઇએ. મહિલાદિન સ્ત્રીવંદનાનો દિવસ છે. પરંતુ છાપામાં અવાર-નવાર સ્ત્રી પરના અત્યાચારના સમાચાર વાંચીને થાય છે કે શું આ બધું ઢાંકવા માટે મહિલાદિન ઉજવવાની શરૂઆત થઇ હશે ? ખરેખર તો પુરુષે સ્ત્રીને ‘નિર્ભય’ બનાવવાની છે, ‘નિર્ભયા’ નહિ. તેની સાથળમાં નહિ, પરંતુ આંખના ‘કાજળ’માં ખોવાવાનું છે. સ્ત્રીએ કોઇની પસંદગીનો વિકલ્પ નહીં, પણ દુનિયા જીતવાનો સંકલ્પ બનવાનું છે, તો જ મહિલાદિન ઉજવણીની ખરી સાર્થકતા થાય.
આપણે સ્ત્રીને સ્ત્રી નથી રહેવા દીધી, પણ બીજું બધું બનાવી દીધી છે. જયા મહેતાની આવી એક મર્મભેદી કવિતાથી લોગઆઉટ કરીએ.
લોગ આઉટ
સ્ત્રી દેવી છે સ્ત્રી માતા છે સ્ત્રી દુહિતા છે
સ્ત્રી ભગિની છે સ્ત્રી પ્રેયસી છે સ્ત્રી પત્ની
છે સ્ત્રી ત્યાગમૂર્તિ છે સ્ત્રી અબળા છે
સ્ત્રી સબળા છે સ્ત્રી શક્તિ છે સ્ત્રી નારાયણી
છે સ્ત્રી નરકની ખાણ છે સ્ત્રી પ્રેરણામૂર્તિ
સ્ત્રી રહસ્યમયી છે સ્ત્રી દયાળુ
માયાળુ પ્રેમાળ છે સ્ત્રી સહનશીલ છે
સ્ત્રી લાગણીપ્રધાન છે સ્ત્રી ડાકણ છે
સ્ત્રી ચુડેલ છે સ્ત્રી પૂતના છે સ્ત્રી
કુબ્જા છે સ્ત્રી મંથરા છે સ્ત્રી સીતા
ને સાવિત્રી છે સ્ત્રી…
સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે
સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે.