માવાએ તો હદ કરી લંડનના રસ્તાઓ થૂંક-થૂંકીને ભરી મૂક્યાં, UKમાં ગુજરાતી ભાષામાં પાન નહીં ખાવાના બોર્ડ લાગ્યા

ગુજરાતમાં પાન-મસાલા ખાઈને જ્યાં ત્યાં થૂંકતા લોકોનો ત્રાસ તો છે જ પણ હવે વિદેશમાં પણ લોકો ગુજરાતીઓની આ આદતને કારણે ત્રાસી ગયા છે. ગુજરાતીઓએ વિદેશમાં પણ પાન-મસાલા ખાઇને બિલ્ડિંગ, ઝાડ, રસ્તા વગેરે જેવી જગ્યાઓ થૂંકી થૂંકીને ગંદી કરી છે. જેને કારણે ઇંગ્લેન્ડની સરકારે ગુજરાતીઓ સામે લાલ આંખ કરી છે. ઇંગ્લેન્ડમાં હેરો, લેટેસ્ટર, બ્રેન્ટ જેવી અલગ અલગ કાઉન્સિલે ઠેર રસ્તા પર અને રિક્ષા-કાર જેવા ટ્રાન્સપોર્ટેશનના સાધનો પર ગુજરાતી ભાષામાં બેનરો લગાવી ગંદકી ન ફેલાવવા અપીલ કરી છે. સાથે જ જો કોઈ થૂંકતા પકડાશે તો તેમને દંડ કરવામાં આવશે તેવી જાહેરાત પણ કરી છે.

ઇંગ્લેન્ડના લીસેસ્ટરશાયર, લંડન અને વેમ્બલી સહિત આસપાસના મોટા ભાગના ગુજરાતી એરિયામાં આ સમસ્યા વધારે જોવા મળી છે. લોકો જ્યાં ત્યાં પાન ખાઈને થૂંકે છે. જેને કારણે દીવાલો પર, રસ્તા પર લાલ રંગના ડાઘા પડી ગયા છે અને લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. આ ઉપરાંત કેટલાક લોકો ઇન્ફેક્શનનો ભોગ પણ બન્યાં છે. લીસેસ્ટશાયરના પૂર્વ વિસ્તારમાં આવેલા સ્પિની હિલ્સ અને નોર્થ ઇવિંગ્ટન શહેરમાં મોટા પ્રમાણમાં આ સમસ્યા જોવા મળી છે.કાઉન્સિલે આમાટે ગુજરાતીમાં બેનર છપાવી લીસેસ્ટશાયર સહિત અન્ય શહેરોમાં વહેંચ્યા છે. જેમાં લખ્યું છે, ‘પાન ખાઈને સ્ટ્રીટમાં થૂંકવું એ આરોગ્ય માટે નુકસાનકારક છે અને અસામાજિક છે.’ જો કોઇ થૂંકતા પકડાય તો તેમને 150 પાઉન્ડ એટલે કે અંદાજે 13000 ભારતીય રૂપિયા જેટલો દંડ ભરવો પડશે અથવા જો તેઓ દંડની રકમ 14 દિવસમાં ભરી દે તો તેમને અંદાજે 9000 ભારતીય રૂપિયા જેટલો દંડ ભરવો પડી શકે છે. આ ઉપરાંત લંડનમાં કેટલાક સ્થાનિક ગુજરાતીઓએ પણ રસ્તા પર થૂંકનારા લોકોને જાગૃત કરવા અને રોકવા અભિયાન ચલાવ્યું છે. જેમાં તેઓ શહેરમાં લોકોને જ્યાં ત્યાં પાન-મસાલા ખાઈને થૂંકવાથી થતા નુકસાન વિશે જણાવે છે અને તેમને રોકવા માટે પ્રયત્ન કરે છે.

સ્પિની હિલ્સ વિસ્તારમાં રહેતા એક સ્થાનિકે જણાવ્યું હતું કે, ‘આ ખરાબ ટેવ છે જેને કારણે આરોગ્યનો ખતરો ઊભો થાય છે. તમે જોઇ શકો છો કે લોકોએ રસ્તા પર અને દીવાલ પર થૂંક્યું છે. પહેલી નજરે જોવો તો આ લોહી જેવું દેખાય છે, જાણે અહીં કોઇને માર્યો હોય તેવું લાગે છે.’

Leave a Comment