પુરુષોત્તમ માસની કથા અધ્યાય 25 | purushottam maas katha adhyay 25 | purushottam mas mahima | વ્રત-ઉદ્યાપનવિધિ | મેનાવ્રતની કથાની કથા

0
379

વદ ૧0 : આજનો પાઠ : પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૨૫ મો

વ્રત-ઉદ્યાપનવિધિ

અધ્યાય ૨૫મો : મેનાવ્રતની કથાની કથા

સૂત પુરાણી બોલ્યા : “હે શૌનકાદિ મુનિઓ ! રાજા દંઢધન્વાએ પુરુષોત્તમ માસના વ્રતની ઉદ્યાપનવિધિ અંગે પૂછતા મુનિ વાલ્મીકિએ તેમને જે જણાવ્યું હતું, તે હું તમને હવે જણાવું છું :

પુરુષોત્તમ માસમાં કૃષ્ણ પક્ષમાં ચૌદશ અથવા આઠમને દિવસે વ્રતનું ઉઘાપન કરવું. સવારની સર્વ ક્રિયાઓ પતાવ્યા પછી ૩૦ બ્રાહ્મણોને પત્ની સહિત આમંત્રણ આપવું. નહિ તો શક્તિ મુજબ પાંચ-સાત બ્રાહ્મણોને બોલાવવા. અર્ધો મણ, દશ શેર, પાંચ શેર કે અઢી શેર જુદા જુદા પાંચ

જાતનાં ધાન્યને લાવીને ભૂમિ પર મંડળ રચવું. આ મંડળ ઉપર સોના, રૂપા, તાંબા કે માટીનાં છિદ્રો વિનાના ચાર ઘડા સ્થાપવા તેમના પર ફળો મૂકીને વસો, ફૂલો, ચંદન આદિથી પૂજા કરવી. ત્યારબાદ વાસુદેવ બલભદ્ર, પદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચાર દેવોનું સ્થાપન કરવું.

ચાર બ્રાહ્મણો પાસે પૂજન કરાવીને તેમને ભોજન, વા અને દક્ષિણા આપવા. ચારે દિશામાં દીપકો મૂકવા અને પત્ની સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી તથા ‘વાસુદેવાય સ્વાહાઃ’ એ મંત્રોથી તલનો હોમ કરવો. હોમ દરમિયાન ‘હે પુરુષોત્તમ ભગવાન, મારા અર્થનો આપ સ્વીકાર કરો. હું આપને નમસ્કાર કરું છું.’ તેમ પ્રાર્થના કરવી અને ધ્યાન ધરવું.

બાદ પૂજા કરાવનાર બ્રાહ્મણને સોના સહિતનું પાત્ર દાનમાં આપવું. આચાર્યને સંતોષ થાય તેટલી દક્ષિણા આપવી. ઉપરાંત આમંત્રિત બીજા બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા સાથે વાછરડા સાથેની ગાય દાનમાં આપવી. તેલ અને ઘીનાં પાત્રો, વસ્રો, શિવ-પાર્વતીની મૂર્તિ, પગરખાં આદિ દાનમાં આપવું. જો શક્તિ હોય તો શ્રીમદ્ ભાગવતનો ગ્રંથ આપવો. બ્રાહ્મણની પત્નીઓને પણ વાંસનાં સૂપડાં, હળદર, કંકુ અને બંગડીઓ દાનમાં આપવી.

બાદ વ્રત દરમિયાન થયેલ ભૂલચૂક બદલ ભગવાન સમક્ષ હાથ જોડીને ક્ષમા માગવી. સર્વ કર્મ પતી ગયા પછી ગૌગ્રાસ અને શ્વાનનો ભાગ કાઢી સહકુટુંબ ભોજન લેવું.

વ્રત કરનારે વ્રતના છેલ્લા દિવસે રાત્રે જાગરણ કરીને ભગવાનનું કીર્તન કરવું અને ભગવાન પુરુષોત્તમનું પૂજનનું વિસર્જન કરીને વ્રતની પૂર્ણાહુતિ કરવી.

જે કોઈ નર-નારી પુરુષોત્તમ વ્રત અને તેની ઉદ્યાપનવિવિધ શ્રદ્ધાપૂર્વક કરે છે, તે આ લોકમાં ઘણાં સુખો ભોગવીને વૈકુંઠમાં જાય છે.’’

‘શ્રીબૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્ય ‘વ્રત-ઉદ્યાપનવિધિ’ નામનો પચીસમો અધ્યાય સંપૂર્ણ.

હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ.

મેનાવ્રતની કથા

કૈલાસ પર્વત ઉપર પાર્વતીદેવી બેઠાં બેઠાં કંઈ વિચારમગ્ન છે. ત્યાં બ્રહ્મર્ષિ વશિષ્ઠનાં પત્ની અરુંધતી આવ્યાં. તેમને જોઈ પાર્વતીજીએ કુશળતાના સમાચાર પૂછી આવવાનું કારણ પૂછ્યું.

ત્યારે અરુંધતી બોલ્યાં : “હે માતાજી ! આપની પાસેથી બાર માસનાં તમામ પવિત્ર વ્રતોનો મહિમા મેં જાણ્યો છે. તેની વ્રતવિધિ પણ જાણી છે. પરંતુ હજી સુધી આપે પુરુષોત્તમ માસ માટે કંઈપણ કહ્યું નથી. તો કૃપા કરીને તમે જણાવો કે મારે પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં શું કરવું ?’’

સતી અરૂંધતીની વાત સાંભળી પાર્વતીદેવી બોલ્યાં : “તમારે પુરુષોત્તમ માસના વ્રત વિશે જાણવાની જિજ્ઞાસા છે, તો હું તમને તેને અંગેની વ્રત-વિધિ તથા મહિમા જણાવું છું. કેમકે આ વ્રતથી અખંડ સૌભાગ્ય, સંતતિ, સંપત્તિ આદિ પ્રાપ્ત થાય છે.’

ત્યારે અરુંધતી કહે : “હે માતા, પહેલાં મને આ વ્રતનો મહિમા સમજાવો.’’ પાર્વતીજી બોલ્યાં : ‘એક દિવસની વાત છે. હું અને શિવજી સોગઠાબાજી રમી રહ્યાં હતાં. તે સમયે મારાં માતાજી મેનાવતી પધાર્યા. મેં સોગઠાબાજી પડતી મૂકી, હું મારી માતાજી સાથે સુખ-દુઃખની વાતો કરવા લાગી. વાતવાતમાં મારી માતાજીએ મને ફરિયાદ કરી : “હે દીકરી ! મૃત્યુલોકના માનવીઓ તેને જગદંબા તરીકે પૂજે છે, અને તારાં જુદાં જુદાં વ્રત કરે છે. તારી નિરંતર ભક્તિ કરે છે. ગુણગાન ગાય છે. મને આનાથી હર્ષ થાય છે. દરેક મહિનાના બધાંયે વ્રતપર્વોમાં લોકો મંગલ કરવા તને પૂ છે. જ્યારે મને કોઈ ઓળખતું જ નથી. મારા માથે કોઈ ફૂલની એક પાંખડીયે ચઢાવતું નથી. તારી પૂજાના ૩૬૦ દિવસ, જ્યારે મારે માટે અડધી ઘડીયે નહિ.’

માતાજીનાં વચનો સાંભળી મેં તેમને પુરુષોત્તમ માસનો મહિમા જણાવી, વ્રતવિધિ જણાવી અને એ વ્રત કરવા કહ્યું. ત્યારથી તેમણે દર પુરુષોત્તમ માસમાં લેવાતું મેનાવ્રત કરવા માંડ્યું. અરુંધતી બોલ્યાં : “માતાજી, મને પણ પુરુષોત્તમ માસના મેનાવ્રતની વિધિ બતાવો, હું પણ તે વ્રત પૂર્ણ ભાવથી કરીશ.’

પાર્વતીજીએ પુરુષોત્તમ માસમાં આવતા મેનાવ્રતની વિધિ બતાવતાં કહ્યું : “જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે શુક્લ પક્ષની ત્રીજના દિવસે સવારે વહેલા ઊઠી અને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી બ્રાહ્મણ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો પછી ઘરમાં પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર લાલ વસ્ત્ર પહેરી ધતુરાના પાંચ ફૂલ મૂકી દેવની સ્થાપના કરવી. આ વ્રતમાં મારી માતા મેનાવતીનો મહિમા છે. એટલે હાથી ઉપર તે પતિ અને પુત્ર સાથે બેઠાં હોય તેવી સોનાની કે ચાંદીની મૂર્તિ બનાવી, પછી પાંચ સૌભાગ્યવતી સ્ત્રીઓ સાથે બ્રાહ્મણના હાથે પ્રતિષ્ઠા કરાવવી. ગાયના ઘીનો અખંડ દીવો પ્રગટાવવો અને રોજ પ્રાતઃકાળે સ્નાન કરી પુષ્પ તથા બધાં સુંગધિત દ્રવ્યો વડે મૂર્તિની પૂજા કરવી. નૈવેદ્ય ધરાવવું, આરતી ઉતારવી. આ વ્રતમાં શક્ય હોય તો ધારણા-પારણા કરવાં, નહિતર એકટાણું કરવા.

આ પ્રમાણે વિધિ સહિત આખો પુરુષોત્તમ માસ કરવો. મહિનો પૂરો થતાં વ્રતનું ઉજવણું કરવું. છેલ્લે મૂર્તિનું પૂજન કરી આપી રાજી કરીને વિદાય બ્રાહ્મણને સજોડે જમાડી દક્ષિણા-દાન કરવા. આ દિવસે યથાશક્તિ દાન કરવું.

હવે આ વ્રત કરવાથી શું લાભ થાય છે તે જણાવું. આ વ્રત કરનાર સ્ત્રીનો ચૂડી-ચાંદલો અખંડ રહે છે. તેની ગરીબાઈ ટળે છે, સંતાપ દૂર થાય છે. સુખ-શાંતિ અને સમૃદ્ધિ મળે છે. કુટુંબમાં વ્રત કરનારના માન વધે છે.’

પાર્વતીદેવી પાસેથી મેનાવ્રતનો મહિમા, વ્રતવિધિ અને લાભ જાણી લીધા પછી અરુંધતી પાછા ફર્યાં. તેમણે એ વ્રત કર્યુ અને સમસ્ત જગતમાં એ વ્રતનો પ્રચાર કર્યો.

મેનાવ્રતની કામના મનની પુરણ થાય દુ:ખ મટે સુખ મળે ને શાંતિ થાય

બોલો પુરુષોત્તમ ભગવાનની જય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here