વદ 9: આજનો પાઠ : પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૨૪મો
દીવાનો મહિમા અધ્યાય ૨૪મો : વણિક શેઠની કથા
સૂત પુરાણી બોલ્યા : “હે શૌનકાદિક મુનિઓ ! મણિગ્રીવે પોતાનું જીવનવૃત્તાંત ઉગ્રદેવને જણાવ્યા પછી કહ્યું : “મારો આ દારિત્ર્યનો નાશ થાય અને હું વૈભવશાળી બની સુખપૂર્વક જીવન ગાળી શકું તેમ કરો.’
ઉગ્રદેવ મુનિએ જણાવ્યું : “તે મારો આદરસત્કાર સારી રીતે કર્યો છે, આથી તારું ભાગ્ય ફરી ગયું છે. હવે તારા ભાગ્યનો ઉદય થશે. આ મહિનાથી ત્રીજો મહિનો પુરુષોત્તમ માસ આવે છે. આ માસમાં તમે બંને ભક્તિભાવથી પુરુષોત્તમ વ્રત કરજો. દરરોજ ઘીનો દીવો કરજો. જો ન બની શકે તો તલના તેલનો કે ઇગોરિયાના તેલનો દીવો કરજો, પુરુષોત્તમ માસમાં દીપદાનનો મહિમા ઘણો મોટો છે.
આ દીપદાનથી સંપત્તિ, ધન-ધાન્ય, સંતતિ, કીર્તિ આદિ પ્રાપ્ત થાય છે. દીપદાનથી કુમારિકાને સુંદર અને ગુણવાન પતિ મળે છે, પરણેલ સ્ત્રી અખંડ સૌભાગ્યવતી બને છે, રોગીને તંદુરસ્તી મળે છે, પુત્રહીનને પુત્રની પ્રાપ્તિ થાય છે, વિદ્યાર્થીને વિદ્યા અને તપસ્વીઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ માસમાં દીપદાન
કરવાથી સોળ ગણું પુણ્ય હાંસલ થાય છે.’ આમ કહી મણિગ્રીવને સુખી થવાના આશીર્વાદ આપી મુનિ ઉગ્રદેવ પ્રયાગ તરફ જવા નીકળી પડ્યા.
થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે પતિ-પત્નીએ જંગલમાં પુરુષોત્તમ વ્રતનો આરંભ કર્યો. આખો
માસ તેમણે ઇગોરિયાના તેલનો દીવો કરવાનો નિયમ રાખ્યો. તે મુજબ તેમણે આખો પુરુષોત્તમ માસ ઇગોરિયાના તેલનો દીવો કર્યો. ઉગ્રદેવની કૃપાથી અને દીપદાનના પુણ્યબળે તેમનો મેલ ધોવાઈ ગયો. કાળબળે તેઓ મરણ પામ્યાં. તેઓ સ્વર્ગમાં ગયાં. ત્યાં અનેક વર્ષો સુધી સુખ ભોગો ભોગવી ફરીથી જન્મ લીધો.
આ મણિગ્રીવ એ જ ચિત્રબાહુ રાજા. તેની પત્ની ચંદ્રકળા તરીકે જન્મ પામી અને ચિત્રબાહુની રાણી બની. આમ પુરુષોત્તમ માસમાં ફક્ત ઇગોરિયાના તેલનો દીવો આખો માસ કરવાથી આટલી સમૃદ્ધિ હાંસલ કરી શક્યાં, તો તલના તેલનો કે ઘીનો દીવો ભક્તિભાવપૂર્વક કરવાથી અને ઉપવાસ આદિ રહેવાથી તે ઘણું પુણ્યફળ મેળવી શકે છે.’
આમ અગસ્ત્ય મુનિએ રાજા ચિત્રબાહુ સમક્ષ તેનું જીવન- વૃત્તાંત કહી સંભળાવ્યું અને ત્યાંથી તેઓએ વિદાય લીધી. ‘શ્રીબૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘દીવાનો મહિમા’
નામનો ચોવીસમો અધ્યાય સંપૂર્ણ.
હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ
વણિક શેઠની કથા
એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેમને સાત દીકરાઓ હતા. બ્રાહ્મણ ગરીબ હોવાથી, પોતાનું ગુજરાન માંડ માંડ તે કરી શકતો. ભિક્ષાવૃત્તિ દ્વારા તે પોતાના કુટુંબનો નિર્વાહ કરતો હતો. ભિક્ષાવૃત્તિમાં કોઈ દિવસે વધારે મળે અને ક્યારેક ખાલી ઝોળી લઈને ઘેર આવે. આનાથી ઘરમાં કકળાટ થયા કરતો.
એક દિવસ એક પ્રતિભાશાળી સંન્યાસી બ્રાહ્મણને રસ્તામાં મળ્યા. બ્રાહ્મણે બે હાથ જોડી પ્રણામ કર્યા અને નિરાશ વદને બોલ્યો : “હે સ્વામીજી ! ઘણો દરિદ્ર છું. આ દરિદ્રતામાંથી મારો છુટકારો થાય તેવો કોઈ ઉપાય બતાવો તો સારું.’’
સંન્યાસી બોલ્યાઃ “હે ભૂદેવ ! તમારે દારિત્ર્ય ટાળવું હોય તો બે માસ પછી આવતા અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસમાં ભગવાનનું વ્રત અને આરાધના કરો. રોજ સવારે નદીએ જઈને સ્નાન કરો, કાંઠા ગોરમાનું પૂજન કરો, કથા-વાર્તા સાંભળો. યથાશક્તિ દાન કરો, જેટલું બીજાને આપશો તેથી અધિકગણું પામશો.
બ્રાહ્મણે ઘેર જઈ પોતાની પત્નીને રસ્તામાં સંન્યાસી મળ્યા હતા તે વાત કરી. તેમણે પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો દંઢ સંકલ્પ કર્યો. સાથે સાથે બ્રાહ્મણે વિચાર્યું કે ‘હું કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ પુરુષોત્તમ વ્રત, પુરુષોત્તમ માસની કથા, બીજી કથા-વાર્તાઓ શીખી લઈ બે પૈસા રળું અને વ્રત પણ કરું.’
તેણે વિદ્વાન બ્રાહ્મણ પાસે જઈ આ બધું જાણી લીધું. પુરુષોત્તમ માસ શરૂ થતાં જ બ્રાહ્મણ-બ્રાહ્મણીએ વ્રત શરૂ કર્યું. બ્રાહ્મણ નદીએ સ્નાન કરવા જતો ત્યારે ભાવિક બહેનોને કાંઠા ગોરમાનું પૂજન અને બીજી કથા-વાર્તા સંભળાવતો. ઉપરાંત ઘરે આવી પુરુષોત્તમ ભગવાનની કથા કહેતો, આનાથી તેને સારી દક્ષિણા મળવા લાગી. અનાજ, કપડાં, ફળો અને રોકડ રકમ પણ મળતી.
પડોશમાં એક વિણક શેઠ રહેતા હતા. તેમને સંતાનમાં પાંચ દીકરીઓ હતી, એક પણ દીકરો નહોતો. વિણક પત્ની ગર્ભવતી હતી. તે બ્રાહ્મણની કથામાં જતી. એક દિવસે તેણે બધા કથા સાંભળનાર ગયા પછી બ્રાહ્મણને આ વખતે પોતાને પુત્ર થાય તેવો ઉપાય બતાવવાનું કહ્યું. બ્રાહ્મણે તેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું જણાવ્યું. વણિકપત્નીએ પોતાના પતિને વાત કરી. શેઠ ધર્મમાં માનતા નહિ, પુણ્યદાનમાં માનતા નહિ, છતાં આ વખતે પોતાની પત્નીને પુત્ર થાય, તે આશયથી વ્રત કરવાનું કબૂલ્યું. કદાચ ભગવાન આ વખતે પુત્ર દે. વળી આ વ્રત સારું છે, એક ટંક ખાવાનું બચશે ! પછી તો શેઠ પણ રોજ બ્રાહ્મણ-બ્રાહ્મણી સાથે નદીએ સ્નાન કરવા જાય. કથા-વાર્તા સાંભળે. પુરુષોત્તમ ભગવાન પાસે આજીજી કરીને દીકરો માગે, પણ જ્યાં દાન-દક્ષિણાની વાત આવે ત્યારે વણિક આડું જોઈ જાય.
એમ કરતા શુક્લ એકાદશી આવી. એકાદશીને રાત્રે વણિક શેઠને સ્વપ્ન આવ્યું. તેમાં પુરુષોત્તમ ભગવાન વિણક શેઠને ઉદ્દેશીને કહે : “હે વણિક ! તું ધર્મમાં માનતો નથી. તારી પાસે અઢળક સંપત્તિ હોવા છતાં કંઈ દાન કરતો નથી, તેથી તને પુત્ર-સુખ પ્રાપ્ત થતું નથી. તેં મારું વ્રત કર્યું છે, તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું. હું કહું તેમ કરીશ તો અવશ્ય તને પુત્ર-પ્રાપ્તિ થશે. તારે ત્યાં પુત્રનો જન્મ થાય ત્યારે તારે પુત્રના ભારોભાર સોનામહોરો તોળીને તારી પડોશમાં રહેતા અને મારું વ્રત કરતા બ્રાહ્મણને આપજે. જો તું આમ નહિ કરે તો તારો પુત્ર જીવશે નહિ.’
“પુત્રના વજન જેટલી સોનામહોરો આપવી પડશે’ તેથી વિણક શેઠનું મન નારાજ થયું, પણ ‘પુત્ર પ્રાપ્ત થશે’ તે જાણી અતિ આનંદ થયો.
પૂનમના દિવસે શેઠાણીએ પૂનમના ચાંદ જેવા દીકરાને જન્મ આપ્યો. શેઠના આનંદનો પાર ના રહ્યો. દાયણે જ્યારે પુત્રજન્મના સમાચાર આપ્યા કે શેઠે તેને પોતાની આંગળીમાંથી વીંટી કાઢીને ભેટ આપી. પુરુષોત્તમ ભગવાનની પૂજા કરી અને દિલ ખોલીને ગરીબ-ગુરબાને દાન દીધાં. પછી બ્રાહ્મણ-બ્રાહ્મણીને પોતાને ત્યાં બોલાવી પુત્રના વજન
જેટલી જ સોનામહોરોનું દાન કર્યું. બ્રાહ્મણનું દારિદ્રચ ટળ્યું. આખી જિંદગી બેઠા બેઠા ખાય તેટલું ધન તેને મળ્યું. બ્રાહ્મણ-બ્રાહ્મણી અને શેઠ-શેઠાણીએ આજીવન પુરુષોત્તમ માસનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો.
પુરુષોત્તમકી આસ એક, દુજી આશ નિરાશ
નદી કિનારે ઘર કરો, કબહુ ન લાગે પ્યાસ