લોકોના મ્હેણાં-ટોણાને ચેલેન્જ તરીકે સ્વીકારીને એવો જડબાતોડ જવાબ આપ્યો કે જેથી સૌની બોલતી બંધ થઈ ગઈ

આજે એક એવા યુવાન સાથે ઓળખાણ થઈ જેણે મિત્રો અને લોકોના મ્હેણાં-ટોણાને ચેલેન્જ તરીકે સ્વીકારીને એવો જડબાતોડ જવાબ આપ્યો કે જેથી સૌની બોલતી બંધ થઈ ગઈ. ………

રાજકોટમાં રહેતો જયદીપ નાટડા શરીરે બહુ પાતળો હતો. ધોરણ ૧૨નો અભ્યાસ પુરો કરીને કોલેજમાં આવ્યો ત્યારે વજન માત્ર ૪૪ કિલો જ હતું. કોલેજમાં મિત્રો એની મજાક કરતા. મકોડી પહેલવાન જેવા જયદીપ સાથે કોઈ બહાર જવા પણ તૈયાર ન હોય. સગા-સંબંધીઓનું વર્તન પણ આવું જ હતું. કોઈ પ્રસંગે બહાર જવાનું થાય તો બધા જયદીપને જોઈને મજાકમાં પૂછે ‘તું કંઈ બીમાર છો ? કેમ દિવસે દિવસે ગળતો જાય છે?’ ……..

મિત્રો અને સગા-સંબંધીઓના આ મ્હેણાંથી માનસિક રીતે ભાંગી ગયેલો જયદીપ કોલેજની પરીક્ષામાં પણ નાપાસ થયો. હતાશાવસ્થામાં સમય બરબાદ કરવાને બદલે એમણે એક દ્રઢ સંકલ્પ કર્યો. જે લોકો મારા શરીરના વાગોવણા કરે છે એ લોકો મારા શરીરના વખાણ કરે એવું કરવું છે. સોટી જેવા શરીરની શરમ છોડીને હવે સ્નાયુબદ્ધ શરીર બનાવવું છે.

કોઈ પ્રોફેશનલ ટ્રેનરની મદદ વગર જાતે જ યુ-ટ્યુબ પરથી જુદા જુદા વિડિયો જોઈને કસરત ચાલુ કરી દીધી. ઘણા કહેતા હતા કે ગમે તેમ કરે પણ કુદરતી બાંધામાં ફેર ન પડે માટે ખોટી મહેનત રહેવા દે. કોઈની વાત કાને ધર્યા વગર શરીરને સુદ્રઢ બનાવવા માટે એમણે એની મહેનત ચાલુ જ રાખી. સમય પસાર થતો હતો પણ પરિણામ નહોતું મળતું છતાં પણ હતાશ થયા વગર નિયમિત રીતે કસરત ચાલુ રાખી. ધીમે ધીમે પરિણામ મળવા લાગ્યું અને ૨ વર્ષની મહેનત બાદ એ મકોડી પહેલવાનમાંથી ખરેખર પહેલવાન બની ગયો. ………..

શરીર તો બની ગયું. હવે લોકો કહેવા લાગ્યા કે આ શરીર બનાવીને શું કરવાનું ? શરીર કઈ રોટલા થોડા આપશે ? જયદીપે નક્કી કર્યું કે હવે એવું કરવું જે જેથી શરીર પણ જળવાય રહે અને રોજગારી પણ મળી જાય. એમણે રાજકોટના જીમમાં ટ્રેનર તરીકેની નોકરી શરુ કરી. રાજકોટ જેવા શહેરમાં સામાન્ય જીમમાં ટ્રેનર તરીકે કામ કરતા ટ્રેનરને પગાર પણ સામાન્ય મળે આથી જયદીપે પોતાનું જ જિમ બનાવવાનો સંકલ્પ કર્યો. ……..

રાજકોટમાં આવેલા મવડી ચોક ખાતે “ફીટનેશ ડેસ્ટીનેશન” નામનું જયદીપનું પોતાનું જિમ છે અને ૧૫૦થી વધુ લોકોને એ ફીઝીકલ ફીટનેશની તાલીમ આપે છે.

મિત્રો, જો તમને તમારી જાત પર વિશ્વાસ હોય તો મ્હેણાં-ટોણાનો જવાબ એવો આપી શકો કે તમારી વગોવણી કરનારા તમારા વખાણ કરવા માટે મજબુર થઈ જાય………

Leave a Comment