વદ ૨ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૧મો
સુદેવનો પુત્ર-વિલાપ
અધ્યાય સત્તરમો • દિવ્ય પ્રસાદની કથા
સૂત પુરાણી બોલ્યા : “હે મુનિશ્રેષ્ઠો ! ગૌતમીના આશ્વાસનથી સુદેવ શોકમુક્ત થયો અને એણે પોતાના ચિત્તને પ્રભુચિંતનમાં પરોવ્યું. આમ ઘણો વખત વીતી ગયો. તેનો પુત્ર બાર વર્ષનો થયો હતો.
એક દિવસ દર્ભ અને સમિધ લેવા જંગલમાં ગયો. આ સમયે શુકદેવ પોતાના મિત્રો સાથે કૂવા પાસે રમવા લાગ્યો. બધાને તરતા આવડતું હતું, તેથી બધા કૂવામાં ઊતરીને જળક્રીડા કરવા લાગ્યા. તેઓ કૂવામાં સંતાકૂકડી રમી રહ્યા હતા. એવામાં શુકદેવે મિત્રોને છેતરવા માટે ઊંડા જળમાં ડૂબકી મારી. ભાવિનો ભુલાવ્યો તે કૂવાના ઊંડા જળમાં આગળ વધ્યો. અહીં તે બરાબર સપડાઈ ગયો. તેણે બહાર નીકળવા માટે ઘણો પ્રયત્ન કર્યો, પણ તેમાં તેને નિષ્ફળતા મળી અને અંતે તે કૂવામાં ગૂંગળાઈને મરણ પામ્યો.
થોડા સમય સુધી રાહ જોવા છતાં શુકદેવ પાણીની સપાટી ઉપર ન આવતાં તેનાં મિત્રો ગભરાઈ ગયાં. તેઓ દોડીને તેની માતા ગૌતમી પાસે પહોંચી ગયા અને તેમને આ બનાવની જાણ કરી. આ સમયે સુદેવ પણ આવી પહોંચ્યો હતો. આ વાત સાંભળી બંને પતિ-પત્ની બેભાન થઈ ગયાં. થોડીવાર પછી ભાનમાં આવતાં તેઓ કૂવા તરફ દોડ્યાં. બધાંએ ભેગા મળી શુકદેવના શબને કૂવામાંથી બહાર કાઢ્યું. પતિ-પત્ની ચોધાર આંસુએ રડતાં હતાં. તેઓ પાગલ જેવાં બની ગયાં.
સુદેવ પાગલાવસ્થામાં બોલવા લાગ્યો : “હે પુત્ર! મારી સાથે તું ઘેર ચાલ. અમે તને લીધા વગર ઘેર જવાના નથી. તું કેમ સૂઈ રહ્યો છે ? જલદી ઊઠે. તારા મિત્રો તને વેદાધ્યયન કરવા બોલાવે છે. ગુરુ તને શાળાએ બોલાવે છે, માટે જલદી જલદી ઊભો થા. દીકરા તારા વગર જીવવું નકામું છે. હે પુત્ર ! કોઈ દિવસ નહિ અને આજે અમને પૂછ્યા વગર શા માટે છાનોમાનો પૂર્વે રમવા ગયો ? મારા કયા પાપની ઈશ્વરે મને આ સજા કરી ? અમે તારું શું બગાડ્યું હતું ? શા માટે અમારી પાસેથી અમારા પુત્રને છીનવી લીધો ?
હે દીનદયાળ, હે દયાળુ પ્રભુ, પુત્રવિરહના અગ્નિના તાપથી બળતાં અમારું રક્ષણ કરો. હું મારી મૂર્ખાઈનું ફળ ભોગવી રહ્યો છું. મેં હઠ કરીને પુત્ર પ્રાપ્તિ કરી, તેનું જ આ પરિણામ લાગે છે. જે વસ્તુ મારા ભાગ્યમાં ન લખાયેલી હોય, તે મને ક્યાંથી મળી શકે ’
‘શ્રી બૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘સુદેવનો પુત્ર-વિલાપ’ નામનો સત્તરમો અધ્યાય સંપૂર્ણ. હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ.
અધ્યાય સત્તરમો • દિવ્ય પ્રસાદની કથા
રામનગરમાં રાજા ભૈરવ રાજ કરે. જેવું નામ તેવું કામ તે કરતો હતો. તે ક્રૂર અને ઘાતકી હતો. સાધારણ ગુના માટે તે આકરી સજા કરતો. તેના દિલમાં જરા પણ રહેમ નજર નહિ. શિકાર તેનો મુખ્ય શોખ હતો. હિંસક પશુઓ સાથે નિર્દોષ અને નિર્મળ પ્રાણીઓને પણ તે છોડતો નહિ, તેણે પોતાની જિંદગીમાં કોઈ પુણ્યકાર્ય કર્યું નહોતું. તેની આખી જિંદગી પાપભર્યા કાર્યો કરવામાં જ ગઈ હતી.
તેની રાણીનું નામ ફૂલકુંવર હતું. સાચે જ તે ફૂલ જેવી સુંદર, કોમળ અને નાજુક હતી. તે ધર્મિષ્ઠ અને દયાળુ હતી. તેનો આખો દિવસ વ્રત-જપ-તપમાં જતો. રાજા જેટલું પાપ કરે, એટલું જ રાણી પુણ્ય કરે. રાજા વનમાં શિકારે જાય ત્યારે રાણી પંખીને ચણ નાખે, ગાયોને ઘાસ નાખે, દીન-દુ:ખિયોને મદદ કરે.
આમ કરતાં રાજા ભૈરવ પ્રૌઢ થયો. શરીરની શક્તિ ધીમે ધીમે ઘટતી ગઈ, ત્યારે રાજાને પોતે કરેલ પાપના પડછાયા ડરાવવા લાગ્યા. રાજા ઊંઘમાંથી ઝબકીને જાગી જતો. કરેલ પાપ યાદ કરીને સંતાપ કરતો. રાજાને ક્યાંય ચેન પડતું નથી. તેને થવા માંડ્યું કે હજી જે થોડી ઘણી આવરદા બાકી હોય તેમાં કંઈક ભલાઈનાં કામ કરું તો શાંતિથી મોત આવે.
ઘણા દિવસના સંતાપ અને વિચારને અંતે તેણે નક્કી કર્યું કે આ રાજપાટ કુંવરને સોંપીને જંગલમાં જઈ ધર્મધ્યાન અને તપ કરું, જેથી જીવને કંઈક શાંતિ મળે. છેવટે તેમણે તે વિચારને અમલી બનાવ્યો. કુંવરને રાજપાટ સોંપી વનમાં જવાનું નક્કી કર્યું ત્યારે તેમની સાથે રાણીએ પણ આવવા આગ્રહ કર્યો. જ્યાં પતિ ત્યાં હું તેમ સતી નારીએ વિચાર્યું.
બંને રાજમાંથી કંઈપણ લીધા વગર ઉઘાડા પગે અને સામાન્ય વસ્ત્રો સાથે ચાલી નીકળ્યાં. વનમાં પ્રવેશતાં જ એક ચાર
હાથવાળો માણસ તેમની સામે મળ્યો. રાજાએ તેના ચાર હાથ જોઈ તે કોઈ દેવ હશે તેમ માની તેના પગમાં પડ્યો. રાણીએ પણ રાજાનું અનુકરણ કર્યું. રાજા બોલ્યો : “હે દેવ ! હું મહા પાતકી છું. પાપ કરતાં પાછું વળીને જોયું નથી. પાપના પડછાયા મને જંપીને જીવવા દેતા નથી. માટે તમે મને બચાવો.’’
ત્યારે ચાર હાથવાળો બ્રાહ્મણ બોલ્યો : “ભાઈ, હું કોઈ દેવ નથી, હું તો બ્રાહ્મણ છું. આગળ જતાં મારા જેવા ઘણાય ચાર હાથવાળા માનવો તમને જોવા મળશે.”
રાજાને લાગ્યું કે આમાં કંઈક ભેદ લાગે છે. તેથી રાજાએ બ્રાહ્મણને તે જણાવવા આગ્રહ કર્યો. ત્યારે બ્રાહ્મણ બોલ્યો :
“થોડા દિવસ પહેલાંની આ વાત છે. હું આ રસ્તેથી પસાર થતો હતો ત્યારે સામે દેખાતા તળાવની પાળે મેં એક ચાર હાથવાળા ગોવાળને બેઠેલ જોયો. પહેલાં તો ડરી ગયો. પછી હિંમત કરીને એની પાસે ગયો અને એના ચાર હાથ વિશે પૃચ્છા કરી, ત્યારે એ ગોવાળે જણાવ્યું : “હે ભૂદેવ ! સામે આંબાની જે : ઘટા દેખાય છે, એની પાછળ કનકનો એક પહાડ છે. હું ત્યાં એકવાર ફરતો ફરતો ગયો. ત્યાં મેં મારા જેવા ગોવાળને જોયો. એને પણ ચાર હાથ હતા. હું તેની સામે જિજ્ઞાસાથી તાકી રહ્યો. ત્યારે તે મારી પાસે આવીને મારા હાથ પકડીને મને કનકના પહાડ ઉપર લઈ ગયો. ત્યાં ભગવાન પુરુષોત્તમનું મંદિર હતું. આ મંદિરનો પ્રસાદ જે જમે એ ચાર હાથવાળો થઈ જાય. મેં પ્રસાદ લીધો, એટલે હું ચાર હાથવાળો થયો. આ રીતે તે ગોવાળે મને તે મંદિરમાં લઈ પ્રસાદ જમાડ્યો ત્યારથી મારા પણ ચાર હાથ થવા પામ્યા હતા.
આ સાંભળી રાજા આજીજી કરવા લાગ્યો : “હે ભૂદેવ ! મને પણ તે કનકના પહાડ ઉપર લઈ જાવ, કદાચ ત્યાં મારા પાપનો ભાર હળવો થાય.’’
બ્રાહ્મણ રાજા-રાણીને લઈને આંબાની ઘટા આગળ આવ્યો, પણ રાજાને ત્યાં ક્યાંય કનકનો પહાડ દેખાયો નહિ. કનકનો
પહાડ ન દેખાતાં રાજા નિરાશ થયો ત્યારે બ્રાહ્મણ બોલ્યો : “રાજન, એ કનકના પહાડનાં દર્શન પુણ્યશાળીને જ થાય છે, ને જિંદગીમાં એકાદ પુણ્ય કાર્ય કર્યું હોય તો જરૂર એ પહાડ દેખાત.’’
આ સાંભળી રાજા નિરાશ વદને બોલ્યો : “તમારી વાત સાચી છે ભૂદેવ. મેં આખી જિંદગી નર્યાં પાપ જ કર્યાં છે. એ પાપ આ પુણ્યના અવસરે મારા આડા ઊભા છે. આ પાપ બળે એવો કોઈ રસ્તો તમારા ધ્યાનમાં હોય તો બતાવો. તમે કહેશો તેમ કરવા હું તૈયાર છું.”
રાજાને પશ્ચાત્તાપ કરતો જોઈને બ્રાહ્મણ બોલ્યો : “હે રાજન્ ! તમારા સદ્ભાગ્યે અત્યારે પુરુષોત્તમ માસ ચાલે છે. છેલ્લા આઠ દિવસ બાકી છે. અહીં પાંચ જણ બેસીને ઉપવાસ કરી પુરુષોત્તમ ભગવાનનાં ગુણગાન ગાય તો ચોક્કસ કનક પહાડનાં દર્શન થાય.’’
રાજાને ગમે તેમ કરીને કનકના પહાડનાં દર્શન કરવા હતાં, તેથી તે ઝડપથી બોલ્યો : “હું હમણાં જ મારા નગરમાંથી પાંચ જણને લઈ આવું છું. એ પાંચેયને ઉપવાસ કરાવીશ, ભગવાનનાં ગુણગાન ગવડાવીશ; પછી તો મને કનકનો પહાડ દેખાશે ને ?’’
ત્યારે બ્રાહ્મણ હસીને બોલ્યો : “રાજન્ ! આમ પુણ્ય ન થાય, જો કનકના પહાડનાં દર્શન કરવા હોય તો જાતે ઉપવાસ કરવા પડશે. તમે ઉપવાસ કરો, એનું જ ફળ તમને મળે. સહન કર્યા વગર કે કષ્ટ ભોગવ્યા વગર ભગવાનનાં દર્શન ન થાય. ..
“પણ ભૂદેવ, તમે તો પાંચ જણની વાત કરો છો. બીજા ચારને હું ક્યાંથી લાવું ?’’
બ્રાહ્મણ કહે : હે રાજન ! તમે તમારા નગરમાં જાઓ અને મારા પ્રધાન અને નગરશેઠને બોલાવી લાવો. ત્રીજા તમે, ચોયા રાણી અને પાંચમો હું; આમ આપણે પાંચેય બેસીને ઉપવાસ કરીશું. પુરુષોત્તમ ભગવાનનાં ગુણગાન ગાઈશું, તો તેના પુણ્યના બળે આપણે બધાને કનકના પહાડનાં દર્શન થશે, અને પુરુષોત્તમ ભગવાનના મંદિરમાં જઈ દિવ્ય પ્રસાદનો લાભ મળશે. રાજા તો રાણીને ત્યાં બેસાડી તરત નગરમાં ગયો અને સ્ગરશેઠ તેમજ પ્રધાનને લઈ પાછો ફર્યો.
પાંચેય જણા સ્નાન કરીને ઉપવાસમાં બેઠાં. પાંચેમાંથી કોઈપણ કંઈપણ ફળ-ફૂલ લેતાં નથી, ફક્ત પાણી ઉપર જ રહે છે. પાંચે પુરુષોત્તમ ભગવાનનાં રાત-દિવસ ગુણગાન ગાયાં કરે છે.
આમ કરતાં કરતાં આઠ દિવસ વીતી ગયા. નવમા દિવસની સવારે કનકના પહાડનાં દર્શન થતાં જ રાજાની આંખમાંથી હર્ષાશ્રુ આવી ગયાં. પાંચેયને આનંદનો પાર નથી. આઠ દિવસના ઉપવાસના લીધે તેઓ લથડતા પગે પહાડ ઉપર ચઢ્યાં, શિખર ઉપર સ્વયં પુરુષોત્તમ ભગવાન ઊભા છે. પાંચેય ભગવાનના ચરણોમાં ઢળો પડ્યા. ભગવાને પાંચેયને પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાતાં જ બધાં જ ચતુર્ભુજ થઈ ગયા.
બધાં એકી અવાજે બોલી ઊઠ્યાં : “હે પુરુષોત્તમ ભગવાન! અમને ચતુર્ભુજ થવું નથી. અમને બધાને તમારા વૈકુંઠમાં સ્થાન આપો.”
ભગવાને ‘તથાસ્તુ’ કહ્યું કે અચાનક વૈકુંઠનું વિમાન આવ્યું અને પાંચેયને લઈને તે વૈકુંઠમાં પહોચી ગયું.
બોલો પુરુષોત્તમ ભગવાનની જય