કોરોના સમયે મેં મારી જાતને પૂછેલા સવાલો….એકવાર અચુક વાચજો અને શેર કરજો

-એષા દાદાવાળા કોરોના સમયે મેં મારી જાતને પૂછેલા સવાલો….

હું પણ ઇચ્છતી હતી કે મને કોરોના ન જ થાય. મારા ઘરમાં પણ બાસઠ વર્ષની મારી મા છે. એને પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ બધું જ છે. મેં બધી જ દરકાર લીધી અને છતાં મને કોરોના થયો જ. મારી માને પણ થયો. 14 દિવસના રૂમ-ક્વોરન્ટાઇનનાં આ સમય દરમિયાન મેં મારી જાતને કેટલાક સવાલો પૂછ્યા અને મારી જાતને જ એનાં જવાબો પણ આપ્યા.

સવાલ – હું રોજ છ કિમી ચાલું છું. ફિટનેસ માટે સજાગ રહું છું. માસ્ક પહેરું છું. ટોળાં વચ્ચે જતી નથી અને તો ય મને કોરોના કેવી રીતે થઇ ગયો?

જવાબ – મને એવું સમજાયું કે ફિટનેસ અને ઇમ્યુનિટી-બેઉ સાવ જુદા છે. હું બહાર જતી વખતે તો માસ્ક પહેરતી હતી-પણ ઓફિસમાં માસ્ક ઉતારી દેતી-કારણ કે આખો દિવસ માસ્ક પહેરવાની આદત ન્હોતી. ફાવતું પણ ન્હોતું. આઉટફિટ્સ સાથે મેચ થતા ફેન્સી માસ્ક કદાચ મને પ્રોટેક્શન ન આપી શક્યા. આપણને થોડો કોરોના થાય…આવું ગુમાન મને પણ હતું. કદાચ મેં કોરોનાને ગંભીરતાથી લીધો નહીં.

સવાલ – મારે કોરોનાની અવગણના કેમ કરવી પડી?

જવાબ – કોરોનાનાં ડરથી ઘરે જ બેસી રહેવું, શક્ય ન્હોતું. હું એક કંપની ચલાઉં છું. મેં મારી કંપનીમાં કોઇ સેલરી કટ મૂક્યો નથી. મારી સાથે કામ કરતી પ્રત્યેક વ્યક્તિનાં બેંક એકાઉન્ટમાં મહિનાના પહેલા અઠવાડિયે જમા થતી રકમ-મારી જવાબદારી છે. મારા ક્લાયન્ટ્સે મારા પર મૂકેલો વિશ્વાસ બરકરાર રહે એ મારી જરૂરિયાત છે. કોરોનાનાં ડરને કારણે ઘરે બેસી રહેવા કરતાં ઓફિસે જઇ-રૂટિનમાં આવી-કોરોનાનો સામનો કરવાનું મેં નક્કી કર્યું હતું.

સવાલ – મેં કયા પાપ કર્યા કે મને કોરોના થયો?

જવાબ – તમે કરેલા પાપને કારણે કોરોના થતો જ નથી. તમારી અને તમે જેને મળો છો એ વ્યક્તિની બેજવાબદારીને કારણે જ થાય છે. મને શરૂઆતમાં તાવ આવ્યો અને મેં એને શરદીનો તાવ ગણ્યો. વર્કોહોલિક એવી હું એ દિવસે પણ ઓફિસ ગઇ-મારે તાવને ઇગ્નોર કરવાનો ન્હોતો. મારા ઇગ્નોરન્સને કારણે મને કોરોના થયો-કોઇ પાપોને કારણે નહીં.

સવાલ – હું મરી જઇશ તો?

જવાબ – મને મરવાનો જરાપણ ડર લાગ્યો નહીં, કારણ કે મને મારા ડોક્ટર પર વિશ્વાસ હતો. ડાયાબિટિક મારી માને કોરોના થયો ત્યારે મને એને કોરોના આપવાનું ગિલ્ટ ખૂબ થયું પણ ડર લાગ્યો ન્હોતો. ઉલ્ટું, કોરોનાએ મને એવો અહેસાસ કરાવ્યો કે મારા કરતાં મારી મા વધારે સારી પેશન્ટ છે અને એ જલ્દી સાજાં થવાનાં બધા જ પ્રયત્ન કરતી રહે છે.

સવાલ-ઓક્સિજન લેવલ ડાઉન જતું રહેશે તો?

જવાબ – આંગળીને ઓક્સિમીટર પહેરાવતી વખતે મને એક વિચાર ચોક્કસ આવતો-કે વૃક્ષારોપણનાં કાર્યક્રમોમાં ઉત્સાહથી હાજરી આપતી વખતે મેં ક્યારેય ઓક્સિજન વિશે તો વિચાર્યું જ ન્હોતું. પ્રકૃતિનું ગ્રીન કવર વધારવાનાં નારા લગાવતી વખતે મારો ઓક્સિજન ક્યારેક ખૂટશે તો?-એવો વિચાર મને ક્યારેય આવ્યો જ નથી. હવે હું વૃક્ષ વાવીશ-પણ વાતાવરણમાં ઓક્સિજન વધારવા…

સવાલ – હવે?

જવાબ – એકવાર કોરોના થઇ ગયો એટલે ફરી નહીં થાય-એવા વહેમમાં રહેવા કરતા હું માસ્ક પહેરીશ, વાત કરતી વખતે માસ્ક નીચે નહીં જ ઉતારું, ટોળાં વચ્ચે નહીં જ જાઉં અને દરેક દીકરા-અને દીકરીઓને અપીલ કરીશ કે-મેં ભૂલ કરી, મેં મારી માને કોરોના આપ્યો-તમે આવી ભૂલ ન કરશો..!!

Leave a Comment