ગઈકાલે રાજકોટમાં એક એવી ઘટના ઘટી જે આજે મોટાભાગના સમાચારપત્રોમાં છપાઈ છે અને સોશ્યલ મીડિયામાં પણ ખૂબ વાઇરલ થઈ રહી છે.
પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા ઉચ્ચ શિક્ષિત બે ભાઈઓ અને એક બહેન એના માતાના અવસાન પછી માનસિક અસ્વસ્થતાને કારણે છેલ્લા 10 વર્ષથી રૂમમાં જ પુરાયેલા રહેતા હતા. એમના પિતા એને ભોજન પહોંચાડતા જે થોડું જમી લેતા અને રૂમમાં બેસી રહેતા. વર્ષોથી એ ઘરની બહાર નીકળ્યા જ નથી એટલે એનો રૂમ અને શરીર બંને ગંધાતા હોય એ સ્વાભાવિક છે. નર્કને પણ કદાચ સારું કહેવડાવે એવી ખરાબ પરિસ્થિતિમાંથી આ ત્રણે ભાઈ બહેનોને બહાર લાવવાનું કામ આ ફોટોમાં દેખાય છે એ રાજકોટના રહેવાશી જલ્પાબેન પટેલ અને તેના સાથી સેવા ગ્રુપે કર્યું છે.
જલ્પાબેન સાથી સેવા ગ્રૂપ નામનું એક ગ્રૂપ ચલાવે છે જે જુદા જુદા પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરે છે. રસ્તા પર રખડતા-ભટકતા માનસિક દિવ્યાંગ લોકોની આ ગ્રૂપ વિશેષ સેવા કરે છે. માનસિક દિવ્યાંગ લોકોને નવડાવીને સ્વચ્છ કરે અને એને નવા કપડાં પહેરાવે. જો કોઈ બીમારી કોઈ કે કોઈ તકલીફ હોય તો યોગ્ય સારવાર પણ અપાવે અને એ રીતે સેવા કરે. આજ દિવસ સુધીમાં કેટલાય માનસિક દિવ્યાંગ લોકોની જલ્પાબેનની ટીમેં પરિવારના સભ્યની જેમ સેવા કરી છે.
જલ્પાબેન સ્ત્રી છે છતાં જરૂર પડે અડધી રાતે પણ સેવા કરવા માટે પહોંચી જાય. કોઈ પુરુષને નવડાવવાનો હોય કે એના કપડાં બદલવાના હોય તો એમાં પણ જલ્પાબેન જાતે આ કામ કરે. એક માં પોતાના સંતાનને જેમ ફોસલાવીને એની પાસેથી કામ લે એવી રીતે જલ્પાબેન પણ ફોસલાવીને કામ લે. જેને આપણે માનસિક માનસિક દિવ્યાંગ ગણીએ છીએ એ કદાચ પ્રેમની ભાષા બહુ સારી રીતે સમજતા હશે કારણકે કોઈનું કાંઈ ન સાંભળનારા પાગલ જલ્પાબેનની વાત સાંભળે અને માને પણ ખરા.
પરિવારની અને સંતાનોની જવાબદારી હોવા છતાં આ નીડર અને સેવાભાવી મહિલા નિઃસ્વાર્થભાવે સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. જલ્પાબેનને ત્રણ ભાઈ બહેનો 10 વર્ષથી રૂમમાં પુરાઈને રહેતા હોવાની જાણ થતાં તુરત જ એના ઘર સુધી પહોંચી ગયા હતા. મહામહેનતે ઘરમાં પ્રવેશીને બધાને બહાર કાઢ્યા, નવડાવ્યા, નવા કપડાં પહેરાવ્યા અને એની યોગ્ય સારવાર માટેના પ્રયત્નો પણ હાથ ધર્યા.
જલ્પાબેન અને સાથે સેવા ગ્રુપના સૌ સભ્યોને એમની ઉમદા સેવા બદલ નતમસ્તક વંદન.