વદ ૪ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૧૯મો
પુરુષોત્તમ માસ-મહિમા
અધ્યાય ઓગણીસમો : ચાર ચકલીની કથા ૭ સંકીર્તન
સૂત પુરાણી બોલ્યા : “હે મુનિશ્રેષ્ઠો ! સુદેવના વિનંતીભર્યા પ્રશ્નનો ભગવાન વિષ્ણુએ જે જવાબ આપ્યો તે તમે સાંભળો :
તેમણે કહ્યું : ‘હે બ્રાહ્મણ ! કૂવામાં પડી તારો પુત્ર મરણ પામ્યો ત્યારે શોકમાં અને દુઃખમાં તમે પતિ-પત્નીએ ત્યાં બેસી રહ્યાં. અજાણપણે પણ અન્નજળનો ત્યાગ કર્યો, તે સમય પુરુષોત્તમ માસનો હતો. પવિત્ર માસમાં કોઈ મનુષ્ય એક પણ ઉપવાસ કરે તો તેનાં અનંત પાપો બળી જાય છે. જ્યારે તમે પતિ-પત્ની તો આખો માસ ઉપવાસ રહ્યાં. અણધાર્યો વરસાદ આવવાથી તમને સ્નાન-ફળ પણ મળ્યું. આમ, અજાણપણે પણ તમારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ જવા પામ્યું. આ વ્રતના કારણે જ તમે મને પ્રિય છો.
આગળ બોલતાં જણાવ્યું : ‘એક સમયે બ્રહ્માએ દેવાની રામા એક ત્રાજવામાં વેદનાં બધાં સાધનો અને બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું, ત્યારે વ્રતવાળું પલ્લું નીચે નમી પડ્યું. આથી જ પુરુષોત્તમ માસને અધિક ફળદાયી ગણવામાં આવ્યો છે. આથી બધા દેવો પણ પુરુષોત્તમ માસનાં ગુણગાન ગાય છે. તેના પરિણામે તું પુત્ર-સુખ પ્રાપ્ત કરી શક્યો છે,’ આમ કહી વિષ્ણુ ભગવાન ગરુડ ઉપર બેસી વૈકુંઠલોકમાં ગયા.
સજીવન થયેલ પુત્રને લઈને પતિ-પત્ની પોતાને ઘેર ગયાં, સમય વીતતાં અધિક માસ આવતાં વિધિ-વિધાન સહિત પુરુષોત્તમ માસનું વ્રત તેમણે કર્યું. આ વ્રતના પ્રતાપે ઘણાં સુખ- ભોગ ભોગવી અંતે વૈકુંઠવાસી થયાં. ત્યાં પણ હજારો વર્ષ ઘણું સુખ ભોગવી પૃથ્વી પર દેઢધન્વા રાજા તરીકે તે જન્મ ધારણ કર્યો.
તારે ગુણસુંદરી નામની જે પત્ની છે, તે આગલા જન્મમાં ગૌતમી હતી. તેમને ચાર પુત્રો અને એક પુત્રી છે. પૂર્વજન્મનો શુકદેવ નામનો પુત્ર પોપટ તરીકે અવતર્યો છે. તે પોતાના પિતાને ઓળખી ગયો છે, અને તેમને મુક્તિના માર્ગે વાળવા માટે જંગલમાં ઝાડ નીચે બેઠેલા દેઢધન્વાને ઉપદેશ આપે છે. રાજાની સુખ-સમૃદ્ધિનું કારણ પુરુષોત્તમ માસનું વ્રત છે, તેને સંભળાવે છે.
આ પ્રમાણે દઢધન્વા રાજાનો સંદેહ વાલ્મીકિ મુનિએ પૂર્વજન્મનો વૃત્તાંત સંભળાવી શંકામુક્ત કર્યો.
‘શ્રી બૃહન્નારદીયપુરાણ’નો પુરુષોત્તમ માહાત્મ્યનો પુરુષોત્તમ માસ-મહિમા નામનો ઓગણીસમો અધ્યાય સંપૂર્ણ,
ચાર ચકલીની કથા
પુરુષોત્તમ માસની શરૂઆત હતી. ભાવિક ધર્મપ્રેમી લોકો સવારે પ્રાતઃકાળે ઊઠી નદીએ સ્નાન કરવા ગયાં હતાં. સ્નાનવિધિ પતાવ્યાં પછી કાંઠા ગોરમાનું પૂજન કરી, બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપી, કેટલીક બહેનો નજીકમાં આવેલા વડલાના ઝાડ નીચે વાતોએ વળગી. આજે તેમની વાતનો દોર પુરુષોત્તમ માસના વ્રત વિશેનો હતો. બહેનોમાંથી એક બહેન બોલ્યાં : “આ પુરુષોત્તમ માસમાં
ઉપવાસનું ફળ મોટું છે. ઉપવાસ કરે, તેને ચોક્કસ ફળે છે, તેમાં
મીનમેખ નથી.” બીજા બહેન બોલ્યા : “તમારી વાત સાચી છે. આમાં ઉપવાસ પણ અનેક રીતે કરવામાં આવે છે. કોઈ પૂર્ણ ઉપવાસ કરે છે, કોઈ ધારણા-પારણા કરે છે, કોઈ એકટાણું કરે છે, જ્યારે કોઈ વ્રત રાખે છે, પણ ઉપવાસ કરતા નથી. જેવો વ્રતનો પ્રકાર, એવું ફળ વ્રત કરનારને મળે છે.
ત્રીજા બહેનો બોલ્યાં : “તમારી વાત સાચી છે. જે પૂર્ણ ઉપવાસ કરે છે, તેને સૌથી વધુ પુણ્ય પ્રાપ્ત થાય છે. તે રાજરાણી બને છે. જે ધારણા-પારણા કરે છે તે શ્રીમંતાઈનો વૈભવ ભોગવે છે. જે એકટાણાં કરે છે, તેને મધ્યમસરનું સુખ પ્રાપ્ત થાય છે. જે વ્રત દરમિયાન ઉપવાસ કરતી નથી અને જે આવે તે ખાધે રાખે છે, તે કનિષ્ઠ ગણાય છે. તેને ભાગ્યમાં કશું નથી મળતું.
ચોથા બહેન બોલ્યાં : “આપણે પુરુષોત્તમ માસનું વ્રત કરીએ અને વ્રતના નિયમોને ન પાળીએ, તે સારું નહિ. સારા નિયમોને પાળવા જ જોઈએ. તેમાં આપણું જ હિત સચવાય છે, અને વ્રત કર્યું લેખે લાગે છે.’’
વડલાના ઝાડ નીચે થતો બહેનોનો આ વાર્તાલાપ ઝાડ ઉપર બેઠેલ ચાર ચકલીઓ સાંભળી રહી હતી. ચકલીઓ માંહોમાંહે ચર્ચા કરવા લાગી : ‘આ બહેનો જે વાતો કરે છે તે સાચી છે કે ખોટી તેનું આપણે પારખું કરીએ.’ ચારમાંની મોટી ચકલીએ પૂર્ણ ઉપવાસ કરવાનું નક્કી કર્યું. બીજીએ ધારણા-પારણા કરવાનું કહ્યું, ત્રીજીએ એકટાણું કરીશ તેમ કહ્યું, જ્યારે ચોથી સૌથી નાની ચકલીએ જણાવ્યું : ‘‘બહેનો, મારાથી તો ભૂખ્યા રહેવાય નહિ, એટલે હું તો ભરપેટ ખાઈને વ્રત કરીશ. મારે કોઈ જાતનું બંધન રાખવું નથી.”
આમ ને આમ પુરુષોત્તમ માસ પૂરો થયો. અચાનક કંઇ થતા ચારે ચકલીઓ મૃત્યુ પામી.
આ ચારે ચકલીઓએ ગામના નગરશેઠને ત્યાં એક પછી એક વારાફરતી જન્મ લીધો. શેઠાણીને પહેલા ખોળાની એક દીકરો હતો. એક દીકરો અને ચાર દીકરીઓ મળી શેઠ-શેઠાણી પાંચ સંતાનનાં માતા-પિતા થયાં. દીકરાને ચાર બહેનો મળી.
લાડકોડમાં ઉછરતી ચારે છોકરીઓ મોટી થવા લાગી. ઉંમરલાયક થતાં શેઠ-શેઠાણીએ તેમને પરણાવવાનું નક્કી કર્યું. સોથી મોટી છોકરી રાજાના કુંવરને ગમી ગઈ, તેથી એ પરણીને મહેલમાં ગઈ. બીજી દીકરીના લગ્ન નગરશેઠના સમોવડિયા એવા એક શ્રીમંતના દીકરાને પરણાવી. તે પાંચ માળની હવેલીમાં ગઈ. ત્રીજી દીકરી એક સુખી ઘરમાં પરણાવી. સૌથી નાની દીકરીને નસીબસંજોગે એક ગરીબના દીકરાને પરણાવવી પડી. આ બધી ભાગ્યની વાત છે. ભાગ્યના ભેદને ભગવાન પણ જાણી શકતા નથી. ચારેય દીકરીઓ પરણીને સાસરે ગઈ.
ચારેય દીકરીઓને પરણાવ્યા પછી શેઠ-શેઠાણીએ નક્કી કર્યું કે હવે આપણે દીકરાને પરણાવીએ. તેમણે પોતાના જેવું સમોડિયા ઘર શોધી કાઢી દીકરાના લગ્ન લીધાં. તેમણે ચારે દીકરીઓને લગ્નમાં આવવા માટેનાં આમંત્રણ મોકલી આપ્યાં. ચારેમાં જે સૌથી નાની હતી, તે તો આમંત્રણ મળતાં તરત પિયર પહોંચી ગઈ. તેનાથી મોટી લગ્નના ત્રણ દિવસ પહેલાં પહોંચી ગઈ. તેનાથી મોટી હતી તે બે દિવસ અગાઉ પહોંચી ગઈ. જ્યારે સૌથી મોટી હતી તે લગ્નના આગલા દિવસે પિયર પહોંચી.
શેઠ-શેઠાણી અને દીકરીઓએ ભેગા મળી ભાઈને ધામધૂમથી પરણાવ્યો. ભાઈને પરણાવી બધા ઘેર આવી ગયાં. બે-ચાર દિવસ દીકરીઓએ પિયરમાં આનંદ કર્યો. હવે દીકરીઓએ પોતાને ઘેર જવાનું નક્કી કર્યું. વિદાયની વેળા આવી. દીકરી પ્રસંગે આવી હોય તો મા-બાપે કંઈક દેવું પડે. નગર શેઠે મોટી દીકરીને પંદર તોલાનો હાર આપ્યો. તેનાથી નાની દીકરીને દશ તોલાનો પહોંચો
આપ્યો. તેનાથી નાની દીકરીને પાંચ તોલાનો દોરો આપ્યો. જયારે સૌથી નાની દીકરીને સોનાને બદલે બે જોડ કપડાં, પાંચ ગૂણી ઘઉં આપ્યા.
આવા ભેદભાવભર્યા વહેવારથી સૌથી નાની દીકરીનું અંતર બળવા લાગ્યું. તે રડવા લાગી. ત્યારે સૌથી મોટી બહેને કહ્યું : “બહેન, તું રડ નહિ. દરેકને પૂર્વજન્મની કરણી મુજબ ફળ મળ્યું છે. આગલા ભવમાં આપણે ચારે બહેનો ચકલીઓ હતી. અધિક માસમાં આપણે પુરુષોત્તમ ભગવાનનું વ્રત લીધું હતું. તેમાં તે વ્રત સમયે ખાવા-પીવાનો કોઈ નિયમ રાખ્યો નહિ, તેથી તને ગરીબાઈ મળી. તારાથી મોટીએ એકટાણું કર્યું, તેથી તેને સુખી ઘર મળ્યું, તેનાથી મોટીએ ધારણા-પારણા કર્યા, એટલે તેને શ્રીમંત ઘર મળ્યું, જ્યારે મેં વ્રત દરમિયાન પૂર્ણ ઉપવાસ કરવાથી તેના ફળરૂપે મને રાજકુટુંબ મળ્યું. આ બધું મને આગલો ભવ યાદ રહેવાથી તને જણાવું છે. હવે યાદ રાખજે કે જ્યારે પણ પુરુષોત્તમ માસ આવે, ત્યારે પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરજે, આખો મહિનો સ્નાન કરજે, કાંઠા ગોરમાનું પૂજન કરજે, દાન-દક્ષિણા આપજે અને પૂર્ણ ઉપવાસ રહી પુરુષોત્તમ ભગવાનનું નામસ્મરણ અને ભક્તિ કરજે, જેથી હવે પછીનો તારો ભવ સુધરી જશે અને તું પણ સુખી થઈશ.’’
મોટી બહેનની વાત સાંભળી નાની બહેનનો અસંતોષ દૂર થયો. તેણે વિચાર્યું કે ‘આમાં મા-બાપનો દોષ નથી, પણ ભાગ્ય બળે જ આ બધું થઈ રહ્યું છે.’
બોલો પુરુષોત્તમ ભગવાનની જય