દીકરીને ગર્ભ હત્યા : દીકરીને ગર્ભ હત્યા કરવી એક મહાપાપ જો તમે મારી સાથે સહમત હોય તો એક લાયક અને શેર કરો
મારે તો ઘણું જીવવું છે મમ્મી પપ્પા પણ આયુષ્ય રેખા મારી તમે ટૂંકાવી હજી તો દીવો પ્રગટ જ થયો હતો જ્યાં ત્યાં તો જીવન જ્યોતિ મારી બુઝાવી પહેલી જ સફર છે હજી તો આ નાવની મોજા ને મળતા પહેલા જ તમે ડુબાવી ગર્ભમાં પાંગરતું હજુ તો બીજ છું હું પૃથ્વી જોતા પહેલા જ પૃથ્વી ભુલાવી મમ્મા મારા પપ્પાનું તો ઠીક તું પણ ? તે તો સ્ત્રી ની જાત આખી લજ્જાવી દીકરીને કોણ કહે છે કાળજા કેરો કટકો ? દીકરાની લાલચે દીકરીને છુરી હુલાવી
પ્રાચીન કાળથી દીકરીઓના જન્મને એક ‘અભિશાપ’ ગણીને ભારતીય સમાજમાં તેને ધિક્કારવામાં આવે છે. પરંતુ જો આપણે ભારતીય સમાજના લોકો એકવાર વિચારીને જોઈએ તો શું સ્ત્રી વગર દુનિયામાં પુત્રનો જન્મ શક્ય છે ? શું સ્ત્રી વગર આ દુનિયામાં મનુષ્ય જીવનનું અસ્તિત્વ શક્ય છે ? જો આપણે જવાબ ‘ના’ હોય, તો શા માટે સમાજમાં સ્ત્રીહત્યા, ભ્રુણહત્યા, સ્ત્રીઓનું ઘરો, ઓફિસો, સ્કૂલો તેમજ અલગ અલગ જાહેર સ્થળો પર થતું શોષણ વગેરેનો દર દિવસેને દિવસે વધી રહ્યો છે ? શા માટે સ્ત્રીઓ પર થતા એસિડ અટેક તેમજ બળાત્કારનો દર વધી રહ્યો છે ?
પરિવારમા એક દીકરીનો જન્મ થવો એ સમાજ માટે ‘શાપ ‘ નહીં પરંતુ ‘આશીર્વાદ’ સમાન છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે દીકરીના જન્મ થકી જ પૃથ્વી પર મનુષ્ય જીવન શકય બને છે. લોકો પોત પોતાની શ્રધ્ધા અનુસાર તહેવારો પાર અલગ અલગ ‘દેવી માતા’ ના આશીર્વાદ લેવા મંદિરે જતા હોય છે, પરંતુ ઘરની અંદર રહેલી ‘દેવી’ – સ્ત્રીનું અપમાન કરવામાં કે તેની પ્રત્યે ક્રૂર વર્તન કરતી વખતે એક વાર પણ વિચાર કરતા નથી. ખરેખર, સ્ત્રીઓ આ સમાજનો પાયો છે. એક સ્ત્રી જ ભવિષ્યમાં એક દીકરી, એક બહેન, એક માતા, એક પત્ની, અને બીજા અનેક પાત્રો ખુબ જ સુંદરતાથી ભજવી શકે છે.
એક વાત ચોક્સપણે કહી શકાય કે દીકરી વગર સમાજનું કોઈ જ ભવિષ્ય નથી. ઇન્ડિયન યુનિયન મિનિસ્ટર શ્રીમતી મેનકા ગાંધીએ એક વખત કહ્યું હતું ‘એવો સમાજ કે જેમાં સ્ત્રીઓની સંખ્યા મર્યાદિત છે, તે સમાજનું અસ્તિત્વ પણ મર્યાદિત છે તેમજ એવા સમાજના લોકો વધુ આક્રમક હોય છે કેમ કે સ્ત્રીઓ ઓછી હોવાને કારણે સમાજમાં પ્રેમનું પ્રમાણ પણ ઓછું હોય છે.’ સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી ‘બેટી બચાવો – બેટી પઢાવો ‘ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ સ્ત્રીભ્રુણ હત્યા અટકાવી, દીકરીને જન્મ આપી શિક્ષિત કરવી તથા સ્ત્રી હિંસા જડમૂળથી નાબૂદ કરવાનો છે.
એવું કહેવાય છે, ‘એક શિક્ષિત દીકરી બે પરિવારને તારે છે’ એટલે કે એક શિક્ષિત દીકરી તેના પિયર અને સાસરી એમ બંને પરિવારને શિક્ષિત કરે છે, પરંતુ દુઃખની વાત એ છે કે સમાજના લોકો દીકરાને સમૃદ્ધિ વધારાનાર અને દીકરીને સમૃદ્ધિ ઘટાડનાર માને છે. સ્ત્રી ગર્ભ ધારણ કરે ત્યારથી જ પરિવારના લોકો તેની પાસેથી દીકરાની જન્મની અપેક્ષા રાખવા લાગે છે અને ગર્ભ પરિક્ષણ પણ કરાવે છે. જાતિ પરિક્ષણમાં જાણવા મળે કે બાળક દીકરી છે, તો તે સ્ત્રી બાળને ગર્ભમાં જ મારી નંખાય છે અથવા તો દીકરીને જન્મ આપવા બદલ તેની માતાને રોષની નજરથી જોવાય છે.
જો દીકરી પૃથ્વી પર જન્મ લઈ પણ લે, તો પણ એક ‘પનિશમેન્ટ’ ના રૂપમાં ઘરના વડીલો, માતા-પિતા તથા સગાસંબંધી તરફથી માત્ર ઉપેક્ષાનો જ સામનો કરવો પડે છે. આ ઉપરાંત કુપોષણ, નિરક્ષરતા, જાતીય શોષણ, હલકી જીવનશૈલી, દહેજપ્રથા વગેરે સહન કરવું પડે છે.
એક નાનકડી પણ જવાબદારીઓનાં બોજથી મોટી બની ગયેલી બહેન પોતાના નાના ભાઈને સારું જીવન આપવા માટે પો.તાના બાળપણનું બલિદાન આપે છે. અને ઘરના કામોમાં લાગી જાય છે. એક દીકરી જેના જોયેલાં સપનાને આપણે મજાક ગણીને ઇગ્નોર કરીએ છીએ. ફક્ત એટલાં જ માટે કેમ કે એ એક દીકરી છે !!! જેને સપના જોતાં પહેલાં પણ સતત એ યાદ રાખવું પડે છે કે પોતે એક દીકરી છે. લાડકોડથી મોટી થયેલી ‘પાપાની પ્રિન્સેસ’ પોતાની જ દુનિયામાં રહેતી દીકરી લગ્ન પછી તરત જ બીજાની દુનિયાને પોતાની બનાવવામાં ખુદની ઓળખને જ ગુમાવી દે છે.
સ્ત્રીઓએ પણ હવે અબળા બનીને બેસી રહેવાને બદલે ખૂબ જ હિંમત સાથે સમાજમાં થતા અત્યાચારો સામે અવાજ ઉઠાવવાની જરુર છે. ભારતમાં થોડા પૈસા કમાવાના લોભથી ગર્ભસ્થ બાળકનું જાતિ પરિક્ષણ કરતા અને જો તે બાળક દીકરી હોય તો તેના માતા – પિતાના કહેવાથી બાળકની હત્યા કરતા તબીબો, મા બાપ વિરૂદ્ધ કડક કાયદા બનવા જોઈએ તેમજ આ કાયદાઓનું ચુસ્તપણે અમલ થવું જોઈએ. ત્યારે જ આપણે ભારતમાં દીકરીઓ સુરક્ષિત છે અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ છે તેવી આશા રાખી શકીશું.
જો સ્ત્રીઓને સ્વત્રંતતા, સમાન અધિકારો અને આદર આપવામાં આવે તો આજના જમાનામા કોઈપણ કાર્ય અથવા ક્ષેત્ર એવું નથી કે જ્યાં સ્ત્રી પરુષ સમોવડી ન બની શકે. મધર ટેરેસા, ઇન્દિરા ગાંધી, કિરણ બેદી, લતા મંગેશકર, સાનિયા મિર્ઝા આ બધાએ પોતાના કાર્યક્ષેત્રમાં અતિશય મહેનત કરીને એક મુકામ હાંસીલ કર્યો છે. જે કોઈપણ માટે ‘રોલ-મોડેલ’ ગણી શકાય. આ લિસ્ટ તો ઘણું બધું લાંબુ છે. પરંતુ આ લિસ્ટની બહાર જઈને જોઈએ તો પણ તમને પ્રેરણા મળશે જ.
સ્ત્રી વગર એક પુરુષ, એક ઘર અને આ આખું વિશ્વ પણ અધૂરું જ છે. માટે આ મારી બધાને નમ્ર વિનંતી છે કે બધા મળીને ‘દીકરી બચાવો’ ઝુંબેશમાં જોડાઈએ અને તેનું કડકપણે પાલન કરીએ. ત્યારેજ ભારતની નારીઓ કહી શકશે કે ‘મને ભારતીય હોવાનો ગર્વ છે.’
ડૉ.ક્રિના ગાંગડિયા(MPT કાર્ડિયો)
- નિબંધ લખો: ટીવી ચેનલો ચારિત્ર્યનું ઘડતર કરી શકે?
- એવા 20 કાયદા જણાવો જેની દરેક વ્યક્તિને જાણ હોવી જોઈએ
- ગીતાસાર | ગીતાજીના અઢાર અઘ્યાય નો સાર ટુંકમાં | ગીતાજી આઘ્યાય | gitasar | geeta ka saar | geetasar
- ભજન લખેલા ફોટા | પ્રાચીન ભજન | ગુજરાતી ભજન | લખેલા ભજન | ભજન |
- good habits for kids | good manner | sari adate | સારી આદતો | સારા બાળક |