Home પુરુષોત્તમ માસ પુરુષોત્તમ માસ આધ્યાય 30 | purushottam maas adhyay 30 | purushottam maas katha

પુરુષોત્તમ માસ આધ્યાય 30 | purushottam maas adhyay 30 | purushottam maas katha

0
પુરુષોત્તમ માસ આધ્યાય 30 | purushottam maas adhyay 30 | purushottam maas katha

અમાસ • આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩૦ :પુરુષોત્તમ માહાત્મ્ય-ફળ

અધ્યાય ૩૦માં : પરસેવાના પૈસાની કથા

સૂત પુરાણી બોલ્યા : “હે શૌનકાદિક મુનિઓ ! નારદજીએ પૂછ્યું : ‘બધાં દાનોમાં શ્રેષ્ઠ દાન કાંસાના સંપુટને કહો છો, તો તેનું કારણ શું ? આનો ભગવાન નારાયણે જે ખુલાસો કર્યો તે હું તમારી સમક્ષ જણાવું છું :

પૂર્વે કૈલાસમાં પાર્વતીજીએ એક વખત આ વ્રત કર્યું હતું. તેમણે મહાદેવજીને પૂછેલ કે ‘મારે કયા પ્રકારનું ઉત્તમ દાન કરવું જોઈએ ?’ આ પ્રશ્નનો ખુલાસો કરતાં મહાદેવે જણાવેલ : ‘સંસારમાં પુરુષોત્તમ વ્રત જેવું ઉત્તમ અને તરત ફળદાયી એકેય વ્રત નથી. આ વ્રત માટે બ્રહ્માંડના જેવા ગોળ આકાળનું સંપુટનું દાન કરવું જોઈએ. કાંસાના સંપુટ(ડાબલા)માં ત્રીસ પૂડલા ભરી તેને નાડાછડી વીંટીને દાન આપવું, એથી તેને બ્રહ્માંડનું દાન કર્યાનું પુણ્ય મળે છે. શક્તિ હોય તો ત્રીસ સંપુટ આપવા.

પવિત્ર પુરુષોત્તમ માસમાં શ્રદ્ધાળુ સ્ત્રી-પુરુષોએ સ્નાન, ધ્યાન, વ્રત, નિયમ, તપ ને કથાશ્રવણનો અવશ્ય લાભ લેવો જોઇએ.

બધાં સાધનો કરતાં આ માસનું અનુષ્ઠાન એ જ ઉત્તમ સાધન છે. આ માસનું માહાત્મ્ય સાંભળનારનાં બધાં પાપો નાશ પામે છે. પૃથ્વીની પ્રદક્ષિણા કરવાથી અને ગંગાસ્નાનથી જે ફળ મળે છે, તે જ ફળ પુરુષોત્તમ માસનું માહાત્મ્ય સાંભળવાથી મળે છે. ક્ષત્રિયને રાજપાટ મળે છે, બ્રાહ્મણ જો સાંભળે તો તેને જમીન જાગીર મળે છે, વૈશ્ય સાંભળે તો તેને દ્રવ્ય મળે છે અને શૂદ્ર સાંભળે તો તેને મુક્તિ મળે છે.

આ માસમાં પુરુષોત્તમ ભગવાન મોરલી અને પીતાંબ ધારણ કરનાર, શંખ, ચક્ર, પદ્મ, ટિમેખલા, કુંડલાદિ ધારણ કરનારનું ધ્યાન ધરવાથી અથવા જપ કરવાથી સર્વ પાપાના નાશ થાય છે, તેને સુખશાંતિ સાંપડે છે.

ભગવાન પુરુષોત્તમનું ભક્તિભાવથી પૂજન આદિ કરવાથી ઇન્દ્રદ્યુમ્ન, શતદ્યુમ્ન, યૌવનાશ્વ, ભગીરથ વગેરે ભગવાન પાસે જઈ શકતાં હતાં.’’

સૂત પુરાણી પાસેથી આ કથા સાંભળીને શૌનક આદિ મુનિઓએ કહ્યું : “હે સૂત મુનિ ! આપે અમોને ઉત્તમ ફળ આપનારી શ્રેષ્ઠ કથા સંભળાવી, માટે આપ સદા-સર્વદા ક્ષેમકુશળ રહો અને હજારો વર્ષનું આવરદા ભોગવો.”

ઋષિ-મુનિઓના આવા આશીર્વાદ પ્રાપ્ત કરી અને તેમની પ્રદક્ષિણા કરીને સૂત પુરાણી તેમનાં નિત્ય કર્મો માટે ત્યાંથી પોતાના શિષ્ય સમુદાય સાથે વિદાય લીધી. તેમણે ભગીરથને કિનારે ચાલવા માંડ્યું.

‘શ્રી બૃહન્નારદીયપુરાણ’ના ‘પુરુષોત્તમ માહાત્મ્ય ફળ’નો ત્રીસમો અને છેલ્લો અધ્યાય સંપૂર્ણ.

અનંતપુર નગરીના રાજાનું નામ ચંદ્રસેન હતું. તે ઘણો દયાળુ અને પરોપકારી હતો. રાજકાજની સાથે સાથે ધર્મ-ધ્યાન પણ કરે. વ્રત નિયમ કરે, જપ-તપ કરે.

એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. રાજાએ અને રાણીએ પુરુષોત્તમ માસનું વ્રત કર્યું. તેઓ દ૨૨ોજ નદીએ સ્નાન કરવા જતાં, કાંઠા ગોરમાનું પૂજન કરતાં અને ત્યાં બેઠેલ બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપી મહેલે આવતા બધા બ્રાહ્મણો રાજાની દક્ષિણાનો સ્વીકાર કરતા, પણ એક બ્રાહ્મણ દક્ષિણા ન લે. દેખાવે દરિદ્ર જણાતો એ બ્રાહ્મણ નમ્રતાથી રાજાને ના પાડે. રાજા બહુ આગ્રહ કરે તો બ્રાહ્મણ કહી દે કે, છેલ્લા દિવસે તમારે જે આપવું હોય તે આપજો.” રાજાને થયું કે આ બ્રાહ્મણ દરિદ્ર છે, તેથી તેને વધારે દક્ષિણાની આશા હશે. કોઈ વાંધો નહિ. છેલ્લે દિવસે હું તેને રાજી કરી દઈશ.’

આમ કરતા પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ આવ્યો. રાજાએ દરેક બ્રાહ્મણને એક-એક સોનામહોર દાનમાં આપી. છેલ્લે પેલા દરિદ્ર બ્રાહ્મણનો વારો આવ્યો. રાજાએ તેને પાંચ સોના-મહોર આપી.

બ્રાહ્મણ નમ્રતાથી બોલ્યો : “હે રાજન્ ! આ દ્રવ્ય આપ ક્યાંથી લાવો છો ?”

રાજા કહે : “કેમ, મારા ખજાનામાંથી લાવું છું.’

બ્રાહ્મણ કહે : “જાણ્યે-અજાણ્યે અનીતિનું ધન પણ આ ખજાનામાં આવી ગયું હોય. મારે તો આપની ખરી કમાણીનું ધન જોઈએ છે.’’ the

રાજાએ પૂછ્યું : “આવો આગ્રહ રાખવાનું કંઈ કારણ છે ?’’ બ્રાહ્મણ કહે : “હે રાજન ! દક્ષિણા લેવાનો તો મારો ધર્મ છે. આપવાજોગ અને હું લેવાજોગ છું. પણ મારે તો શુદ્ધ ધન જોઈએ છે. તમારા પરસેવાની કમાણી હોય તો આપો. હું ખુશીથી લઈશ.’’ આ સાંભળી રાજા બોલ્યો : “આવતી કાલે સવારે તમે મારા મહેલે આવજો. હું મારા પરસેવાની કમાણી તમને આપીશ.’’

આ સાંભળીને બ્રાહ્મણને સંતોષ થયો. હવે તે પોતાના ઘેર ગયો. બ્રાહ્મણને એમ કે આજે ઘણી દક્ષિણા લઈને આવશે, પણ ખાલી હાથે આવેલ જાણી તે બ્રાહ્મણ ઉપર ગુસ્સે થઈ. જ્યારે બ્રાહ્મણે જણાવ્યું : “રાજાએ આવતી કાલે દક્ષિણા લેવા તેને રાજમહેલે બોલાવ્યો છે.” આથી બ્રાહ્મણી રાજી રાજી થઈ ગઈ. ગુસ્સો બધો ઊતરી ગયો. એને મનમાં થયું કે, ‘કાલે રાજા ઘણું બધું ધન આપશે. એટલે પોતાનું દરિદ્ર ફીટી જશે.’

સાંજ થવા આવી. રાજા ચિંતામાં પડ્યો. પરસેવો પાડીને કમાણી કરવાની હતી. જરા અંધારું થતાં રાજાએ મેલા ઘેલાં ફાટેલાં વસ્ત્રો પહેરી મજૂર વેશે મહેલના પાછલા બારણેથી બહાર નીકળી પડ્યો. જિંદગીમાં રાજ ચલાવવા સિવાય બીજું કોઈ કામ કરેલું નહિ, તેથી કોઈએ તેને કામે ન રાખ્યો. ચાલતાં ચાલતાં ચંદ્રસેન એક લુહારની કોઢે પહોચ્યો.

લુહાર દાતરડાં ઘડી રહ્યો હતો. તે એક હાથે ધમણ ફૂંકતો જાય અને બીજા હાથે લાલચોળ થયેલ લોખંડ ઉપર હથોડાના ધા ઝીંકતો જાય. ચંદ્રસેને તેની પાસે જઈ કહ્યું : “હું મજૂર છું. મને કામ આપશો ? તમે જે કહેશો તે કરીશ.”

લુહારે કહ્યું : “કામ તો છે, પણ આખી રાત ધમણ ફૂંકવી પડશે. હથોડાના ઘા મારવા પડશે. આઠ કલાક કામ કરીશ તો તને ચાર આના મજૂરી આપીશ. જો કબૂલ હોય તો કામ પર આવી જા.’

રાજાએ કામ કરવાની હા પાડી. લુહારના કહેવા મુજબ તે કામ કરવા લાગ્યો. થોડીવાર ધમણ હલાવતો, થોડીવાર પછી ગરમ લોઢા ઉપર હથોડા મારવા લાગી જતો. શરૂઆતમાં તેને કંઈ ખબર ન પડી, પણ ધીમે ધીમે તેના હાથમાં છાલા પડ્યા. માંડમાંડ કલાક પૂરો થતાં તો તે પરસેવાથી રેબઝેબ થઈ ગયો. હાથમાં એવા છાલા પડ્યા કે હથોડો પણ પકડાતો નહોતો. રાજાના આંખે અંધારા આવવા લાગ્યા. તેના હાથોને હથોડો પકડવાનીયે પણ તાકાત ન રહી. એ તો ત્યાં ને ત્યાં બેસી ગયો. ત્યારે લુહારે તેને ખખડાવી નાખ્યો. ત્યારે રાજા કરગરીને કહેવા લાગ્યો : “હવે મારામાં ઊભા રહેવાની પણ શક્તિ નથી. તમારે જે આપવું હોય એ આપો. જે આપશો તે રાજીખુશીથી લઈ ચાલ્યો જઈશ.’

લુહારે ગજવામાંથી એક ઢબુડી કાઢી તેના તરફ ફેંકી. રાજાએ ઉપાડી ચાલતી પકડી. રાજાને આજે ભાન થયું કે જાતમહેનતથી પૈસો રળવો સહેલ નથી. તે ઢબુડી લઈને મહેલે આવ્યો અને મજૂરનાં કપડાં કાઢી નાખી, હાથ પગ ધોઈ, હાથે લેપ લગાવી સૂઈ ગયો.

પ્રાતઃકાળે રાજાએ ઊઠી સ્નાન કરી, પૂજાપાઠ કરી, મહેલની અગાશીએ બ્રાહ્મણની રાહ જોતો ઊભો રહ્યો. થોડીવારમાં બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યો. રાજાએ નીચે ઊતરી બ્રાહ્મણને આવકાર આપી બેસાડ્યો. પછી રાજાએ ખિસ્સામાંથી ઢબૂડી કાઢી બ્રાહ્મણને દક્ષિણામાં આપી. બ્રાહ્મણે પ્રેમથી દક્ષિણા સ્વીકારી લીધી, અને રાજાને આશીર્વાદ આપ્યા કે, “પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તમારા ત્યાં નવ માસે પારણું બંધાશે.’’

આશીર્વાદ આપી બ્રાહ્મણ ઘેર ગયો, અને ઝોળીમાંથી ઢબુડી કાઢી બ્રાહ્મણીના હાથમાં મૂકી. બ્રાહ્મણનીને આ ઢબૂડી જોઈ એવો તો રોષ આવ્યો કે તેણે ઢબૂનો બહાર ઘા કરી બ્રાહ્મણને ભાંડવા લાગી. બ્રાહ્મણ ઢબૂ શોધવા માંડ્યો પણ ઢબૂ ક્યાંય હાથમાં ન આવ્યો ત્યારે તે ભગવાનને વિનવવા લાગ્યો કે, “હે પ્રભુ, મારી અજ્ઞાન પત્ની સામે ન જોશો.”

બ્રાહ્મણીના હાથે ફેંકાયેલા ઢબુ તેમના જ તુલસીક્યારામાં દટાઈ ગયો. ભગવાનને કરવું તે એનો છોડ ઊગ્યો. થોડા વખતમાં તે છોડ ઉપર નવી જાતની શીગો આવી. એક દિવસ બ્રાહ્મણીએ નવીન છોડની શીંગો ફોલીને તેમાંથી દાણ કાઢ્યા. દાણા જોઈ બ્રાહ્મણી નવાઈ પામી. આ સામાન્ય દાણા નહોતા, પણ સાચા મોતીના દાણા હતા.

તે તો દોડતી જઈને પતિને છોડ પાસે લઈ આવી અને એક શીંગ ફોલી તેમાંથી જે દાણા નીકળ્યા તે બ્રાહ્મણને બતાવ્યા. બ્રાહ્મણ પણ આ દાણા જોઈ દિગ્મૂઢ થઈ ગયો. ખરેખર દાણા મોતીના જ હતા. બ્રાહ્મણ સમજી ગયો કે આ છોડ બીજું કઈ નહિ પણ રાજાએ આપેલ અને પોતાની પત્નીએ બહાર ફેંકી દીધેલ ઢબુનો જ ચમત્કાર છે. .પછી તો રોજ પાંચ શીંગો છોડ ઉપરથી ઉતારવામાં આવતી, તેમાંથી પચીસ મોતી નીકળતા. તે તેઓ બજારમાં વેચી રોકડ


ઊભી કરી લેવી. થોડા વખતમાં બ્રાહ્મણની ઇન્દ્રિતા ચાલી ગઇ, અને તે વાત બની ગયો. બ્રાહ્મણીને પણ પતિની શ્રદ્ધા ઉપર વિપાસ બેઠો. તેને પણ ખરી કમાણીનું મહત્વ સમજાવા લાગ્યું.

બ્રાહ્મણના પડોશીઓ એકાએક બ્રાહ્મણને ધનવાન બનેલો જોઈને વિસ્મય પામ્યાં. તેમને આમાં કંઇ ભેદ લાગ્યો, અને તેઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના આંગણામાં પૈસાનું ઝાડ ઊગ્યું છે. તેની ઉપર શીગો થાય છે. આ શીંગોમાંથી મોતીના દાણા નીકળે છે.

બ્રાહ્મણે પોતાના મકાનની આસપાસ કાંટાળી વાડ બાંધી દીધી અને પતિ-પત્ની ઝાડની દેખરેખ રાખતાં, એટલે ત્યાં કોઇ આવી શકે તેમ નહોતું.

આ વાત ઊડતી ઊડતી પ્રધાનને કાને આવી વાત સાંભળી પ્રધાનની દાનત બગડી અને તે છોડ પડાવી લેવા માટે એક દિવસ બે ત્રણ સિપાહીઓને લઈ બ્રાહ્મણને ઘેર ગયો ને કહેવા લાગ્યો : ‘હે ભૂદેવ ! આ છોડ તમને રાજાએ આપેલ ઢબુમાંથી થયેલ છે. માટે તે રાજાનો ગણાય, તમે આટલા દિવસ લાભ લીધો, તો ભલે લીધો, હવે રાજાને છોડ લઈ જવા દો.’’

બ્રાહ્મણ કંઈ બોલ્યો નહિ, પણ બ્રાહ્મણી બોલી : “કોણે કહ્યું કે આ રાજાના ઢબુનો છોડ છે ? આ તો અમારા પુણ્યનું અને પુરુષોત્તમ માસના વ્રતનું ફળ છે.’’

પ્રધાન ખંધુ હસતાં બોલ્યો : “અમે ખાતરી કરવા માગીએ છીએ કે આ છોડના મૂળમાં ઢબુ છે કે કેમ ? જો ઢબુ નહિ હોય તો અમે ચાલ્યા જઈશું.” આમ કહી પ્રધાને મજૂરોને બોલાવી છોડ ખોદી કાઢવાની આજ્ઞા આપી. બિચારા બ્રાહ્મણ બ્રાહ્મણી લાચાર બની જોઈ રહ્યો. તેઓ પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી રહ્યાં હતાં.

છોડવાળી જમીન ખોદવાનું કામ ચાલુ થયું. જમીન ખોદાતી જતી હતી. તેનું મૂળ દેખાતું નથી. મજૂરો ખોદી ખોદીને થાકી ગયા પણ છોડનું મૂળ દેખાતું ન હતું. આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ, તેથી લોકોનાં ટોળાં બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યાં.

રાજાના કાને આ વાત આવી. તેમને દુઃખ થયું કે પ્રધાને મને પૂછ્યા વગર આ કામ હાથમાં લીધું તે યોગ્ય કર્યું નથી. રાજા તાબડતોબ ત્યાં આવી પહોંચ્યા અને ત્યાંની સ્થિતિ જોઈ તે એકદમ નારાજ થઈ ગયા. તેમણે પ્રધાનને ધમકાવ્યો : “તમને આવું કરવાનું કોણે કહ્યું હતું ?”

ચાલાકી વાપરીને પ્રધાને કહ્યું : “મહારાજ ! આ તો રાજાની મિલકત ગણાય. આથી રાજ્યના હિત ખાતર મેં આ કાર્ય કર્યું છે, છતાં મારી ભૂલ થઈ તો મને માફ કરજો.’

પછી બ્રાહ્મણ-બ્રાહ્મણી પાસે જઈ રાજાએ આ છોડ અંગે પૂછ્યું, ત્યારે બ્રાહ્મણ બોલ્યો : “હે રાજન્ ! આપે મહેનત કરીને દાનમાં આપેલ ઢબુમાંથી આ છોડ ઊગ્યો છે. એટલે તેના ઉપર અમારો અધિકાર છે. આ અમારા પુણ્યનું ફળ છે. અમે તેને કેમ લઈ જવા દઈએ ?

રાજન્ ! પ્રધાનજી આ ધર્મરૂપી ઊગેલા છોડનું મૂળ જોવા માગતા હતા, પરંતુ ધર્મનાં મૂળ ઊંડા હોય છે, તે મૂળને કોઈ જોઈ શકતું નથી, પછી ઉખાડવાની તો વાત જ ક્યાં રહી ?”

રાજાએ બ્રાહ્મણની ધર્મનિષ્ઠા અને શ્રદ્ધા ઉપર ધન્યવાદ આપ્યા અને હાથ જોડી રાજાએ બ્રાહ્મણ-બ્રાહ્મણીની માફી માગી. રાજાને આ જોઈ પરસેવાની કમાણીનું મહત્ત્વ સમજાયું અને ત્યારથી રાજાએ પોતાની તિજોરીમાં કોઈ અનીતિનો પૈસો ન આવે તે માટે રાજના કારભારીઓને તાકીદ કરી,

બોલો પુરુષોત્તમ ભગવાનની જય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here