વદ ૮ : આજનો પાઠ પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૨૩મો: ચિત્રબાહુનું આખ્યાન અધ્યાય ૨૩મો : ખાઉધરા દીકરાની કથા
સૂત પુરાણી બોલ્યા : “હે મુનિશ્રેષ્ઠો ! પુરુષોત્તમ માસમાં દીવાના દાન કરવાથી શું ફળ મળે છે, તે જાણવાની ઇચ્છા દંઢધન્વાએ વાલ્મીકિ ઋષિ આગળ વ્યક્ત કરી. આથી વાલ્મીકિ ઋષિએ તેમની સમક્ષ ચિત્રબાહુ રાજાની જે કથા કહી તે હું આપને સંભળાવું છું :
સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામે એક રાજા હતો. તે જ્ઞાની, શૂરવીર અને સત્યવાદી હતો. તે ભગવાનનો ભક્ત હતો. તેની પાસે અઢળક ધન હતું. તેને ચંદ્રકલા નામની ભાગ્યવાન અને પતિવ્રતા સ્ત્રી હતી. ચિત્રબાહુ આનંદમાં રહી પ્રભુભક્તિ કરતો અને પ્રભુ-ગુણ સાંભળતો રહેતો.
એક વેળાએ તેમને ત્યાં અગસ્ત્ય મુનિની પધરામણી થઈ. રાજાએ તેમને પ્રણામ કરી આસન ઉપર બેસાડીને ભક્તિપૂર્વક પૂજા કરી અને કહ્યું : ‘આજે મારું રાજ્ય પાવન થઈ ગયું. મારી પાસે જે કંઈ હોય તે હું આપના ચરણમાં ધરવા તૈયાર છું. આ બધું સોંપીને એકાંતમાં જીવન સફળ કરવા ઇચ્છા રાખું છું.’
અગસ્ત્ય મુનિએ કહ્યું : ‘હે રાજા, તું ભાગ્યશાળી છે, તારી : પ્રજા ધન્ય છે. તું વિષ્ણુનો ભક્ત છે !’ તેની પત્નીને આશીર્વાદ આપતાં કહ્યું : ‘તું અખંડ સૌભાગ્ય થજે. પતિ અને પ્રભુની સેવા કરજે.’
આ પ્રસંગે રાજાએ મુનિને પૂછ્યું : ‘મને રાજવૈભવ, અઢળક લક્ષ્મી, પતિવ્રતા પત્ની આદિ કયા પુણ્યના જોરે મળ્યાં છે તે જણાવશો તો ઘણી કૃપા થશે.’
શ્રી પુરુષોત્તમ (અધિક) માસની ભક્તિ જ્ઞાનધારા રાજાની વિનંતીથી પ્રેરાઈ અગસ્ત્ય મુનિ સમાધિસ્થ બની બધી વિગત જાણી કહેવા લાગ્યા : “તું પૂર્વજન્મમાં ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામનો શૂદ્ર હતો. તું નાસ્તિક, દુષ્ટ અને પાપી હતો; પરંતુ તારી પત્ની પતિવ્રતા હતી. તારાં કાર્યથી તંગ આવી તારાં સગાંવહાલાં તથા મિત્રોએ તને ત્યજી દીધો અને તારું બધું જપ્ત કરી લીધું. આથી તું અને તારી પત્ની જંગલમાં જઈ જીવહિંસા કરી ગુજરાન ચલાવતાં હતાં.
એકવાર ઉગ્રદેવ મુનિ રસ્તો ભૂલી જતાં જંગલમાં અટવાઈ પડ્યા. તેમને સખત તરસ લાગતા તે બેભાન બની ધરતી ઉપર ઢળી પડ્યા. એટલામાં તું ત્યાં આવી પહોંચ્યો અને દયાથી પ્રેરાઈ તું મુનિને પોતાને ઘેર લાવ્યો. તે અને તારી પત્નીએ ઉગ્રદેવ મુનિની સારી રીતે સારસંભાળ લીધી. આથી મુનિ તારા ઉપર પ્રસન્ન થયા.
મુનિએ જણાવ્યું : ‘હે ભાગ્યશાળી શૂદ્ર, મારે પ્રયાગ તરફ જવાનું હતું, પરંતુ રસ્તો ભૂલી જતાં હું આ બાજુ આવી ચઢ્યો. સખત તાપને લીધે અને ચાલીને થાકી ગયો હતો. આ સમયે મને સખત તરસ લાગી હતી, આને લીધે હું બેભાન થઈ જંગલમાં પડ્યો હતો. એવામાં હું તારી નજરે પડ્યો. તને મારી ઉપર દયા આવવાથી મારી સારવાર કરી મને શુદ્ધિમાં લાવ્યો. આમ તેં મને જીવનદાન આપ્યું છે. બોલ, હું તને આનો બદલો કેવી રીતે આપું ? માટે હું કહું છું કે તારે જે જોઈતું હોય તે મારી પાસે માંગ. ઉપરાંત તે આ જગલમાં કેમ વાસ કર્યો છે અને તારે શું દુ:ખ છે તે બધું મને જણાવ.’
આથી મણિગ્રીવે પોતાનું જીવનવૃત્તાંત ઉગ્રદેવ મુનિને જણાવ્યું.
‘શ્રી બૃહન્નારદીયપુરાણ’ના પુરુષોત્તમ માહાત્મ્યનો ‘ચિત્રબાહુનું આખ્યાન’ નામનો તેવીસમો અધ્યાય સંપૂર્ણ. હવે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ.
ખાઉધરા દીકરાની કથા
એક ગામમાં ડોશી રહે. તેને એક દીકરો હતો. શરીરે સારો અને તંદુરસ્ત હતો, પણ કેટલાક સમયથી એ ખાવા બેસે ત્યારે બે-ચાર કોળિયા ખાઈને ઊભો થઈ જાય. ડોશી સમજે કે આ વસ્તુ તેને ભાવતી નહિ હોય, તેમ જાણી તે અવનવી વાનગીઓ બનાવતી, પણ પરિણામ શૂન્ય આવતું. કોઈપણ વાનગી હોય પણ બે-ચાર કોળિયા ખાધા પછી ભાણા પરથી ઊભો થઈ જતો.
આથી ડોશી ચિંતા કરતી કે દીકરો ખાધા-પીધા વગર માંદો પડશે, શરીર બગડશે. મારે તો એકનો એક આધાર છે. દીકરાને વૈદ્યો પાસે લઈ ગઈ. સારવાર અને દવાદારૂ કરી, પણ કંઈ ફેર ન પડ્યો. છેવટના આધાર તરીકે તેણે પુરુષોત્તમ ભગવાનને ભજવા માંડ્યા અને પ્રાર્થના કરવા માંડી : “હે પ્રભુ ! મારો દીકરો રોજ ભૂખ્યો રહે છે, બરાબર જમતો નથી, તે બરાબર ખાતો થાય તેમ કરો. તેની ભૂખ ઉઘાડો.’
પ્રભુએ ડોશીની પ્રાર્થના સાંભળી અને ડોશીનો દીકરો ખાવા લાગ્યો. ખાવા તો લાગ્યો પણ તે એટલું બધું ખાય કે જેટલું રાંધ્યું હોય તે પણ ઓછું પડે. દીકરો ડોશી પાસે વારંવાર ખાવા માગે. પુષ્કળ ખાવા છતાં પણ તેનું પેટ ભરાતું નહિ. ડોશી વિચારે કે ‘હું કેટલું રાંધું તો તેનું પેટ ભરાય !’ હવે દીકરાને બદલે ડોશીને ભૂખ્યા તે રહેવું પડતું.
ડોશીના કોઠીના દાણા ખૂટ્યા. ઘરમાંની વસ્તુઓ ખૂટવા માંડી. ખર્ચ વધતો ગયો. જેમ જેમ દીકરાની ભૂખ ઊઘડતી ગઈ તેમ તેમ ડોશીએ બચાવેલ મૂડી ખલાસ થવા માંડી. દીકરાની ભૂખ ઉઘાડવા જતા ડોશી ભૂખ ભેળી થઈ ગઈ.
ડોશી મંદિરમાં જઈને પ્રભુને પ્રાર્થના કરવા લાગી : “હે પ્રભુ, તમે મારા દીકરાની ભૂખ એટલી બધી ઉઘાડી દીધી કે તે ગમે તેટલું ખાય તો પણ ધરાતો નથી. માટે એવી દયા કરો કે દીકરો માફક- સર ખાતો થાય. હવે ઘરમાં કાંઈ છે નહિ.”
મંદિરના પૂજારીએ ડોશીની પ્રાર્થના સાંભળી. તે સમજુ હતો. તેણે ડોશીને સલાહ આપી : “ડોશીમા, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તમે તો વ્રત કરો છો, પણ તમે તમારા દીકરાને ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવા દબાણ કરો. બંને દરરોજ એકટાણું કરજો. ભગવાન દયાળુ છે. તે તમારું દુઃખ દૂર કરશે. દીકરો માફકસરનું ખાતો થઈ જશે.’ “”
ડોશીએ પુરુષોત્તમ માસનું વ્રત ચાલુ કર્યું. દીકરાને પણ ઘણું સમજાવી-પટાવી વ્રત કરાવ્યું. મા-દીકરો વહેલી સવારે નદીએ સ્નાન કરવા જાય છે. ત્યાં કાંઠા ગોરમાનું પૂજન કરે છે, કથા-વાર્તા સાંભળી છે. આમ થતાં દીકરાની જડબુદ્ધિમાં ચેતન આવતું ગયું. તેને સારા-ખોટાનું ભાન થવા લાગ્યું અને ખોરાક પણ માફકસરનો થઈ ગયો. આથી ડોશીને અનહદ આનંદ થયો.
વ્રત પૂર્ણ થતાં ડોશીએ ઉજવણું કર્યું. બ્રાહ્મણોને જમાડ્યા. તેમને દક્ષિણા આપી.
પુરુષોત્તમ તણા વ્રતનો મહિમા અપરંપાર શોક સંતાપ દૂર રહે, સુખ મળે સંસાર. બોલો પુરુષોત્તમ ભગવાનની જય
‘શ્રીકૃષ્ણ: શરણં મમ’
- સિંહ રાશિ પરથી છોકરાના 100 નામ અને સિંહ રાશિ પરથી છોકરીના 100 નામ અને સિંહ રાશી ના વ્યક્તિની ખાસીયત
- નિબંધ લખો: ટીવી ચેનલો ચારિત્ર્યનું ઘડતર કરી શકે?
- એવા 20 કાયદા જણાવો જેની દરેક વ્યક્તિને જાણ હોવી જોઈએ
- ગીતાસાર | ગીતાજીના અઢાર અઘ્યાય નો સાર ટુંકમાં | ગીતાજી આઘ્યાય | gitasar | geeta ka saar | geetasar
- ભજન લખેલા ફોટા | પ્રાચીન ભજન | ગુજરાતી ભજન | લખેલા ભજન | ભજન |