પ્રેમ લગ્ન કરતા પહેલા જાણીલો આ જરૂરી કાયદાઓ નહિતર પાછળથી પછતાવું જોશે

0
680

ભારત  સરકારે ૧૯૫૪માં  સ્પેશિયલ મેરેજ એક્ટ બનાવ્યો. આ કાયદામાં  લગ્નને civil marriage અથવા registered mariage તરીકે ઓળખવામાં આવે છે અને એનો હેતુ ધર્મનિરપેક્ષ લગ્ન થાય તે હતો. આ કાયદા હેઠળ લગ્નની વિધિ કોઇ પક્ષના ધર્મ પર આધારિત હોતી નથી. આપણા દેશમાં  વિવિધ ધર્મ  પાળતા લોકો વસે છે અને એ દરેક ધર્મમાં લગ્ન માટેના કાયદાની જોગવાઇ પણ કરવામાં આવી છે. હિન્દુ મેરેજ એક્ટ લગ્નની તમામ જોગવાઇને આવરી લે છે.

આપણે સૌ માનીએ છીએ કે લગ્ન એક પવિત્ર બંધન છે અને હિન્દુ ધર્મમાં તો લગ્નને એક સંસાર માનવામાં આવે છે. આપણા ત્યાં હિન્દુઓ માટે હિન્દુ લગ્ન ધારો ૧૯૫૫થી અમલી બન્યો છે. જેને લીધે કોઇ પણ હિન્દુ એકથી વધારે પત્ની કરી શકશે નહીં અને કોઇ પણ સ્ત્રી એકથી વધારે પતિ કરી શકશે નહીં. આ ધારા મુજબ, હિન્દુ વિધવા સ્ત્રીને પુર્નલગ્ન કરવાની છુટ છે. આ ધારા હેઠળ હિન્દુ અને જે હિન્દુ ન હોય તેઓ વચ્ચે લગ્ન સંભવિત નથી. જો આવા લગ્ન કરવાના હોય તો આવા લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ, ૧૯૫૪ની જોગવાઇઓ પ્રમાણે કરી શકાય. હિન્દુ લગ્ન ધારો જૈનો, બૌદ્ધો અને શીખોને લાગુ પડે છે. આ લગ્ન ધારામાં લગ્ન સમયે કન્યાની ઉંમર અઢાર વર્ષની અને વરની ઉંમર ૨૧ વર્ષની થઇ હોવી જોઇએ. આમ છતાં જો આ શરતનું પાલન થયું ન હોય તો તેવાં લગ્ન કાયદાથી અમાન્ય ઠરતાં નથી, પરંતુ તે માટે ફોજદારી કાયદા હેઠળ શિક્ષા થઇ શકે છે. જે વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોય તે લગ્ન ન કરી શકે. કોઇ વ્યક્તિ શારીરિક રીતે અસ્વસ્થતાથી પીડાતી હોય કે તે સંતાનોત્પત્તિ ન કરી શકે તેમ હોય, તે લગ્ન ન કરી શકે, ગાંડી વ્યક્તિ પણ લગ્ન ન કરી શકે. આવી વ્યક્તિનાં લગ્ન જો થયાં હોય તો કોર્ટ મારફત આવા લગ્ન રદ ઠરાવી શકાય. કપટ કરીને લગ્ન કર્યા હોય તો પણ લગ્ન રદ કરાવી શકાય છે.

ઘણી વાર પ્રશ્ન થતો હોય છે કે લગ્નના પક્ષકારો જુદી જુદી જ્ઞાતિના છે, તો કઇ વિધિ પ્રમાણે લગ્ન કરી શકાય. આનો જવાબ એ છે કે લગ્નના પક્ષકારોમાંના એક જ્ઞાતિના રિવાજ પ્રમાણે લગ્ન કરી શકાય. જો શાસ્ત્રોકત વિધિ પ્રમાણે લગ્ન કર્યા હોય તો સપ્તપદીની વિધિ કરવી આવશ્યક છે અને આ લગ્ન બંને પક્ષને બંધનકર્તા બને છે. આપણા દેશમાં મુસ્લિમો માટે, ક્રિશ્વિયનો માટે, પારસી માટે લગ્ન અંગેના જુદા કાયદા છે. મુસ્લિમ કાયદા પ્રમાણે લગ્ન એ દિવાની પ્રકારનો કરાર છે અને આમાં ખાસ વિધિ એ છે કે મૌખિક દરખાસ્ત અને સ્વીકાર, જે એક જ બેઠકમાં પૂરાં થવાં જોઇએ. લગ્ન વખતે બે સાક્ષીઓની જરૂર રહે છે અને જો ન હોય તો તેને અનિયમિત લગ્ન ગણવામાં આવે છે. મુસ્લિમ લગ્નમાં કુરાનની અમુક આયાતોનું ઉચ્ચારણ કરવા સિવાય વિશેષ કોઇ ધાર્મિક વિધિ હોતી નથી. મુસ્લિમ લગ્ન બાબતમાં કાનૂની સ્થિતિ એ છે કે જો પોતાની બધી જ સ્ત્રીઓ સાથે સમાન રીતે, ન્યાયી રીતે રહી શકતો હોય તો કોઇ પણ મુસ્લિમ પુરુષને વધુમાં વધુ ચાર પત્નીઓ કરવાની છુટ છે.

ક્રિશ્વિયનોના લગ્ન ઇન્ડિયન ક્રિશ્વિયન મેરેજ એક્ટ નીચે થાય છે અને તેમની લગ્નની વિધિ ચર્ચમાં થાય છે. લગ્ન પાદરી કરાવે છે અને લગ્ન વેળા બે સાક્ષીની હાજરી આવશ્યક છે. રોમન કેથોલિક સિવાયના ભારતીય ક્રિશ્વિયનના લગ્નમાં પુરુષની ઉંમર ૨૧થી ઓછી નહીં અને સ્ત્રીની ઉંમર ૧૮થી ઓછી ના હોવી જોઇએ. ક્રિશ્વિયન ધારા નીચે ઘણીબધી જોગવાઇ છે, જે ક્રિશ્વિયનોના લગ્નને લાગુ પડે છે. આવી જ રીતે પારસીઓને પારસી મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ, ૧૯૩૬ લાગુ પડે છે. ૧૯૫૪માં ભારત સરકારે સ્પેશિયલ મેરેજ એક્ટ ઘડ્યો. આ કાયદા હેઠળ લગ્નને સિવિલ મેરેજ અથવા રજિસ્ટર્ડ મેરેજ તરીકે ઓળખવામાં આવે છે અને એનો હેતુ ધર્મનિરપેક્ષ લગ્ન થાય તે હતો. આ કાયદા હેઠળ લગ્નની વિધિ કોઇ પક્ષના ધર્મ પર આધારિત હોતી નથી. આ કાયદા હેઠળ ધર્મનિરપેક્ષ, કાયદાકીય, આખા ભારત દેશમાં એક્સરખું અને જાતિ, ધર્મ અથવા જ્ઞાતિના ભેદભાવ વિના થઇ શકે છે. આ કાયદા હેઠળ થયેલા લગ્ન પક્ષકારને અગર લગ્નને લગતી કોઇ દાદ જોઇતી હોય તો તે માટે ધાર્મિક કાયદાની કોઇ જરૂર રહેતી નથી. સ્પેશિયલ મેરેજ, મેરેજ રજિસ્ટ્રાર કરાવી આપે છે અને આ કાયદા નીચે એક ચોક્કસ પ્રોસીજર કરવાની હોય છે. જે પક્ષકારોએ કરવી પડે છે. લગ્ન અંગે ઘણાબધા કાયદાઓ છે અને લગ્ન વ્યર્થ છે અથવા ગેરકાયદેસર છે કે વ્યર્થ જવા લાયક લગ્ન છે તે અંગે જાણવા જેવું છે. લગ્નની વાત જ્યારે કરીએ છીએ ત્યારે તેને વિષયક થોડાક અગત્યના મુદ્દા જેવા કે છુટાછેડા, લગ્ન હકકનું પુન:સ્થાપન, ભરણપોષણ અને બાળકોના કબજાને લગતો કાયદો જાણવો પણ જરૂરી છે. જે વિશે હવે પછી જોઇશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here