ભાવનગર જિલ્લાના એક ગામમાંથી 11 વર્ષની દીકરીને લઈને એના પરિવારજનો ભાવનગરની સર ટી. હોસ્પિટલ(સરકારી હોસ્પિટલ)માં બતાવવા માટે આવ્યા હતા. દીકરીની તકલીફોને ધ્યાનમાં લઈને જુદા જુદા વિભાગના અનુભવી અને નિષ્ણાત તબીબોએ જુદા જુદા પરીક્ષણો કર્યા.
આ દીકરીને એક નહીં ચાર જાતની ગંભીર બીમારી ધ્યાનમાં આવી.
- પેટનો ટીબી
- થાપાના હાડકાનો ભારે ચેપ
- પગની નસમાં લોહીની ગાંઠો
- પેટના આંતરડા ફાટી જવા.
માત્ર 11 વર્ષની ઉંમરે આ ચાર ગંભીર બીમારીઓ સાથે જીવતી આ દીકરીને બચાવવી હોય તો સૌથી પહેલું કામ સર્જરીનું કરવું પડે તેમ હતું. પણ ઓપરેશન જોખમી હતું. દર્દીનો જીવ બચાવવા જોખમી ઓપરેશન કરવાનું સાહસ કરનાર ડોક્ટર દિલથી પોતાના તમામ પ્રસાય કરે અને છતાં સફળતા ન મળે તો એવા કિસ્સામાં વગર વાંકે ડોકટર પર હુમલા થયાની ઘટનાઓ અવાર-નવાર બનતી રહે છે. આવા સંજોગોમાં નાના ગામડાની ગરીબ પરિવારની છોકરી માટે જોખમ ઉઠાવવા કોણ તૈયાર થાય ?
પરંતુ ભાવનગરની સરકારી હોસ્પિટલના સર્જરી વિભાગના ડો. સ્મિત મહેતા અને એની ટીમે ગરીબ પરિવારની આ દીકરીને પોતાની દીકરી માનીને એનું ઓપરેશન કરવાનું નક્કી કર્યું. કોરોના વૈશ્વિક મહામારીના આ સમયમાં કોઈ ઓપરેશન કરતા પહેલા દર્દીનો કોરોના રિપોર્ટ કરાવવો પડે. આ છોકરીનો કોરોના રિપોર્ટ કરાવ્યો. ભગવાન પણ જાણે કે આકરી પરીક્ષા લેતા હોય એમ આ દીકરીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. દીકરીને તરત જ કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવી.
હવે તો જોખમ ખૂબ વધી ગયું. દીકરીને તો જોખમ હતું જ પણ કોરોના પોઝિટિવ દર્દીનું ઓપરેશન કરવામાં ડોકટરને પણ સામે એટલું જ જોખમ હતું આમ છતાં દીકરીને બચાવવા માટે ડોકટરોએ એ જોખમ પણ ઉઠાવ્યું અને વિશ્વ દીકરી દિવસ (world daughter’s Day)ના દિવસે 27 સપ્ટેમ્બરના રોજ આ દીકરીનું ઓપરેશન થયું. ઓપરેશન કરનાર ડોકટરોએ પીપીઈ કીટ પર ઓપરેશન માટેના કપડાં પહેરીને એર કંડીશનર બંધ રાખી ઓપરેશન કર્યુ. ચાર કલાક સુધી ચાલેલા આ ઓપરેશનમાં ડોકટરો પરસેવે નાહી રહ્યા હતા. થોડી થોડી વારે સહાયક ડોક્ટર કપડાથી પરસેવો લૂછીને મદદ કરતા હતા.
એક ગામડાની, સામાન્ય પરિવારની અજાણી દીકરીને બચાવવા માટે યુદ્ધે ચડનાર આ ડોક્ટરોનો પુરુષાર્થ જોઈને પરમાત્મા પણ મદદે આવ્યા. ઓપરેશન સફળ રહ્યું. આજે એ દીકરીને હોસ્પિટલમાંથી રજા મળશે અને પોતાના પગે ચાલીને એ દીકરી ઘરે જશે. હા, હજુ એક બીજું ઓપરેશન પણ થશે અને ટીબીના રોગની સારવાર થશે પછી એ સંપૂર્ણ સ્વસ્થ થશે.
આ જ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં સેવા આપતા સિનિયર ડોક્ટર ફિરદૌસ દેખૈયાએ આવા ઘણા ક્રિટિકલ કેઇસ સંભાળ્યા છે અને સાચવ્યા છે.
ભાવનગરની સર ટી. હોસ્પિટલના બાળરોગ વિભાગ, એનેસ્થેસિયા વિભાગ, સર્જરી વિભાગ સહિતના અન્ય વિભાગોના ટીમ વર્કથી અને કર્મનિષ્ઠાથી એક અશક્ય લાગતું કામ શક્ય બન્યું.
સૌ કર્મયોગીઓને નતમસ્તક નમન.