એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસીમાં જીટીયુના સેન્ટ્રલ ટેકફેસ્ટ ‘ફાર્માનોવા’નું આયોજન કરાયું હતું, જેમાં સ્ટુડન્ટસ સ્ટાર્ટઅપ માટેની ઇવેન્ટ આઇડિયેથોન પણ યોજાઇ હતી. આઇડિયેથોનમાં સ્ટુડન્ટસ સ્ટાર્ટઅપ ઇનોવેશન અને પ્રોટોટાઇપ રજૂ કર્યા હતા. જેમાં એક સ્ટુડન્ટસ દ્વારા ફ્રુટ અને ફૂડ વેસ્ટમાંથી બાયોડ્રિગ્રેડેબલ પ્રોડક્ટ બનાવી છે. તેવી જ રીતે ૪૫ જેટલા પ્રોજેક્ટ રજૂ કરાયા હતા. જેમાંથી સિલેક્ટ કરાયેલા પાંચ પ્રોજેક્ટને સ્ટુડન્ટસ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અંતર્ગત ફંડિંગ આપવામાં આવશે. ઉપરાંત પ્રોટોટાઇપ તરીકે રહેલા સારા પ્રોજેક્ટને યોગ્ય દિશા મળે તે માટેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. સેન્ટ્રલ ટેકફેસ્ટ ફાર્માનોવામાં સ્ટુડન્ટસ માટે પોસ્ટર, ફોટોનિક્સ અને ક્વિઝ જેવી કોમ્પિટિશન પણ યોજાઇ હતી.
બાયોડિગ્રેડેબલના પ્રોડક્શન માટે ગૃહઉદ્યોગનો સહારો લેવાશે
મારે પ્રદૂષણ ઓછો કરવા માટે પ્રયાસ કરવો હતો, મુખ્ય ધ્યેય પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી પર્યાવરણને મદદરૃપ થાય તેવી પ્રોડક્ટ બનાવવાનો હતો. તેથી મેં બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ બનાવી છે. બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટનો ઉપયોગ પ્લાસ્ટિકની જગ્યાએ કરી શકાશે, જેથી પ્લાસ્ટિકજન્ય કચરો ઘટશે. ઉપરાંત ઉપયોગ કરાયા બાદ પ્રોડક્ટને કમ્પોસ્ટ તરીકે પણ કરી શકાશે. બાયોડિગ્રેડેબલ પ્રોડક્ટ બનાવવા માટે મેં ફ્રુટ, શાકભાજી અને ફૂડ વેસ્ટનો ઉપયોગ કર્યો છે. પ્રોડક્શન માટે ગૃહ ઉદ્યોગનો સહારો લેવો છે. – શૈલજા જ્હાલા, એલ.એમ. ફાર્મસી
માસ્ટેટીસના રોગની હર્બલ મેડિસીન પર રિસર્ચ કર્યું છે
પશુપાલન ઉદ્યોગના ખેડૂતો માટે પ્રાણીઓમાં જોવા મળતો માસ્ટેટીસના રોગ અને તેનું ઇન્ફેક્શન ખૂબ ચિંતાજનક હોય છે, જેમાં પ્રાણીના આંચળ નજીકથી સતત થોડી માત્રામાં લોહીનો સ્ત્રાવ રહે છે. વર્તમાન સમયમાં માર્કેટમાં રોગને સંપૂર્ણ રીતે કન્ટ્રોલ કરી શકે તેવી મેડિસીન ઉપલબ્ધ નથી પરંતુ મેં રોગના ઇન્ફેક્શનને કાબૂ કરે અને સંપૂર્ણ રીતે મટાડી શકે તેવી હર્બલ મેડિસીન પર રિસર્ચ કર્યું છે, જેનું ૫૦ ટકા જેટલું કામ થયું છે. ફંડિગ દ્વારા બાકીનું કામ પૂર્ણ કરીશ અને પેટન્ટ પણ ફાઇલ કરીશ. – આદિત્ય થોલે, નિરમા યુનિવર્સિટી
દવા લોકોને સરળતાથી મળે માટે પેટન્ટ ફાઇલ નથી કરી
સાપના ઝેરને કન્ટ્રોલ કરવા માટેની મેડિસીન હાલમાં ખૂબ ખર્ચાળ છે, તેથી ઘણી વખત સામાન્ય લોકો તે દવાનો ઉપયોગ કરી શકતા નથી પરંતુ અમે હર્બલ રિસોર્સનો ઉપયોગ કરી ખૂબ ઓછી ખર્ચાળ દવાનું પ્રોટોટાઇપ તૈયાર કર્યું છે. જે ઓનલાઇન બધા લોકો માટે ઉપલબ્ધ છે. અમે ક્યારે પણ હર્બલ દવાની પેટન્ટ ફાઇલ કરવા વિશે વિચાર્યું નથી. કારણ કે, પેટન્ટ દ્વારા દવા સામાન્ય લોકોનું દવા સુધી પહોંચવું મુશ્કેલ હોય છે. સામાજિક ઉપયોગ માટે અમે આ દવાનો પ્રોટોટાઇપ બનાવ્યો છે. હવે ભવિષ્યમાં દવા પણ બનાવીશું. – અમ્મર, હર્ષ, દીપ અને સિદ્ધરાજ – ધન્વંતરી ફાર્મસી કોલેજ
સ્વાઇન ફ્લુ માટે હર્બલ દવા પર સંશોધન કરાયું
સ્વાઇન ફ્લુ અને બીજા ઇન્ફેક્શનના કારણે ઘણી મોટી માત્રામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અમારી ટીમ દ્વારા હર્બલ પર રિસર્ચ કરી સ્વાઇન ફ્લુની દવા વિશે સંશોધન કરાયું છે. હર્બલ મેડિસીન દ્વારા નવી ક્રાંતિ સર્જી શકાશે. – દ્રષ્ટિ ભાવસાર અને સાબીયા ખાન, સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ