બ્રેઈન ડેડ દીકરાનું હૃદય, લિવર, બંને કિડની અને બંને આંખો દાનમાં આપીને દીકરાને મૃત્યુ બાદ પણ જીવંત રાખવાનો સંકલ્પ કર્યો.

પોરબંદરના રહેવાસી સાજણભાઇ મોઢવાડિયા ભારતીય સેનામાં ફરજ બજાવીને સેવા નિવૃત થયા છે. એમનો દીકરો જય મોઢવાડિયા પણ પિતાના પગલે ભારતીય સેનામાં જોડવા ઇચ્છતો હતો. દેશસેવાના બુલંદ ઇરાદા સાથે જયે સૈનિક સ્કૂલ બાલચડીમાં એડમિશન લીધું. દેખાવડા અને પાંચ હાથ પૂરા જયે હજુ તો 15 વર્ષ પણ પૂરા નહોતા કર્યાં અને ત્રણ દિવસ પહેલા જ પોરબંદરમાં એક વાહન અકસ્માતનો ભોગ બન્યો.

સારવાર માટે રાજકોટ દાખલ કરવામાં આવ્યો. સારવાર કરી રહેલા ડોકટરોએ જયને બ્રેઈન ડેડ જાહેર કર્યો. કોઈપણ પિતા આવી પરિસ્થિતિમાં ભાંગી પડે પરંતુ સાજણભાઈએ બીજી 6 વ્યક્તિઓને નવું જીવન આપવા એક મહત્વનો નિર્ણય કર્યો. બ્રેઈન ડેડ દીકરાનું હૃદય, લિવર, બંને કિડની અને બંને આંખો દાનમાં આપીને દીકરાને મૃત્યુ બાદ પણ જીવંત રાખવાનો સંકલ્પ કર્યો.

જયના કાર્યરત અંગો શરીરથી દૂર કરવાના ઓપરેશન પહેલાનો સાજણભાઈનો આ ફોટો છે. યુવાન દીકરાને વંદન સાથે કાયમી વિદાય આપતા પિતાનો આ ફોટો જોઈને ભલભલાની આંખો ભીની થઇ જાય.

આજે વહેલી સવારે જયનું ઓપરેશન થઇ ગયું અને શરીરના કાર્યરત 6 અંગો અન્યના શરીરમાં આરોપિત પણ થઈ ગયા. હું આ લખું છું ત્યારે કદાચ જયનું પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલીન થઇ ગયું હશે પણ અન્ય છ વ્યક્તિઓના શરીરમાં જુદા જુદા રૂપે જીવિત રહેશે.

જય, તારું સપનું હતું કે તારે દેશસેવા કરવી છે. હવે તું એક શરીરથી નહિ, પણ છ – છ શરીરથી દેશસેવા કરીશ. દોસ્ત તને લાખો લાખો સલામ અને તારા જન્મદાતાને કરોડો કરોડો સલામ.

Leave a Comment