આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના પાવન પ્રસંગે મહિલાના સામર્થ્યની પ્રેરક વાત
1982ના વર્ષની આ વાત છે. ઉતરપ્રદેશમાં ડી.એસ. પી. તરીકે ફરજ બજાવતા કે.પી.સિંહની હત્યા કરી દેવામાં આવી. કે.પી. સિંહના પત્નિ વિભા સિંહ પર તો જાણે કે આભ તુટી પડ્યુ. નાની 9 માસની એક દિકરી કિંજલ ઉપરાંત ગર્ભમાં રહેલી બીજી દિકરીના પાલન પોષણની જવાબદારી હવે વિભા સિંહ પર આવી. વિભા સિંહે બે કામ કરવાના હતા. 1. પતિના હત્યારાઓને સજા કરાવવી અને 2. દિકરીઓને ભણાવી-ગણાવીને મોટી કરવી.
વિભા સિંહે પતિના હત્યારાઓને સજા કરાવવા માટે ખુબ દોડા-દોડી કરી પરંતું એમને ન્યાય મળતો નહોતો. વિભાસિંહ પોતે કેન્સરના દર્દી હતા આમ છતા હિંમત હાર્યા વગર એ પતિના હત્યારાઓ સામેની જંગ લડતા રહ્યા. વિભા સિંહે એમની બંને દિકરીઓ કિંજલ અને પ્રાંજલને નાનપણથી એક ધ્યેય બંધાવ્યુ. ‘તમારે બંનેએ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને તમારા પિતાના હત્યારાઓને સજા કરાવવાની છે. હત્યારાઓ સજા વગર ન રહી જાય નહિતર તમારા પિતાના આત્માને શાંતિ નહી મળે.’
કિંજલ અને પ્રાંજલે પણ માતાના સપનાને પુરુ કરીને પિતાને અનોખી રીતે શ્રધ્ધાંજલી આપવાનું નક્કી કર્યુ. કુદરત જાણે કે પરિક્ષા કરતી હોય તેમ વિભા સિંહ પણ કેન્સરના કારણે મૃત્યુ પામ્યા. હવે બંને બહેનો સાવ એકલી પડી ગઇ. પિતાને તો નાનપણમાં જ ગુમાવ્યા હતા(પ્રાંજલ તો પિતાના મૃત્યુ બાદ જન્મેલી) અને હવે માતા પણ ગુમાવી આમ છતા બંને છોકરીઓએ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ યુપીએસસીની પરીક્ષા આપી.
પરીક્ષાનું પરીણામ આવ્યુ અને બંને છોકરીઓ પાસ થઇ. કીંજલે સમગ્ર ભારતમાં 25મો ક્રમ મેળવ્યો અને પ્રાંજલે 252મો નંબર મેળવ્યો. કિંજલ આઇએએસ ઓફીસર બની અને કલેકટર તરીકે સેવા આપે છે અને પ્રાંજલ આઇઆરએસ ઓફીસર બનીને ઇન્કમટેક્ષ કમિશ્નર તરીકે સેવાઓ આપે છે. આ બંને બહેનોએ માતાનુ એક સપનું પુરુ કર્યુ પણ હજુ પિતાના હત્યારાઓને સજા અપાવવાનું બીજુ કામ પુરુ કરવાનું બાકી હતું. પિતાજીની હત્યાના વર્ષો બાદ એણે એ કામ પણ પુરુ કર્યુ અને જ્યારે કોર્ટે એમના પિતાજીના હત્યારાઓને સજા સંભળાવી ત્યારે કિંજલ ધ્રુસકે ધ્રુસકે રડી પડેલી.
મિત્રો, જીવનમાં આવતી મુશ્કેલીઓની સામે ઘુટણીયે પડવાને બદલે મક્કમતાથી મુશ્કેલીઓનો મુકાબલો કરવામાં આવે તો મુશ્કેલીઓ પણ ઉભી પૂંછડીયે ભાગે છે. સપનાઓ સાકાર થાય જ છે બસ જરૂર હોય છે ધ્યેય માટે જાત સમર્પિત કરવાની.
કિંજલ અને પ્રાંજલ જેવી સૌ મહિલાઓને ભાવપૂર્ણ વંદન સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ.