આજના સમયની ગંભીર સમસ્યા જળ,વરસાદના પાણીનો સંગ્રહ કરવાની રીતો વાંચો શેર કરો

0
200

વર્તમાન સમયની અનિવાર્ય આવશ્યકતા

આજની સમયની ગંભીર સમસ્યા જળ છે. જળ વિના જીવન અસંભવ છે. જેથી આજના સમયમા ચોમાસાના પાણીનો સંગ્રહ એ અતિ જરૂરિયાત છે. વિશ્વમાં વધતી જતી માનવ વસ્તી સાથે પાણીનો ઉપયોગ અને બગાડ વધ્યો છે. પરિણામે શુદ્ધ પીવાલાયક પાણીનો જથ્થો પેટાળમાં પણ ખૂટવા લાગ્યો છે. જેને પરિણામે પૃથ્વી પરના સજીવોની જળતંગી સર્જાવાના પ્રશ્ન ઊભો થયો છે. જેથી ચોમાસાના પાણીના સંગ્રહ માટે સમગ્રદર્શી અભિગમ ઊભો કરવો જોઈએ. વિશ્વભરમાં જન સંખ્યામાં વૃધ્ધિને કારણે જળ, જંગલ અને જમીન પર વિઘાતક અસરો પેદા થઈ છે. વિશ્વમાં જળ સંકટનું કારણ વધતી જતી વસ્તી વૃધ્ધિ છે. ઘર વપરાશ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રોમાં પાણીનો વપરાશ વધ્યો છે. એક સર્વેક્ષણ મુજબ વ્યક્તિ દીઠ ૧૨૦૫ ઘન મી. પાણી પ્રતિ વર્ષ જરૂરી છે. જેમાં ૫૫ ઘન મી. ઘરના ઉપયોગ માટે, ૧૧૫૦ ઘન મી. અનાજના ઉત્પાદનમાં વપરાય છે. વિશ્વમાં લગભગ ૧૨૦ કરોડ લોકો જળસંકટ ભોગવી રહ્યા છે.

વરસાદના પાણીનો સંગ્રહ કરવાની રીતો

કુદરત તરફથી મળતું ભેટ સ્વરૂપનું વરસાદી પાણીનો યોગ્ય જગ્યાએ સંગ્રહ કરી તેની યોગ્ય માવજત કરવામાં આવે તો આ જળ સંકટનો પ્રશ્ન હલ કરી શકાય તેમ છે. વરસાદી પાણીનો સંગ્રહ નીચે મુજબની વિવિધ રીતે કરી શકાય છે.

ભૂગર્ભ ટાંકા યોજના

ખાસ કરીને ગામડાઓમાં વરસાદના પાણી સંગ્રહની અતિ મહત્વની પધ્ધતિ છે. મકાનની અગાસી, મકાનનું છાપરૂ કે પતરાં ઉપર પડતું પાણી, માળિયા પર નાળ કે પાઈપથી એક્ત્ર કરીને એક ટાંકીમાં લાવવામાં આવે છે. આ માટે જમીનમાં ૧૫ ફૂટ ઊંડો અને ૧૨ ફૂટ પહોળો ખાડો કરીને તેને ચુના, સિમેન્ટ, ચીરોડીથી ચણતર કરી પ્લાસ્ટર કરવામાં આવે છે. પહેલા વરસાદનું પાણી થોડું બહાર જવા દીધા પછી જ્યારે બધું પાણી સ્વચ્છ અને ચોખ્ખુ થાય પછી તેને ટાંકામાં ઉતારવામાં આવે છે અને તેનો લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે છે.

ચેકડેમ

વરસાદના પાણીનો સંગ્રહ કરવા માટે ચેકડેમ અતિ મહત્વની પધ્ધતિ છે. ચેકડેમો દ્વારા પાણીનું રોકાણ કરી તેનો યોગ્ય વપરાશ કરવામાં આવે તો જળસંકટથી બચી શકાય તેમ છે. ચેકડેમો દ્વારા પાણીનો સંગ્રહ કરી ઔદ્યોગિક એકમો અથવા ખેતીલાયક વપરાશમાં પાણીનો ઉપયોગ કરવામાં આવે તો જળસંકટમાં ઘટાડો કરી શકાય છે.

વેલ રિચાર્જિગ

વરસાદનું પાણી વૈજ્ઞાનિક ઢબે કુવાઓમાં ઉતારવામાં આવે તો કુવાઓ ફરી જીવંત બને અને ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા રોકી શકાય તેમ છે. સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વાધ્યાય પરિવાર વગેરે સત્સંગીઓના ભગીરથ પ્રયાસોથી વેલ રિચાર્જિંગને ખૂબ જ વેગ મળ્યો છે. કુવાઓ રિચાર્જ થવાથી પાણીનો બગાડ અટકશે અને ભૂગર્ભ જળ ઊંચા આવશે જેને પરિણામે પીવાલાયક પાણીનો જથ્થો વધારી શકાશે અને પાણીના ક્ષારો નિયંત્રિત કરી શકાશે.

ખેત તલાવડી

વરસાદી પાણીના સંગ્રહ માટે સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપી ખેતરે ખેતરે ખેત તલાવડીઓ બનાવડાવી વરસાદી પાણીનો સંગ્રહ કરવો જરૂરી છે. ખેત તલાવડીઓ દ્વારા ખેતી લાયક પાણીનો સારી રીતે સંગ્રહ કરી શકાય છે. અને ખેડૂતને સિંચાઈની વધુ સારી સગવડ પુરી પાડી શકાય તેમ છે.

આમ, વરસાદના પાણીના વિવિધ સ્તરે સંગ્રહ કરી અનેક વિધ સંકટો ટાળી શકાય તેમ છે. મનુષ્યને પાણીની જરૂરિયાત દિવસે દિવસે વધતી જાય છે. તેમાં ઘટાડો થવાની સંભાવના નથી પરંતુ પ્રાપ્ત થતું જળ ઘટતું જવાનું છે. જેથી પાણીનો સંગ્રહ અને સંરક્ષણ અતિ મહત્વના છે. પૃથ્વી પરના જીવનમા દરેક સ્વરૂપમાં જળચક્ર વાહક સંસાધન છે. ભારતમાં કૃષિ અને ઔદ્યોગિક ક્ષેરે ખૂબજ વિકાસ થઈ રહ્યો છે. જેમાં પાણીનો વપરાશ દિન પ્રતિદિન વધતો રહ્યો છે. પરંતુ આપણા જળસ્ત્રોતો મર્યાદિત હોવાને પરિણામે જળસંકટનો પ્રશ્ન ઊભો થાય છે. લાવવા માટે વરસાદી પાણીનો સંગ્રહ આજના યુગની તાતી જરૂરિયાત છે. વરસાદી પાણીના સંગ્રહ દ્વારા ઔદ્યોગિક એકમો, ખેતી લાયક જમીનો, માનવ જીવનનું પીવા લાયક પાણી વગેરેનો ઝડપી ઉકેલ લાવી જળસંકટનો પ્રશ્ન હલ કરી શકાય તેમ છે. 

આપણા મહાન વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામે અગાઉ એક ગર્ભિત ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે “વિશ્વમાં આગામી યુધ્ધો પાણી માટે લડાશે”
આવનારા ૨૦ વર્ષોમાં ૪૦ થી વધુ દેશોમાં પાણીની ગંભીર સમસ્યા ઉભી થશે. આ દેશોમાં આપણો ભારત દેશ પણ સામેલ છે. જેથી આ સમયમાં વરસાદી પાણીનો સંગ્રહ નહીં કરવામાં આવે તો આવનારા સંકટમાંથી બહાર નીકળી શકાશે નહી અને અનેકવિધ આપત્તિઓનું સર્જન થવા પામશે જેથી આજના સમય માટે વરસાદી પાણીનો સંગ્રહ એક તાતી જરૂરિયાત છે.

પૃથ્વી પરના સમુદ્રો તથા મહાસાગરોમાં ૧૩૭૦ મિલિયન ઘનફૂટ જળ છે. જે કુલ જળ જથ્થાના આશરે ૯૭.૨૫% જેટલું છે. હિમક્ષેત્રોમાં આશરે ૨.૧% જેટલો જળ જથ્થો છે. જ્યારે ૧% જેટલો જળ જથ્થો વાતાવરણમાં ભેજ અને સપાટી પરના જળ સ્વરૂપે છે. માનવ અને સજીવ સૃષ્ટિ માટે પીવાલાયક પાણી માત્ર ૨% જેટલું છે. જે જરૂરિયાત કરતાં ખૂબજ ઓછું છે. જેથી ચોમાસાના પાણીનો સંગ્રહ કરી પીવાલાયક પાણી તરીકે ઉપયોગમા લેવા માટેનાં પગલાં ખૂબજ જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here