જરૂરિયાતમંદ લોકોનુ પેટ ઠારવા માટે આંગડી ચીંધવાનુ પુણ્ય કામ જરુર કરજો

0
263

લોકડાઉનના લીધે જેમને બે ટંકના જમવાના પણ સાંસા પડી રહ્યા છે એવા મુશ્કેલીમાં મુકાયેલા લોકો માટે વિજયભાઈ ડોબરિયા અને તેની સમગ્ર ટીમ સેવાનું એક અદભૂત કામ કરી રહ્યા છે.

લોકડાઉનનો નિર્ણય લેવાયો ત્યારે વિજયભાઈને વિચાર આવ્યો કે રાજકોટ શહેરમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા વડીલોના ભોજનની વ્યવસ્થા હવે કેમ થશે ? જે બીજાને ત્યાંથી આવતા ટિફિન પર જ આધારિત હતા એવા વડીલોને લોકડાઉનને કારણે ટિફિન નહીં મળે તો એમના જમવાનું શુ ? વિજયભાઈએ તુરંત જ નિર્ણય કર્યો કે આવા બધા વડીલોને આપણે ભોજન પૂરું પાડવું છે અને એના ઘર સુધી ટિફિન પહોંચાડવા છે.

પ્રથમ દિવસે 52 ટિફિન પહોંચાડ્યા. પછી તો દિવસે દિવસે આ સંખ્યા વધતી ગઈ. અત્યારે વિજયભાઈ અને એની ટીમ સમગ્ર રાજકોટમાં રોજના 5200 ટિફિન પહોંચાડવાની સેવા કરે છે જેનો એકલવાયું જીવન જીવતા વડીલો, સિવિલ હોસ્પિટલના દર્દીઓ અને એમના સગા તથા રોજે રોજની મજૂરી કરીને પેટિયું રળતા મજૂરો લાભ લે છે.

ખરેખર વડીલોની દેખભાળ રાખનારું કોઈ નથી અને એકલવાયું જીવન જીવે છે એની સંપૂર્ણ ખાતરી કર્યા પછી જ એમને ત્યાં સવાર સાંજ ટિફિન પહોંચાડવાની સેવા શરૂ કરવામાં આવે છે અને નિયમિત રીતે સમયસર ટિફિન પહોંચાડવા આવે છે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે એ દર્દીઓ અને એમની સાથે આવતા એમના સગાઓ લોકડાઉનને કારણે જમવા ક્યાં જાય ? એટલે સિવિલમાં પણ ટિફિન સેવા શરૂ કરી અને રોજના 1000 ટિફિન સિવિલ હોસ્પિટલમાં પહોંચાડવાના શરૂ કર્યા.

મજૂરી કામ કરીને પેટિયું રડતા મજૂરો કે જે છૂટક મજૂરી પર જ નિર્ભર હતા એવા મજૂરોને પણ ટિફિન પહોંચાડવાનું શરૂ કર્યું.

જમવામાં પણ રોટલી, શાક, ખીચડી/ભાત તથા છાસ પુરે પૂરું ભોજન મળે અને રોજે રોજ શાક પણ બદલાતું રહે એનું ખાસ ધ્યાન રાખે છે.

કોરોનાના આ કપરા કાળમાં દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ લોકોનું પેટ ઠારવાની આ પુણ્ય પ્રવૃત્તિ દિવસે દિવસે વિસ્તરી રહી છે અને જેને ખરેખર જરૂર છે એવા લોકો સુધી પહોંચી રહી છે. આપ મિત્રો પણ કોઈ પ્રકારે આ પ્રવૃત્તિને ટેકો આપવા માંગતા હોય તો 9825077306 નંબર પર સંપર્ક કરી શકો છો.

મન મેં હૈ વિશ્વાસ, પુરા હૈ વિશ્વાસ, હમ હોંગે કામિયાબ એક દિન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here