ઓખાહરણ કડવું 1 થી 11 | okhaharan

ઓખાહરણ કડવું -1 થી કડવું –11

કવિ પ્રેમાનંદ કૃત આખ્યાન કે જે એક ગુજરાતી સાહિત્યની પ્રચલિત કથા છે ઓખાહરણ, તેના કડવા ૧ થી ૧૦ સુધી અહીં આપ્યા છે પ્રથમ ગણેશ વંદના ત્યાર બાદ માતાજી ની પ્રાર્થના થી શરુ કરીશું.

https://youtu.be/oifMDAzoo3A

શ્રી ગણપતિ પ્રાર્થના :        રાગ આશાવારી : એક નામ મુજને સાંભર્યું, શ્રી ગૌરી પૂત્ર ગણેશ: પાર્વતીના અંગથી ઉપજ્યો, તાત તણો ઉપદેશ. ૧. માતા જેની પાર્વતી ને પિતા શંકર દેવ; નવ ખંડમાં જેની સ્થાપના, કરે જુગ ભૂતળ સેવ. ૨. સિંદૂરે શણગાર સજ્યા, ને કંઠે પૂષ્પના હાર, આયુદ્ધ ફરશી કર ધરીને, હણ્યા અસુર અપાર. ૩. પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિકે આહાર; ત્રીજા કરમાં ફરશી સોહીએ, ચોથે જપમાળ રે. ૪. ચાલો સહિયરો દેરે જઈ એ, પૂજીએ ગણપતિરાય, મોટા લીજે મોદિકે લાડુ, લાગીએ શંભુ સુતને પાય. ૫. એવા દેવ સાચા મુનિવાચા, પૂરે મનની આશા, બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ.

કડવું -૧લું   શ્રી અંબાજીની પ્રાર્થના : આદ્યશક્તિ અંબા પ્રગટ્યા. જ્યાં પવન નહીં પાણી; સૂરિનર મુનિવર સર્વે કળાણા, તું કોણે ન કળાણી. ૧. તારું વર્ણન કઈ પેરે કરીએ; જો મુખ રસના એક ; સહસ્ત્રફેણા શેષનાગને મા, ! તોયે ન પામ્યો ભેદ. ૨. જુજવા રૂપ ધરે જુગદંબા ; રહી નવખંડે વ્યાપી; મહા મોટા જડ મુઢ હતા મા, તેમની દૂરબત કાપી. ૩. ભક્તિભાવ કરી ચરણે લાગું, માં આદ્યશક્તિ જાણી; અમને સહાય કરવા તું સમરથ, નગર કોટની રાણી. ૪. તું તારા ત્રિપૂરાને તોતળા, નિર્મળ કેશ રંગે રાતા; બીજી શોભા શી મુખે કહીએ, રચના બની બહુ ભાતે.

૫. હંસાવતી ને બગલામુખી, વહાણવટી તું માય; ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. ૬. મા! સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય; બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. ૭. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબીલ ગુલાલ તણા હોય ઓચ્છવ, મૃદંગના ઝણકાર. ૮. સિંહાસને બેઠી જુગદંબા. અમૃત દષ્ટજોતી સોળ શણગાર તે સજ્યા મા, નાકે નિરમળ મોતી. ૯. ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય; અગર કપુરે તારી કરું આરતી સેવક જન શિર નમાય; ૧૦. તું બ્રહ્માણી, તું રૂદ્રાણી, તું દેવાધી દેવા, સકલ વિશ્વમાં તું છે માતા કરું તમારી સેવા. ૧૧. માના શરણ થયા પ્રતિપાલન પહોંચી મનની આશ; કુશળ ક્ષેમ રાખજો અંબા માં સર્વેને એમ કહે ત્રિપુરાદાસ રે. ૧૨.

કડવું -૨ જું        રાગ કેદારો : હું તો શ્રી પુરૂષોત્તમ શિર નામું, હું તો સકળ વામું ક્લેવરનાં, સુણતાં પાતક જાય; ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. ૧. તાવ-તરીઓ એકાંતરીયો, ન ચઢે તેની કાય; ભૂતનો ભણકારો તેને, ન આવે સ્વપ્નમાંય. ૨.પરિક્ષીત પૂછે કહોને શુકજી. મહિમાય, કોણ રીતે થયો, ઓખા અનિરૂદ્ધનો વિવાહ. ૩.પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવસ્કંધ; હવે દસમની કહો કથા, જેમ ઉપજે આનંદ. ૪. હરિએ વૃંદાવનમાં લીલી કીધી વાયો મધુરો વંશ; પ્રથમ મારી પુતનાને; પછી પછાડ્યો કંસ.

૫. પછી પધાર્યા દ્વારીકામાં, પરણ્યા છે બહુ રાણી; સોળસહસ્ત્ર શત રાણી, તેમાં અષ્ટ કરી પટરાણી. ૬. તેમાં વડા રૂક્ષ્મણી પ્રદ્યુમન તેના તન; જેના તન, મરીચીના સુત કશ્યપ કહીએ, હરિણ્યકશ્યપ રાજન. ૮. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવંત; પ્રહલાદ સુત વિરોચન, બળીરાય તેનો તન ૯. બળી તણો સુત બાણાસુર, જેનું મહારૂદ્ર ચરણે મન; એક સમે ગુરૂજી કહોને તપ મહિમાય; શુક્ર વાણી બોલિયા વચન. ૧૦. અહો ગુરૂજી કહોને તપ મહિમાય; શુક્રવાણી બોલિયા, તું સાંભળને જગરાય. ૧૧. ત્રણ લોકમાં ભોળા શંભુ આપશે વરદાન, મધુવનમાં જઈ તપ કરો, આધારો શિવ ભગવાન રે. ૧૨.

કડવું -૩ જું.        રાગ મારુ : રાય તપ કરવાને જાય છે, એ તો આવ્યો મધુવન માંય રે; કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, ધરિયું શિવજી કેરું ધ્યાન રે. ૧. રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપમાળા ઝાલી રે, માળા ધાલ્યા સુગ્રીએ કાન રે, તોયે -આરાધે શિવ ભગવાન. રે. ૨. રૂધિર માંસ સુકાઈ ગયું રે, શરીર સુકા કાષ્ટવત સમ થયુ; રે; મહા તપીઓ, કેમ નવ બોલે રે, એના તપથી ત્રીભુવન ડોલેર . ૩. વળતા બોલ્યા શંકરરાય રે, તમે સાંભળો ઉમીયાય રે, એક અસુર મહા તપ સાધે રે, મારૂં ધ્યાન ધરીને રાધે રે. ૪. કોણ કહીયે જેનો બાપ રે, તે તો કહો માંડી બેઠો મહાજાપ રે, તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે.

૫. વળતા બોલ્યાં રૂદ્રાણી રે, મારી વાત સુણો શૂળ પાણી રે; દૂધ પાઈ ને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ૬. ભેદ ભસ્માંગદનો લહ્યો રે, વરદાન પામીને પુંઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકી નાથ સંતાપ્યા રે. ૭. માટે શી શિખામણ દીજ રે, ભોળા રૂડું ગમે તે કીજે રે, વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે, ૮. સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિરમળ રે; સેવા કરી ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે. ૯. જે કોઈ ચઢાવે બીલિપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે; સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે.

૧૦. નારી પાનિએ બુદ્ધિ તમારી રે, આપતાં ન રાખીએ વારી રે; હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાઉં રે, ૧૧. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મુક્યો બાણાસૂર શીર હાથ રે, તું તો જાગ બાણાસૂર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. ૧૨. હું તો જાગું છું મહારાજ રે, આપો શોણિતપૂરનું રાજ રે, શિવ માંગું છું વારંવાર રે, મને આપો કર હજાર રે. ૧૩. કર એકેકો એવો કીજે રે, દસ સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે; અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પૂત્ર કહી સ્થાપ્યો રે. ૧૪.

કડવું ૪ થું.        રાગ આશાવરી : વરદાન પામી વળિયો બાણાસુર, શોણિતપૂરમાં જાય; વનમાં વાસી પશુ પંખી, તે લાગ્યા બ્હીવાય. ૧. કાંઈ ન દીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય; આવીને જોવા લાગ્યાં, સર્વે, દીઠો બાણાસુર રાય. ૨. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન; કૌભાંડ નામ રાય તણે ઘર, પ્રગટ થયો પ્રધાન. ૩. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો, રાય બાણાસુર બળવંત

૪. પાતાળે નાગલોક જીતી, ચાલ્યો તેણી વાર; દેશ દેશના મહીપતી જીત્યાં, કહેતાં ન આવે પાર. ૫. સ્વર્ગે જઈને જીત્યા, સર્વે દેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી; બાણાસુર તણા કરમાંય. ૬. જીતી સૂરજ પાછો વળિયો, મળિયા નારદમૂનિ; પ્રણામ કરીને પાયે લાગ્યો, તેણે સમે રાજન. ૭. ઓ નારદજી, ના થયું મારું કામ, એક જોધ્ધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ, ૮. નારદ વાણી બોલિયા, તું સુણ બાણાસુર રાય; જેણે તુજને હાથ આપીયા, તે શિવ શું કર સંગ્રામ. ૯.

કડવું -પ મું.        રાગ ઢાળ : કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાથ; જળમાંહી જેમ નાવ ડોલે, એમ ડોલે ગિરિનાથ. ૧. ટોપ કવચને ગદા ફરશી, કડકડાટ બહુ થાય; તેણે સમે ઉમિયાજી, મનમાં લાગ્યા રે બ્હીવાય. ૨. જઈને શંકરને ચરણે નમિયાં, અહો અહો શિવરાય, શાને કાજે બીહો પાર્વતી, આવ્યો બાણાસુરરાય. ૩.

શોણિતપૂરનું રાજ્ય આપ્યું, ઉપર કર હજાર; વળી માંગવા શું આવ્યો છે, અંધતણો કુમાર. ૪. સહસ્ત્ર હાથ મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય; એક યોદ્ધો મુજને આપો, યુદ્ધ કરવા સમર્થ. ૫. આવો શિવ આપણે બે વઢિયે, આપ આવ્યા મારી નજરે, ફટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજ રે. ૬.

કડવું ૬- ઠ્ઠું        રાગ ઢાળ : તે તો તારા વણ કહે મેં, ઉપજાવ્યો છે એક; જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક ૧. તે તો સ્વામી કેમ જાણું; ચિન્તા મુજને થાય; લે બાણાસુર જા હું આપું તુજને, એક ધજાય. ૨. જ્યારે ધ્યજા એ ભાંગી પડશે, ત્યારે કર તારા છેદાશે, રૂધિર તણો વરસાદ વરસશે, તારા નગર મોઝાર. ૩. ત્યારે તું એમ જાણજે, રિપુ ઉત્પન્ન થયો સાર; વરદાન પામી વળિયો બાણાસુર, શોણિતપૂરમા; જાય. ૪. એક સમે મહાદેવ કહે, મારે તપ કરવાનું મન, તેણે સમે ઉમિયાએ માંડ્યું, અતિ રૂદન. ૫.

અહો શિવજી, જનમારો કેમ જાય; મારે નથી એકે બાળક તો, કહો વલે શી થાય. ૬. મહારૂદ્ર વાણી બોલીયા, લે આ મારું વરદાન, એક પુત્રને એક પુત્રી ઉપજાવજે સંતાન. ૭. વરદાન આપી મહાદેવજી, વન તપ કરવાને જાય; ઉમિયાજી નાહવાને બેઠાં વિચાર્યું મનમાંય. ૮. શિવના ઘર મોટા જાણીને, રખે આવતું કોય; બાળક; બારણે મેલું તે, બેઠાં બેઠાં જોય. ૯. દક્ષિણ અંગથી મેલ લઈને, અઘડ ઘડિયું રૂપ; હાથ ચરણને ઘુંટણ પાની, ટુંકું અંગ સ્વરૂપ. ૧૦.

ચતુર્ભુજને ફાંદ મોટી, પરમ દીસે વિશાળ, શોભા તેની શી કહું હું, કંઠે ઘુઘરમાળ. ૧૧. પહેલાં કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર; ત્રીજા કરમાં ફરશી સોહિએ, ચોથે કર જપમાળ. ૧૨. ગણેશને ઉપજાવીને બોલ્યાં, પાર્વતી માત; એની પાસે જોડ હોય તો કરે બેઠાં વાત. ૧૩. વામ અંગથી મેલ લઈને, ઘડી કન્યા રૂપ; શોભા તેની શી વાત કહું, શુકદેવ કહે સુણ ભૂપ. ૧૪. સેંથો ટીલડી  રાખડી, અંબોડે વાંકી મોડ; કંઠ કપોત અને કામની, તેહી મોડા મોડ. ૧૫ કોથળી ફૂલની, વેલણ ડાબલી, રમતાં નાનાં ભ્રાત, કંકુ પડો નાડાછડી, તે આપ્યો લઈને હાથ. ૧૬. વલણ- પરિક્ષીતને શુકદેવ કહે કુંવારી કન્યા જેહ રે, ઘર સાચવવાને બાળકો, બે પ્રગટાવ્યા તેહ રે.૧૭.

કડવું ૭ મું        રાગ ઢાળ : દેવી નાવણ કરવા બેઠાં, નારદ આવ્યા ત્યાંય. બાળક બે જોઈને નાઠા, ગયા શિવજી જ્યાંય, ૧. નારદ ચાલી આવિયા, મધુવન તતખેવ, ઓ રે શિવજી  નફટ ભુંડી ટેવ. ૨. વનવગડામાં ભમતાં હીંડો માથે ઘાલો ધૂળ, આક ધંતુરો વિજયા ચાવો; વાળ્યો આડો આંક. ૩. તમે રે વનમાં તપ કો, ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર; તમો વિના તો ઉમિયાજીએ ઊપજાવ્યા છે પુત્ર. ૪. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલિયા, આડી અદ્દભુત, આજ્ઞા વિના અધિકાર નહીં, હોય પૃથ્વીનો જો ભૂપ. ૬.

વચન આવું સાંભળી કોપિયા શિવ રાય. લાતો ગડદા પાંટુ મુકસ આવ્યા ઘરની માય. ૭. ગણપતિનો ગડદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાંગ્યું. આ તે શું કહેવાય. ૮. ત્યારે શિવજીકોપિયા છે, ચડી મનમાં રીસ; કોપ કરીને ત્રિશુળ છેધ્યું ગણપતિનું શીશ. ૯. માગશર વદી ચોથને દહાડે, પુત્ર માર્યો તર્ત. તે દહાડાથી ચાલતું આવ્યું ગણેશ ચોથનું વ્રત. ૧૦. તે મસ્તક તો જઈને પડ્યું, ચંદ્રના રથમાંય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. ૧૧.

એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠી ’તી બારણે, તે નાસી ગઇ ઘરમાંય ૧૨. વલણ કોટડીમાં જઈને પેઠી, મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાંખશે મારી. ૧૩. મહાદેવજી ઘરમાં ગયાને, ઝબક્યા ઉમિયા મન; નેત્ર ઉઘાડીને નીરખીયું, ત્યાં દીઠાં પંચવદન. ૧૪. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે, કેમ આવ્યા મહાદેવ, આક ભાંગ ધતુરો ચાવો, નફટ ભૂંડી ટેવ. ૧૫. નાહતા ઉપર શું દોડ્યા આવો; સમજો નહિ મન માંહે, બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માંહે. ૧૬.

છાની રહે તું પાપણી, મેં જોયું પારખું બધું; આટલા દહાડા સતી જાણતો, પણ સર્વ લુંટી ખાધું. ૧૭. મુજ વિના તેં તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી ! તમે રાખ્યું હિમાચલનું નામ. ૧૮. વચન એવું સાંભળી ઉમિયાજીને ઊઠી જ્વાળ, કાલે તમે કહી ગયા હતા, જે પ્રગટ કરજો બાળ. ૧૯. ત્યારે શંકરે નીચું જોયું, મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઇ, તારા પુત્રને નાંખ્યો મારી. ૨૦.

કડવું-૮ મું        સાખી : વાડી વિના વેલડી ઝુરે, વાછરું વિના ઝુરે ગાય; બાંધવ વિના ઝુરે બેનડી, પુત્ર વિના ઝુરુ માય.૧. ધન ધાન્ય અને પુત્ર; પુત્ર જ આગેવાન; જે ઘર  પુત્ર ન નીપજ્યો, તેનાં સુના બળે મસાણ. ૨. પુત્ર વિના ઘર પાંજરૂં, વન ઊભે અગ્નિ બાળીશ, શિવ શાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. ૩.

રાગ વિલાપનો -વલણ-બોલો હો બાળ રે હો ગણપતિ બોલો હો બાળ. (ટેક) ઉમિયાજી કરે રૂદન, હો ગણપતિ; શિવ રે શાને માર્યો તન, હો ગણપતિ. ૧. શિવ પૂત્ર વિનાની જેની માય, હો ગણપતિ. તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ. ૨. તે તરણાથી હળવી થાય, હો ગણપતિ. ૩. ત્યારે શિવને આવ્યું જ્ઞાન, હો ગણપતિ, મેં તો આપ્યું હતું વરદાન, હો ગણપતિ, પેલા નારદિયાનું કામ, હો ગણપતિ. એ જુઠા બોલો છે તેનું નામ, હો ગણપતિ. ૫. એણે વાત કરી સર્વે જુઠી હો ગણપતિ, હું તો તપથી આવ્યો ઊઠી, હો ગણપતિ. ૬. મેં માર્યો તમારો તન, હો ગણપતિ. આ ઉગ્યો શો ભૂંડો દિન, હો ગણપતિ. ૭.

રાગ આશાવરી : નંદી ભૃંગી મોકલ્યા તે, પહેલી પોળે જાય; હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર ક્રીધો ધાય. ૧. ગજનું, મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ; ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. ૨. કાળા એના કુંભસ્થળ, વરવા એના દાંત. આગળ એને સૂંઢ મોટી, લાંબા પહોળા કાન. ૩. દેવોમાં જાશે શું પોષાશે અપાર મુજન દુ:ખ, દેવતા સર્વે મેણા દેશે, ધન્ય પાર્વતીની કુખ. ૪. ત્યારે શિવ બોલિયા, સુણો વાત હે સતી, સુરીનર મુનિવર પુજશે ગણનાયક ગણપતિ. ૫.

કડવું :૯ મું.        રાગ સાખી : રૂપ ગુણને વાદ પડ્યા, ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યાં બેસણાં, પછી રૂપને કર્યા જુહાર. ૧. રૂપ તો આપ્યાં શિવે નાગરાં, કોઈ જોગી અવધુત, ચતુરાઈ દીધી જે ચારણાં, વળી કોઈ રજપુત. ૨. પુન્ય વિના ધન ક્યા કામકો,     કડવું ૧૦ મું        રાગ મારું : પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ, કથા ગ્રંથ આરંભે જેહ, પ્રથમ ગણપતિ સમરે તેહ.૧. સૌભાગ્યવંતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે, સોની સમરે ઘડતાં ઘાટ, પંથી સમરે જાતાં વાટ. ૨. પંચવદનના દહેરામાંય, પહેલી પુજા ગણપતિની જાય; એ વિના મુજને પૂજે તો, સર્વ મિથ્યા થાય. ૩. ઉથલો શાને કાજે રૂવે પાર્વતી, શાન લોચન ચોળે; જેને ઘેર વિવાહ વાજન હશે, ત્યાં બેસશે ઘી ને ગોળે રે. ૪.

કડવું -૧૧ મું        રાગ ઢાળ : ઓખા કહી ઉમિયાએ, સાદ કર્યા બે ચાર; ત્યારે ઓખા આવી ઊભી નીસરીને ઓરડીની બહાર. ૧. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો, તે સુધ મને નવ કહી. ૨. તે માટે તારૂં અંગ ગળજો, લુણે ખોજે કાય; જા દૈત્યના કુળમાં અવતરજે, એણી પેર બોલ્યા માંય. ૩. ઓખાબાઈ તો થર થર ધ્રુજ્યાં, એ વાત અટંક; અપરાધ પાખે માત મારો આવડો શો દંડ ? ૪. ઉમિયા કહે મે શાપ દીધો, તે કેમ મિથ્યા થાય ; દૈત્યકુળમાં અવતરજે, દેવ કોઈ વરી જાય. ૫.ચૈત્રના મિનારકમાં બાઈ તાહરો મહિમાય; ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. ૬.

ચૈત્ર માસના ત્રીસ દહાડા, અન્ન અલુણું ખાય; ત્રીસ નહીં તો વળી, પાંચ દહાડા પાછલા જે કહેવાય. ૭. પાંચ દિવસ જો નવ પાળે તો ત્રણ દિવસ વિશેક; ત્રણ દિવસ નવ થાય, તો કરવો દિવસ એક. ૮. એ પ્રકારે વ્રત કરવું, સમગ્ર સ્ત્રી જન; અલુણુ ખાયે તે અવની સુવે, વળી એક ઉજ્જવળ અન્ન. ૯. દેહ રક્ષણ દાન  કરવું, લવણ કેરૂ જે પાર્વતી કહે, પુત્રી ને સૌભાગ્ય ભોગવે તેહ. ૧૦. વૈશાખ સુદી તૃતીયાને દિને તું, આવજે મુજ પાસ; ગોર્ય કરીને પુત્રી મહારી, પુરીશ મનની આશ. ૧૧. શુકદેવ કહે રાજા સુણો અહીં થયો એહ પ્રકાર; હવે બાણાસુરની શી ગત થઈ, તેનો કહું વિસ્તાર. ૧૨. વલણ- કહું વિસ્તાર એનો, સુણો રાજા નિરધાર રે; હવે બાણાસુર ત્યાં રાજ કરતો મોઝાર રે. ૧૩.

Leave a Comment