વ્હાલી દીકરી તું પણ સાંભળ, આ અભાગી માની વ્યથા અચૂક વાંચજો આંખમાંથી આંસુ આવી જશે

મારી વ્હાલી દીકરી..

તેં તો તારી હૈયાવરાળ ઠાલવીને મનને હળવું કર્યું. પરંતુ દીકરી હું તો એવી અભાગી માં છું કે જે પોતાના હૈયાની વેદના કોઈને કહી પણ શકતી નથી અને સહી પણ શકતી નથી.

દીકરી તારી વાત સાચી છે. તારી વેદનાનો એક ઉદગાર સાચો છે, કારણ કે મેં મારી કૂખમાં ઉછરી રહેલ કુમળા ફૂલ જેવી દીકરીને જન્મતા પહેલા જ મોતને ઘાટ ઉતારી કુમળા ફૂલને મસળી નાખ્યું છે. પરંતુ દીકરી, આમાં મારો એકલીનો કઈ વાંક નથી. હું જ્યારથી પરણીને આવી છું ત્યારથી ઘરના બધાની એક જ ઈચ્છા હતી કે મારી કૂખેથી દીકરો જ જન્મે.

જ્યારથી બધાને ખબર પડી કે મારા પેટમાં બાળક ઉછરી રહ્યું છે ત્યારથી ઘરના સૌ – તારા પપ્પા, દાદા, દાદી, ફોઈ બધા મારી પાછળ પડી ગયા કે જલ્દી ડોક્ટર પાસે ચેક કરાવો, દીકરો છે કે દીકરી. હું તો મક્કમ હતી કે ડોક્ટર પાસે ગર્ભની જાતિ અંગે તપાસ કરવી જ નથી જો તપાસ કરાવું તો ગર્ભપાતનો સવાલ આવે ને ? એમાય હું તો માં છું.

પરંતુ આપણા ઘરના લોકોએ મારા પર અસહ્ય ત્રાસ કર્યો. અભાગણી, છપ્પરપગી, ભમરાળી આવા મહેણાં-ટોણા તો ઠીક પણ મને નિરાંતે ખાવા પણ નહોતા દેતા આ લોકો !

અરે દીકરી, છેલ્લે તો પપ્પા, દાદા, દાદી, ફોઈ બધા સંપીને બળજબરીપૂર્વક મને ધક્કા મારીને ડોક્ટર પાસે લઇ ગયા. બસ એક જ વાત, ગર્ભપાત કરાવી નાખ, દીકરી હોય તો કઢાવી નાખ. વ્હાલી દીકરી હવે તું જ કહે, જે લોકો તને જન્મતા પહેલા જ મારી નાખવાની વાત કરતા હોય એ લોકો તને જન્મયા પછી પણ સુખેથી રહેવા દેત ખરા ?

છેવટે મેં મારા હૈયા પર પત્થર રાખી, ઈશ્વરની માફી માંગીને મેં મારા કાળજાના કટકા જેવી દીકરીના મારા કૂખમાં જ કટકા કરી નાખ્યા ડોક્ટરની રાક્ષસી કાતર વડે ! આપણા ઘરના લોકોના પાપમાં હું પણ ભાગીદાર છું. બની શકે તો મને માફ કરજે દીકરી.

મારી વ્હાલી દીકરી, તારો પત્ર વાંચ્યા પછી મને ખુબજ પસ્તાવો થાય છે. અરે રે ! મેં કેટલું મોટું પાપ કર્યું છે ! આ પાપમાંથી મુક્ત થવા હવે હું આખી જિંદગી ‘ સ્ત્રી ભ્રુણ હત્યા ‘ વિરોધી આંદોલનો ચલાવીશ. મહિલાઓને સમજાવીશ.

વૈચારિક ક્રાંતિ અંગે હું રાત-દિવસ મહેનત કરીશ, સમાજને જાગૃત કરીશ. અનેક સ્ત્રીઓના પેટમાં ઉછરી રહેલી તારા જેવી લાખો દીકરીઓના જીવ બચાવવા એ જ મારો ધર્મ છે. ‘ સ્ત્રી ભ્રુણ હત્યા ‘ અટકાવવા આકાશ-પાતાળ એક કરીશ. નારી શક્તિને જાગૃત કરીશ.

બસ, આ રીતે હું મારા પાપનું પ્રાયશ્ચિત કરીશ. હવે તો તારા આત્માને શાંતિ મળશે ને દીકરી ? આવજે દીકરી. તારી અભાગી માને માફ કરજે હો ને ?
લિ. તારી વ્હાલી માં

Leave a Comment