આવા માવતરને શું સજા?
“છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય” પણ અહીં તો માવતર જ કમાવતર બની બેઠાં હોય તો ફરિયાદ કોને કરશો?આજે મને એક બહેનનો ફોન આવ્યો મને એમને જે વાત કરીએ સાંભળીને મારું હૃદય એક ઘબકાર ચૂકી ગયું અને આજે અશ્રુભરી આંખે આ નિયતીએ ફરી કલમ ઉપાડી છે અને એક સત્યઘટના લઈને આપની સમક્ષ હાજર થઈ છે .(એ બહેનની ઈચ્છાને માન આપી એમની ઓળખ છુપાવી છે) .એમને મને કહ્યું ,” હું પરણીને સાસરે આવી ત્યારે પરિવારમા મારી 3 નણંદ અને સાસુસસરા અને અમે બન્ને પતિ- પત્ની આમ સાત જણનો અમારો પરિવાર મારા પતિદેવ સૌથી મોટાં એટલે સ્વાભાવિક છે બધી જ જવાબદારી એમની પર હતી અને મારા પતિદેવ એ જવાબદારી પણ નિભાવી ,બધી બહેનોનાં લગ્નથી લઈ આણું જીયાણું બધે જ અમે હસતાં મોઢે ઉપાડી લીધી મારા પતિદેવ નોકરી કરતાં એટલે બાંધી આવક હતી સસરા એક પણ પૈસા ઘરમાં આપતાં નહીં કોઈ વાર હાથ ખેંચમાં હોય તો પણ અમે મોજશોખ ન કરતાં પહેલાં બધાંની ઈચ્છા પૂરી કરતાં . મારા સસરા અમને હંમેશા કહેતાં અમારા ગયાં પછી બધું તારું જ છે અમે પણ એમની વાતમાં આવીને બધો પગાર એમની જરૂરિયાત પૂરી કરવામાં વાપરી નાખતાં. એક દિવસ અચાનક મારા સસરાએ એમ કહીને બાપદાદાની દુકાન વેંચી નાંખી કે તું તો નોકરી કરે છે તો દુકાનની શું જરૂર છે? એનાં કરતાં કાઢી નાંખીને એ પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકી દીધાં હોય તો એનું વ્યાજ તો આવે .મારા પતિદેવને પણ એમનાં માબાપ પર આંધળો વિશ્વાસ હતો. ત્રણે નણંદોનાં લગ્ન થઈ ગયાં એ એમનાં ઘરે સુખી હતી . મારા સાસુસસરાનાં મનમાં કપટ હતું એમણે ઘર અને દુકાનનાં પૈસા બધું જ દીકરીઓનાં નામે કરી દીધું પોતાનાં પેટજણ્યાં દીકરાને રાતોરાત ઘરની બહાર કાઢી નાખ્યાં અચાનક આમ અમારે માથે આભ તૂટી પડયું. અમે થોડાં દિવસતો મારાં પિયરમાં રોકાયા પછી અમે ભાડે એક રૂમ લઈ લીધી. મારે એક દીકરો પણ છે પણ બચત તો કાંઈ હતી નહીં અને મારા પતિદેવનો મોટાં ભાગનો પગાર ભાડામાં જતો રહેતો તો અમે પાણીને રોટલી ખાયને પેટનો ખાડો પુરતાં. દીકરાને જેમ તેમ કરીને ભણાવ્યો અને એનાં પગભર કર્યો. વાત એટલેથી ન પતી, નણંદોની આડોડાઈ તો જુઓ રક્ષાબંધનમાં પણ ભાઈને રાખડી બાંધવા ન આવતી બહુ જ ફોન કરીએ તો કહે ,”મારે તારા દાળભાત ખાવા તારે ઘરે નથી આવવું.” બોલો કેટલી હદે એક બહેન જઈ શકે છે! મારાં સાસુસસરા અને નણંદોએ લૂંટવામાં કંઈ જ બાકી રાખ્યું નથી.” એમ કહીને એ બહેન રડી પડ્યાં મને કહે જીજ્ઞાબહેન તમે આ વિશે લખો એટલે સમાજમાં અનેક દીકરો માતાપિતાનાં હાથે લૂંટાતા બંધ થાય અને એમની આંખ ઉઘડે. ખરેખર , આ વાતે મને અંદરથી ઝંઝોડીને જગાડી મને થયું કે બાપ તો બાપ પણ આ તે કેવી મા? જેને પોતાનાં જ પેટજણ્યાં દીકરાને આમ સાવ રસ્તે રઝળતો કરી દીધો, આમ કરતાં એનું હૃદય જરાપણ કાપયું નહીં હોય !આવા માતાપિતાએ તો માબાપ શબ્દને જ કલંક લગાડી દીધું ! આજે એ બહેન ઈશ્વરની કૃપાથી સુખી છે અને સાસુસસરા પણ હયાત નથી . મને એમ થાય છે આવા દીકરાને લુંટનાર માતાપિતાને નરકમાં પણ જગ્યા મળશે કે કેમ ? એ એક સવાલ છે . એ બહેનનો દીકરો પણ આજે વિદેશમાં સ્થાયી છે એનાં ઘરે પણ એક દીકરો છે હવે તો લક્ષ્મીદેવીની ભાઈ પર કૃપા જોઈને પૈસાની લાલચું બહેનો પણ મીઠું મીઠું બોલતી આવે છે ,આને શું કહેશો સ્વાર્થના પૂજારી ! આજ સુધી ભાઈને ઘરે દાળભાત નથી ખાવા એમ કહી ઉતારી પાડતી બહેનો આજે ભાઈના ઘરે છપ્પનભોગ આરોગવા સહકુંટુબ પરિવાર હાજર થઈ જાય છે!આવી શરમ વગરની બહેનો પણ હોય છે?
આજે મને એક સવાલ થાય છે કે કયારેક કોઈ પુત્ર સંજોગોવસાત પણ માતાપિતાને વૃધ્ધાશ્રમમાં મોકલે તો સમાજ અને સમાજના મહાનુભાવો એને ફોલી ખાય છે પણ અહીં તો માવતર જ જે માવતરના નામ પર કલંક છે એ વખતે સમાજ કેમ ચુપ છે? કદાચિત સમાજના હાથ પણ બંધાયેલા છે કે પછી સમાજ પણ ન્યાયનીદેવીની જેમ અંધ છે! મારા આ સવાલનો જવાબ આપ સૌ સમાજના ઠેકેદારો પર છોડું છું કે *આવા માવતરને શું સજા?*
જીજ્ઞા કપુરિયા “નિયતી”
19/3/2021