અખાત્રીજ નો મહિમા અને આ દિવસે શા માટે આખો દિવસ શુભ માનવામાં આવે છે

*અક્ષય તૃતીયા – અખાત્રીજ નો મહિમા “ઇક્ષુરસનું દાન અક્ષયફળ બન્યુ તે દિવસ એટલે અખાત્રીજ” વૈશાખ સુદિ ત્રીજને અક્ષય તૃતીયાનું પર્વ ગણવામાં આવે છે. તેનો મહિમા પણ ઘણો મોટો છે. વર્ષીતપના તપસ્વીઓને ચાંદીના નાનકડા ઘડામાં ભરેલો ઇક્ષુરસ પીવડાવીને પારણા કરાવાય છે. આ અવસર્પિણી કાલમાં પ્રથમ રાજા, પ્રથમ દીક્ષાર્થી અને પ્રથમ તીર્થંકર એવા નાભિરાજાના પુત્ર ઋષભદેવ ભગવાનથી અનંત કોટિકોટિ સાગરોપમ અગાઉ પરંપરાગત કરવામાં આવતો સર્વકાલીન પ્રભાવશાળી દીર્ઘતપ એટલે વર્ષીતપ

પ્રભુની કૃપા વરશે ત્યારે વરસીતપ પૂર્ણ થાય છે. તપસ્વીની ભક્તિ અને તપસ્વીની અનુમોદના એ પણ તપ- અંતરાય. કર્મ તોડવામાં શ્રેષ્ઠ સહાયક સાબિત થાય છે. અક્ષય તૃતીયાને દિવસે જ કેમ વર્ષી તપના પારણાં થાય છે?
અક્ષય તૃતીયાને દિવસે જ કેમ શ્રી આદિશ્વર દાદાને શેરડીના રસનો પ્રક્ષાલ થાય છે? એવું તે કયું કર્મ બાંધ્યું હતું શ્રી ઋષભ દેવના આત્માએ કે જેથી તેને વર્ષ ઉપરનો તપ કરવો પડ્યો? શ્રી ઋષભ દેવનું પારણું ક્યાં, કોના હાથે અને ક્યારે થયું? આજે એ સ્થળ ક્યાં આવેલું છે અને તેનું શું મહત્વ છે ??હસ્તિનાપુર, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ જેઓ તીર્થંકર ઉપરાંત ચક્રવર્તી પણ હતા તેઓના જ્યાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન કલ્યાણક થયા છે અને પ્રભુ આદિનાથના જ્યાં વર્ષીતપના પારણાં થયા તે પાવન ભૂમિ.

એક સમયે આદિનાથ પ્રભુનો આત્મા જયારે સંસારી અવસ્થામાં હતો ત્યારે પણ તે કરૂણાથી ભરેલો હતો. આદિનાથ પ્રભુ આ કાળના પ્રથમ રાજા હતા જેમણે પ્રજાને ખેતી કરતાં શીખવાડ્યું. તે પગપાળા ચાલીને જાતે જઇને ખેતી શીખવાડતા. એક દિવસની વાત છે, પ્રભુ ખેતરમાં ફરતા હતા અને તેમણે એક ખેડૂતને બળદને દોરડા વડે મારતા જોયો. આ જોઇને કરૂણાથી ભરેલા શ્રી ઋષભ દેવને મૂંગા બળદો પર દયા આવી અને તે ખેડૂતને પૂછ્યું કે “ભાઈ તું આમ કેમ બળદને મારે છે?” તો પેલા ખેડૂતે જવાબ આપ્યો કે “પ્રભુ આ બળદ જે ખાય છે તેના કરતાં વધુ બગાડે છે.” આથી શ્રી ઋષભ દેવે તે ખેડૂતને બળદના મોઢે “મોસળિયું” બાંધવા કહ્યું. તેમ કરતા ખેડૂતનો પ્રશ્ન હલ થઇ ગયો અને ખેડૂત ખુશ થઇ ગયો. હવે જયારે પ્રભુ પોતે જયારે જમવા બેસે છે ત્યારે તેમને પેલા બળદની યાદ આવી અને તેમણે પોતાના સેવકને દોડાવી તરત જ પેલા ખેડૂતને હાજર કરવા કહ્યું. ખેડૂતના આવતાં જ પ્રભુ તેને પૂછે છે કે કામ પતી ગયા પછી તેણે બળદોને ખાવાનું આપ્યું કે નહિ? ખેડૂત તે બળદોને ચારો નાખવાનું ભૂલી ગયો હતો અને આમ 13 કલાક બળદો ભૂખ્યા રહ્યા. તે વખતે શ્રી ઋષભદેવને લાભાંતરાય કર્મ બંધાયું અને દીક્ષા લીધા પછી તે ઉદયમાં આવ્યું અને 13 મહિનાના ઉપવાસ કરવા પડ્યા. જયારે પભુ દીક્ષા લીધા પછી વિચરતા-વિચરતા હસ્તિનાપુર આવે છે ત્યારે શ્રેયાંસકુમારના હાથે ઇક્ષુ રસથી પારણાં થાય છે. એ મહાન દિવસ હતો વૈશાખ સુદ ત્રીજ(અખા ત્રીજ) જે અક્ષય તૃતીયા તરીકે ઓળખાય છે. આથી દર વર્ષે તપસ્વીઓ વર્ષીતપના પારણાં કરવા અહી આવે છે.

આ નગરી ત્રણ ચક્રવર્તી રાજાઓ સનત, સુભુમ અને મહાપદ્મની રાજધાની હતી. પ્રભુ ઋષભદેવના એકવીસમાં પુત્ર ‘શ્રી હસ્તિકુમાર’ના નામ પરથી આ નગરીનું નામ પડેલું છે. અહી શ્રી શાંતિનાથ પ્રભુનું ભવ્ય અને ગગનચુંબી શિખરવાળું જિનાલય આવેલું છે. તદુપરાંત અષ્ટાપદજી તીર્થનું બેનમુન જિનાલય આવેલું છે તથા જંબૂદ્વીપની રચના પણ અદભૂત છે.

પ્રભાવના :- એક નાનું પણ બાંધેલું કર્મ કેવા મોટા ફળ આપે છે? એ શ્રી ઋષભદેવના આ દ્રષ્ટાંત ઉપરથી સમજાય છે!!!

Leave a Comment