ડોક્ટર પર થતા હૂમલાઓ નબળી માનસિકતાની નિશાની છે તમારૂ શું કહેવું છે વાંચો અને શેર કરો

સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી હોસ્પિટલ હોય દર્દીની સારવાર કરતા ડોક્ટર પર થતા હૂમલાઓ નબળી માનસિકતાની નિશાની છે. આવા હુમલાઓ દ્વારા દર્દીઓના સગાઓ બીજા કેટલાય દર્દીઓ સાથે અજાણતા જ અન્યાય કરી બેસે છે.

આપણે એવા માણસો છીએ જે એવું ઇચ્છે છે કે બાકીના બધા જ લોકો પોતાની જવાબદારી પૂરી નિષ્ઠા સાથે નિભાવે પણ પોતે પોતાની જવાબદારી નિભાવવામાં ઊણો ઉતારે તો વાંધો નહિ. ડોક્ટરથી કોઈ દર્દી ના બચે તો હૂમલો કરનારા આપણે ડોકટરે કોઈને મૃત્યુના મુખમાંથી બચાવી લીધો હોય ત્યારે હારતોરા કરવા જઈએ છીએ ખરા ?

કેટલાય ડોક્ટરોએ એવા કેટલાય ક્રિટિકલ કેઈસ જોખમ ઉઠાવીને પણ હાથમાં લીધા છે જેમાં યમ સાથે બાથ ભીડીને માણસનો જીવ એ પાછો લાવ્યા હોય. આવા ડોક્ટરોના આ અદ્વિતીય કાર્ય માટે ક્યારેય જાહેર સત્કાર સમારંભ કર્યો છે ખરો ? પોતાના પારિવારિક અને સામાજિક જીવનને ગૌણ કરીને અડધી રાતે પણ દોડીને આવતા ડોકટરને આપણે રૂપિયા સિવાય બીજું શું આપીએ છીએ ? સાહેબ, કેટલીક બાબતો એવી હોય છે કે જેનું મૂલ્ય તમે ક્યારેય રૂપિયામાં ના આંકી શકો.

કોઈ શિક્ષક એવું ક્યારેય ના ઇચ્છે કે એનો વિદ્યાર્થી નાપાસ થાય. એ વર્ષ ભર મહેનત કરીને ભણાવે પણ કેટલાક સંજોગો એવા હોય કે પેલો પાસ ન પણ થાય તો લાકડી લઈને શિક્ષકને મારવા માટે ના જવાય. કોઈ ડોક્ટર પણ ક્યારેય એવું ના ઇચ્છે કે એમના દર્દીનો જીવ જાય. એમનાથી થતા પ્રયાસ એ કરતા જ હોય કેટલીક વખત સંજોગો સાથ ન આપે અને સફળતા ન પણ મળે તો બધો એમનો જ વાંક છે એવું કેમ માની લેવાય ?

હા, કેટલાક ડોક્ટર એવા હશે જે ફરજ પ્રત્યે બેદરકાર હોય કે માનવતાને નેવે મૂકીને રૂપિયા ભેગા કરવા માટે કસાઈ જેવું કામ કરતા હોય પણ આવા ડોક્ટરની સાથે સાથે નિષ્ઠાથી કામ કરનારો એક બહુ મોટો વર્ગ છે જેના લીધે જ આપણે બધા આ પ્રદુષિત યુગમાં પણ હજુ શ્વાસ લઇ રહ્યા છીએ.

આપણે એટલું યાદ રાખીએ કે આવા હુમલાઓ ડોક્ટર પરના હુમલાઓ છે જ નહિ ખુદ પોતાની જાત પર થતા હુમલાઓ છે.

Leave a Comment