“સમાજને દસ ગણું પરત કરવાની ખેવનાં” એકવાર અચૂક વાંચજો…એક રીયલ સ્ટોરી! આ વાત છે જુનાગઢ જિલ્લાનાં મેંદરડા ગામમાં જન્મેલ અને સંઘર્ષમય પરિસ્થિતીમાં ઉછરેલ રિમ્પલ નવ નિતભાઇ નથવાણીની કે જે એક એવી દિકરી છે જેણે કઠણ અને આર્થિક રીતે કપરી જેવી સામા પુરની પરિસ્થિતી સામે સ્વમાન અને આત્મવિશ્વાસનાં તરાપા થકી પોતાનાં જીવનની એક નવીજ દિશા કંડારેલી છે. કટલેરી અને હોઝીયારીની વસ્તુઓની રેંકડી ચલાવતા, સામાન્ય કહી શકાય તેવો વ્યવસાય કરતા નવનિતભાઇની દિકરી રિમ્પલનાં જીવનમાં આમ જોવા જઇએ તો સગવડતાનો આંકડો કદાચ એક આંગળીનાં વેઢા કરતા પણ ઓછો છે, જ્યારે અગવડતા ઓ ગણવા બેસીએ તો બન્ને આંગળાનાં વેઢા પણ ઓછા પડે! નબળી આર્થિક પરિસ્થિતી, નાનું ગામ, ઓછુ ભણેલ માતા-પિતા, સમાજની મદદનાં ભાર નીચે જીવવું, જીવન સાથે વારેવારે સમાધાન કરતા રહેવું, સ્વપ્નાઓને સાર્થક કરવા કંઇ કેટલીયે વિટંબણાઓનો સામનો કરવો અને તેમ છતા આત્મબળે આગળ વધતા રહેવું.
પરંતુ રિમ્પલ કંઇક અલગ જ માટ્ટીની બનેલી છે. ખૂબજ ખર્ચાળ એવું આજનું શિક્ષણ મેળવી નાં શકાય તેવી પરિસ્થિતીમાં પણ તેણે આંતરિક હિંમતને કારણે બારમાં ધોરણ વિજ્ઞાનપ્રવાહમાં સતા્ણું ટકાનું જ્વલંત પરિણામ મેળવ્યુ છે. આ કેવી રીતે શક્ય બન્યુ? રીમ્પલ કહે છે “મારુ હંમેશથી એકજ સ્વપ્ન રહ્યુ છે કે હું એવી સફળતા મેળવીશ જેથી મારા પરિવારની જે નબળી પરિસ્થિતી છે તેને સમૂળગી બદલી શકુ.” રિમ્પલએ નિશ્ચયાત્મક રીતે ખૂબજ મહેનત કરી છે. દસમાં ધોરણમાં અઠ્યાસી ટકા મેળાવ્યા. ત્યારે તે પોરબંદરમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી. એટલે આગળ અભ્યાસ માટે રાજકોટ જવુ તેવો નિર્ણય તેના પિ તરાઇ ભાઇ કલ્પિતનાં સહયોગથી લેવામાં આવ્યો, જે પ્રાથમિક શાળામાં શિક્ષક છે.
આ નિર્ણય મનને તો ગમે તેવો હતો પરંતુ સહેલો નહોતો. ધોરણ અગિયાર-બારની તોતિંગ ફીનું શું કરવુ એ મહાપ્રશ્ન તો ઉભો જ હતો. રિમ્પલનું સૌથી સબળુ પાસુ એટલે તેની ભણવા પ્રત્યેની લગન અને ઉજ્જવળ પરીણામની પરંપરા. આવા સમયે જ્યારે રાજકોટનાં સર્વોદય શૈક્ષણિક સંકુલને રિમ્પલની અભ્યાસમાં તેજસ્વિતા તેમજ તેની નબળી આર્થિક પરિસ્થિતીની જાણ થઇ ત્યારે તેનાં સંચાલક ભરતભાઇ ગાજીપરા તરફથી સંપૂર્ણ ફિ માફીનો અત્યંત જરૂરી એવો સહયોગ સાંપડ્યો. કોઇ અન્ય વ્યક્તિ હોય તે આવા હયોગથી ખુશ થાય. અલબત, રિમ્પલને પણ ખુશી તો થઇજ પરંતુ તેની વાત ત્યા અટકતી નથી. સ્વમાનથી જીવનાર તેણીએ દ્રઢ નિર્ણય કર્યો છે કે સમાજ તરફથી તેને જે સહાય મળી છે તેનો તે યોગ્ય સમયે દસ ગણો બદલો ચૂકવશે. જ્યારે તેણી આ વાત કરે છે ત્યારે તેના ચહેરા પર સ્વમાનની રેખાઓ અંકિત થઇ જાય છે. સામાન્ય દ્રષ્ટિએ વિચારીએ તો આપણને એવુ લાગે કે સમાજ રિમ્પલને મદદ કરી રહ્યુ છે. જો તેનાથી આગળ વધીને વિચારીએ તો ખરેખર એવુ લાગ્યા વગર રહે નહી કે સમાજ આવી રીતે મ્પલને સહાય કરીને તેણીને નહી પરંતુ સમાજ પોતાને જ મદદરૂપ થઇ રહ્યો છે! પ્રશ્ન થાય કે એ કેવી રીતે?
તો તેનો સચોટ ઉત્તર એ છે કે રિમ્પલ જેવી અંદરથી સક્ષમ, આત્મવિશ્વાસી અને સ્વમાની દિકરી પોતા પર રહેલ સમાજનાં ઋણને કેટલાય ગણુ કરીને પરત કરવાની જે ખેવનાં ધરાવે છે તેનાં થકી તે જ્યારે આર્થિક તેમજ સામાજિક રીતે સક્ષમ થશે ત્યારે કેટલાયને તે મદદરૂપ થઇ શકશે. જ્યોતથી જ્યોત જલતી જ રહેશે. રિમ્પલ સાથે વાત કરતી વખતે જ્યારે તેનાં પપ્પાની વાત નીકળે છે ત્યારે તેણી માટે શબ્દો જાણે પાંગળા બની જાય છે અને તેની લાગણીઓ આંખમાં આંસુ બનીને વહેવા લાગે છે. પરંતુ આ આંસુઓમાં આપણને નિ:સહાયતા કે નબળાઇનો ભાવ જરાપણ દેખાતો નથી. જાણે તેનાં આંસુનાં એક એક બુંદમાં આપણને લાગણીઓનું મહાસાગર પ્રતિબિંબિત થતુ અનુભવાય છે જે આપણને સ્પષ્ટ રીતે મહેસુસ કરાવી જાય છે કે આ દિકરીએ તેનાં આંસુઓને રોકકળનાં સાધન તરીકે નહી પરંતુ એક ચોક્કસ લક્ષ્ય માટે આત્મબળ તરીકે ઉપયોગ કરવાની નેમ લિધી છે. જ્યારે પરિસ્થિતી અપેક્ષાઓથી વિપરીત હોય તેમજ પૂર્ણ-પ્રતિભા હોવા છતા માર્ગ વિકટ બનીને ઉભો દિસતો હોય ત્યારે વ્યક્તિ પાસે બે વિકલ્પો સામાન્યત: હોય છે. જેમાં એક સહેલો અને એક અઘરો હોય છે. સહેલો વિકલ્પ એ હોય છે કે વ્યક્તિ પોતાની નબળી પરિસ્થિતીને ઢાલ બનાવીને બીજા પાસેથી સહાનુભૂ્તિ મેળવવા માટે એક યાચક બની જતી હોય છે. સમાજ પાસે હાથ ફેલાવીને મદદ માટે કરગરતી હોય છે. સમાજ પણ આવી વ્યક્તિઓની પ્રતિભા જોઇને તેને મદદ કરવા માટે દોડી જતો હોય છે. પરંતુ આવી રીતે યાચના કરવામાં વ્યક્તિને અંદરથી એક નિ:સહાયતા તેમજ અ ન્યની મદદનો ભાર જાણે-અજાણે સહન કર વો પડતો હોય છે અને સ્વમાનને નેવે મુકવુ પડતુ હોય છે. જ્યારે અઘરો વિકલ્પ એ હોય છે કે સ્વમાનનાં ભોગે કંઇપણ મદદ ન સ્વિકારવાનો નિર્ધાર હોય છે. આનો અર્થ એવો પણ નથી કે તે વ્યક્તિ અભિમાની હોય છે, પરંતુ યાચનાથી હાથ લંબાવવુ તેમને મંજુર નથી હોતુ, તેથી જ તેઓ મદદ સ્વિકારતી વખતે તેનાં ઋણનો યોગ્ય સમયે ઉમેરો કરીને વાળવાનો નિશ્ચય કરતા હોય છે.
નાઝીર દેખૈયાએ ખરુજ કહ્યુ છે કે: હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી, હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી. સમાજએ જે રિમ્પલને યોગ્ય સમયે મદદ કરી છે તો તેણીએ પણ સમયે-સમયે પોતાનામાં રહેલ પ્રતિભાનાં દર્શન કરાવ્યા છે. આ છે સ્વમાન. તેણીએ સાબિત કરી આપ્યુ છે કે સમાજનો સહયોગ મેળવેલ છે તે તેણીએ હંમેશા વધારીને વાળ્યો છે. હવે જ્યારે તે ફોરેન્સિક સાયન્સ જેવા એક અલગ જ ક્ષેત્રમાં અભ્યાસ કરવા જઇ રહી છે ત્યારે તેણીની આંખમાં કેટકેટલાય પ્રતિબંબો આપણને દેખાય છે. સંઘર્ષમય જીવન વેઠીને પણ પોતાને ભણાવનાર પિતાને એક સારુ જીવન આપવા પોતાનાથી થઇ શકતા તમામ પ્રયત્નો કરી જવા. સક્ષમ સ્થાને પહોંચ્યા બાદ સમાજનું ઋણ દસ ગણુ કરીને પરત આપવું, સ્વમાનથી પણ મદદ સ્વિકારી શકાય છે તે બાબતને પ્રસ્થાપિત કરવી અને તેના જેવી કેટલીય દિકરીઓ માટે એક ઉદાહરણરૂપ વ્યક્તિ બનવું.
રિમ્પલ તેનાં જીવનમાં સમયે-સમયે મદદે આવેલ દરેક વ્યક્તિને યાદ કરે છે તેમાં મોખરે તેનાં પિતા અને પરિવાર તેમજ તેના શિક્ષકોનો અંત:કરણપૂર્વક શબ્દોથી નહી પણ લાગણીથી આભાર માનતી ગળગળી થઇ જાય છે અને વિશ્વાસ અપાવે છે કે તેણીએ મેળવેલ સહયોગને કંઇ કેટલોય ગણો કરીને પરત કરશે જે તે હંમેશથી તેની પ્રતિભા દ્રારા કરતી આવી છે.