દરેક માતા-પિતાની એવી ઈચ્છા હોય છે કે એનું સંતાન સફળતાનાં શિખરો સર કરે પણ બધાની આ ઈચ્છા પૂરી થતી નથી કારણકે માતા-પિતાની અપેક્ષાઓનો બોજો બાળકોની ક્ષમતા અને વિચાર સ્વતંત્રતાને મારી નાંખે છે. બાળકોની રસરુચિની પરવા કર્યા વગર પોતાની ઈચ્છા મુજબ બાળકની કારકિર્દી ઘડવાનો પ્રયાસ કરે છે જેમાં મોટા ભાગે નિષ્ફળતા મળે છે. જો માતા-પિતા સંતાનોની રસ-રુચિ પ્રમાણે એને આગળ વધવામાં સપોર્ટ કરે તો તેનું કેવું સુંદર પરિણામ આવે તેની આજે વાત કરવી છે.
સુરતના દિનેશભાઇ ઠુમરની દીકરી શ્રેયા ઠુમરે 90% કરતા વધુ માર્ક્સ સાથે ધો.12ની પરીક્ષા પાસ કરી. આઈબી બોર્ડની વિદ્યાર્થીની શ્રેયાએ કૂલ 6 વિષયમાં 2 સાયન્સના, બે કોમર્સના અને 2 આર્ટસના વિષયો લીધા હતા. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટોપ કરનાર આ દીકરીએ ડોક્ટર એન્જિનિયર કે સીએ-સીએસ બનવાના બદલે આર્ટસના વિષય સાથે અર્થશાસ્ત્રી બનવાનું નક્કી કર્યું. પિતાએ દીકરીની ઈચ્છા પ્રમાણે એમને આર્ટ્સ રાખવાની મંજૂરી આપી.
શ્રેયા અર્થશાસ્ત્ર સાથે આર્ટસ કરવા માટે બ્રિટન પ્રખ્યાત વોરીક યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો. હજુ તો અભ્યાસને માત્ર 6 મહિના પુરા થયા હતા. વિશ્વની નામાંકિત બેન્ક મોર્ગન સ્ટેનલીની મુલાકાત લઈને બેંકની કામગીરીને સમજવાની ઈચ્છા હોવાથી શ્રેયાએ બેન્ક મુલાકાત માટે બેંકને ઓનલાઈન અરજી કરી. બેંકે શ્રેયાને એકદિવસની મુલાકાત આપી. આ એકદિવસની મુલાકાત પછી બીજા વધારાના 5 દિવસની મુલાકાત-કામગીરી આપવામાં આવી. શ્રેયાના વ્યક્તિત્વથી પ્રભાવિત અધિકારીઓએ શ્રેયાની મુલાકાત બેંકના ટોપ મેનેજમેન્ટ સાથે કરાવી.
શ્રેયાના જુદા જુદા 9 ઇન્ટરવ્યૂ થયા અને હજુ તો કોલેજના પ્રથમ વર્ષમાં જ અભ્યાસ કરતી કોઈપણ જાતની ડિગ્રી પણ ન ધરાવતી આ ગુજરાતી દીકરીને વાર્ષિક 50 લાખના પગારની ઓફર કરી. કદાચ બીજા કોઈ હોય તો આ ઓફર સ્વીકારી લે પણ શ્રેયાએ વિનમ્રતાપૂર્વક ના પાડી અને કહ્યું કે મારે તો હજુ મારો અભ્યાસ પૂર્ણ કરવો છે.
જો કે અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ શ્રેયા આ ઓફર સ્વીકારવાની નથી કારણકે એનું ધ્યેય વિશ્વબેન્કમાં કામ કરવાનું છે. શ્રેયા એવું માને છે કે જો હું ડોકટર, એંજીનીયર કે સીએ બનું તો કેટલાક લોકોને જ સહાયરૂપ બની શકું પણ જો હું વિશ્વબેન્કમાં કામ કરુ તો ભારત સહિત કેટલાય દેશને સહાયરૂપ બની શકું.કોઈ કલ્પના પણ કરી શકે કે ગુજરાતની દીકરી વર્લ્ડબેન્કમાં કામ કરે ! શ્રેયા પોતાના ધ્યેયને હાંસલ કરવા કટિબદ્ધ છે અને એ દિશામાં એક પછી એક નકકર પગલાઓ પણ લઈ રહી છે.
માતા-પિતા સંતાનને એની ઈચ્છા મુજબના ક્ષેત્રમાં આગળ વધવામાં ટેકો આપે અને યોગ્ય વાતાવરણ પૂરું પાડે તો બાળકોની ક્ષમતાઓ પૂર્ણપણે ખીલતી હોય છે. માતા -પિતા એ વાતને સમજજો કે આ જગતમાં વેલ્યુ ડિગ્રીની નહીં એક્સપર્ટાઇઝની છે અને એક્સપર્ટાઇઝ એ જ વિષયમાં આવી શકે જેમાં તમને રસ પડતો હોય.